Page #1
--------------------------------------------------------------------------
________________
૩. શ્રીમદ્ લઘુરાજવામી
ભૂમિકા: ઈ. સ. ૧૮૫૦ ની આજુબાજુના સમયને ભારતના ઇતિહાસનો સંક્રાંતિકાળ ગણી શકાય; કારણ કે મરાઠા અને મોગલસરાઓનો અંત તથા અંગ્રેજી સત્તાની વ્યાપકતા અને સ્થિરીકરણનો તે કાળ હતો. રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રોમાં અવનવી ઘટનાઓ આકાર લઈ રહી હતી. આ સમય–સંજોગો દરમ્યાન શ્રીમદ્ લઘુરાજસ્વામીનો જન્મ થયો હતો.
જન્મ અને બાળપણ: ગરવી ગુર્જર ભૂમિના તે સમયના પાટનગર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વટામણ ગામે વિ. સં. ૧૯૧૦, આસો વદ એકમના રોજ આ મહાભાગ્યશાળી પુનિત આત્માનો જન્મ થયો. તેમના પિતાનું નામ શ્રી કૃષ્ણદાસ ગોપાળજી તથા માતાનું નામ કુશલાબાઈ હતું. વૈષ્ણવ સંપ્રદાયનું આ ભાવસારકટુંબ ગામમાં અગ્રગણ્ય ગણાતું. આ સંતતિવિહીન કુટુંબને બાળક શ્રી લલ્લુભાઈના જન્મથી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ અને નિર્વશતાનું દુ:ખ ટળ્યું. પરંતુ કૉલેરાની જીવલેણ બીમારીના કારણે ચાર-ચાર લગ્ન કર્યા છતાં સંતાનવિહીન રહેલા કૃષ્ણદાસજી બાળકનું મોં જોવા જીવિત રહી શકયા નહીં.
૨૫
Page #2
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
ચાર-પાંચ વર્ષના બાળકને નિશાળે મૂકવાનો સમય થયો. આ સમયે આપણી ગામઠી શાળાઓ ધૂળિયા શાળાઓ હતી. આવી એક ગ્રામ્ય શાળામાં લલ્લુજીને દાખલ કર્યા પરંતુ અભ્યાસમાં તેમને રુચિ ઉત્પન્ન થઈ નહિ. ગણિતના આંક કે ભાષાનાં કાવ્યો તેમને મુખપાઠ થતાં નહિ એટલે ખપ પૂરતું લખતા-વાંચતા શીખ્યા. એટલામાં તો વારંવાર દુકાનમાં બેસવાનું ચાલુ થયું અને શાળાનો અભ્યાસ બંધ થઈ ગયો.
૨૬
બાળકમાં પૂર્વના ઉત્તમ સંરકારોનો આભાસ નાનપણથી જ થવા લાગ્યો હતો. સૌ સાથે વિનય અને પ્રેમથી વર્તવું, મહેમાનો પ્રત્યે આદરભાવ રાખી તેમની સેવા કરવી અને ગામની વિવિધ કોમોના મનુષ્યો વચ્ચે વિવેકપૂર્વકના વ્યવહાર દ્વારા સંપ જળવાઈ રહે તેવી પ્રવૃત્તિઓ કરવી : આ બધાં કાર્યો તેમની સુસંસ્કારિતાને પ્રગટ કરે છે.
યુવાવય ને ગૃહસ્થાવસ્થા : વર્ષો વીતતાં વાર લાગતી નથી. આજનું બાળક વખત જતાં યુવાન બને છે. તે જમાનાના રિવાજ મુજબ યુવાવયે તેમનાં લગ્ન થયાં. પહેલી પત્નીનું સગર્ભાવસ્થામાં જ અવસાન થયું તેથી તેમનાં બીજાં લગ્ન નાથીબાઈ નામની ભાવસાર યુવતી સાથે થયાં. ગૃહસ્થાવસ્થાના નિભાવ માટે આજીવિકાનું મુખ્ય સાધન ધીરધારનો ધંધો હતો. પ્રામાણિક ને સરળ સ્વભાવના લલ્લુભાઈની વૃત્તિ ઉદાર હોવાથી ઘણા લોકો તેમની પાસેથી પૈસા લઈ જતા તે વ્યાજસહિત પરત પણ કરતા; પરંતુ ઉઘરાણી સમયસર ન આવે તો પણ પૈસા વસૂલ કરવા કોઈ પણ જાતનાં આકરાં પગલાં ભરવાની વૃત્તિ તેમના કરુણામય અંત:કરણમાં ઊપજતી નહિ, જે તેમના માનવતાવાદી અભિગમની આપણને ઝાંખી કરાવે છે. તેમનો ગૃહસ્થાશ્રમ સુખમય વ્યતીત થઈ રહ્યો હતો, ત્યારે તેમના જીવનમાં એક આકરા કર્મનો પ્રબળ ઉદય થયો.
માંદગી ને વૈરાગ્યોત્પત્તિ : વિ. સં. ૧૯૩૭માં તેમને પીતપાંડુ નામનો રોગ (Anemia) લાગુ થયો, જેના પરિણામે બાર માસમાં શરીર ઠીકઠીક પ્રમાણમાં ક્ષીણ થયું. અનેક ઉપચારો કરવા છતાં એકેય ઉપાય કારગત નીવડ્યો નહિ. - હવે શરીર વધુ ટકશે નહિ એમ લાગવાથી પોતાની ખબર કાઢવા આવનાર દરેકને તેઓ પતાસા આપતા અને પોતાના દોષોની ક્ષમાયાચના પણ માગતા. આ ગંભીર માંદગી લલ્લુભાઈના સંસ્કારી આત્મામાં સાચો વૈરાગ્ય ઉત્પન્ન થવામાં નિમિત્ત બની. વૈરાગ્યની ધારા એટલી હદ સુધી પહોંચી કે જો આ રોગનું ઉપશમન થશે, તો સંસાર–ત્યાગ કરી સાધુ થવું તેવી તેમણે દઢ પ્રતિજ્ઞા કરી. અશાતા કર્મનો ઉદય જાણે કે આ પ્રતિજ્ઞાને વશ થતો હોય તેમ હલબલી ઊઠયો અને અચાનક એક સાધારણ દવાના ઉપચારથી તેમના રોગનું ઉપશમન થઈ ગયું. સ્વાસ્થ્ય પ્રાપ્તિ થતાં, પ્રતિજ્ઞાનુસાર તેમણે અને પાડોશી શ્રી દેવકરણજીએ મુનિશ્રી હરખચંદજીના દર્શને જવાનું નક્કી કર્યું. મુનિશ્રી તે વખતે સુરત બિરાજતા હતા. તેથી સાયલા ને વઢવાણ કૅમ્પ થઈ બન્ને ગુરુજી પાસે પહોંચ્યા ને દીક્ષા લેવાની ભાવના પ્રદર્શિત કરી. મુનિશ્રીએ તેમને બન્નેને પોતપોતાના માતા-પિતાની આજ્ઞા પ્રાપ્ત કરવા જણાવ્યું. તેટલામાં તો
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ લઘુરાજસ્વામી
૨૭
લલ્લુજીના માતુશ્રીને આ સમાચાર મળતાં તેઓ પણ મુનિશ્રી પાસે પહોંચી ગયાં અને મુનિશ્રીને વિનંતી કરી કે લલુભાઈ હાલમાં બે વર્ષ વૈરાગ્યભાવે ઘરે રહે, ત્યારબાદ તેમને દીક્ષા લેતા પોતે રોકશે નહિ. આમ નક્કી થતાં સૌ વટામણ પાછા ફર્યા. વિ. સં. ૧૯૪૦માં ધર્મપત્ની નાથીબાઈએ એક પુત્રરતનને જન્મ આપ્યો, જેનું નામ મોહન રાખવામાં આવ્યું. બાળક જયારે સવા માસનું થયું ત્યારે લલલુજી તથા દેવકરણજી ગોધરા મુકામે ગુરુને વંદન કરવા ગયા અને દીક્ષાની પુન: માગણી કરી. ગુરુએ વૈરાગ્યનો બોધ આપ્યો અને હાલમાં ધીરજ રાખવા જણાવ્યું. લલુજીએ મુનિશ્રીને વટામણ પધારવાનું આમંત્રણ આપ્યું, જે તેમણે સ્વીકાર્યું અને તેઓ વટામણ મુકામે પધાર્યા. વૈરાગ્યના બોધથી રંજિત થયેલાં માતાજીએ લલુજીને દીક્ષાની સંમતિ આપી અને આમ, વિ. સં. ૧૯૪૦ના જેઠ વદ ત્રીજને મંગળવારે, શુભ મુહૂર્તમાં ખંભાત મુકામે તેમની તથા શ્રી દેવકરણજીની દીક્ષાઓ થઈ.
તપશ્ચર્યા અને સાધુચર્યાનું પાલન: લલુજી મુનિની દીક્ષા પછી ખંભાત સંપ્રદાયના આ સંઘમાં લગભગ ચૌદ સાધુ દીક્ષિત થયા ને સંધ નવરચના પામ્યો, જેથી ગુરુજીની દૃઢ માન્યતા થઈ કે લલ્લુજી મુનિનાં પગલાં ઘણાં મંગળકારી છે. લાલુજી તથા દેવકરણજી મુનિ શાસ્ત્રાભ્યાસ, સ્તવન–ભક્તિ પદો વગેરે મુખપાઠ કરવામાં અને ધ્યાનાદિમાં પ્રવૃત્ત રહેવા લાગ્યા. લલ્લુજી મુનિ ખાસ કરીને ઉપવાસાદિ તપશ્ચર્યાનું વિશેષ આરાધન કરતા રહ્યા. સળંગ પાંચ વર્ષ સુધી તેમણે એકાંતરા ઉપવાસ કર્યા. એક સમયે તો તેમણે ૧૭ દિવસના સળંગ ઉપવાસ પણ કર્યા. મુનિશ્રી લલુજી તેમની સરળતા, ગુરુભક્તિ અને પુણ્યપ્રભાવથી સકળ સંઘમાં તથા સમાજમાં લોકપ્રિય થઈ પડયા.
શ્રીમદ્ રાજચંદ્રજીનો સમાગમ: વિ. સં. ૧૯૪૬માં લલ્લુજી મુનિને ખંભાતના મુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ દ્વારા સમાચાર પ્રાપ્ત થયા કે થોડા વખતમાં શ્રીમદ્ રાજચંદ્ર નામના એક અસાધારણ આત્મજ્ઞાની મહાપુરુષ ખંભાત પધારવાના છે. દિવાળીના દિવસોમાં જ્યારે શ્રીમદ્ ખંભાત પધાર્યા ત્યારે અંબાલાલભાઈ તેમને શ્રી હરખચંદજી મહારાજ પાસે લઈ ગયા. ત્યાં ગુરુની આજ્ઞા લઈ ઉપાશ્રયના મેડા ઉપર પ્રથમ દર્શન દરમ્યાન જ શ્રી લલ્લુજીએ શ્રીમન્ને ત્રણ સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને આત્માની ઓળખાણ તથા બ્રહ્મચર્યની દેઢના માટે માગણી કરી. શ્રીમજીએ પણ તેમને પૂર્વના સંસ્કારી આત્મા જાણી, પોતે ખંભાતમાં રહ્યા ત્યાં સુધી દરરોજ બોધ આપ્યો. બ્રહ્મચર્યની સિદ્ધિ માટે ઉણોદરી, રસાસ્વાદત્યાગ ઈત્યાદિ તપની સાથે સાથે, સર્વ દય પદાર્થોની અનિત્યતાનો વિચાર કરી, તે સર્વને જોનાર જાણનાર હું આત્મા છું એવી ભાવનાનો અભ્યાસ કરવા કહ્યું.
મુંબઈમાં વિશેષ સમાગમ : વિ. સં. ૧૯૪૭ અને ૧૯૪૮ ના ચાતુર્માસ વિટામણ અને સાણંદ મુકામે પૂરા કરી, થોડો સમય સુરતમાં રોકાયા અને ૧૯૪૯ નું
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
ચોમાસુ મુંબઈમાં કરવાનું નક્કી થયું. શ્રી લલ્લુજી શ્રીમદ્દ્ની પેઢી પર સત્સંગ અને બોધ માટે વારંવાર જતા, શ્રીમદ્દે પણ શ્રી લલ્લુજીને ‘સુયગડાંગ’ની અમુક ગાથાઓ ક્રમથી સમજાવી અને છેવટે બોલાવીને ગ્રંથના પહેલા પાના પર લખી આપ્યું : “ૐ આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે."
.
શ્રી લલ્લુજીએ પણ આત્મભાવનામાં લીન રહેવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રીમદે કહ્યું કે બોધની જરૂર છે અને પછી પોતે મૌન રહ્યા. આના પરથી શ્રી લલ્લુજીને મૌનની અગત્ય સમજાઈ. આ પ્રસંગનો તેમના જીવન પર એટલો બધો પ્રભાવ પડ્યો કે ત્યાર પછીના લગભગ ત્રણ વર્ષના ગાળામાં પોતે મૌન રહ્યા. માત્ર મુનિઓ સાથે બોધની અને વાર્તાની છૂટ રાખી હતી. આ સમય દરમ્યાન તેમણે સમાધિ-શતકનું અધ્યયન કર્યું. એનાથી પોતાને વિશેષ શાંતિનો અનુભવ થયો હતો તેવું તેમણે અનેક વાર જણાવેલું. વિ. સં. ૧૯૫૦ અને ૧૯૫૧ એમ બે ચાતુર્માસ સુરતમાં થયા. આ સમય દરમ્યાન વેદાંતના ગ્રંથોનો અભ્યાસ થયો. પછી સુરતમાં દસ-બાર માસ તાવની માંદગી રહી અને દેહ છૂટી જશે તેવી ચિંતા થવા લાગી. પરંતુ શ્રીમદે જણાવ્યું કે દેહ છૂટવાનો ભ્રમ રાખવો કર્નાવ્યુ નથી. અહીં શ્રીમદે તેમના પર છ પદનો પત્ર લખી મોકલ્યો, જેની તેમના પર અદ્ભુત અસર પડી અને તે જીવનભર રહી.
ચરોતરમાં ચાતુર્માસ : વિ. સં. ૧૯૫૨ નો ચાતુર્માસ ખંભાત મુકામે થયો. વિ. સં. ૧૯૪૯ માં મુંબઈ પધાર્યા તે પહેલાં ગુરુદેવ શ્રી હરખચંદજી મહારાજ કાળ કરી ગયા હતા. શ્રી લલ્લુજી સ્વામી ગૃહસ્થને (શ્રીમદ્દ્ન) ગુરુ માને છે અને પહેલાં એકાંતરા ઉપવાસ કરતા તે બંધ કર્યા છે એવી વાત સાધુઓ અને શ્રાવકમંડળમાં પ્રસિદ્ધિ પામી. તેથી તેમના પ્રત્યે જનસમૂહનો પ્રેમ ઘટી ગયો તેની દરકાર કર્યા વિના શ્રી લલ્લુજી તો ગુરુભક્તિમાં લીન રહેતા. શ્રીમદ્ રાજચંદ્ર પર્યુષણ પર્વ પર નિવૃત્તિ લઈને ચરોતર પ્રદેશના કાવિઠા, રાળજ વગેરે સ્થળે થઈ વડવા (ખંભાત પાસે) પધાર્યા. શ્રી લલ્લુજી સાથે બીજા પાંચ મુનિઓ પણ દર્શન સમાગમ અર્થે ત્યાં પધાર્યા હતા. એકાંતમાં બધા મુનિ શ્રીમદ્ન નમસ્કાર કરી બેઠા. શ્રી લલ્લુજીની વિરહવેદના અસહ્ય થઈ પડી હતી અને મુનિવેશ નડતરરૂપ લાગતો હતો. તેમણે આવેશમાં આવી જઈ શ્રીમદ્ન જણાવ્યું. ‘‘હે નાથ ! આપનાં ચરણકમળમાં મને નિશદિન રાખો. આ મુહપત્તી મારે જોઈતી નથી.” એમ કહી મુહુપત્તી શ્રીમદ્ આગળ નાખી, “મારાથી સમાગમનો વિયોગ સહન થઈ શકતો નથી,'' એમ બોલતાં બોલતાં તેમની આંખમાંથી અશ્રુધારી વહેવા લાગી. તે જોઈ પરમ કૃપાળુ દેવની આંખમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી. થોડો વખત મૌન રહી શ્રીમદ દેવકરણજીને કહ્યું, “મુનિશ્રીને આ મુહુપત્તી આપો અને હમણાં રાખો.’ વડવામાં મુનિઓને છ દિવસ એકાંત સમાગમ-બોધનો લાભ મળ્યો. વડવાથી શ્રીમદજી નડિયાદ પધાર્યા. ત્યાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” રચ્યું. પ્રથમ તેની ચાર નકલ કરાવી, એક શ્રી લલ્લુજી સ્વામી ઉપર સ્વાધ્યાય માટે મોકલી. શ્રી લલ્લુજી વનમાં એકલા જઈ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર”નો સ્વાધ્યાય કરતા. તે વખતની વાત
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ લઘુરાજસ્વામી
૨૯
કરતાં તેમણે જણાવ્યું હતું કે તે વાંચતાં અને કોઈ કોઈ ગાથા બોલતાં મારા આત્મામાં આનંદના ઉભરા આવતા. એક એક પદમાં અપૂર્વી માહાસ્ય છે એમ મને લાગ્યા કરતું. “આત્મસિદ્ધિનું મનન–સ્વાધ્યાય નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતો.” વિ. સં. ૧૯૫૪ માં વસો ચાતુર્માસમાં કૃપાળુદેવનો એક માસ સુધી સતત સત્સંગનો લાભ શ્રી લલ્લુજી સ્વામીને પ્રાપ્ત થયો. આ બોધે દૃષ્ટિ રાગ પલટાવી આત્મષ્ટિ કરાવી. ચાતુર્માસ પૂરો કરી સાતે મુનિઓ નડિયાદ એકત્ર થયા હતા.
- ઈડરમાં શ્રીમદુનો બોધ : ઈડર તીર્થક્ષેત્રે શ્રીમદ વિ. સં. ૧૯૫૫ ના માગશર માસમાં સાતે મુનિઓને ડુંગર પરના શ્વેતામ્બર અને દિગમ્બર બન્ને દેરાસર ઉધડાવી દર્શન કરાવવા ઠાકરશીને મોકલ્યા. આ સાને સ્થાનકવાસી મુનિઓને સદ્ગુરુની આજ્ઞાથી જિનપ્રતિમાનાં દર્શન પ્રથમ ઈડરમાં થયાં. ઈડરમાં શ્રીમદે દ્રવ્યસંગ્રહ ગ્રંથની હસ્તલિખિત પ્રતમાંથી વાંચવાનું ચાલુ કર્યું. ડુંગર પર એક મોટી શિલા પર શ્રીમદ્ બેઠા અને સાત મુનિઓ તેમની સન્મુખ બેઠા. ત્યાં સિદ્ધશિલા અને સિદ્ધ સ્વરૂપની વાત ચર્ચાઈ. ત્યાં સર્વ પદ્માસનવાળી બેઠા. જિનમુદ્રાવત બની દ્રવ્યસંગ્રહની ગાથાઓને ઉપયોગમાં લેતાં, શ્રીમદે તે ગ્રંથ પરિપૂર્ણ સંભળાવ્યો, સમજાવ્યો અને ત્યાં સુધી બધા મુનિઓ અચળ રહ્યા. | શ્રી લલ્લુજી સ્વામીનું ૧૯૪૯નું મુંબઈનું ચોમાસુ થયા પછી શ્રીમદ્જી સાથેનો તેમનો પરિચય તથા પત્રવ્યવહાર વધી ગયો. હવે તો સદ્ગુરુ પ્રત્યેના પ્રેમની વૃદ્ધિ છૂપી રહે તેમ નહોતી. જયારે જ્યારે શ્રીમદ્જીના પત્રો આવતા ત્યારે તેઓ પત્રને કેટલાક ખમાસણા આપતા, તેની પ્રદક્ષિણા કરતા અને પછી પોતાને મહાભાગ્યશાળી માની હર્ષોલ્લાસથી પત્ર ખોલીને વાંચતા. શ્રી લલ્લુજી સ્વામી પણ કૃપાળુદેવને પત્ર લખતા ત્યારે કેટલાય વાક્યો તો સંબોધનમાં જ લખતા અને ગુરુ પ્રત્યેની લધુતાયુક્ત ભક્તિ પ્રગટ કરતાં.
વિ. સં. ૧૯૫૫ ના ચાતુર્માસ પછી લલ્લુજી આદિ મુનિઓને ખંભાતના અંધાર બહાર મૂકેલા છતાં સામા પક્ષ સાથે દ્વેષભાવ ન રહ્યો. સંધાડામાં સરખે સરખા બે ભાગ પડવા છતાં પુસ્તક પાનાં વગેરે માટે કોઈ પણ જાતની માંગણી કે તકરાર શ્રી લલ્લુજી આદિ મુનિઓ તરફથી થયેલી નહીં. એમની ઉદારતાની અને નિસ્પૃહતાની આ છાપ બધા સાધુઓ પર પડેલી. કષાયની વૃદ્ધિ થાય તેવા નિમિત્તો છતાં જાણે કાંઈ બન્યું નથી તેવું માની તેમના સંબંધથી છૂટા પડી આત્મહિતમાં જ મશગૂલ રા.
સંવત ૧૯૫૬ ના ચાતુર્માસમાં શ્રી લલ્લુજી સ્વામીએ લોકોના બહુ પરિચયમાં અવાય નહિ તેવા સ્થળે સોજીત્રા સોનીની ધર્મશાળામાં મુકામ કર્યો. ત્યાં દિગંબર ભટ્ટારકનો તેમને સમાગમ થયો. સોજીત્રા ચાતુર્માસ પૂર્ણ કરીને, શ્રીમદ્જીના અમદાવાદ પધાર્યાના સમાચાર જાણી તેઓ પણ વિહાર કરી અમદાવાદ આવ્યા. ત્યાં આગાખાનને બંગલે શ્રીમદજીએ શ્રી લલ્લુજીને “કાર્તિકેયાનુપ્રેક્ષા" નામનો ગ્રંથ વહોરાવ્યો. આ ગ્રંથમાં અપૂર્વ વૈરાગ્યનું નિરૂપણ થયેલું છે. તેને પરિપૂર્ણ વાંચવા,
સ્વાધ્યાય કરવા જણાવ્યું.
Page #6
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
સંવત ૧૯૫૭ ચૈત્ર વદ ૫ ને મંગળવારે શ્રીમદ્જીનો દેહોત્સર્ગથયો. શ્રી લલ્લુજી મુનિને પાંચમનો ઉપવાસ હતો. રાત્રિ જંગલમાં ગાળી બીજે દિવસે ગામમાં આવ્યા ત્યારે શેઠ ઝવેરચંદ તેમના ભાઈ રતનચંદ સાથે વાત કરતા હતા કે મુનિશ્રીને પારણું થઈ રહ્યા પછી સમાચાર આપવા. તે વાન મુનિશ્રીએ પ્રગટ પૂછતાં તેઓએ શ્રીમદ્જીના દેહોત્સર્ગના સમાચાર કહ્યા. એટલે મુનિશ્રી પાછા જંગલમાં ચાલ્યા ગયા અને એકાંતમાં કાયોસ, ભક્તિ, વગેરેમાં, પાણી પણ વાપર્યા વિના તે ગરમીના કાળમાં વિરહ વેદનાનો તે દિવસ જંગલમાં ગાળ્યો.
શ્રીમના દેહોત્સર્ગ પછી વિ. સં. ૧૯૫૮માં ગુરુભાઈ શ્રી દેવકરણ મુનિનો પણ અમદાવાદ મુકામે સ્વર્ગવાસ થયો. ત્યારબાદ તેમની સાધના વિશેષ કરીને એકાંતમાં રહેવા લાગી. દક્ષિણ ગુજરાતના વિહાર દરમ્યાન તેઓશ્રી ઘણો સમય નજીકનાં જંગલોમાં ગાળતા, માત્ર આહાર પાણી માટે ગામમાં આવતા. નરોડા, ધંધુકા, વડાલી, ખેરાળુ, વસો, બોરસદ આદિ સ્થળોએ મુનિશ્રીએ ચાતુર્માસ કર્યા. વિ. સં. ૧૯૬૬ નો ચાતુર્માસ પાલિતાણા ક્ષેત્ર કર્યો. ત્યાં જતા પહેલાં મહેરાણ ક્ષેત્રની યાત્રા કરી. ત્યાં તેમણે સ્થાનકવાસી વેશ બદલી નાખી ઓછાને બદલે મોરપીંછી રાખી અને મુહપત્તી બાંધવી બંધ કરી. તે સમયે શ્રી રત્નરાજ સ્વામીનો ચાતુર્માસ પણ તેમની સાથે થયો.
વિ. સં. ૧૯૬૯ માં વડવા મુકામે ચાતુર્માસ કર્યો. ત્યાં સાંગ ૧૯ દિવસ સુધી તેમણે આંખ મીંચ્યા વિના રાત-દિવસ ભક્તિભાવમાં ગાયા હતા જેથી અનેક આત્માઓ ભક્તિરંગમાં તરબોળ બની ગયા હતા. આમ વારંવાર નમસ્કાર કરવાથી ઢીંચણનો વાનો દુઃખાવો ઊપડયો અને વિહરમાં મુશ્કેલી ઉત્પન્ન થઈ. આમ છતાં શ્રીમદ્દ પ્રત્યેની ભક્તિ તો વધતી જ ચાલી. આ અદ્ભુત અને અપૂર્વ ગુરુભક્તિથી જ રત્નરાજ સ્વામીએ તેમને “લઘુરાજજી તરીકે સંબોધ્યા અને તેમની સર્વમાં પ્રભુ જોવાની દૃષ્ટિથી લોકોએ તેમને “પ્રભુશ્રી' તરીકે સંબોધ્યા. આમ ઉત્તમ ભક્તિ અને તીવ્ર વૈરાગ્ય સહિતની સાધનાના પ્રભાવથી શ્રી લઘુરાજ સ્વામીએ નડિયાદ, જૂનાગઢ, બગસરા, ચારણ્ય, રાજકોટ, કાવીઠા, નાર, સીમરડા, બોરસદ, સુણાવ વગેરે સ્થળોએ વિહાર કરી ઘણા જીવોને આજ્ઞાતિ પ્રત્યે શ્રદ્ધાવાન કર્યા.
અગાસમાં સ્થિરવાસ : કાળ નો કાળનું કામ કરે જ છે. શ્રી લઘુરાજ સ્વામીને હવે વૃદ્ધાવસ્થામાં સારણગાંઠ, હરસ આદિ બીમારીઓને લીધે વિહાર કરવાનું સંભવ નહિ બને તે વિચારથી જ નારના શ્રી રણછોડભાઈ અને અન્ય ભક્ત મુમુક્ષુઓએ આણંદ પાસે અગારા ગામમાં લોકકલ્યાણના હેતુથી સ્થિરવાસ કરવા વિનંતી કરી. વિ. સં. ૧૯૭૬માં આ કાર્યનો પ્રારંભ થયો અને આ રીતે શ્રી લઘુરાજ સ્વામીની છત્રછાયામાં “શ્રી સનાતન જૈનધર્મ શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ” અગાસનો મંગળ પ્રારંભ થયો.
અગાસમાં નાના-મોટા, ગરીબ-તવંગર, ગામડિયા-શહેરી, સ્ત્રી-પુરુષ વગેરે સૌ કોઈ નાત-જાત કે ઉંમરના ભેદભાવ વિના, પ્રભુશ્રીના યોગબળથી અને પુણ્યપ્રભાવથી
Page #7
--------------------------------------------------------------------------
________________ શ્રીમદ્ લઘુરાજસ્વામી 31 આવવા લાગ્યા. તેમનો સૌ જીવો પ્રત્યેનો નિર્ભેળ પ્રેમ જોઈ લોકો તેમને ભક્તિભાવથી નમી પડતા અને ત્યાં રહી આત્મકલ્યાણની સાથે સાથે આશ્રમમાં પણ વિવિધ સેવાઓ આપતા. વિ. સં. 1977 માં બાંધારી ગામના શ્રી ગોવર્ધનદાસ કાળિદાસ પટેલ પ્રભુશ્રીના દર્શન અર્થે આવ્યા ત્યારે પ્રભુશ્રી “મૂળ-મારગ'નું પદ બોલી રહ્યા હતા. પ્રથમ દર્શને જ ગોવર્ધનદાસને અપૂર્વ પ્રેમ આવ્યો અને આવા સંતની સેવાનો લાભ મળે તો જીવન ધન્ય બને તેવી ભાવના જાગી. મોટા ભાઈની સંમતિ મળતાં યોગ્ય અવસરે ગોવર્ધનદાસજીએ પ્રભુશ્રીને પોતાનું જીવન સમર્પણ કર્યું અને પ્રભુશ્રીએ તેમને મંત્રદીક્ષા અને બ્રહ્મચર્ય વ્રત આપી લાભાન્વિત કર્યા. બ્રહ્મચારીજી ઉપરાંત શ્રી રાવજીભાઈ દેસાઈ, શ્રી સોભાગભાઈ, શ્રી પ્રેમચંદ કોઠારી, શ્રી હીરાલાલ ઝવેરી, શ્રી જેસિંગભાઈ ઉજમશી, શ્રી નાહટાજી, શ્રી માણેકજી શેઠ વગેરે અનેક મુમુક્ષુઓને પ્રભુશ્રીના ઘનિષ્ઠ સમાગમથી ભકિતનો અને સન્માર્ગનો રંગ લાગ્યો. આમ શ્રી લઘુરાજ સ્વામીના યોગબળથી ક્રમે ક્રમે ભક્તોની શ્રીમદ્ પ્રત્યેની ભક્તિ વધતી ગઈ અને યથા અવસરે આશ્રમમાં શ્રીમની પ્રતિમાવાળું ગુરુમંદિર, બને આમ્નાયની પ્રતિમાઓવાળું શિખરબંધ જિનમંદિર અને સ્વાધ્યાય હોલ વગેરે આકાર પામ્યાં. આજે તો અગાસ એક મોટા તીર્થધામ જેવું બની ગયું છે. અહીંથી પરમશ્રત પ્રભાવક મંડળનાં તથા બીજાં પણ અનેક ઉત્તમ પ્રકાશનો થાય છે. ઉત્તરાવસ્થા અને સમાધિમરણ : વિ. સં. 1981 થી 1991 સુધીનાં અગિયાર ચોમાસાં અગાસમાં જ થયાં. વિ. સં. ૧૯૯૨ના મહા સુદી 15 થી પ્રભુશ્રીની તબિયત નરમ થઈ, તબીબી સલાહ મુજબ સંપૂર્ણ આરામ લેવાનું નકકી થયું. દર્શન, બોધ, સમાગમ સર્વ લાભ બંધ થયો. પાછળથી દિવસમાં એક વાર દર્શન કરવા માત્રની છૂટ રાખી. વિ. સં. ૧૯૯૨ના રૌત્ર વદ પાંચમના પવિત્ર દિને બ્રહ્મચારીજીની ઉત્તરાધિકારી તરીકે ઘોષણા થઈ. વિ. સં. ૧૯૯૨ના વૈશાખ સુદ આઠમના રોજ નિત્ય નિયમાનુસાર સાંજનું દેવવંદન કરી અંતેવાસીઓને “અપૂર્વ અવસર’ બોલવા સૂચવ્યું. કૃપાળુ દેવનું તે ભાવનાસિદ્ધ પદ પૂર્ણ થતાં રાત્રિના 8-10 વાગે 82 વર્ષની વયે એ મહાપુરુષનો પવિત્ર આત્મા નાશવંત દેહનો ત્યાગ કરી પરમપદ પ્રત્યે પ્રયાણ કરી ગયો.