Page #1
--------------------------------------------------------------------------
________________
સંયમની સહચરી ગોચરી
ભગવાન મહાવીરના નિર્વાણને ૨૫૦૦થી વધુ વર્ષ થઈ ગયાં. એમના જીવન અને સંદેશનો વિચાર કરીએ છીએ ત્યારે તીર્થંકર પરમાત્માની વાણી કેવી ત્રિકાલાબાધિત હોય છે તેની પ્રતીતિ થાય છે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકર પરમાત્મા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. એ સંઘમાં ત્યાગી સાધુ-સાધ્વીઓના આચારના નિયમ એવા ચુસ્ત અને કડક હોય છે કે તેનું આજીવન સંપૂર્ણ પાલન કરવાનું બધાંને માટે સહેલું નથી. આમ છતાં અઢી હજાર વર્ષથી તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીનું શાસન અખંડિત પરંપરાથી ચાલ્યા કરે છે એ આપણે નજરે જોઈ શકીએ છીએ. આજે પણ જૈન મુનિઓને પોતાનું પવિત્ર જીવન જીવતા અને એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતા આપણે જોઈએ ત્યારે ભગવાન મહાવીર કેવી રીતે વિચરતા હશે તેની પ્રતીતિ આપણને થાય છે : દિગંબર સાધુઓએ જોતાં તેની સવિશેષ પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે.
દિવસમાં માત્ર એક જ વખત ઊભાં ઊભાં હાથમાં લઈને આહારપાણી કરી લેવાં અને પછી બીજા દિવસ સુધી અન્નનો દાણો કે પાણીનું ટીપું મોઢામાં ન મૂકવું, સખત શિયાળો હોય કે ભર ઉનાળો હોય, શરીર ઉપર એક પણ વસ્ત્ર ધારણ ન કરવું – એવી રીતે સમગ્ર જીવન વિતાવવું એ સરળ વાત નથી. દેહભાવ ઓછો થાય અને આત્મ-રમણતા વધવા લાગે તેને માટે જ આવું કપરું તપસ્વી જીવન શક્ય છે.
-
અઢી હજાર વર્ષથી સાધુ-સાધ્વીઓની પરંપરા પ્રતિકૂળ કે વિપરીત સંજોગોમાં પણ ટકી શકી તેનાં ઘણાં કારણોમાંનું એક કારણ તે તેઓની ગોચરી અને પાવિહારની આચારસંહિતા છે. રાગદ્વેષરહિત સંયમી જીવન માટે ભગવાને પ્રબોધેલી તે અનોખી પરંપરા છે. એક સ્થળેથી બીજે સ્થળે સતત
Page #2
--------------------------------------------------------------------------
________________
૮૪
જિનતત્ત્વ
વિહાર કરતાં રહેવાને કારણે તથા રોજ જુદા જુદા વિસ્તારનાં જુદાં જુદાં ઘરોમાંથી થોડો થોડો આહાર વહોરી લાવવાને લીધે જેન સાધુ-સાધ્વીઓને સ્થળ, સંઘ કે વ્યક્તિઓ સાથે રાગદ્વેષનાં નિમિત્તો ઓછાં રહેવાથી સમાજને તેમના પ્રત્યે પૂજ્યભાવ રહે છે.
ભગવાન મહાવીર રાજકુમાર હતા. રાજવૈભવમાં તો ઉત્તમ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક એવો વિવિધ પ્રકારનો આહાર, માણસથી ખાઈ શકાય તે કરતાં પણ વિપુલ પ્રમાણમાં, સ્વાધીનપણે મળે; પરંતુ એવા રાજવૈભવનો ત્યાગ કરી ભગવાન મહાવીરે સ્વેચ્છાએ સંન્યાસ સ્વીકારી, એક ઘરેથી બીજા ઘરે ફરીને લુખ્ખો-સૂકો આહાર ગ્રહણ કરવાનું ચાલુ કર્યું તે ઉપરથી જ દેહભાવ કરતાં તેમનો આત્મભાવ કેટલો ઊંચો હશે તેની પ્રતીતિ થાય છે.
ભગવાન મહાવીરે લગભગ સાડા બાર વર્ષ આવું કઠિન તપસ્વી જીવન વિતાવ્યું. સંનિષ્ઠ બ્રહ્મચર્યમય સંયમી જીવન જીવવા માટે આહારની જરૂર ઘણી ઓછી રહે છે એ ભગાવન મહાવીરે પોતાના જીવનમાં સિદ્ધ કરી બતાવ્યું. લગભગ સાડા બાર વર્ષના તપશ્ચર્યામય જીવનમાં એમણે કુલ જેટલા ટંક આહાર કર્યો એનો જો સરવાળો કરીએ તો લગભગ એક વર્ષ જેટલો સમય થાય, એટલે કે જુદા જુદા દિવસો મળીને આશરે ૧૧ વર્ષ જેટલો સમય એમણે આહાર વગર ચલાવ્યો એમ કહી શકાય. આ અત્યંત વિરલ કહી શકાય એવી સિદ્ધિ છે.
માણસનો સૌથી મોટો ઉદ્યમ ઉદરભરણને કાજે હોય છે. ઉદરપોષણ અટકે તો જીવન અટકે. એટલે જ ઉદરપોષણ અર્થે કરાતી કમાણી માટે આજીવિકા” શબ્દ વપરાય છે. કેટલાક એમ માને છે કે માણસને જો પેટ ન હોત તો આ સંસારમાં ઘણી શાંતિ હોત, કારણ કે પેટ માટે માણસને જે ધાંધલ-ધમાલ કે ઢસરડા કરવા પડે છે તે કરવા ન પડત. બીજા કેટલાક એમ માને છે કે માણસને જો પેટ ન હોત તો કદાચ સંસારમાં બહુ ક્લેશ, કંકાસ, કલહ અને અશાંતિ હોત, કદાચ યુદ્ધો પણ વધુ થતાં હોત, કારણ કે પેટ માટેના ઉદ્યમમાંથી નવરો પડેલો નિશ્ચિત માણસ ખોટી દિશામાં પોતાની બધી શક્તિ વાપરતો થયો હોત. મનુષ્યને પેટ છે માટે જ તે આટલો બધો રોકાયેલો રહે છે અને છતાં પેટ નથી એમ સમજીને આહારનો જે વ્યવહાર કરે છે તેવા સંયમી માણસો સાચી શાંતિ અનુભવી શકે છે અને આસપાસ પ્રસરાવી શકે છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
સંયમની સહચરી ગોચરી
આજીવિકા માટે શું બધાંએ જ ઉદ્યમ કરવાની જરૂર છે? જો થોડાં માણસો વધુ ઉદ્યમ કરે તો બીજાં થોડાં માણસોને ઘણી રાહત રહે. બાળકો, વૃદ્ધો, અશક્ત અને માંદાઓ, કેટલેક અંશે સ્ત્રીઓ પણ આજીવિકા માટે ઉદ્યમ કરતાં નથી. કુટુંબના અન્ય સભ્યો પ્રેમ કે ફરજ રૂપે તેમની દેખભાળ રાખે છે. બદલામાં તેઓ કુટુંબ માટે યથાશક્તિ અન્ય કામો કરે છે.
જે વ્યક્તિ પ્રત્યે આદર કે પૂજ્યભાવ હોય તેવી વ્યક્તિને જમાડતાં આપણને આનંદ થાય છે. સાધુ-સંતોના આહારની જવાબદારી એટલા માટે જ સમાજ સહર્ષ ઉપાડ લે છે. જે પવિત્ર આત્મા પરહિતાર્થે જીવન સમર્પિત કરી દે છે તેના નિભાવની જવાબદારી ઉપાડી લેવી એ સમાજનું પરમ કર્તવ્ય બને છે. સાધુસંતો મફતનું ખાઈને, સમાજના પૈસાઇટ' બનીને જીવે છે એવી ટીકા કોઈ કરતું નથી. સાધુ-સંન્યાસીઓના સમુદાયમાં કોઈ ખોટા માણસો ભરાઈ બેઠા હોય તો તે જરૂર ટીકાને પાત્ર છે, પરંતુ તેથી તેમના સમગ્ર સમુઘયને વગોવી શકાય નહિ.
સાધુઓ. સંન્યાસીઓ, બાવાઓ, ફકીરો, વિદ્યાર્થીઓ, લોકસેવકો, અતિથિઓ, યાત્રાળુઓ, અપંગો, નિર્ધન માણસો વગેરેને ખાવાપીવાની સગવડ પૂરી પાડવા માટે ભારતમાં બહુ પ્રાચીન કાળથી અન્નક્ષેત્રો, દાનશાળાઓ, સદાવ્રતો, ભોજનશાળાઓ વગેરેની વ્યવસ્થા વખતોવખત થતી આવી છે. સમાજ એ જવાબદારી હર્ષપૂર્વક ઉઠાવતો રહ્યો છે.
આ બધાંમાં સાધુ-સંન્યાસીને સમાજ સવિશેષ પ્રેમાદરપૂર્વક ભોજન આપતો રહ્યો છે. બીજી બાજુ સાધુ-સંન્યાસીઓ પણ કોઈ વ્યક્તિ કે સંસ્થા ઉપર બહુ બોજો ન પડે એ રીતે જુદા જુદા ઘરેથી ભિક્ષાન્ન ગ્રહણ કરતા રહે છે. “માધુકરી', “ભિક્ષાચરી”, “ગોચરી' જેવા શબ્દો આ પ્રથા માટે વપરાય છે. કોઈ અન્નક્ષેત્ર કે સદાવ્રતમાં જઈ જમી લેવું, રોજ જુદા જુદા ઘરે જઈ ભોજન કરી લેવું, જુદા જુદા ધરેથી અનાજ, લોટ વગેરે માંગી લાવી પોતાને માટે રાંધી લેવું કે જુદા જુદા ઘરેથી થોડો થોડો આહાર મેળવી લાવવો – એવી પોતપોતાના ધર્મ કે સંપ્રદાય અનુસાર પરંપરા ભારતમાં ચાલી આવે છે. આ બધી પરંપરાઓમાં ભગવાન મહાવીરે પોતાના વર્ષોના સ્વાનુભવના આધારે જૈન સાધુઓ માટે “ગોચરીની દોષરહિત પરંપરાની જે હિમાયત કરી તે ઘણી કડક અને વિશિષ્ટ કોટિની છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
જૈન સાધુઓ કોઈના ઘરે જઈને ભોજ લેતા નથી કે સંઘના કોઈ રસોડે જઈ જમવા બેસતા નથી. પરંતુ પ્રત્યેક ટંકે જુદા જુદા ઘરે જઈ આહાર વહોરી લાવી, પોતાના સ્થાનમાં આવી, કોઈ ગૃહસ્થ ન દેખે તેવી રીતે આહાર વાપરે છે. આહાર મેળવવાની તેમની પદ્ધતિને ‘ગોચરી’ કહેવામાં આવે છે, કારણ કે ગાય જેમ એક જ જગ્યાએથી ઉપરઉપરથી થોડું થોડું ઘાસ ખાય છે, તેવી રીતે સાધુઓ કોઈને પણ બોજો ન પડે તે રીતે જુદી જુદી જગ્યાએથી થોડું થોડું લાવીને પોતાનો આહાર કરી લે છે.
‘ગોચરી’ની જેમ ‘માધુકરી’ શબ્દ પણ વપરાય છે. ‘દશવૈકાલિકસૂત્ર'માં લખ્યું છે કે જેવી રીતે ભ્રમર પુષ્પને જરા પણ ઈજા પહોંચાડ્યા વગર કે પીડા કર્યા વગર રસ ચૂસે છે તેવી રીતે સાધુએ દાતાને જરા પણ કષ્ટ ન પડે તે રીતે આહાર ગ્રહણ કરવો જોઈએ. આ પ્રકારની સાધુની ચર્ચાને ‘એષણાસમિતિ' કહેવામાં આવે છે. જુઓ :
जहा दुमस्स पुष्फेसु भमरो आवियइ रसं । णय पुष्फे किलामेइ सो य पीणेइ अप्पयं । । एमेए समणा मुत्ता जे लोप संति साहुणो । विहंगमा व पुप्फेसु दाणभत्तेसणेरया ।।
ફ
એષણાસમિતિની વ્યાખ્યા આપતાં કહેવાયું છે ઃ કૃત, કારિત અને સમર્થન રહિત તથા પ્રાસુક, પ્રશસ્ત અને બીજા દ્વારા અપાયેલો આહાર સાધુએ સમભાવપૂર્વક ગ્રહણ કરવો એ એષણામિતિ છે.
સાધુએ અપ્રાક્રુક (સચિત્ત), ક્રીત (પોતાના માટે ખરીદાયેલો), ઔદેશિક (પોતાના માટે ખાસ બનાવાયેલો) અને આહત (સાધુ માટે સામેથી લવાયેલો) આહાર ગ્રહણ ન કરવો જોઈએ. ભૂલથી ગ્રહણ થઈ ગયો હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ. ભૂલથી ઉપયોગ થઈ ગયો તો તે માટે પ્રાયશ્ચિત્ત લઈ લેવું જોઈએ.
નિઃસ્વાર્થબુદ્ધિથી, કોઈ પણ પ્રકારના લોભ કે લાલચના પ્રયોજન વગર ભિક્ષા વગેરેનું દાન જે આપે છે તેને ‘મુધાદાયી’ કહેવામાં આવે છે. તેવી જ રીતે કોઈ પણ પ્રકારના લોભ કે લાલચના પ્રયોજન વગર માત્ર પોતાના સાધુજીવનના નિર્વાહ અર્થે જે ભિક્ષાન્ન ગ્રહણ કરે છે તેને ‘મુધાજીવી’ કહેવામાં આવે છે. સાચા ‘મુધાદાયી’ અને સાચા ‘મુધાજીવી' બન્ને દુર્લભ મનાય છે. એવા દુર્લભ જીવો જલદી સુતિ પામે છે. કહ્યું છે :
Page #5
--------------------------------------------------------------------------
________________
સંયમની સહચરી ગોચરી
दुल्लहा उ मुहादाई, मुहाजीवी वि दुल्लहा ।
मुहादाई मुहाजीवी, दोवि गच्छंति सोग्गई ।। સાધુઓએ ગૃહસ્થના ઘરેથી આહાર ગ્રહણ કરતી વખતે ઘણો સૂક્ષ્મ વિચાર કરવો જોઈએ. આહાર બનાવવાની પૂર્વતૈયારીરૂપે હિંસાદિ જે દોષ થાય તેને “ઉગમદોષ' કહે છે. આહાર બનાવતી વખતે થતા દોષને “ઉત્પન્ન દોષ' કહેવામાં આવે છે, અને ભોજન કરતી વખતે જે દોષો થવાનો સંભવ હોય તેને “અશન દોષ' કહેવામાં આવે છે. જે આહારની બાબતમાં ઉદ્ગમ, ઉત્પાદન અને અશનના પ્રકારના સ્થૂળ-સૂક્ષ્મ હિંસાદિ બહુ દોષ રહેલા હોય તેવો આહાર ગૃહસ્થના ઘરેથી ગ્રહણ ન કરવો જોઈએ. એવા અભક્ષ્ય કે અગ્રાહ્ય ખાધ પદાર્થોની સવિસ્તર યાદી શાસ્ત્રગ્રંથોમાં આપવામાં આવી છે.
જૈન સાધુઓએ શક્ય હોય ત્યાં સુધી દિવસમાં ફક્ત એક જ વાર આહાર લેવો જોઈએ. બીજી વાર આહાર લેવાની જરૂર પડે તો તે અત્યંત અલ્પ પ્રમાણમાં લેવો જોઈએ. તેઓએ બેતાલીસ પ્રકારના (માંડલીના પાંચ સહિત સુડતાલીસ પ્રકારના દોષથી રહિત એવો આહાર માત્ર દેહને ટકાવવા ખાતર જ લેવાનો હોય છે, સ્વાદેન્દ્રિયને સંતોષવા, કે દેહને બળવાન, હૃષ્ટપુષ્ટ બનાવવા માટે નહિ. શરીર કે મનમાં વિકારો જન્માવે એવો આહાર (વિગઈ) વર્ય ગણાયો છે. એથી જ તેઓ બ્રહ્મચર્યનું પાલન સારી રીતે કરી શકે છે અને સ્વાધ્યાય, ધ્યાન અને અન્ય ધાર્મિક ક્રિયાઓમાં ચિત્તને સારી રીતે પરોવી શકે છે. મિતાહારી, કૃશકાય સાધુ ધાર્મિક સંપ્રદાયની શોભારૂપ મનાય છે. એટલા માટે ગોચરીને સંયમની સહચરી તરીકે ઓળખાવવામાં આવે છે. - જૈન સાધુઓએ પોતાના આહારને માટે ગોચરી વહોરવા એવી રીતે જવું જોઈએ કે જેથી ગૃહસ્થોને તેમના પ્રત્યે અનાદરનો ભાવ થાય નહિ, પોતાના કે અન્ય ધર્મના બીજા સાધુઓ કે ભિક્ષુકોને દ્વેષ કે ઈર્ષ્યા થાય નહિ તથા પોતાના સંયમપૂર્ણ વ્યવહારને ગોચરી માટેના આવાગમનના કારણે દોષ લાગે નહિ, ગૃહસ્થોના ઘરે એમનું ભોજન પતી ગયા પછી જો સાધુ આહાર લેવા જાય તો વધેલા આહારમાંથી ગોચરી વહોરાવતાં ગૃહસ્થોને સંકોચ થાય નહિ; એમને માથે બોજો પડે નહિ; એમનું મન પ્રસન્ન અને આદરયુક્ત રહે. જ્યાં જમણવાર (સંખડી) હોય ત્યાં સાધુએ ગોચરી વહોરવા ન જવું જોઈએ, કારણ કે ત્યાંનો આહાર ભારે સ્વાદિષ્ટ અને રસેન્દ્રિયને સતેજ કરે તેવો, મનમાં વિકારો જન્માવે તેવો હોય છે. વળી ત્યાં ગિરદી, પડાપડી કે ધસારો બહુ
Page #6
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
હોવાના કારણે સાધુ પ્રત્યે આદરભાવ સચવાય નહિ. સાધુએ ગર્ભવતી કે બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રી પાસેથી ગોચરી ન વહોરવી જોઈએ. સાધુઓએ જે ઘરમાં પુરુષ વર્ગ હાજર હોય નહિ અને યુવતી કે યુવતીઓ હોય તેવા ઘરે એકલા વારંવાર જવું નહિ, અને જવું પડ્યું હોય તો નીચી દૃષ્ટિ રાખી ગોચરી વહોરી લેવી જોઈએ. ગોચરીને નિમિત્તે મહિલાવર્ગ સાથે વાત-વ્યવહાર ન વધે એ પ્રત્યે સાધુઓએ અત્યંત સાવધ રહેવું જોઈએ. ગોચરી તેમના સંયમિત જીવનને પોષનારી, શોભાવનારી બનવી જોઈએ, તેમને પ્રમાદી કે પતિત કરનારી નહિ. એટલા માટે સાધુઓએ રોજ જુદી જુદી દિશામાં જુદા જુદા ધરે ગોચરી વહોરવા જવું જોઈએ, જેથી અમુક જ ઘર કે ભક્ત પ્રત્યે અનુરાગ જન્મે નહિ. “પંચાશક' ગ્રંથમાં “પિડવિધાન” વિશે કહ્યું છે કે જે સાધુ દોષરહિત ભાત પાણી ગ્રહણ કરીને સંયમનો રાશિ એકત્ર કરે છે તે સાધુ ભવવિરહ(સંસારનો વિચ્છેદ - મોક્ષ)ને શીધ્રપણે પ્રાપ્ત કરે છે. તેવું સંભાવે सो भवविरहं लहु लहति ।
સાધુએ ભિક્ષા માગવા ક્યારે જવું અને ક્યારે ન જવું, ક્યાં ક્યાં જવું અને ક્યાં ક્યાં ન જવું, કેવી રીતે જવું અને કેવી રીતે ન જવું, કેવો આહાર ગ્રહણ કરવો અને કેવો ગ્રહણ ન કરવો, ભિક્ષાન તરીકે પોતાને અપાતો આહાર જોઈને મનમાં કેવા કેવા ભાવો ન આણવા, કેવા કેવા માયાચાર ન કરવા – ઇત્યાદિને લગતી વિગતવાર છણાવટ આચારાંગસૂત્ર'ના બીજા ખંડમાં, “કલ્પસૂત્રમાં તથા “પંચાશક' આદિ અન્ય ગ્રંથોમાં કરવામાં આવી છે. સાધુઓએ સાત પ્રકારની પિડેષણા અને સાત પ્રકારની પાનપણાનું પાલન યથાશક્તિ કરવા ઉપર પણ બહુ ભાર મૂકવામાં આવ્યો છે.
પોતાનું સંયમી જીવન આત્મસાધનાર્થે ટકાવી રાખવા માટે જ આહારની જરૂર હોવાથી પારકા ઘેરથી ભિક્ષા ગ્રહણ કરતી વખતે સાધુના મનમાં દીનતાનો કે લાચારીનો ભાવ ક્યારેય આવવો ન જોઈએ. પોતાને યોગ્ય (સૂઝતો-કલ્પનીય) આહાર ન મળે તો સાધુએ શોક કે ખેદ ન કરવો જોઈએ. ક્યારેક ભૂખ્યા રહેવાનો વખત આવી પડે તો તે સુધાને, પરીષહ સમજીને, કર્મનિર્જરાનું નિમિત્ત સમજીને સમભાવપૂર્વક સહન કરી લેવી જોઈએ. સારો આહાર મળતાં સાધુએ હર્ષિત ન થવું જોઈએ કે મળેલા વિવિધ પ્રકારના આહાર વિશે બીજા સાધુઓ પાસ પ્રશંસા, છણાવટ, ટીકા કે નિંદા ન કરવી જોઈએ.
Page #7
--------------------------------------------------------------------------
________________ સંયમની સાહચરી ગોચરી જૈન સાધુઓની આહાર મેળવવાની આ કડક પરંપરા દુનિયાના બીજા કોઈ પણ ધર્મમાં જોવા મળતી નથી. સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી જૈન સાધુઓ આહાર તો નહિ જ, ઉપરાંત પાણી પણ પીતા નથી. તેઓ ભિક્ષા વધેલું ભોજન બીજા ટંક માટે રાખવાની તેમને છૂટ હોતી નથી, બલ્ક પોતાની જરૂરિયાત કરતા હંમેશાં થોડું ઓછું જ વહોરી લાવે છે, જેથી અન્ન ફેંકી દેવાનો દોષ ન લાગે. ગોચરી વહોરતી વખતે પણ જૈન સાધુઓએ વિશુદ્ધ, યોગ્ય (સૂઝતો) આહાર મેળવવા માટે ઘણી જ કાળજી રાખવી પડે છે. આચારાંગસૂત્ર', “કલ્પસૂત્ર' અને બીજા ગ્રંથોમાં ગોચરીના ઘણા બધા કડક નિયમો દર્શાવવામાં આવ્યા છે. અલબત્ત કેટલાક નિયમો વર્તમાન સમયમાં કેટલાક સાધુઓ બરાબર પાળતા ન હોય તો તે જુદી વાત છે, પરંતુ એકંદરે તો ગોચરીની પ્રથા અખંડિત જળવાઈ રહી છે. આ પ્રથાને કારણે જ જૈન સાધુ-સાધ્વીઓનું ત્યાગમય જીવન હંમેશાં આદરને પાત્ર રહ્યું છે. એટલા માટે હજારો જૈન સાધુ-સાધ્વીઓના નિર્વાહની જવાબદારી જૈન સમાજ પ્રાચીન સમયથી બહુમાનપૂર્વક આનંદથી ઉઠાવતો રહ્યો છે. એટલા માટે જૈન ગૃહસ્થોને સાધુ-સાધ્વીનાં માતા-પિતા તરીકે ઓળખવામાં આવે છે. માટે જ સાધુ- સાધ્વી પોતાને આંગણે ગોચરી વહોરવા આવે અને શ્રદ્ધાળુ જૈનો પોતાનું પરમ સદ્ભાગ્ય સમજે છે. સુપાત્રદાન એ કર્મની નિર્જરાનું મોટું નિમિત્ત બને છે કે પુણ્યના બંધનું કારણ બને છે. સાધુ-સાધ્વીઓ માટે સંયમની સહચરી જેવી ગોચરીનો આટલો બધો મહિમા છે !