Book Title: Parigraha Virman
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf
Catalog link: https://jainqq.org/explore/249403/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૭. પરિગ્રહ-વિરમણ ‘પરિગ્રહ' શબ્દ ‘પરિ' ઉપસર્ગ સાથે ‘ગ્રહૂ' ધાતુ દ્વારા બનેલ છે. ‘પરિ’ એટલે ચારે બાજુએથી, ‘ગ્રહ' એટલે ગ્રહણ કરવું. પોતાના રક્ષણ માટે પોતાની પ્રતિષ્ઠા માટે, પોતાના યશ, લાભ માટે એમ પોતા માટે ચારે બાજુથી જે ગ્રહણ કરાય તેને તમામ શાસ્ત્રકારોએ ‘પરિગ્રહ’ તરીકે સ્વીકારેલ છે. સમગ્ર સંસારનો ટકાવ ‘પરિગ્રહ’ ઉપર જ છે. અશાંતિનો જનક પણ પરિગ્રહ જ છે. જે વ્યક્તિ અપરિગ્રહી છે અથવા બિનપરિગ્રહી છે તે કોઈને પણ ભયજનક નથી, પીડાજનક નથી. ‘પરિગ્રહ'નો વિરુદ્ધ શબ્દ ‘સંતોષ’ છે. લોકમાં કહેવત છે કે “સંતોષી નર સદા સુખી.” સંતોષી થવું કે બિનપરિગ્રહી થવું સહેલું નથી. સંતોષી થવા માટે મનની પ્રવૃત્તિઓ, વાણીની પ્રવૃત્તિઓ તથા શરીરની પ્રવૃત્તિઓ ઉપર વધારે ને વધારે કાપ મૂકવો જરૂરી છે; એમ કર્યા સિવાય કોઈ પણ વ્યક્તિ અપરિગ્રહી અલ્પપરિગ્રહી કે સંતોષી થઈ શકતી નથી. ‘મૂર્છા’ એ આંતર-પરિગ્રહનું નામ છે. આંતરપરિગ્રહમાંથી જ બાહ્યપરિગ્રહ જન્મે છે. સર્વ પ્રકારે તો અપરિગ્રહી તે જ થઈ શકે જે શરીરધારી નથી. જે જે શરીરધારી છે તેને પરિગ્રહ કરવાની જરૂર પડે છે. આપણે ત્યાં સર્વ ધર્મોએ ‘અહિંસા’ને પરમ ધર્મરૂપે ગણાવેલ છે. આ અહિંસાને સાધવા માટે પણ અપરિગ્રહવૃત્તિ જ કેળવવી પડે છે. જેટલે અંશે અપરિગ્રહનો ભાવ કેળવાય, તેટલે અંશે જગતમાં સુખનો અને શાંતિનો અનુભવ થાય છે અને જેટલે અંશે પરિગ્રહનો ત્યાગ ન કેળવાય તેટલે અંશે દુઃખ વધતું જાય છે. આ માટે એક પ્રસિદ્ધ લૌકિક ઉદાહરણ આ પ્રમાણે આપી શકાય. એક બાવો હતો, તેની પાસે કશો જ બાહ્ય પરિગ્રહ ન હતો. માત્ર તે એક કૌપીનભર રહેતો. કૌપીન એટલે લંગોટી. બાવો જે ઝૂંપડીમાં રહેતો તે ઝૂંપડીમાં ઉંદરોનો ઉપદ્રવ વિશેષ રહેતો. બાવો પોતાની લંગોટીને ધોઈને પાસેના ઝાડ ઉપર સૂકવી દેતો અને બીજી લંગોટી પહેરી લેતો. પણ જ્યાં ઝૂંપડી હતી ત્યાં ઉંદરોનો ભારે ઉપદ્રવ હતો; એટલે ઉંદરો આવીને Page #2 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ-વિરમણ ૦ ૬૭ બાવાની લંગોટી તાણી જતા અને પોતાના દરમાં જઈને કાતરી ખાતા. બાવાએ વિચાર્યું કે “રોજ રોજ લંગોટી ક્યાંથી લાવવી, અને આ ઉંદરોનો ઉપદ્રવ જયાં સુધી રહેશે ત્યાં સુધી મારી લંગોટી સલામત નહીં રહે. ભિક્ષા માટે ગામમાં કાંઈ “નાગા' તો ન જ જવાય; માટે લંગોટીને સાચવવાની વ્યવસ્થા કરવી જરૂરી છે. ઉંદરો એટલા બધા છે કે તેમને હટાવી પણ શી રીતે શકાય? આ રીતે તો મારાં ધ્યાન, ઉપાસના વગેરે અનુષ્ઠાનો નિર્વિઘ્ન શી રીતે ચાલી શકે ?” આમ બાવો વિચારતો હતો ત્યાં કોઈ ગામડિયો તેનો ભક્ત તેને પગે લાગવા આવ્યો. આવતાં જ તેણે કહ્યું કે, “બાવાજી પાય લાગૂં.” પોતાના ભક્તના શબ્દ તો બાવાજીએ સાંભળ્યા પણ તેનું ધ્યાન પોતાની લંગોટીના રક્ષણના વિચારમાં એટલું બધું ડૂળ્યું હતું કે બાવાજીને ભક્તને આશીર્વાદ આપવાનું તરત સૂઝયું નહીં. ભક્ત જોયું કે આજે બાવાજી ભારે વ્યગ્ર બની ગયા છે અને હું રોજ રોજ તેમના દર્શને આવું છું ત્યારે તો તેઓ તરત જ મને “સુખી રહો'નો આશીર્વાદ આપે છે, પણ આજ તો તેઓ કોઈ વિશેષ ચિંતામાં એવા ડૂબી ગયા છે કે કદાચ, મારા નમસ્કારસૂચક શબ્દો પણ તેમણે નહીં સાંભળ્યા હોય”. આમ વિચારીને પેલા ગામડિયા ભક્ત વિશેષ અવાજ કરીને બાવાજીને ફરી વાર સંભળાવ્યું કે “બાવાજી પાય લાગું.” પોતાના ભક્તનો વિશેષ બળપૂર્વક બોલાયેલો શબ્દ બાવાજીને કાને બરાબર પડ્યો અને તેમણે ઊંચું જોઈને પોતાના ભક્તને “સુખી રહો'નો આશીર્વાદ તો આપ્યો, પણ જાણે બાવાજી ભારે કંટાળાથી બોલતા હોય તેમ પેલા ભક્તને લાગ્યું. એટલે જરા વધારે નજીક જઈને બાવાજીને ભક્ત પૂછ્યું કે “કેમ બાવાજી! આજે શી ચિંતામાં તમે પડી ગયા છો ?” પછી સાવધાન થઈને બાવાજી બોલ્યા કે “ભાઈ ! યે મેરી લંગોટીકી બડી ચિંતા હોતી હૈ” રોજ રોજ ઉંદર ઉસે લે જાકર કાટ દેતે હૈ. ઇસસે મેં સોચતા હું કી લંગોટીકે રક્ષણકે લિયે ક્યા કિયા જાય, જિસસે રોજ રોજ નઈ લંગોટી નહીં લાની પડે ?” ગામડિયો તરત બોલ્યો કે “બાવાજી ! ચિંતા મત કિજીયે. ઉસકા ઉપાય ઇસ પ્રકાર કિજીયે : એક બિલ્લીકો પાલ લિજીયે ઔર ઇધર આપકી ઝોંપડીમેં રસ્સીસે બિલ્લીકો બાંધ કર રખિયે, ઔર ફિર આપ સુખશાંતિસે રહીએ. બિલ્લી હોને સે એક ભી ઉંદર નહીં આ સકતા ઔર આપકી લંગોટી સદા સુરક્ષિત રહેગી.” પોતાના ગામડિયા ભક્તની વાત સાંભળીને બાવાજીને ઉપાય મળી ગયો. પણ પાળેલ બિલ્લી કાંઈ ભૂખી જીવી શકે નહિ. અને બાંધેલ હોવાથી તે પોતાનું ભક્ષ્ય મેળવી શકે નહીં. એટલે વળી બાવાજી એ માટે થોડા વ્યગ્ર થઈ ગયા. પણ આ વખતે તો તેમને તરત જ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ૦ સંગીતિ ઉપાય સૂઝી ગયો કે એક ગાય પાળીએ તો રોજ પોતાને અને આ બિલ્લીનેય ચોખ્ખું દૂધ મળી જાય. આમ વિચારીને બાવાજી જે ગામમાં રોજ ભિક્ષાએ જતા, ત્યાંના ઠાકોરને નિવાસે જઈને આ બિલ્લીને પાળવાની તથા તેને માટે દૂધનો બંદોબસ્ત કરવાની વાત ઠાકોરને કરી. એટલે ઠાકોરે તો ઘણા ભક્તિભાવથી બાવાજીને પોતાની પાસેની ગાયોમાંથી શોધીને એક દૂઝણી ગાય તરત જ આપી દીધી અને બાવાજીનો ખરા ભાવપૂર્વકનો શુભ આશીર્વાદ મેળવી લીધો. પણ પોતાને મળેલી ગાયથી પોતાનું દૂધનું કામ તો સરી જશે અને બિલ્લીની પણ રક્ષા થશે—એ રીતે પોતાની લંગોટીની સલામતીથી બાવાજી ખુશ તો થયા, પણ વળી તેને ચિંતા થઈ કે ‘ઠાકોરે આપેલ આ ગાય શું ખાશે ? જંગલમાં કાંઈ બારે માસ લીલું ઘાસ મળવાનો સંભવ નથી.' એટલે વળી બાવાજી ઘાસની ચિંતામાં પડ્યા. ફરી પાછા ગામના ઠાકોર પાસે જઈને બાવાજીએ પોતાની મૂંઝવણ ઠાકોરને કહી સંભળાવી, એટલે ઝટ દઈને ઠાકોર પોતાના તાબાની જમીનમાંથી એક વીઘો કૂવાવાળી જમીન કાઢી આપી અને સાથે બળદની જોડી તથા હળ, ખંપાળી, દાતરડું વગેરે ખેતર ખેડવાની સામગ્રી પણ આપી. એટલે બાવાજીના ચિત્તમાં શાંતિ થઈ અને બાવાજી હવે પોતાની બધી ધ્યાનની-ચિંતનની-મનનની તથા લોકોપકારની પ્રવૃત્તિ છોડીને ખેતી કરવા લાગ્યા અને પોતાની લંગોટીની સલામતીથી નિશ્ચિત રહેવા લાગ્યા. એવામાં એક વાર એ બાવાજીનો ગુરુભાઈ જે બીજા પડખેના જ જંગલમાં રહેતો હતો તે બાવાજીને મળવા આવી ચડ્યો, અને તેણે જોયું કે બાવાજી ખેતરમાં હળ હાંકી રહ્યા છે. આ જોઈને તેને એમ લાગ્યું કે ‘શું હું ભૂલો પડીને બીજે ઠેકાણે આવી ચડ્યો છું ? મારો ગુરુભાઈ તો મસ્ત હતો અને ધ્યાની હતો તથા સતત ઈશ્વરના ચિંતનમાં જ મગ્ન રહેતો હતો. ત્યારે આ છે તો બાવો, પણ ખેતી કરતો જણાય છે’. એટલે એ સ્થાનેથી પાછો વળીને ચાલવા લાગ્યો, પણ આ બાવાજીએ હાંક મારી તેને પાછો બોલાવવા પ્રયાસ કર્યા. એટલે હાક સાંભળીને આવેલ બાવાજી સમજી ગયા કે આ બાવાજી જ મારા ગુરુભાઈ છે. એમ તેણે તેની હાકના શબ્દથી તેમને ઓળખ્યા અને પાછો વળીને પોતાના ગુરુભાઈ અને વર્તમાનમાં ખેડૂત બનેલા આ બાવાજી પાસે પહોંચ્યો અને વંદન-નમન કરીને કુશળ સમાચાર પૂછી તેની પાસે બેઠો. તેણે પૂછ્યું કે ‘ભાઈ ! આ બધો શો પ્રપંચ છે ? તું તો મારા કરતાં વધારે મસ્ત અને ધ્યાની હતો અને સદા ઈશ્વરપ્રાર્થનામાં જ મસ્ત રહેતો હતો. હવે આ બધી ઉપાધિ શેની વધી ગઈ ?’’ આ સાંભળીને આવેલ અતિથિરૂપ બાવાજીને પેલા ખેડૂત બાવાજીએ Page #4 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ-વિરમણ – ૬૯ કહ્યું કે ‘‘આ લંગોટીની સલામતી માટે આ બધી ઉપાધિ વધારવી પડી છે; પણ તારું કેમ ચાલે છે એ તો કહે’. આ સાંભળીને આવેલ અતિથિ બાવાજી બોલ્યો કે ભાઈ ! એક લંગોટીની સલામતી માટે તેં પોતે વૈરાગ્યપૂર્વક લીધેલો સંન્યાસ ખોઈ નાખ્યો અને આ બધી પળોજણમાં પાછો જેવો ગૃહસ્થ હતો તેવો બની ગયો. આ તો સાધનાનો રસ્તો નથી પણ અવતારને નિષ્ફળ બનાવવાનો રસ્તો છે. મારી પાસે પણ લંગોટી તો છે જ, પણ તેને સંભાળવાની ચિંતા મારે ક્યારેય કરવી પડી નથી અને મારી લંગોટીને ક્યારેય ઉંદરે કાતરી જ નથી. માટે તું આ પ્રપંચમાંથી બહાર આવ અને તે લીધેલ સંન્યાસવૃત્તિને ફરી ધારણ કર. આટલી બધી ફિકર લંગોટીની કરવાની હોતી હશે ?' આ કથા ઉપરથી જોઈ શકાય છે કે જાણ્યે-અજાણ્યે સલામતીને બહાને આપણો પરિગ્રહ કેવી રીતે વધતો રહે છે અને એને લીધે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્યનાં આપણાં મહાવ્રતો તથા અણુવ્રતો કેવી રીતે છિન્નભિન્ન થઈ જાય છે તેની સરત પણ રહેતી નથી. આપણે અહિંસાની, સત્યની, અચૌર્યની બ્રહ્મચર્યની સર્વાશે કે દેશથી અર્થાત્ અલ્પાંશે પાલના કરવી હોય તો પરિગ્રહનું નિયમન કર્યા સિવાય શક્ય જ નથી. પરિગ્રહની પાછળ હિંસક વૃત્તિ તો રહેલી જ છે. એવી હિંસક વૃત્તિથી આપણે ટેવાઈ ગયા હોઈ એ હિંસક વૃત્તિ આપણા જેવા અહિંસાધર્મીને કઠતી પણ નથી; એટલું જ નહીં, કેટલીક વાર તો ધર્મને નામે પણ પરિગ્રહ ચાલતો રહે છે એની પણ આપણને જાણ થતી નથી. જૈન આગમોમાં જણાવેલ છે કે “ચિત્તમંતં વા અચિત્તે વા પરિગ્રહ્ય વા કિસામપિ” અર્થાત્ સજીવ કે નિર્જીવ થોડો પણ પરિગ્રહ કરવાથી ભાવકર્મો છૂટી શકતાં નથી. દેહધારી વ્યક્તિ માટે સર્વથા અપરિગ્રહી થવું શક્ય નથી. દેહધારી વ્યક્તિ પરિગ્રહ ઉપર નિયમન તો જરૂર કરી શકે છે અને એ રીતે પરિગ્રહજન્ય હિંસા વગેરે દૂષણોથી જરૂર બચી શકે છે. દાખલા તરીકે આપણી સામે ત્રણ પ્રકારની ચીજો ઉપસ્થિત હોય છે, તેમાંથી આપણે આપણા કાર્ય માટે એવી ચીજ પસંદ કરવાની છે જે આપણી તૃષ્ણાને બહેકાવે નહીં. તો જેમની વૃત્તિ અપરિગ્રહપરાયણ છે તેઓ એવી વસ્તુ પસંદ કરશે જે દ્વા૨ા ઓછામાં ઓછો પરિગ્રહ કર્યો કહેવાય. જે લોકો શ્રેયાર્થી હોય છે તેઓ આ રીતે અપરિગ્રહની વૃત્તિ કેળવતા હોય છે. સુખ કે શાંતિની ખરી ઝાંખી કરવી હોય તો મૂર્છાવૃત્તિનો ધીરે ધીરે ત્યાગ કરવો જોઈએ. આમ ટેવ પાડવાથી, અભ્યાસ કરવાથી, ચિત્ત અપરિગ્રહવૃત્તિથી ટેવાઈ જાય છે. જે ખરા અર્થમાં અપરિગ્રહી હોય છે તે કોઈના પણ દુ:ખનું નિમિત્ત થતો નથી. આ રીતે Page #5 -------------------------------------------------------------------------- ________________ 70 * સંગીતિ અપરિગ્રહવૃત્તિ અહિંસાની સાધનામાં સહાયક બને છે તથા અપરિગ્રહીને અસત્યનો આશ્રય લેવાની જરૂર પડતી નથી. તેથી અપરિગ્રહવૃત્તિ સત્યની સાધનામાં પણ મદદગાર થાય છે. આમ વિચારતાં અપરિગ્રહવૃત્તિ સુખકર નીવડે છે અને દુઃખના નાશમાં પ્રબળ સહાયક બને છે. અપરિગ્રહ માટે મૂર્છાનો ત્યાગ જ સબળ સાધન છે તે ન ભુલાય. - પ્રબુદ્ધ જીવન