Book Title: Karunani Charam Koti Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf Catalog link: https://jainqq.org/explore/249458/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ કરુણાની ચરમ કોટિ દુનિયામાં કોઈ પણ ધર્મને સદાકાળ માટે સર્વ અનુયાયીઓ સાચા, શુદ્ધ અને પરિપૂર્ણ મળી રહે એવું બની શકે નહિ. ધર્મને પોતાની સમજણ અનુસાર જીવનમાં પ્રામાણિકપણે ઉતારવાનો પ્રયત્ન કરનાર અનુયાયીઓમાં પણ અનેક કક્ષા હોઈ શકે. અજ્ઞાન કે અધૂરી સમજણથી ધર્માચરણ કરનાર માણસોનો વર્ગ સામાન્ય રીતે મોટો રહેવાનો. જાણતા-અજાણતાં ધર્મના સિદ્ધાંતોથી ઊલટું આચરણ કરનારા અને છતાં પોતાને ધાર્મિક કહેવડાવનાર લોકો પણ દરેક ધર્મમાં મળવાના. અણસમજથી અધૂરું આચરણ કરનાર કેટલાંક મનુષ્યોના ખોટા દાખલાથી ધર્મ વગોવાય છે. બીજી બાજુ ધર્મનાં સાચાં તત્ત્વો કે રહસ્યોને સમજ્યા વગર કે તેનો અભ્યાસ કર્યા વગર ધાર્મિક માણસોની ટીકા કે વગોવણી કરનારાઓનો એક વર્ગ પણ હોય છે. સદાચારની કોઈ નાનકડી પ્રવૃત્તિથી માંડીને ઊંડી આત્મખોજ સુધી, મોક્ષગતિ સુધી, ધર્મનું ક્ષેત્ર વિસ્તરેલું છે. એ પૂર્ણપણે પામવું એ કોઈક વિરલ વ્યકિત માટે શક્ય છે. સામાન્ય માણસો તો દુરાચાર કરતાં અટકે અને સદાચારી બની રહે એ પણ ઘણી મોટી વાત કહેવાય. પરંતુ ધર્મની ચરમસીમા ત્યાં આવી ગઈ એમ માનીને જેઓ ત્યાં અટકી જાય છે તેઓ પોતે શાનાથી વંચિત રહી જાય છે તે જાણતા નથી. દુનિયામાં દરેક ધર્મ ખોટા અનુયાયીઓને કારણે વગોવાયો છે. તપશ્ચર્યા અને અહિંસાની ભાવનાના ઉચ્ચતમ કોટિના સિદ્ધાંતોને કારણે કેટલાંક સામાન્ય માણસો, જો યોગ્ય માર્ગદર્શન ન મળે તો સાધનાનાં કેટલાંક પગથિયાં ચૂકી જાય એવો સંભવ રહે છે. ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પૂર્વે અહિંસાનો જે ઉપદેશ આપ્યો Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જિનતત્વ તે ઘણી જ ઊંચી કોટિનો છે. સમગ્ર વિશ્વનાં રોજિંદં સુખશાંતિ માટે તે જેમ ઉપયોગી છે તેમ વ્યક્તિની આધ્યાત્મિક સાધનાને માટે પણ ઉપયોગી છે. “દરેક જીવન જીવવું ગમે છે અને કોઈને મરવું ગમતું નથી. માટે કોઈ પણ જીવને મારવો નહિ.” – અહિંસાનું ભગવાન મહાવીરે આપેલું આ સર્વમાન્ય સૂત્ર છે. પરંતુ બધા જીવો એકસરખા નથી. માણસ, ગાય, પક્ષી, માખી, વાંદો કે કીડી -- એ દરેકને મારી નાખવાનું પાપ એકસરખું ન હોઈ શકે, કારણ કે ઇન્દ્રિયો અને ચિત્તનો વિકાસ બધાંમાં એકસરખો નથી હોતો. એવી રીતે મનુષ્યમાં પણ બાળક, વૃદ્ધ, ગર્ભવતી સ્ત્રી, દુર્જન, સંતમહાત્મા એ દરેકની હત્યાનું પાપ પણ એકસરખું ન હોઈ શકે. વળી હત્યા કરનાર દરેકના મનના આશય અને ભાવો એકસરખા નથી હોતા. બીજા જીવોને પોતાના દ્વારા પ્રતિકૂળતા થવી કે બીજાના મનને દૂભવવું ત્યાંથી માંડીને ઘોર હત્યા કરવી ત્યાં સુધીનું ક્ષેત્ર હિંસાનું ગણાયું છે. પરિણામે હિંસાની તરતમતા અનંત કોટિની હોઈ શકે. પ્રેમ અને કરુણા એ મનુષ્યના નૈસર્ગિક ગુણો છે. એ જેમ વધુ સતેજ બને તેમ મનુષ્યની અહિંસાની ભાવના સ્કૂલમાંથી સૂક્ષ્મ તરફ ગતિ કરે. મનુષ્યમાં રહેલાં પ્રેમ અને કરુણા માત્ર પોતાના કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, જ્ઞાતિ, ધર્મ કે સમુદાયનાં મનુષ્યો પૂરતાં જ સીમિત ન રહેવાં જોઈએ. માનવપ્રેમ જગતના તમામ માનવો સુધી વિસ્તરવો જોઈએ. પોતાનો દ્વેષ કે ધિક્કાર કરનાર દુશ્મનને પણ જે સાચી રીતે ચાહી શકે તેની ભાવના તેટલી ઊંચી. કેટલાંક માણસોનો પ્રેમ મનુષ્ય ઉપરાંત માત્ર પાળેલા પ્રાણીઓ સુધી વિસ્તરે છે. એથી આગળ વધી કેટલાંક માણસો હિંસક કે અહિંસક એવાં તમામ પશુપક્ષીઓને ચાહે છે; પણ નાનાં જીવજંતુઓને મારવામાં તેમને કહ્યું જ પાપ જણાતું નથી. તો બીજાં કેટલાંક એથી પણ આગળ વધી નાનામાં નાના એકેન્દ્રિય જીવોની પણ હિંસા ન થાય તેવી રીતે પોતાનો જીવનવ્યવહાર ગોઠવે છે. હવા, પાણી, માટી વગેરેમાં રહેલા સૂક્ષ્મ જીવોનો વિચાર કરીએ તો હિંસા વિના એક ક્ષણ પણ જીવન ન ટકી શકે. એટલે જ અલ્પતમ હિંસાનું ધ્યેય સ્વીકારાયું છે. કેટલાક વિદ્યાર્થીઓ જેમ આગળ ભણે અને પાછળનું ભૂલે, તેમ કેટલાંક માણસો અહિંસાની ભાવનામાં નાનામાં નાના જીવો પ્રતિ પહોંચે છે, પરંતુ Page #3 -------------------------------------------------------------------------- ________________ કરુણાની ચરમ કોટિ મોટા જીવોને ભૂલી જાય છે. કીડીને બચાવે, પણ ગરીબ કે લાચાર માણસનું ક્રૂર શોષણ કરતાં જરા પણ ન અચકાય. આવાં માણસોના એકાંગીણ વ્યવહારથી અહિંસાની ભાવના વિશે સામાન્ય લોકોમાં ગેરસમજ પ્રવર્તતી હોય છે, અને ધર્મ વગોવાય છે. કેટલાંક માણસોની ધર્મભાવના માનવદયાથી વધુ વિસ્તરતી નથી. તેઓ એમ માને છે કે માનવહિતનું અને માનવનાં સુખશાંતિનું કાર્યક્ષેત્ર જ એટલું મોટું છે કે એથી બહાર જવાની જરૂર નથી. આ માન્યતા અધૂરી છે, કારણ કે જગતનાં તમામ મનુષ્યોને સર્વકાળ માટે સર્વ રીતે સુખી કરી શકાય તેવું સંસારનું સ્વરૂપ નથી. વળી, માનવતાનું તમામ કાર્ય પૂર્ણ થયા પછી જ અન્ય પ્રાણીઓ પ્રત્યે યા પ્રગટવી જોઈએ એવું વિભાજિત ઊર્મિતંત્ર મનુષ્યનું નથી. એટલે મનુષ્ય પોતાની ચેતનાનો વિસ્તાર અન્ય મનુષ્ય પૂરતો જ સીમિત કરવાનો પ્રયત્ન કરે તે યોગ્ય નથી. કેટલાક મહાત્માઓના હૃદયમાં જગતનાં તમામ મનુષ્યો પ્રત્યે જેમ પ્રેમ અને કરુણા રહેલાં હોય છે, તેમ જગતનાં તમામ પશુપક્ષીઓ તેમજ સ્થળ કે સૂક્ષ્મ જીવજંતુઓ પ્રત્યે અર્થાત્ તમામ જીવો પ્રત્યે પ્રેમ અને કરુણ રહેલાં હોય છે. તેમનો કોઈ પણ વ્યવહાર સંસારના કોઈ પણ જીવને મન, વચન અને કાયાથી તથા કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રિવિધેત્રિવિધ જરા પણ દુ:ખ ન થાય એ કોટિનો હોય છે. ભગવાન મહાવીરે અહિંસાની ભાવનાને માનવદયા પૂરતી સીમિત ન કરતાં સમગ્ર વિશ્વના તમામ જીવો પ્રતિની દયા સુધી તેને વિસ્તારી. આવી ઉચ્ચતમ જીવદયામાં માનવદયા તો અવશ્ય સમાવિષ્ટ જ છે તે ક્યારેય ભુલાવું ન જોઈએ. ભગવાન મહાવીરે અહિંસાની, પ્રેમ અને કરુણાની ભાવનાને પોતાના જીવનમાં એની ચરમ કોટિ સુધી પહોંચાડી. આ ભાવનાની તરતમતાને પારખવી એ કેટલાંક માટે જો સહેલી વાત ન હોય તો તેને સમજપૂર્વક જીવનમાં ઉતારવી તે તો કેટલી બધી કઠિન વાત ગણાય ! ધર્મની સાચી સમજણ પ્રાપ્ત થાય અને તે પ્રમાણે આચરણ પણ થાય તો એ દ્વારા આત્મશાંતિ અને વિશ્વશાંતિ ઉભય સાધી શકાય.