Page #1
--------------------------------------------------------------------------
________________
૩૦. જિજીવિષા
આજથી છંતાળીસ વરસ ઉપરની અનુભવેલી આ એક ઘટના છે. અમે સહકુટુંબ તે વખતે રાજકોટમાં ગરેડિયા કૂવા પાસેના એક લોહાણા ભાઈના મકાનમાં, રસ્તા ઉપર પડતા ભાગમાં ઉપરની ઓરડીમાં રહેતાં હતાં. રાજકોટમાં તે વખતે હું “શ્રી જિનાગમ પ્રકાશક સભા' તરફથી જૈન આગમ ભગવતીસૂત્ર'ના અનુવાદનું ને સંપાદન-સંશોધનનું કામ કરતો હતો. ભાવનગરવાળા શ્રી પ્રેમચંદ રતનજી શેઠ મારા સ્નેહી અને વિશેષ પરિચિત હતા. તેઓ તેમના જાણીતા કોઈ સાધુના સ્નેહયુક્ત પરિચયને લીધે ગિરનારની યાત્રાએ જતા હતા અને અત્યારે એ યાદ નથી કે સાધુએ તેમને નિમંત્રણ આપેલું કે તેઓ પોતાની મેળે ગિરનાર જવા તૈયાર થયેલા. સાધુનું ત્યાં મકાન હતું. એ મકાન ગોરખમઢી પાસે ઘણું કરીને હતું. શેઠ પ્રેમચંદભાઈ બાવા સાધુના સત્સંગી હતા અને ભજનના પણ રસિક હતા. એ બાવાજીનું નામ પણ ભૂલી ગયો છું. જ્યાં અમે ગિરનારમાં ઊતરેલા ત્યાં મુખ્ય સાધુજી અને તેમના શિષ્યો રહેતા હતા. બહુ આદર-સત્કારથી એ સાધુજીએ શેઠની અને તેમની સાથે આવેલા મિત્રોની બહુ સારી સરભરા કરી હતી. પ્રેમચંદ શેઠ, મુનિશ્રી જિનવિજયજી, હું અને શેઠનો રસોઈયો તથા નોકર એટલા જણા અમે એ પ્રવાસમાં હતા. સાધુજીએ ચૂરમાના લાડવા અને અડદની દાળનું શાક કરાવેલું. આ ઉપરાંત બીજાં શાકભાજી વગેરે પણ હતાં ખરાં. મારી ઉમર તે વખતે લગભગ ૩૧ વરસની. શરીર પણ સ્વસ્થ. વજન ૧૨૫-૧૩૦ની આસપાસ. ભોજનની સ્પર્ધામાં ઊતરી શકે ખરો. અમે સૌ સાથે બેસીને જમણ જમ્યા. થોડી વિશ્રાંતિ કરી. શેઠને પહાડમાં ફરવાનો અને નવું નવું જોવાનો પણ શોખ ખરો. ગિરનારની યાત્રા આ પહેલાં મેં એક વાર અત્યંત ભક્તિભાવે પગે ચાલીને કરેલી. પણ તેમાં માત્ર દેવદર્શન જ; જોવાનાં સ્થળો વિશે કોઈ માહિતી ન હતી. બાવાજીના ચેલાએ શેઠને
Page #2
--------------------------------------------------------------------------
________________
ર૩ર • સંગીતિ
કહ્યું કે, “ચાલો તો પાંડવગુફા અને સિદ્ધગુફા બતાવું.”
એ ચેલો પોતે સાથે આવવા તૈયાર થયો. અમારી મંડળી આખી ચાલવા માંડી. આગળ ચેલો અને પાછળ અમે. કોઈ રસ્તો નહોતો, તેમ કેડી પણ નહોતી. જંગલી પહાડ ખૂંદતાં ખૂંદતાં ચાલવા લાગ્યા. સમય બપોરના ત્રણ પછીનો હતો. તાપ તો હતો, પણ ખુલ્લી હવાને લીધે શીતળતા હોવાથી તાપ તકલીફ કરે તેવો ન હતો. સારી રીતે જમેલા એટલે સૌને તરસ લાગી; પાણી સાથે નહિ લીધેલું. ચેલાને તરસની વાત કરી એટલે એ કહે, “અહીં પાણી મળવાનો સંભવ નથી. પણ ચાલો, અહીં એક નાનું એવું ઝરણ ટપકે છે. થોડું થોડું પાણી મળશે અને ગળું ભીનું થશે.” અમે બધા ચેલાની પાછળ પાછળ એ ઝરણા તરફ વળ્યા. ખરેખર તે જરા જરા ટપકતું હતું.
બધાએ ખોબે ખોબે થોડું થોડું પાણી પીધું. પછી પેલી ગુફાઓ જોવા અમે સૌ ચેલાની પાછળ ચાલવા લાગ્યા. કઈ ઋતુ હતી તે યાદ નથી, પણ અજવાળિયું પૂરબહારમાં ખીલ્યું હતું તે બરાબર યાદ છે. સાંજ પડવા આવી છતાં એક પણ ગુફા દેખાઈ નહીં, પણ ચેલો તો આગળ ને આગળ ચાલતો રહ્યો. પેલા ઝરણા પાસેથી તે ખરેખર રસ્તો જ ભૂલી ગયેલો. પણ તે કશું જ બોલ્યો નહીં અને જાણે રસ્તો ખોળતો હોય તેમ આગળ ચાલવા લાગ્યો. હવે તો ચંદ્રની જયોત્સા ખીલી નીકળી હતી અને અમે બધા પણ સમજયા કે ભૂલા પડ્યા છીએ. પણ જવું ક્યાં તેની કશી ખબર ન પડે. ચેલો અમારો નેતા એટલે એની પાછળ જ ચાલવું રહ્યું. રસ્તો તો ક્યાંથી હોય ? પણ કોઈ કેડી પણ નહીં. મોટા મોટા પથરા ઠેકવાના, ને બન્ને બાજુ સઘન છોડવા; તેમાંથી પસાર થતાં શરીર તો છોલાવા માંડ્યું અને કપડાં પણ ચિરાવા લાગ્યાં.
વચ્ચે ઊંચા ઊંચા પથરા આવે તે ઉપર ચડી જવાનું અને પાછું ઠેકીને નીચે ઊતરવું કે કૂદી પડવાનું. ક્યાંક ક્યાંક પાંચ પાંચ કે દસ દસ કે તેથીય વધારે ફૂટ ઊંચા પથરા ઊભા હોય. તેની ઉપર ધીરે ધીરે ચડવું અથવા છલાંગ મારીને ચડવું અને જે વેગે ચડ્યા તે જ વેગે નીચે પડતું મૂકવું. ક્યાંક ક્યાંક સૂઈને ચાલવું પડે, કયાંક કયાંક બેસી બેસીને પણ ચાલવાનું આવે. આમ ને આમ રાતના અગિયાર વાગ્યા; પણ રહેઠાણનો પત્તો ન લાગ્યો. જમ્યા પછી એક જ વાર પેલા ઝરણામાંથી થોડાં ટીપાં પાણી મળેલું તે જ માફ. પછી તો ચાલ્યા જ કરવાનું આવ્યું.
Page #3
--------------------------------------------------------------------------
________________
જિજીવિષા ૦ ૨૩૩
પાણી વગેરે કોઈને સાંભરતું નહોતું. કેમ કરીને રહેઠાણ સુધી પહોંચાય તોય ગનીમત. પ્રેમચંદ શેઠ ભારે સુંવાળા. તેમને આવો અનુભવ તો ક્યાંથી હોય? પણ દુઃખ સહન કરવાની ટેવ તો ખરી. મારી તો નાનપણથી ગરીબી અને શ્રી જિનવિજયજી તો સાધુબાવા થયેલા અને પછી મુનિ થયેલા એટલે એમને પણ કષ્ટ સહેવાની ટેવ ખરી. વળી પોતે જાતે ક્ષત્રિય એટલે શૌર્ય પણ ખરું. માત્ર એક શેઠ સુકોમળ; પણ અહીં શું થાય? બધા જ ચૂપચાપ, કશું જ બોલ્યા વિના રસ્તો કાપતા હતા.
આમ ચાલતાં ચાલતાં રાતના બે વાગ્યા. શેઠ પાસે ઘડિયાળ હતી, એટલે સમયની ખબર પડેલી. નીચાણમાં પર્વતની ઝાડીમાં કયાંક પહોંચેલા. પણ સ્થળ ન સૂઝે. ચંદ્રનો સરસ પ્રકાશ એટલે બધું દેખાય ખરું એટલી પરમેશ્વરની મહેરબાની.
પછી તો અમે દરખાસ્ત મૂકી, કે “હવે અહીં જ ધામા નાખો. આસપાસથી લાકડાં વીણી લાવો અને ભડકો કરો, એટલે નિરાંતે બેસાય અને ભડકાને લીધે કોઈ જંગલી જનાવર પાસે ન આવે.”
સૌ જાગતા રહેવાના હતા; ઊંઘ આવવાનો સંભવ જ ન હતો. પણ ચેલો કહેઃ “આપણે અહીં નથી રહેવું. આગળ ને આગળ ચાલો, એટલે રહેઠાણ આવી જશે.”
એને કાંઈ ખબર ન હતી, પણ તે એમ ને એમ જ ગપ મારતો હતો. તે પણ બિચારો દુઃખી તો થયો, પણ તેને તો પહાડમાં આથડવાની ટેવ એટલે હરકત નહીં. વળી તે તો ઘરબાર છોડીને ચેલો થયેલ એટલે તેને આગળ ઉલાળ નહીં અને પાછળ ધરાળ નહીં; તેમ પાછળ કોઈ રોનાર પણ નહીં. પણ અમારી સૌની દશા એનાથી તદ્દન જુદી હતી. માથે કુટુંબની જવાબદારી, સંશોધનના કામની જવાબદારી.
શેઠની માથે પણ પોતાના બહોળા કુટુંબની, વેપારવ્યવહારની અને પોતાની બે પત્નીઓની પણ જવાબદારી. આમ છતાં કોઈ અકળાતું નહોતું. પણ હવે આગળ ચાલવાની હિંમત ઓછી થઈ ગયેલી. બપોરના ત્રણસાડાત્રણ વાગ્યેથી ચાલવા માંડેલું તે અત્યારે રાતના બે વાગ્યાથી પણ વધારે રાત ભાંગેલી, એટલે આ ગલીમાં જ રાત પૂરી કરવાની વાત કરી. પણ તે ચેલાના માન્યામાં ન આવી. પછી તો સુવાણે-કસુવાણે ચાલવું જ રહ્યું. એટલે અમે બધાં તો માત્ર એક જિજીવિષાને જોરે જ આગળ વધવા લાગ્યા. એવામાં ઉપરથી કોઈ સાધુએ અમારા પડછાયા જોયા. એ સાધુ રાતે ક્યાંથી
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૩૪ • સંગીતિ
આવ્યો હશે ને પોતાની જગ્યામાંથી બહાર નીકળ્યો હશે? અમારે મન એ અજાણ્યો હતો, પણ અમને જિવાડવા જ પરમેશ્વરે તેનું ધ્યાન અમારા પડછાયા તરફ કેમ જાણે દોર્યું ન હોય તેણે તો જ્યાં ઊભો હતો ત્યાંથી જોરથી બૂમ પાડી કે, “એલા, કોણ છો? આમ ક્યાં મરવા જાઓ છો ?”
આ સાંભળીને અમારામાંના કોઈએ કહ્યું કે, “અમે ભૂલા પડ્યા છીએ અને અમારે ગોરખમઢી પાસે અમુક મહંતના મકાનમાં જવું છે.”
આ સાંભળીને પેલા સાધુએ જોરથી કહ્યું કે, “તમે જયાં છો ત્યાં જ ઊભા રહો. હું નીચે તમારી પાસે આવું છું અને તમને રસ્તો બતાવી, તમે જયાં ઊતર્યા છો તે મહંતની મહૂલી પાસે મૂકી જાઉં છું.” આ સાંભળી અમે સૌ તરત જ એકદમ થંભી ગયા. વીસ-પચીસ મિનિટમાં તો ફાનસ લઈને અમારી પાસે એ આવી ગયો અને અમને સીધો સરળ પગથિયાવાળો રસ્તો બતાવી દીધો. ત્યાંથી અમે ઝપાટાબંધ ચાલવા લાગ્યા.
અમે આશરે રાતના ત્રણેક વાગ્યે પેલા મહંતની મઢુલીએ પહોંચ્યા; થાકીને લોથપોથ થઈ ગયેલા. અત્યાર સુધી તો ચાલવાનું જોમ હતું, પણ હવે તો એ પણ ન રહ્યું. બેઠા ત્યાંથી ઊભું જ ન થવાય; પગ ચાલવાની જ ના પાડે. પગે ગોટલા ચડી ગયા. થોડો વિસામો લઈ પહેલું કામ પાણી પીવાનું કર્યું. બીજા વિશે મને કશું યાદ રહ્યું નથી, પણ મારી પોતાની વાત મને બરાબર યાદ છે, કે મેં તો પાણીનો ભરેલો ઘડો જ મોઢે માંડ્યો અને ધરાઈ ધરાઈને પાણી પીધું. મહંતજીએ અમારે માટે ગાદલા પથરાવીને રાખ્યા હતા, એટલે ઝટ ઊંઘભેગા થઈ ગયા. સવારે કાં'ક કળ વળી.
પેલા ચેલાજી કહે : “હવે ચાલો, એ ગુફાઓ તથા બીજી ગુફાઓ બતાવવા સાથે આવું.”
અમે ઘસીને ના પાડી. એને બિચારાને ઉત્સાહ હતો, પણ અમે ભો ખાઈ ગયેલા એટલે તેની જોડે જવાની તો ના પાડી. શ્રી જિનવિજયજી અને શેઠ તો જોવાના રસિયા હતા, એટલે એમણે હા પાડતાં હું પણ સાથે જોડાયો.
પછી તો સવારમાં શૌચ, દાતણપાણી કરી, થોડો નાસ્તો લઈ, બધા ઊપડ્યા ગુફાઓ જોવા. ચિદાનંદજીની અને બીજી એવી અનેક ગુફાઓ જોઈ. ગુફાનું મોટું ક્યાંક સાંકડું ને કયાંક પહોળું. અંદર થોડો-ઘણો પ્રકાશ આવે તેવી સગવડ ખરી. કોઈ ગુફા તો અંદરથી રીતસર ચણેલી દેખાઈ. ગુફામાં પેસતાં ક્યાંક સૂઈને પેસવું પડે અને કયાંક બેસીને પેસવું પડે. ગુફામાં કોઈ જંગલી પશુ તો નહીં હોય—એની ખાતરી કરવા અમે એકબાજુ દૂર
Page #5
--------------------------------------------------------------------------
________________ જિજીવિષા - 235 ઊભા રહીને મોટા અવાજો કરીએ, અને પછી જ પ્રવેશ કરીએ. સાથે ઝગમગતી બેટરીનો દીવો રાખેલ ખરો. સવારના પહોર હતો, એટલે ભય જેવું કશું હતું નહીં. ગુફાઓ જોઈને અમને એમ તો જરૂર લાગ્યું કે આમાં રહેવું, સ્થિર ચિત્તે ધ્યાન કરવું અને નિર્ભય રહેવું એ બચ્ચાના ખેલ નથી. આ માટે તો મોટા મોટા છાતીકઢા પણ તૈયાર થઈ શકે નહીં. પણ પછી તો અમે આઠદસેક ગુફાઓ ફરી વળ્યા અને મઢુલીમાં પાછા ફરી જમી લીધું. પછી પરવારી, સ્ટેશન ભેગા થઈ ગયા. શેઠ તો પહોંચ્યા ભાવનગર. મુનિજી મારે ત્યાં રાજકોટ આવેલા, પણ વધારે ન રોકાયા. તેઓ તે વખતે “ગુજરાત પુરાતત્ત્વ મંદિરના આચાર્ય હતા. જો કે શેઠને અને મુનિજીને શરીરે સારી રીતે ઉઝરડા થયેલા, છોલાયેલું અને લોહી પણ નીકળેલ, છતાં તેમને કોઈ કુટુંબીએ કે મિત્રે આ શું થયું, એવું કશું પૂછ્યું હશે કે કેમ તેની મને ખબર નથી. પણ મારે ઘેર પહોંચ્યા પછી વળતે દિવસે જ્યારે હું ના'વા બેઠો ત્યારે મારી પત્નીએ મારું શરીર જોતાં જ જરા અચંબો પામી, મારાં માતાજીને કહ્યું કે, “મા! આમનું શરીર તો જુઓ. ગિરનારમાં વાઘવરુ સાથે લડાઈ થઈ હોય અને લોહીલુહાણ થયા હોય એવું લાગે છે. તે તો કશું બોલતા નથી અને હસ્યા કરે છે.” પછી મારી મા પાસે આવ્યાં અને આમ થવાની ખરી હકીકત કહેવાની મને સૂચના કરી. એટલે ગરમ પાણીએ નાહી, થાક ઉતારી, બધી વાત તેમને વિગતથી કહી સંભળાવી. મને પણ આ પ્રસંગે એમ તો લાગ્યું, કે જિજીવિષા ન હોત તો ઘરે પાછા પહોંચાત કે કેમ? વળી પરમેશ્વરે પેલા સાધુને રસ્તો બતાવવા ન મોકલ્યો હોત તો શા હાલ થાત? અમે જે ઊંચા ઊંચા પથ્થરો ઠેકેલા તેથી તો અમને ઠેકનારાને જ એ વખતે અચંબો થાય કે આ શી રીતે ઠેકી શકાય? જાણી જોઈને ઠેકવા જઈએ તો તે કદી જ ન ઠેકી શકાય એવા અને એટલા બધા ઊંચા હતા. પણ પરમેશ્વરે માણસના મનમાં જિજીવિષા મૂકેલી છે એની જ આ બનાવ સાબિતી છે. - જનકલ્યાણ, ફેબ્રુ. - 1967