Page #1
--------------------------------------------------------------------------
________________
જાણ્યું છતાં અજાણ્યું મુનીન્દ્ર મુનિ શ્રી દીપરત્નસાગરજી મહારાજ
કુમારપાલ દેસાઈ પાંચસો એક ગ્રંથના રચયિતા મુનિરાજશ્રીની અપૂર્વ જ્ઞાનસાધના - ૫૦૧ પુસ્તકો તો રચી ચૂક્યા છે અને બીજાં પુસ્તકોની રચના ચાલુ છે
જિંદગીમાં આવતા પરિવર્તનની ક્યાં કોઇને ઝાંખી થતી હોય છે, પરંતુ એ પરિવર્તનની પાછળ કુટુંબના સંસ્કારો અને આંતરિક જિજ્ઞાøસાનું પ્રચંડ પીઠબળ હોય છે. આમ તો પોતાના બી.એડ્.ના અભ્યાસકાળ દરમિયાન પોતાના તોફાનને કારણે જાણીતા થયેલા હોશિયાર તરુણ દીપકે એમ.કૉમ. અને એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. એના પિતાના દાદીમા અને ફોઇબાએ દીક્ષા લીધી હતી. પોતાનાથી આઠ વર્ષ મોટા ભાઇએ પણ દીક્ષા લીધી હતી. એમના દૂરના કાકાએ પણ આવી દીક્ષા ગ્રહણ કરી હતી અને એટલે અભ્યાસ કરતી વખતે પણ એમનો રંગ તો વૈરાગ્યનો હતો.
એસ.વાય.બી.કોમ.ના અભ્યાસ સમયે રામકૃષ્ણ મિશનથી પરિચિત બનતાં જિંદગીમાં એટલી તો ગાંઠ વાળી કે મારે લગ્ન કરવા નથી અને દીક્ષા લેવી છે. દીક્ષા ક્યાં લેવી એ મનમાં નિશ્ચિત નહોતું, પરંતુ દીપકે માન્યું કે હવે આ સંસારી જીવન જોઇએ નહીં અને એણે કન્યાની શોધ કરી રહેલા માતાપિતાને કહ્યું કે મારે દીક્ષા લેવી છે. દીપકના મોટાભાઇએ દીક્ષા લીધી હોવાથી એમના પિતા કાંતિભાઇ આ વાતને સ્વીકારી શક્યા, પરંતુ માતા હૈયાફાટ રુદન કરવા લાગી. પણ અંતે થોડા સમયે વર્ગખંડમાં અધ્યાપન કરાવનાર દીપક જૈન સાધુના શ્વેત વસ્ત્રોમાં ખુલ્લા પગે અને પોતાના ગુરુ સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરવા લાગ્યો. એ દીપકમાંથી મુનિશ્રી દીપરત્નસાગરજી બન્યા અને એમણે જ્ઞાાનમાર્ગે બક્તિ કરવાનો સંકલ્પ ધારણ કર્યો. એમાંથી એક નવી વાત સર્જાઇ અને તે એમની ગ્રંથયાત્રાની.
એમણે જ્યારે અધ્યાપનકાર્ય સમયે સંશોધનકાર્ય કરવાનો વિચાર કર્યો, ત્યારે 'એજ્યુકેશનલ ફિલોસોફી ઑફ જૈનિઝમ' વિશે પીએચ.ડી.નો મહાનિબંધ લખવા ચાહતા હતા, પરંતુ એ પ્રસંગે એમણે જૈન ધર્મના જુદાં જુદાં પુસ્તકો વાંચ્યા. આ વાંચન પણ એમને સંસારના માર્ગેથી સંયમના માર્ગે દોરી ગયું. જૈન મુનિ બન્યા પછી એમણે જોયું કે જૈનધર્મના અભ્યાસના પાયા સમાન સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ મુશ્કેલ બનતો જતો હતો. એક બાજુ આ વિષયના વિદ્વાન પંડિતો મળતા નહીં અને વળી જો કોઇ પંડિત મળે, તો પણ કોઇ સંઘ એમના ખર્ચને ઉઠાવવા ભાગ્યે જ તૈયાર હોય. આથી એમણે સંસ્કૃત વ્યાકરણ તૈયાર કરવાનું કામ શરૃ કર્યું. એક હજાર પૃષ્ઠના ચાર ગ્રંથો તૈયાર કર્યાં.
Page #2
--------------------------------------------------------------------------
________________
એ પછી તો ગ્રંથરચના ચાલવા લાગી. 'અભિનવ ઉપદેશ પ્રસાદ' નામનો એકસો કરતાં વધારે વિષયોને આવરી લેતો ગ્રંથ તૈયાર કર્યો. આ ગ્રંથની રજૂઆત પણ એવી કે જિજ્ઞાાસુથી માંડીને વિદ્વાનોને- સાધુઓને પણ ઉપયોગમાં આવે. એ જ રીતે એમણે જૈન પંચાંગની જરુર જોઇ અને એ તૈયાર કરતાં કેટલાકને એનાથી ધર્મક્રિયા કરવાની અનુકૂળતા મળી અને કેટલાકને પોતાના પંચાંગ માટે સામગ્રી મળી. આવી જ રીતે 'બાર વ્રત પુસ્તિકા' પ્રગટ કરી, ચૈતન્યવંદન માળા'માં ૭૭૯ ચૈત્યવંદનનો સંગ્રહ પ્રગટ કર્યો. 'સમાધિમરણ' પ્રાપ્તિ માટે સમાધિમરણ નામનું પુસ્તક તૈયાર કર્યું. જૈન સચિત્રપ્રતિક્રમણ નામના બારસો પાનાંનાં ગ્રંથનું સર્જન કર્યું અને એ જ રીતે એમણે તત્વાર્થસૂત્ર અભિનવટીકા નામનો ગ્રંથ તૈયાર કર્યો જે આજે અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં પણ જૈનધર્મના ફિરકાઓને માન્ય એવો ગ્રંથ હોવાથી એના તત્ત્વજિજ્ઞાસુ મંડળોમાં એનો અભ્યાસ કરાવાય છે. ઉપનિષદ, ગીતા, પુરાણ, બાઈબલ જેવાં ધર્મગ્રંથોની જેમ જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ આગમ છે. આ પવિત્ર આગમગ્રંથ પ્રાકૃત ભાષામાં છે અને તેના પરનાં વિવેચનો સંસ્કૃત ભાષામાં રચાયેલાં છે. આથી એ ગ્રંથો ઉપલબ્ધ થાય એવી મુનિરાજશ્રીની ભાવના છે.
જૈન આગમગ્રંથોનું ભાષાંતર અને ભાવાર્થ આલેખવા પાછળ મુનિરાજશ્રી દીપરત્નસાગરજીની એવી ભાવના હતી કે સંસ્કૃત-પ્રાકૃતની સમાજનો અભાવ છે. વાસ્તવિક અભ્યાસની લગન ઓછી થઇ રહી છે અને કેવળ ભાષાના જ્ઞાાનના અભાવના કારણે સાધુ, સાધ્વી કે પછી શ્રાવકો શાસ્ત્રજ્ઞાગનથી વંચિત ન રહે એટલે મેં આ કામ હાથ ધર્યું. પરિવર્તિત ભાષા દ્વારા મહાવીર માર્ગનું સિંચન ચાલુ રહે એ ભાવના. આ કાર્યથી મને પ્રચંડ સંતોષ છે. જિનેશ્વરની જ્ઞાાનભક્તિનો જે આનંદ છે એનું મૂલ્ય ન આંકી શકાય.
જૈન આગમ પરના એમના અઢીસો પુસ્તકો મળે છે અને જૈન ધર્મના ધર્મગ્રંથ સમાન આગમગ્રંથો મુનિરાજશ્રીએ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરી આપ્યા છે. ભગવાન મહાવીરની વાણી ઉપરાંત, સાધુ, સાધ્વી અને શ્રાવકોના કર્તવ્યની વાત છે. વહેલી સવારથી માંડીને મોડી રાતના બારથી ચૌદ કલાક સુધી મુનિરાજ કાર્ય કરે. ક્યારેક થાક લાગે તો પદ્માવતી માતાની પાંચ માળા ગણે અને મુનિરાજમાં નવી શક્તિ જાગી ઊઠે. એમનો આગમ-સુત્તાણીસટીકમ' ગ્રંથ વિશ્વના ચૌદ દેશમાં ગયો છે. એમણે આગમસૂત્ર સટીકનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને ૪૫ આગમનાં મૂળ સૂત્રો અને તેના નિર્યુક્તિ, વૃત્તિ આદિ ટીકાગ્રંથો સહિત દસ હજાર જેટલાં પૃષ્ઠોમાં એને ૪૨ વોલ્યુમમાં મુદ્રિત કર્યું છે. આ સંપુટનું વજન જ સવા સોળ કિલો થાય છે.
૧૯૮૪થી શરુ થયેલી લેખન-પ્રકાશનની એમની શ્રતયાત્રા અત્યાર સુધી ચાલુ છે. એમણે વ્યાખ્યાન, વ્યાકરણ, આરાધના, પૂજન, સૂત્રઅભ્યાસ, વિધિ, જિનભક્તિને અનુલક્ષીને બાવન જેટલાં ગ્રંથોનું સર્જન કર્યું છે. એકલે હાથે આગમ કાર્ય કર્યું અને એમને 'આગમ દિવાકર'ની પદવી પણ અર્પણ થઇ. હવે આ ગ્રંથો સહુને સહેલાઇથી ઉપલબ્ધ થાય તે માટે એ સાહિત્યને ઈન્ટરનેટ પર (www.jain e-library.org) વિશાળ સમુદાય સુધી એમના આ ગ્રંથોનું જ્ઞાાન ઉપલબ્ધ થયું. એમના પુસ્તકોની બે ડિવિડીમાં એક ડિવિડી મુનિશ્રીના ૮૦ હજાર પૃષ્ઠોમાં રહેલાં ૫૦૧ પ્રકાશનો આપે છે, જ્યારે બીજી ડિવિડીમાં 'તત્વાર્થસૂત્ર' નામક ૨૦૦૦ વર્ષ પ્રાચીન ગ્રંથ સંબંધી છે. જેમાં ૨૭૫૦૦થી વધુ પાનામાં ૭૨ પુસ્તકો અને ૧૨ લેખો છે. ગુજરાતી, સંસ્કૃત, હિંદી, અંગ્રેજી, પ્રાકૃત, મરાઠી, ભાષામાં
Page #3
--------------------------------------------------------------------------
________________ શ્વેતાંબર, દિગંબર આદિ જૈન વિદ્વાનો દ્વારા 'તત્વાર્થસૂત્ર'નું વિવેચન કે અનુવાદ કરેલ ગ્રંથોનું આ વિશાળ સંકલન છે. દીપરત્નસાગરના તત્વાર્થ સાહિત્ય વિષયક ગ્રંથોનું વિશેષ નોંધપાત્ર છે. 'તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા' (અધ્યાય-૧) અને 'તત્વથંભિગમ સૂત્ર અભિનવ ટીકા' ભા. 1 થી 10 એમ બે પુસ્તકોમાં સુત્ર, હેતુ, મૂળસૂત્ર, સંધિ સહિત સૂત્ર, સૂત્રાર્થ, અનુવૃત્તિ, અનેક સંદર્ભગ્રંથોમાંથી સંકલિત માહિતીયુક્ત અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, આગમસંદર્ભ, સૂત્રનું પદ્ય, નિષ્કર્મ જેવા વિભાગો સહિત દશાંગી વિચરણ કરવામાં આવ્યું છે. દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ અને વિષયસૂચિ જેવાં સર્વાગી અભ્યાસમાં ઉપયોગી થઇ શકે એવા સમૃદ્ધ અને શાસ્ત્રીય પરિશિષ્ટો આપવામાં આવ્યા છે. પ્રત્યેક અધ્યાયના અંતે પણ સૂત્રક્રમ આકારાદિક્રમ, શ્વેતામ્બર અને દિગમ્બર પાઠભેદ જેવાં પરિશિષ્ટો મૂકવામાં આવ્યાં છે. મુનિશ્રીના આવાં જુદા જુદા ગ્રંથો કે શાસ્ત્રોનું વિમોચન મુંબઇ, જામનગર, નીમચ, વડોદરા, અમદાવાદ, ગોંડલ, ધોરાજી, થાનગઢ વગેરે સ્થળોએ થયેલ છે. દીપરત્નસાગરજી ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના 97 દેશના 25000 કરતાં વધુ સભ્યો સાથે જોડાયેલા છે. મુનિશ્રી જાપ-ધ્યાનમાં પણ નિત્ય રત છે. રોજ ત્રિકાળ 108 નવકારનો જાપ, તે સિવાય આજ પર્યત 1.8 લાખ ઉવસગ્ગહર, 27 લાખ પદ્માવતી મંત્ર, 1 લાખ લોગસ્સસૂત્ર, 4 લાખ વિદ્યામંત્ર, 4 લાખ વર્ધમાનવિદ્યા, સવા લાખ ચિંતામણી મંત્ર વગેરે અનેકવિધ જાપ કરેલા છે. દીપરત્નસાગરજીએ પદ્માવતી, ભક્તામર, વિંશતિસ્થાનક ઉવસગ્ગહરં સંતિકર, 45 આગમ વગેરે અગિયાર મંત્રોનું સંકલન પણ કરેલ છે. આજે પણ મુનિરાજશ્રી દીપરત્નસાગરજી મ.ની જ્ઞાનસાધના અખંડરૂપે ચાલુ છે. 30 વર્ષથી જ્ઞાનસાધનાને પરિણામે પાંચ ભાષાઓમાં દસ હજારથી વધુ પૃષ્ઠોનું સાહિત્ય મળે છે. 501 પુસ્તકો તો રચી ચૂક્યા છે અને બીજાં પુસ્તકોની રચના ચાલુ છે. સૌરાષ્ટ્રના થાનગઢમાં બિરાજતાં મુનિરાજની જ્ઞાનસાધના ભવિષ્યમાં અનેક ગ્રંથરત્નો આપી જશે. ગુજરાત સમાચારમાંથી સાભાર.. 26-10-2014