Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ' – એક બહુમૂલો સંદર્ભ-ભંડાર
કનુભાઈ જાની
બરાબર એક વરસ પહેલાં (૧૯-૧-૯૭) જૈન ગુર્જર કવિઓના દળદાર દસ ગ્રન્થોનો લોકાર્પણ-સમારોહ થયેલો. ત્યારે એ વિષે પ્રસંગોચિત વક્તવ્ય આપેલું. હવે એ પ્રસંગનાં વક્તવ્યો ગ્રન્થસ્થ થાય છે ત્યારે, તે વખતના મુદ્દાઓને વ્યવસ્થિત મૂકવાનો અવકાશ છે. - આપણા વિદ્યાક્ષેત્રની આ એક એવી અવિસ્મરણીય મહત્ત્વની ઘટના છે જેની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધ લેવાવી ઘટે. ભારતીય ભાષાઓમાંથી ભાગ્યે જ આવું સાતત્યપૂર્ણ વિદ્યા-આરાધન બીજે થયું હશે. આર્ને-
ટોપ્સન યાદ આવે. એકની સૂચિ. બીજાએ શુદ્ધિવૃદ્ધિસમેત રજૂ કરીને “Motif Index આપ્યો - છ ગ્રંથોમાં. આ ભિન્ન-વિષયે એ જ કક્ષાનું કાર્ય છે. ગુજરાત જેને માટે ગૌરવ લઈ શકે એવી અવિરત અખંડ એક સદીની આરાધનાનું ફળ છે. કેવળ સમયાવધિ જ નહિ અનવરત વિદ્યાપ્રીતિ ને સજ્જતાપૂર્વકનો સતત. પરિશ્રમ બે વિદ્વાનોએ પરસ્પરનાં કામની પૂર્તિરૂપે કર્યો ! અહીં પરસ્પર' શબ્દ કદાચ કોઈને ખટકે; પણ પૂર્વેના વિદ્વાનના મનોગતોને જાણીને, કલ્પીને, જાણે બીજાએ કામ કર્યું ! એકબીજાની પ્રત્યક્ષ સન્નિધિ વિના, માનસિક સન્નિધિથી ! બહુ ઊંચા પ્રકારની અખંડ લગની વિના ને એ માટેની પૂરી સજ્જતા વિના આ જ્ઞાન-સાહસ / વિદ્યાસાહસ પાર ન પડે. કોઈ પણ દેશની વિદ્વત્તાના ઇતિહાસમાં નોંધપાત્ર બને એવી આ ઘટના છે. એમાં જયન્તભાઈની, બુઝાતા દીવા જેવી અત્યન્ત ચિન્તાજનક તબિયત પણ ન નડી, એમાં કલ્યાણકૃત્ કશુંયે તે દુર્ગતિ પામશે નહીં એવી ઉપરવાળાની કાળજી ગણવી હોય તો ગણો. અવિચલિત માનસિક સ્વસ્થતા, વિદ્યાપ્રીતિની પ્રેરકતા, ચિકિત્સકો ને સ્નેહીઓની પ્રેમભરી માવજત, પોતાની અડગતા - જે ગણવું હોય તે ગણો. પણ આવું અત્યંત વિરલ વ્યવધાનોની વચ્ચેથી જાણે વિધાનો અખંડ દીપ વધુ તેજ સાથે બહાર આવ્યો ! આના ગ્રંથકારોની વાત વિના આ ગ્રન્થની વાત અધૂરી ગણાય; ને ગ્રંથનું ય માણસ જેવું છે : માણસની પિછાણ પરિચય જ થાય તેમ ગ્રંથની વાત ભલે કરીએ, પણ એનો પરિચય મેળવ્યા-કેળવ્યા પછી જ એનું મૂલ્ય સમજાય. એનો જાતઅનુભવ કરવો પડે. અહીં તો એવા જાતઅનુભવની જ વાત છે.
જગતના બહુ જૂજ દેશો એવા હશે જેની ભાષાના સાહિત્યનો સતત
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ' – એક બહુમૂલો સંદર્ભ-ભંડાર
૧૭
હજારેક વર્ષનો અંકોડાબંધ ઇતિહાસ સળંગ મળતો હોય. ગુજરાતી એ રીતે અપવાદરૂપ સદ્ભાગી છે. એનું સાહિત્ય મબલક પ્રમાણમાં લિખિત રૂપે ને મૌખિક રૂપે બેય રીતે સચવાતું આવ્યું. એનાં ઐતિહાસિક કારણો તો સુવિદિત છે. જૈન ભંડારો ને વૈયક્તિક ગ્રન્થાલયોમાં આ સાહિત્ય સચવાયું અને સમાજ-ધર્મ-ઉત્સવો-મેળા-રીતરિવાજો વગેરે સાથે અવિનાભાવે કંઠોપકંઠ કેટલુંક વહેતું રહ્યું. તો ચારણો-ભારોટો-મીર આદિ વિદ્યાધરોની વ્યાવસાયિક જાતિઓને કારણે પણ જળવાયું. પણ આ બન્ને પ્રકારના સાહિત્યની મહત્તા ને મહત્ત્વ અંગેની સભાનતા આવી મોડી.
અહીં તો હસ્તપ્રતઝરત સાહિત્યની જ વાત છે. એમાંય જાગ્યા મોડા. જાગ્યા ને જોયું-જાણ્યું ત્યારે એ સાહિત્ય જુદાજુદા ભંડારોમાં ને ગ્રંથાલયોમાં કે વ્યક્તિઓ પાસે અહીં-તહીં બધે વેરવિખેર હતું. સમગ્ર ગુજરાત-રાજસ્થાનમાં વેરાયેલું ! બધે જઈજઈને, બધી હસ્તપ્રતો ઉકેલી-સાંભળી-વાંચી-નોંધીને પછી કાળક્રમે ગોઠવવાનું - તેય સો વરસ પહેલાં, ટાંચાં સાધન, કરે કોણ ? એકેએક કર્તા, ને એકેએક કૃતિ હાથમાં લઈ, વાંચી-ઓળખી, એની ટૂંકી નોંધ કરવી એટલે ? એક જનમ તો ઓછો પડે – ને એકલપંડે કોઈ કરી શકે એ તો, આ થયું નહોતું ત્યાં સુધી, મનાય એમ જ નહોતું ! નહિ યુનિ., યુનિ.માં નહિ આ ગુજરાતી વિષય, નહિ આજની જેમ વ્યાવસાયિક અધ્યેતાઓ, નહિ કોઈ સંસ્થાની યોજનાફોજના કે મદદ-બદદ ! પણ એક માણસ એવો નીકળ્યો જેણે એકલ પંડે ને કોઈ જાહેરાત વિના આ કામ ઉપાડ્યું. નર્મદના કોશકામની વાત એક ઉત્તેજનાના જમાનામાં મુનશી - વિ. મ. ભટ્ટ વગેરેએ ચરિત્રો, લેખો, વ્યાખ્યાનો, વિવેચનો, સમારંભો દ્વારા ફેલાવી, એટલે સૌએ જાણી. પણ આ હતા શાન્ત, ધીર, વિદ્વદ્ પ્રકૃતિના જણ. હતા તો એ જમાનામાં બહુ ભણેલા, હાઈકોર્ટના વકીલ (બી.એ., એલએલ.બી.), પણ વિદ્યારત. કમાવાનું ગૌણ ગણીને એમણે આખું જીવન આ કાર્યને આપ્યું. ૬૦ વર્ષના (૧૮૮૫-૧૯૪૫) આયુષ્યના ચાર દાયકા આ કાર્યને ! એટલેકે યૌવનાવસ્થાથી મૃત્યુ. One-man univesity ! એ મોહનલાલ દલીચંદ દેશાઈ. હજાર પાનનો (જેને એ “સંક્ષિપ્ત' કહે છે તે) જૈન સાહિત્યનો ઇતિહાસ' (૧૯૪૩) અને “જૈન ગૂર્જર કવિઓ'ના ત્રણ ભાગના આકર ગ્રન્થના કર્તા. “જૈન ગૂર્જર કવિઓનાં ચાર હજાર પાનાંમાં ૧૨૨૮ કર્તાઓની ત્રણેક હજાર કૃતિઓની, પ્રત્યેકના આરંભ-અંતના અંશો તથા લહિયાઓની પુષ્પિકા સહિતની, પરિચયાત્મક, કાળક્રમસહિતની સૂચિ એમણે આપી, પરિશિષ્ટોમાં મધ્યકાલીન સાહિત્યની વિસ્તૃત ભૂમિકા, સ્થળનામો, રાજાવલિ, કથાનામો વગેરે એ કાળના સાંસ્કૃતિક ઇતિહાસની શ્રદ્ધેય સામગ્રી આપી. એમાં જૈન અને જૈનેતર કર્તાનો-કૃતિઓનો સમાવેશ તો છે; પણ સાધુઓની વિદ્યાનિષ્ઠા ને સાચવણ તથા પરિશીલનને કારણે જૈન સાહિત્ય જેટલું જળવાયું છે એટલું
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૮
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
જૈનેતર જળવાયું નથી. એમણે કર્તા-કૃતિ સૂચિ ઉપરાન્ત દેશીઓની મોટી સૂચિ ગચ્છોની પાટપરંપરાનો ઈતિહાસ, તેરમી સદી પહેલાનું પ્રાચીન ગુજરાતી (અપભ્રંશ)નું સાહિત્ય, હેમચંદ્રાચાર્યના જીવન અને સાહિત્યના પરિચય સહિતનો ગૌર્જર અપભ્રંશ સાહિત્યનો, દાન્તો સહિતનો, વિસ્તૃત, પ્રકરણબદ્ધ ઇતિહાસ વગેરે આનુષંગિક અભ્યાસો પણ એમાં આપ્યા. આ બધું મોટે ભાગે હસ્તપ્રતો ઉકેલીઉકેલીને અભ્યાસ સાથે આપ્યું. પરિણામે મધ્યકાલીન સાહિત્યનો એક શ્રદ્ધેય દસ્તાવેજ મળ્યો.
વિવેચકો ને વિદ્વાનોને સાશ્ચર્ય મુક્તકંઠે વરસવું જ પડે એવું ગંજાવર કામ થયું. કહાનજી ધર્મસિંહે ગાયું કે આ તો
જતિ-સતી-ગુરુ-જ્ઞાનીનો
અનુપમ જ્ઞાનવિલાસ.' આ ગ્રંથો છપાતા હતા તે દરમ્યાન, ને તે પછી પણ, નવાં સંશોધનો તો સારા પ્રમાણમાં થયાં ને મધ્યકાળની નવી કૃતિઓ ને નવા કર્તાઓ મળતાં ગયાં. આ ગ્રંથો અપ્રાપ્ય બની ગયા, પછી પણ એની માગ તો ઊભી જ રહી ! કાળદેવતા ય ક્યારેક સુખદ અકસ્માતોની કળાનો ખેલ ખેલી લેતા હોય છે ! મોહનભાઈના જ રાજકોટમાં જાણે કે એમના કાર્યના પુનરુદ્ધારક તૈયાર થતા હતા. મોહનભાઈ ગુજરી ગયા (૧૯૪૫) ત્યારે જયંતભાઈ પંદર વર્ષના. પછી ભયા, અધ્યાપક થયા, વિવેચક થયા, અભ્યાસી થયા; સાહિત્યકોશના પહેલા ભાગનું કામ ઉપાડ્યું ત્યારે મધ્યકાલીન સાહિત્ય અંગે સંશોધનાત્મક કામ પણ કરવું પડ્યું. ત્યારે વધુ ને વધુ પ્રતીતિ થતી ગઈ કે મોહનભાઈના ગ્રંથો ફરીથી શુદ્ધિ-વૃદ્ધિ સાથે, નવી વિગતો આમેજ કરીને સંપાદિત થવા જ જોઈએ. એટલે, પરિષદ છોડતાં જ, જ્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એમને જ આ કામ કરવા વીનવ્યા, ત્યારે પડકાર સ્વીકાર્યો. પણ ૧૮૮૬માં પહેલો ભાગ અને ભાંગેલી તબિયતે ૧૯૯૬માં દસમો ભાગ પૂરો કરી, દસેય ભાગ '૯૭ના જાન્યુઆરીમાં ઉપલબ્ધ કરી આપ્યા. “જૈન ગૂર્જર કવિઓ' આ સદીના પહેલા દાયકામાં શરૂ થયું હતું, એની આ બીજી સંશોધિત આવૃત્તિનો છેલ્લો ભાગ આ સદીના દસમા (છેલ્લા) દાયકામાં પૂરો થયો ! વચમાંનાં વર્ષો જાણે જયન્તભાઈની આ માટેની સજ્જતામાં જ ગયાં, ને એમ આ વિદ્યાયજ્ઞ સતત આ સદી આખી દરમ્યાન ચાલ્યો.
આ વિદ્યાકીય તવારીખ, આમ, અવિસ્મરણીય વિદ્યાકથા છે. વિદ્યાપ્રીતિની અનુપમ કથા. બે વિદ્યાપ્રેમીઓ એક-એક કરીને પોતાનાં આખાં બે પેઢીનાં તપકર્મને એક જ ગ્રંથમાં હોમ, એ જ્ઞાનખોજની કેવડી મોટી અણછીપી તરસ હોય, ને એ માટેની બહુવિધ શક્તિ-સૂઝ હોય, સજ્જતા હોય ત્યારે બને ! ક્રિકેટમાં બે-બેની જોડી જ રમતી હોય છે. સાહિત્યને ક્ષેત્રે વિરલ. ટોની-પેન્ડર,
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ– એક બહુમૂલો સંદર્ભ-ભંડાર
૧૯
આર્ને- ટોમ્સન જેવાં નામો જૂજ. પણ આ જોડીએ ભાગીદારીમાં “સેન્યૂરી' કરી !
આવાં કામોને યાદ કરીએ ત્યારે આપણે - ભલે અન્યથા “સંયુક્ત કુટુમ્બ “સંયુક્ત કુટુમ્બ' કહેતાં હોઈએ - ગૃહિણીને બાદ કરીએ છીએ. (લેખકોના માહિતીકોશોમાં પિતાનામ અવશ્ય; માતાનું ક્યારેક; પણ પત્નીનું ?) પ્રત્યેક વાચસ્પતિનાં આવાં ગંજાવર કામોની પાછળ કોઈક ભામતીની મંગલાત્મક માવજત – પ્રેમાળ ત્યાગ હોય છે જ. એ પ્રેમત્યાગની મહેક પેલાં વિદ્યાકાયમાં પણ હોય છે - મૌનરૂપણ. જયંતભાઈના વિદ્યાકાર્યમાં પણ એ મહેક રહેલી
મોહનભાઈએ ત્રણ ભાગમાં જે કર્યું તે સંશોધિત ઉમેરણો સાથે મૂકવા જતાં આ બીજી આવૃત્તિમાં દસ ભાગનું થઈ ગયું. જાણે દસ તીર્થો.
કેવાં ? - ચાલવું ગમે એવાં. ચાલવાની મજા સપાટ રસ્તાઓ કરતાં વનોમાં વધુ. ને એથીયે વધુ મજા ઊંચા શૈલશિખરે ચડવાની. રસ્તાઓ તો વ્યવહાર માટે છે. વન વિહારાર્થે. શલો આરોહણાર્થે. છ ગ્રંથો વનો જેવા છે. નહિ કેડી નહિ મારગ એવા નિસર્ગ વચ્ચે વિદ્યાની, કર્તા-કૃતિઓની વિગતખચિત ઝાડી-લીલીકુંજાર ! એ યાદ નથી, જાણે પ્રસાદી છે. પણ મૂળના ત્રણ ગ્રંથોની યાદી વધીને અહીં છ ગ્રંથોની બને છે. પ્રત્યેક ગ્રંથની સામગ્રીને ઝડપથી યાદ કરીએ તો ગ્રંથવાર શતકોની ફાળવણી આમ છે : ૧માં ૧૨માથી ૧૬મા શતકની સૂચિ: ૨ : ૧૭ ૩ઃ ૧૭; ૪ ઃ ૧૮૬ ૫ : ૧૮; ૬ : ૧૯. વનો જાણે અહીં પૂરાં થયાં, ને શૃંગો આરંભાયાં. હકીકતે સાતમાથી જાણે જયન્તભાઈનું કામ વધી ગયું છે. સાતમો ગ્રન્થ એ, સાદા શબ્દોમાં તો, આગળની ભાતભાતની બધી જ સામગ્રીને આલેખતો વિરાટ પટ છે. એક સંકલિત અને વર્ગીકૃત સૂચિ. એ સૂચિઓ હકીકતે તો કર્તા, કૃતિ, સમય, સ્વરૂપ. લેખન, નામો-કામો વગેરે અનેક બાબતોને ખોલી આપતી કૂંચીઓ છે. ઘણાં વરસ પહેલાં એક રીડર્સ ગાઈડ' નામે પુસ્તક ખરીદેલું એ ઉત્કૃષ્ટ વાચનનો નિર્દેશ કરતી સૂચિઓનો વિશ્વકોશ હતો ! જે વિષય પર વાંચવું હોય તે સંબંધી શ્રેષ્ઠ પુસ્તકોની પરિચયદર્શી યાદી. એમ આ સાતમો ભાગ પણ પૂર્વકથાનુકથન છે. જેને જે વાંચવું - જાણવું હોય તેને એ ક્યાં-કેવું મળશે એની ભાળ એમાં છે. એ જાણે વિદ્યાપ્રદેશનો એક નકશો છે પ્રવાસીઓ માટેનો.
આપણે ઘણીવાર ફરિયાદ કરીએ છીએ કે, વાંચનારાં ક્યાં છે ? પણ વાંચનારાં શું બહાર મોઢું રાખતાં હશે ? એ તો વૃક્ષો જેવાં. મોં દેખાય જ નહિ ! મોં નીચે ! જમીનમાં પગ સ્થિર ભૂમિ પર. એ હોય ગગનચારી હવા ને આકાશમાં ઝૂલે, ને ખીલે. હરિયાળાં જ હોય. વાંચનાર પણ હેલીન ને સદા-ગ્રીન ! વૃક્ષોને ચાલવું, બહાર હરવું-ફરવું પોષાય નહિ. “ચરાતિ ચરતો
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૦
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
ભગઃ' એ તો આપણા માટે. કોઈ વૃક્ષ ફરદું જોયું છે ? વૃક્ષ | વિદ્યા - છેક મૂળ સુધી જવું, ને રસ પર્ણપણે પ્રસારવો, એ એમનું નિરંતર કાર્ય. વિદ્યાપ્રેમ પણ એવો. એ તપ છે, પણ એ પ્રીતિ પણ છે. આવી મૂળ નાંખવાની, મૌનની, છૂપા રહેવાની તૈયારી ન હોય તો વિદ્યા સદા પાંગરતી ન રહે. આ સાતમા ગ્રંથે ચડી ને ઉપરથી નજર કરો તો આગલાં છએ વન-તીથોં નજરે પડશે : નેત્રને તૃપ્તિ થાય' એવાં દેખાશે.
૮મો ભાગ આવ્યો ત્યારે હું તો ખુશ થઈ ગયો. ગુજરાતીમાં દેશીઓ વિષે ખાસ કંઈ બહુ મળતું નથી. પાઠકસાહેબે (બૃહત્ પિંગળમાં), ડૉ. ચિમનભાઈએ ગુજરાતી સાહિત્યકોશ-૩માં), સંગીતશાસ્ત્રના એક બહુ અચ્છા જાણકાર (સ્વા.) હરકાન્તભાઈ શુક્લ (જ્ઞાનગંગોત્રીમાં) એમ પિંગળ ને સંગીતની ચર્ચામાં હડફેટે આ વાત આવી જાય. તેમાંય ઉદાહરણો ઓછાં અપાય. પણ અહીં તો પાનાંનાં પાનાં ભરીને ૩૧૧ પાનાંમાં ૨૩૨૮ ઉદાહરણો ! છેલ્લાં ૨૭ પાનાં બાદ કરતાં આખો ગ્રંથ દેશીઓની સૂચિનો !
વાત મહત્ત્વની હોવાથી જરા વિગતે કરીએ. આપણા સંગીતની પરંપરા સાથે દેશની વાત જોડાયેલી છે. જો સ્વેદને જગતની જૂનામાં જૂની ઉપલબ્ધ કવિતા ગણીએ તો તે સામગાનને એક અતિ પ્રાચીન સંગીતપ્રથા ગણીએ તો, આપણા સંગીતના કેટલાક આદિ સંસ્કારો તારવી શકીએ ? સંગીત ધર્મ સાથે સંકલિત હતું, સમિતિ ને સત્રોના સંસ્કારવાળી ને “કુશીલવા વાળી એક ગાનપરંપરા સાથે પણ સંકલિત હતું. વેદકાળે તો આમ હતું. સંગીત રાજ્યાશ્રિત નહોતું; ખુદ રાજાઓ પ્રષિઓની આણ સ્વીકારતા. પછી વાજિંત્રની શોધ સાથે
સ્તરશાસ્ત્ર વિકસ્યું અને મહાકાવ્યયુગ (ઈ.સ.પૂ.૬૦૦ – ઈ.સ. ૨૦૦)માં સંગીત રાજ્યાશ્રિત થયું. ત્યારે પણ પરંપરાગત લોકસંગીતની એક બૃહત્ ધારા તો જોરદાર હતી. લોકો એ બે ધારાઓને માર્ગી સંગીત અને દેશી સંગીત એ નામે ઓળખતા.
“ભરતનાટ્યશાસ્ત્ર' પછી થોડી શતાબ્દી બાદ લખાયેલા બૃહદેશીય' નામે (માતંગકૃત) ગ્રંથમાં દેશની કાંઈક વિગતે ચર્ચા છે. (આમ તો એમાં દેશી સિવાયના - માર્ગી સંગીતની ચર્ચા વધારે છે. પણ, શાસ્ત્રબદ્ધ કે નિયમાનુસારી સંગીત તે માર્ગી અને લોકરુચિ-લોકપરંપરાનુસારી તે દેશી. લોકોમાં એ સ્વયંભૂ પ્રસર્યું. અને પારંપરિક હોવા છતાં દેશકાળસમાજભેદે થોડું પલટાતું પણ રહ્યું. ઓમકારનાથજીએ તો એમ કહ્યું છે કે આ માર્ગ બંધાયો તે દેશીને આધારે પણ. પરંતુ એ ચર્ચામાં ન પડીએ. પ્રસ્તુત અહીં આટલું ઃ આ લોકપરંપરાગત સંગીતનો પ્રકાર છે, સાહિત્ય કે કવિતાનો નહિ. દેશી’, ‘ઢાળ', “ચાલ (અને જરા વિચિત્ર લાગે એ રીતે “રાગ) વગેરે શબ્દો જૂના કવિઓ પોતાની રચનાની આગળ મૂકતા, ને પછી એકાદ પંક્તિનું ઉદાહરણ પણ આપતા.
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ– એક બહુમૂલો સંદર્ભ-ભંડાર
૨૧
એનો અર્થ એ કે એ લોકપ્રચલિત પંક્તિના ઢાળમાં એ રચના ગાવાની છે. રચના વૈયક્તિક હોય, ઢાળ-નિર્દેશતી પંક્તિ મોટે ભાગે લોકગીતની હોય.
અહીં એવી ૨૩૨૮ પંક્તિઓ તેના મૂળના નિર્દેશ સાથે છે ! એ આ પુસ્તકનાં ૩૧૧ પાનાં રોકે છે. પછી. આખી-પાંખી ૧૨૩ દેશીઓ (મોટે ભાગે રાજસ્થાની) છે. છેલ્લે જેન કથાનામકોશ છે (પૃ.૩૨૮-૩પપ). આમ, છેલ્લાં ૨૭ પાનાં બાદ કરતાં, આ આખોયે ગ્રંથ દેશીઓના નિર્દેશથી ભરેલો છે. સાહિત્ય સિવાયના લોકસાહિત્ય અને સંગીત-લોકસંગીતના અભ્યાસીઓએ પણ જોયા વિના ન ચાલે એવો આ ખજાનો છે. દેશીનો ઉપયોગ કરનાર કર્તા-કૃતિનો કાળનિર્દેશ મોટે ભાગે અપાયો હોવાથી આ લોકઢાળ ઓછામાં ઓછો કેટલો જૂનો, કેટલા કાળ પહેલાંનો તે સ્પષ્ટ થાય છે. થોડાંક ઉદાહરણો ચાખીએ : દિવાળીબહેન ને હેમુભાઈ જેવાના સૂરો સ્મરણે પ્રગટાવે એવી દેશીઓ : • ગગરી લગત સીર ભારી ગગરી ઉતાર રે બનનારી!
ક્રમાંક ૪૩૭ પૃ. ૬૩] • મારા વાલાજી હો! હું રે ન જાઉં મહી વેચવા રે લો!
[૧૪૪૮ : ૧૯૬]. આ દેશીનો ઉપયોગ વીરવિજયે સં.૧૯૦૨માં કર્યો છે. તે પહેલાં (૨૨૮૨ : ૩૦૬) હંસર– સં. ૧૭૫પમાં. એટલે ઓછામાં ઓછા ત્રણસો વરસથીયે પહેલાંથી તો આ ગીત ગવાતું આવે છે. એક જ ઢાળ અનેકોએ વાપર્યો હોય તો એના ક્રમાંકો પણ પાસપાસે મૂકીને સંપાદકે તુલના કરવા ઈચ્છનારને સગવડ કરી આપી છે. “રઘુપતિ રામ રૂદામાં રહેજો રે [૧૬૧૮.૩૪ ૨૧૬ બસો વરસ પહેલાંનું છે.
રૂડી ને રડીઆલી રે, વ્હાલા તારી વાંસળી રે [૧૭00 : ૨૨૭] પણ એટલું જ જૂનું. એ રાજસ્થાનમાં પણ પ્રચલિત હતું. (હજી હશે). એક દેશના અનેકાધિક પ્રયોજનોના નિર્દેશને કારણે પાઠાન્તરો પણ મળે છે. દા.ત. આ જ ગીત પાછું આમ છે :
• રૂડી – લીયા સી [રઢિયાલી] વાહલા તારી વાંસલી રે
તે તો માહરે મંદિરીયે સંભલાઈ ચિતડો આકુળવ્યાકુલ થાઈ રૂડી૦
| [(૮૩) : ૩૨૦] હવે નહિ જાઉંને સ્થાને સોએક વરસ પછીની રચનામાં ‘હવે નહિ આવું માડી વેચવા રે લો’ પણ થાય. લટકણિયામાં લોલને સ્થાને ઘણે સ્થળે કેવળ
‘લો છે. ક્યાંક વળી વચમાં ‘મા’નો ખટકો પણ છે :
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૨
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
• મારું સોનારૂપા કેરું બેઢલું રે લો
રૂપા ઈંઢોણી મા હાથ હાંરા વાલાજી લો! હું ગઈથી મહી વેચવા રે લો!
[(૭૫): ૩૧૯] ક્યાંક રમતગીતો પણ પડઘાય : આપણું “અચકો-મચકો કારેલી !' • તમને કઈ ગોરી ગમસે રાજ
[૭૫૯.૨ : ૧૦૯] લગભગ બસો વરસ પહેલાંનું. મેઘાણીએ પ્રચલિત કરેલ મેંદી-ગીત અહીં અનેક પાઠાન્તરો સાથે : • મહિદી બાવન (વાવણ) હું ગઈ,
હોને લહુડ્યો દેવર સાથ, મહિંદી રંગ લાગો છે રાજ
| [૧૪૧૮.૧ : ૧૩ • મૈહંદી વાવણ ધણ ગઈ રે લાલા,
લોહડો દેવર હાથ,
રંગભીના સુંધા ભીના સાહિબ!
ઘર આજ્યૌ, મેંહદી રંગ લાગૌ.
[૧૫૬૯ ૨૧૦] અને હવે જુઓ ચારેક કડીમાં - • મહિંદી બાવન હું ગઈ,
મહોને લહુડ્યો દેવર સાથ
મહિંદી રંગ લાગો હો રાજ! ૧ મહિદી સીંચણ હું ગઈ.
મ્હારે રાવ રતન રે બાગ,
મહિંદી રંગ લાગો હો રાજ! ૨ મહિદી પાનાં ફૂલડાં,
હું તો ચૂંટિ ચૅટિ ભર્લી છાજ,
મહિંદી રંગ લાગો હો રાજ! ૩ આપી દીધી રાવર્તે,
આધી સારે ગામ, મહિંદી રંગ લાગો હો રાજ! ૪
[(૭૩) ઃ ૩૧૯].
Page #8
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ' – એક બહુમૂલો સંદર્ભ-ભંડાર
૨૩
આ પણ અઢીસોક વર્ષ પહેલાંનું ઠરે. લબ્ધિવિજયે સં.૧૮૧૦માં આ દેશી વાપરી છે. (૧૯૩) ગીતો સેંકડો વર્ષોથી પ્રચલિત હોવાથી હસ્તપ્રતમાં અક્ષરો આઘાપાછા થઈને કંઈક જુદું વંચાતું હોય તે આસાનીથી કળાઈ જાય છે. પાન બસોપચીસ પર (૧૬૮૯.૨) આમ છે : • રમત માટે બેલડીઈ રે કાંઈ
પરઘર રમવા જાઈ જી! એ આમ જોઈએ -
“રામ તમારે બોલડાઈ રે કાંઈ.” આપણાં જાણીતાં લોકગીતો અહીં પણ સામે મળે છે ? • આસો માસે શરદપૂનમની રાત જ
[૧૫૯ ઃ ૨૪] • મારો પિયુડો પરઘર જાય, સખી! શું કરિયે રે? કિમ એકલડાં રહેવાય? વિયોગે મરિયે રે!
[૧૪૬૫ ૧૯૯] ક્યાંક હાસ્ય પણ મળે :
• કીડી ચાલી સાસરે રે, નૌ મણ મેંદી લગાય; હાથી લીધો ગોદમેં રે, ઉંટ લીયો લટકાય.
(૩૮૮.૧ : પ૬] લગ્નગીતો પણ મળે ?
• આવિ આવિઉ વૃંદાવનનઉ દાણી લાખણી લાડી લઈ ચાલ્યુ રે!
[૧૩૬ : ૨૧] લગભગ સાડાત્રણસો વરસ પહેલાંનું આ છે. તો, આ પણ એટલું જ જૂનું -- ને એમાં ખાડાખડિયાવાળે રસ્તે ખાંડું લઈને જતા ગાડાનું ચિત્ર જુઓ : • અડકદડક ભુંઈ ચીકણી હો, ખાંડું રલિઅડું જાય.
૬િ૩૨ : ૯૦] તો, બસો વરસ પહેલાં તેજસાર રાસમાં રામચંદ્ર આ લગ્નગીતઢાળ વાપર્યો
• ભમરો ઉડે રંગ મોલમાં રે,
પડે રે નગારાની પ્રોસ રે ભમર તારી જાનમાં રે!
[૧૩૦૪ : ૧૭૯]
તો, આ સાડાત્રણસો વરસ પહેલાંથી ગવાય છે?
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૪
•
•
•
[૧૮૫૧ : ૨૪૭]
ત્યારે આમ ગાવામાં છો નહોતી. કન્યાના ઑરતામાં વાદલવરણી ઓઢણી'ની ધ્વન્યાત્મકતા જુઓ :
નહીં ઓઢું ચંગા સાલું,
•
·
•
ઉંચી ઉંચી મેડી ને
·
વાદલવરણી ઓઢણી લે દે ! [(૬૬) : ૩૧૮]
:
ને હવે આપણા કવિઓ યાદ આવી જાય એવી પંક્તિઓ નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, દયારામ, નાનાલાલ, મેઘાણી... સૌએ દેશી ક્યારેક અપનાવી છે :
·
ચીતરી કમાડ ચીતરીઆં કમાડ
માંહિ મોરીગી ખાટ પાથરી એ!
તે સિરિ પોઢસ્યે
કેસરીઓ લાડો એ
કેસરીઓ લાડો એ
પાસે પોઢસ્યે લાડી લાડકી એ!
વાદલવરણી ઓઢણી સું
નહીં ઓઢું ચીર;
એક અભિવાદન—ઓચ્છવ, એક ગોષ્ઠિ
લાગ્યો મારો જીવ મ્હારા મારૂ હૈ!
પંથડો નિહાલતી રે, જોતી પીતાંબર પગલાં (પૃ.૧૫૭)
કામ છે કામ થૈ કામ છે રે
ગોવિંદો પ્રાણ હમારો રે,
નહીં આવું જી મારે કામ છે રે! (પૃ.૫૩)
તુમે ઓરા નેં આવો રે,
મોને જુગ લાગૈ ખારો રે. (પૃ.૭૧)
કહૂં એક વાતલડી. (પૃ.૧૧૪)
સાંભલ રે તું સજની મોરી! રજની ક્યાં રમી આવી જીરે?
આજ ધરાઉ ધૂંધલઉ મારૂ
સુણ વાંસલડી! વેરણ થઈ લાગી રે વ્રજની નારિને
મત સોર કરૈ જાતલડી તાંહી રે મન વિચારિ નેં! (પૃ.૨૮૫)
ઓરાં ઓરાંજી આવો રે,
કાલી રે કાંલિ મેહ. [૮૩
: ૧૪]
કહું એક વાતલડી. [૮૧ : ૪૦]
(પૃ.૨૭૪)
Page #10
--------------------------------------------------------------------------
________________
“જૈન ગૂર્જર કવિઓ' – એક બહુમૂલો સંદર્ભ-ભંડાર
૨૫
• મારો વાલો દરિયાપાર મોરલી વાગે છે. (પૃ.૧૯૯) • અહો ઝરમર વરસે મેહ કે ભીંજે ચુંદડી રે... (પૃ.૧૧)
કોણ ભરે રે કોણ ભરે?
દલ-વાદલીરો પાણી કોણ ભરે? (પૃ.૬૧) આ પંક્તિઓ મધ્યકાળના કવિઓએ ને તે પછીનાઓએ પણ સતત વાપરી છે. સત્તરમી સદીના કનકસુંદર જે પોતાની કૃતિ માટે કહે છે તે મધ્યકાળમાં તો સૌને લાગુ પડે છે?
રાગ છત્રીશે જુજુઆ, નવિ નવિ ઢાલ રસાલ કંઠ વિના શોભે નહિ ક્યું નાટક વિણ તાલ. ઢાલ, ચતુર, મ ચૂકજો! કહેજો સઘલા ભાવ
રાગ સહિત આલાપજો, પ્રબંધ પુણ્યપ્રભાવ. મધ્યકાળ કેવો ગાતો-મહાલતો હશે, એની ગતસમૃદ્ધિ ને કંઠસમૃદ્ધિનું દર્શન આ આઠમા ભાગમાં થાય છે.
નવમા ભાગમાં જૈન ધર્મ અને એના સંદર્ભમાં ગુજરાતના રાજકીય ઇતિહાસની કેટલીક ઉપયોગી સામગ્રી છે. જેને ગુરુઓની પાટ પરંપરા, જે મોહનભાઈએ એમના ગ્રંથના બીજા ભાગમાં પરિશિષ્ટ રૂપે આપેલી તે અહીં, ફરીને જોઈ-ચકાસી, સુધારી-વધારી રજૂ કરી છે. વ્યક્તિ, ગચ્છ, વંશ-ગોત્ર ને કૃતિઓનાં નામોની અકારાદિ સૂચિઓ અહીં છે. ગુરુપરંપરાની વિગતોમાં ચમત્કારો ને ધર્માન્તરોવાળી દંતકથાઓ યથાતથ છે. પ્રસારિાતા બધા જ ધર્મોની આવી ગુરુકથાઓ સ્વધર્મસ્તુતિ ને પરધર્મનિંદાવાળી તથા ચમત્કારબહુલા હોય જ. સંપાદકનું કાર્ય ગુરુચરિત્રો જેવાં મળ્યાં તેવાં યથાતથ આપવાનું હોવાથી અહીં તે વિગતોને પણ ત્યારના જનમાનસલેખે જોઈને પાટપરંપરાના કાળ ને કાર્યનું વિવેકથી તારણ વાચકે જ કાઢવું જોઈએ. હવે આ પ્રચાર નથી, દસ્તાવેજ છે. આવા દસ્તાવેજોમાં ત્યારના સમાજ, એની કથાઓ, ઇતિહાસ, રીતરિવાજો, જનમાનસ એવુંએવું ઘણું પડઘાતું પડ્યું હોય છે. ગુજરાત આવા સાંસ્કૃતિક દસ્તાવેજોની બાબતમાં ભારતમાં સૌથી વધુ સમૃદ્ધ છે એવો, ઈતિહાસના જાણીતા વિદ્વાન જદુનાથ સરકારનો મત છે. (મિરાતે અહમદીની પ્રસ્તાવનામાં). શ્રી ધનવન્ત ઓઝા કહે છે તેમ આ ગ્રંથથી આવાં ઇતિહાસનાં સાધનોમાં વળી એક મોટા સાધનનો ઉમેરો થાય છે.
રાજાઓની વિગતો બહુ ઓછાં પાન રોકે છે. (૧પરથી ર૬૨). ઇતિહાસના બહુ મોટા વિદ્વાન ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી એ ઝીણી નજરે જોઈ ગયા છે ને એ પરથી ઘટતી નોંધો જયન્તભાઈએ આપી છે. આ રાજાવલિમાં મહાવીરનિર્વાણથી મોગલકાળના અંત સુધીની સૂત્રાત્મક વિગતો, જયન્તભાઈની નોંધ સાથે મળે
છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
પણ આખાયે ગ્રંથમાંથી જે ભાતભાતનાં નામો મળે છે તેમાંથી કોઈ એકબે વિભાગનાં લઈને પણ અધ્યયન થઈ શકે. (ડૉ. ગિરીશ ત્રિવેદીનું ‘મધ્યકાલીન વ્યક્તિનામોનું અધ્યયન' યાદ આવે છે. એવી સામગ્રી તો અહીં : ભરપકે છે.) નવમો ગ્રંથ મોટે ભાગે જૈન ધર્મના ગચ્છોની ઈતિહાસ-સામગ્રી ધરાવે છે. એટલા પૂરતું એનું વિષયક્ષેત્ર નિબદ્ધ થઈ ગયું છે – નિશ્ચિત વિષયસરહદોવાળું.
પણ દસમો ભાગ સાતસોક વરસ પહેલાંની આપણી - ગુજરાતી ભાષાની આરંભની ભૂમિકાને, તબક્કાવાર ને ઉદાહરણો સાથે, ઘણી વિગતે. અને સામાન્ય સાહિત્યરસિકજનને પણ સમજ પડે તથા રસ પડે એ રીતે, મૂકી આપે છે. મૂળ પહેલા ભાગને આરંભે મોહનભાઈએ આ લખાણ મૂકેલું તે ફરીથી જોઈ-તપાસી, રમણીક શાહ તથા ભાયાણીસાહેબ જેવાનો સહકાર લઈ, પોતાના સુધારા-વધારા ને કાંટ-છાંટ સાતે જયન્તભાઈએ આજે ઉપયોગી બને એમ મૂકી આપ્યું છે. શ્રી દેશાઈએ લખ્યા પછી તો આ વિષય ઠીકઠીક ખેડાયો, અભ્યાસો થયા છતાં આટલી વિગતો સોદાહરણ હોય એવું નિરૂપણ હજી મળ્યું નથી તેથી જયન્તભાઈએ લીધું; પણ સંમાજિત કરીને સંપાઈ. તેથી આ ભાગ તો. ગુજરાતી ભાષાના પ્રત્યેક અધ્યેતાને માટે અનિવાર્ય થઈ પડે તેવો છે. જયન્તભાઈ ને એમની સહાયમાં રહેલા વિદ્વાનોનો સંકલિત-સમન્વિત વિદ્વત્તાનો લાભ તો આને મળ્યો છે જ, પણ મોહનભાઈના દીર્ઘ પરિશીલન ને રસિક ચર્ચાદૃષ્ટિનો લાભ પણ ઓછો નથી થતો. દેશાઈની સમક્ષ માત્ર વિદ્વાનો નહોતા, સામાન્ય જન પણ હતા; એટલે કેટલીક ઝીણી ઝીણી બાબતો તરફ તેઓ રસિક રીતે સૌનું ધ્યાન દોરે છે. હૈમ વ્યાકરણની ભૂમિકા જુઓ. પાણિનિનો પરિચય, હેમચંદ્રાચાર્યનો વ્યાકરણ-અભિગમ ક્યાં જુદો પડ્યો તે મુદ્દો સરસ રીતે ઉપસાવ્યો છે. સંસ્કૃત-પ્રાકૃતમાં તો વ્યાકરણો ઉપલબ્ધ હોઈ, વ્યાકરણના અભ્યાસીઓને ઉચિત ઉદાહરણો મેળવવાનાં સાધનો ઘણાં હતાં ને હાથવગાં હતાં, પણ અપભ્રંશવ્યાકરણની બાબતમાં એવું નહોતું. અછત જ હતી. તેથી સામાન્ય જનને પણ સરળ પડે માટે, ઉદાહરણો એમની જાણમાંનાં - લોકપ્રચલિત - લીધાં એટલું જ નહિ, આખેઆખી ગાથાઓ, કથાઓ, છંદ વગેરે પુષ્કળ પ્રમાણમાં મૂકીને જાણે લોકશિક્ષણનું કામ કર્યું ! ભાષાના નિયમો લોકોને સરળતાથી સમજાય એવી નેમ રાખી. એમાંય વિશાળ દષ્ટિ - ધર્મમુક્ત દૃષ્ટિ સખી. ઉદાહરણો વીર-શૃંગારસહિત બધા જ રસનાં આપ્યાં - વળી કથાઓ. રામાયણ-મહાભારત-ભાગવત વગેરેની લીધી. (પૃ.૮૧)
હેમચંદ્ર આપેલ ઉદાહરણોની મોહનભાઈની ચર્ચામાં જયન્તભાઈએ કાંટછાંટ કરી છે, જે બધા ઉદાહરણો મોહનભાઈએ આપ્યાં છે તે બધાં નથી લીધાં, કારણ કે તે હવે ભાયાણીસાહેબમાં મળી રહે છે. ઉદાહરણનાં ભાષાન્તરોમાં
Page #12
--------------------------------------------------------------------------
________________ જૈન ગૂર્જર કવિઓ' - એક બહુમૂલો સંદર્ભ-ભંડાર ભાયાણીસાહેબનાં ભાષાંતરોનો આવશ્યક લાભ લીધો છે. પણ, પોતે જ્યાં જુદા પડે ત્યાં સ્પષ્ટ ચર્ચા પણ કરે છે. (પૃ.૧૦૩) છેલ્લાં પ્રકરણોમાંનું એક છે “પ્રાચીન ગુજરાતી સુભાષિતોનું. (પૃ. 174) એ આખુંય કાવ્યરસસિક્ત છે. આપણે ત્યાંના સૂક્તિસંગ્રહોના ઉલ્લેખો મળે છે. એમાંથી 500 જેટલી સૂક્તિઓ મળી આવે. એ ભાતભાતના વિષયો પર - ને સ્વરૂપે પણ અનેકવિધ છે. ક્યાંક અનુભવબિન્દુઓ છે : જઈ ધમખર સંભલી અનુ નયણે નિદ ન માઈ, વાત કરતા માણુસહ ઝાબકિ રમણિ વિહાઈ. (16) જ્યાં ધર્માક્ષર સાંભળી ને નયણે નિંદ ન માય; જણ જો ચડેલ વાતમાં તો પલકે રાત કપાય.). મૃત્યુને મથાળે ખોટી રીતે !) મૂકેલું બોધવચન : નમી ન મૂકઈ બેસણું, હસી ન પૂછઈ વત્ત, તેહ ઘરિ કિમ ન જાઇએ, રે હાંડા નિસત્ત. (177) (નમીને ના આસન મૂકે, હસી ન પૂછે વાત, એ ઘર કેમ ન જોઈએ? રે હૈડા નિ: સત્ત્વ.). અહીં બીજી પંક્તિના પૂર્વાર્ધમાં જે “ન' છે તેનો કાકુ કેવો હશે ? એ નકારવાચક હોય તો અર્થ ભાગ્યે જ બેસે. આવકાર જ્યાં ન મળે ત્યાં વળી જવું શું ? એમ પ્રશ્ન બને. ન મૂકતાં, ને પછી પ્રશ્ન રાખતાં, ‘એવે ઘેર પણ કેમ ન જવું ? એવો અર્થ થાય જે લોક અભિપ્રત નથી લાગતો. ગ્રંથકારે “કિમનો કોઈ રીતે' એવો અર્થ આપી સંગતિ કરી છે, પણ “ન' ખોટો લખાઈ ગયો હોય એવી સંભાવના પણ સ્વીકારવા જેવી લાગે છે. લોકઅભિપ્રેત લાગતો. નથી. સૂચિઓના અર્થોમાં ક્યાંકક્યાંક મુશ્કેલીઓ હજીયે રહી ગઈ છે. છતાં ભાષા ઈતિહાસનો આ ભાગ આખો, એટલે કે આખોય દસમો ગ્રંથ રસપ્રદ ને માહિતીસભર છે. આ દસ ગ્રંથ આપીને જયન્તભાઈએ ગુજરાતી ભાષાસાહિત્યને ન્યાલ કરી દીધું છે. મધ્યકાલીન સાહિત્યનાં અભ્યાસ માટેનાં સાધનો હાથવગાં કરી આપી, વિદ્વજનોને એમણે સાબદા તો કર્યા છે. હવે દડો કોના કોર્ટમાં છે ?