Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ વૈશ્વિક સ્તરે
જૈન ધર્મની ભૌગોલિક સીમાઓ ઉત્તરોત્તર વિસ્તરતી અને વિકસતી જાય છે. એશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકાના દેશોમાં જાતે ફરીએ તો ખ્યાલ આવે કે “અહો, જૈનો ક્યાં ક્યાં જઈને વસ્યા છે !' જૈનોની વૈશ્યવૃત્તિ એમને વખતોવખત સ્થળાંતર કરાવતી રહે છે. બીજી બાજુ એમનામાં રહેલા ધર્મસંસ્કારે એમને પોતાનું અનોખું વ્યક્તિત્વ જાળવી રાખવામાં સહાય કર્યા કરી છે. વિદેશોમાં વસતા જૈનો બહુધા સાધનસંપન્ન હોવાથી છેલ્લા ત્રણ-ચાર દાયકાથી તેઓ પોતાના ધર્મસંસ્કારની જાળવણી માટે વધુ સક્રિયપણે જાગૃત બન્યા છે. વિદેશમાં રહેવાથી ધર્મસંસ્કારો ભુંસાઈ જાય છે એ ખ્યાલ હવે કાલગ્રસ્ત બની ગયો છે.
અહિંસા, અપરિગ્રહ, અનેકાન્ત ઇત્યાદિના સર્વસ્વીકાર્ય તત્ત્વોને કારણે વૈશ્વિક ધર્મ બનવાની ક્ષમતા ધરાવનાર જૈન ધર્મનો વૈશ્વિક સ્તરે હવે ઠીક ઠીક પ્રચાર થઈ રહ્યો છે. સહકાર, સંવાદિતા, સહિષ્ણુતા, સંયમ અને શાન્તિમાં માનનાર જૈન ધર્મ સૌ કોઈને વહાલો લાગે એવો છે.
ઇગ્લંડમાં હાલ જૈનોની જે વસતિ છે એમાંની મુખ્ય આફ્રિકાના યુગાન્ડા, કેનિયા અને ટાન્ઝાનિયાથી આવેલી છે. એમનાં સંતાનોની નવી સુશિક્ષિત પેઢી પણ તૈયાર થઈ ગઈ છે. અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ પછી અભ્યાસાર્થે ગયેલા અને પછી ત્યાં સ્થિર થઈ ગયેલા જૈનોનું પ્રમાણ સૌથી વિશેષ છે. આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અમેરિકામાં વસતા જૈનોમાં થોડો કક્ષાભેદ જણાશે. આફ્રિકામાં ગયેલા જૈનો નોકરી-ધંધા માટે ગયેલા, મહાજન રચીને રહેલા છે. ભારતની જેવી જ રહેણીકરણી ત્યાં લાગે. રહેવાનું પણ પાસે પાસે. શિખરબંધી જિનાલય, મોટી મહાજનવાડી વગેરે ભારતની યાદ અપાવે. ઇંગ્લેન્ડમાં જૂની
Page #2
--------------------------------------------------------------------------
________________
૩૦૨
જિનતત્વ નવી પેઢીનું સંમિશ્રણ છે. આફ્રિકાથી સ્થળાંતર કરીને આવેલી જૂની પેઢીને સ્થિર થવા માટે ભારે પુરુષાર્થ કરવો પડ્યો. ત્યાં જન્મેલી અને ઉછરેલી નવી પેઢી વધુ તેજસ્વી છે.
અમેરિકામાં વિદ્યાભ્યાસ માટે ગયેલો વર્ગ સુશિક્ષિત છે. એમનું જીવનધોરણ ઉચ્ચ છે. રહેવાનું દૂર દૂર છે. મોટરકાર વગર પહોંચાય નહીં. નવી પેઢી વધુ તેજસ્વી છે, પણ એને ધર્મ તરફ વાળવા માટે મહેનત લેવી પડે એમ છે.
ભારત બહાર વસતા જૈનોની પોતાની સ્થાનિક કેટલીક સમસ્યાઓ છે. વિદેશમાં વસતા માત્ર જૈનો જ નહીં, વિદેશીઓ માટે પણ ધર્મપ્રચારનું સંગીન કાર્ય થઈ રહ્યું છે. અનેક અમેરિકનો શાકાહારી બન્યા છે. ત્યાં જૈનોમાં ધર્મજાગૃતિ હવે ત્યાં ધર્મપ્રચારાર્થે ઘણા બધા મહાનુભાવો ભારતથી જવા લાગ્યા છે.
પ્રાચીન કાળમાં જ્યારે બૌદ્ધ ધર્મ ભારત બહાર પોતાના ફેલાવા માટે ૨ાજ્યાશ્રય મેળવીને અને તે વગર પણ જે પ્રચંડ ઝુંબેશ આદરી હતી તેવું કંઈ જૈન ધર્મ કર્યું હોય એમ જાણવામાં નથી. જૈન ધર્મ ભારતમાં જ સીમિત રહ્યો. સમુદ્રની પાર જવાનું એણે વિચાર્યું જ નહીં. એને મુખ્ય ભય એ હતો કે સમુદ્રની પેલે પાર પ્રચાર કરવા જવાથી ધર્મ એના મૂળ સ્વરૂપમાં રહેશે નહીં. કેટલાંયે સમાધાનો કરવાં પડશે. એનો એ ભય સાચો હતો. આ મુદ્દા ઉપર પણ બૌદ્ધ ધર્મમાં મતભેદો ઊભા થયા હતા અને એથી જ મૂળ સ્વરૂપના બૌદ્ધ ધર્મને અનુસરનાર હીનયાન પંથવાળા કહેવાયા અને થોડીઘણી છૂટછાટ સાથે બૌદ્ધ ધર્મનો ભારત બહાર પ્રચાર કરવામાં માનવાવાળા મહાયાન પંથના કહેવાયા.
બૌદ્ધ ધર્મમાં માંસાહાર અને મદ્યપાન નહોતાં. પણ એશિયાઈ દેશોમાં ઠેઠ ચીન, કોરિયા અને જાપાન સુધી ત્યાંની માંસાહારી અને મદ્યપાન કરનારી પ્રજામાં બૌદ્ધ ધર્મ ફેલાયો, પરંતુ એ પ્રજાઓ માંસાહાર ને મદ્યપાન કરતી રહી. એટલે બૌદ્ધ ધર્મ ત્યાં એના મૂળ સ્વરૂપમાં રહ્યો નહીં.
બૌદ્ધ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મે લોકોને સમજાવીને, રાજ્યાશ્રય મેળવીને તે દ્વારા, શાસ્ત્રના જોરે કે ગરીબોને ખોરાક, કપડાં, દવા વગેરે દ્વારા ફોસલાવીને જે રીતે ધર્મપ્રચાર કરીને પોતાના ધર્મના લોકોની સંખ્યા વધારવાનું ધ્યેય રાખ્યું હતું અને હજુ પણ કેટલેક અંશે ૨ખાય છે. એવી રીતે જૈન ધર્મે પોતાની સંખ્યા વધારવાનું ધ્યેય રાખ્યું નથી. જૈન ધર્મ વિશ્વના ઘણાં દેશોમાં હાલ જે ફેલાયો છે તે ત્યાંની સ્થાનિક પ્રજાએ ધર્માતર કરવાથી નહીં,
Page #3
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ વેશ્વિક સ્તરે
૩૦૩ પણ જેનો મોટી સંખ્યામાં વિદેશોમાં ઠેર ઠેર જઈને વસ્યા છે એટલા માટે છે. એટલું સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે ધર્માતરની પ્રવૃત્તિ દ્વારા કૃત્રિમ રીતે પોતાની સંખ્યા વધારવામાં જૈન ધર્મ માનતો નથી. આથી જ જૈન ધર્મ દુનિયાનો એક પ્રાચીન ધર્મ હોવા છતાં એનું પાલન કરનારાઓની સંખ્યા દુનિયાની વસતિના અડધા ટકા જેટલી પણ નથી.
સો-દોઢસો વર્ષ પહેલાં જૈનો ભારત બહાર જવા લાગ્યા હતા. મુખ્યત્વે દરિયાઈ માર્ગે તેઓ જતા. શેઠ મોતીશાહનાં વહાણો આ બાજુ બહરીન અને ઝાંઝીબાર સુધી અને પૂર્વમાં બ્રહ્મદેશ, મલાયા, સુમાત્રા અને ચીન સધી જતાં. એન્જિનથી ચાલતી સ્ટીમરો આવ્યા પછી એડન, કેન્યા, ટાન્ઝાનિયા, માડાગાસ્કર સુધી હિંદીઓનો વ્યવહાર વધી ગયો અને તેમાં જૈનો પણ ત્યાં જવા અને વસવાટ કરવા લાગ્યા હતા. જૂના વખતમાં પૂર્વ આફ્રિકા કરતાં બર્મા, મલાયા તરફ જૈનો વધુ જતા. ત્યાર પછી યુગાન્ડા, કેનિયા, તાન્ઝાનિયામાં ઘણા જૈનો જઈને રહ્યા. આ પ્રદેશોની આબોહવા લગભગ ભારત જેવી. શિયાળામાં ત્યાં અતિશય ઠંડી નહીં અને બરફ પડે નહીં. એટલે રહેણીકરણી પણ ભારત જેવી રહી હતી. કેટલેક સ્થળે જેનોએ સંઘની સ્થાપના કરી અને મંદિર, ઉપાશ્રય વગેરે ધર્મસ્થાનકોની પણ સ્થાપના કરી હતી. પોતાનાં સંતાનોને ગુજરાતી શીખવા મળે અને ભારતીય સંસ્કાર સચવાઈ રહે એટલા માટે તેઓએ કેટલેક સ્થળે પોતાની અલગ શાળાઓ પણ ચાલુ કરી હતી.
દોઢસો-બસો વર્ષ પહેલાં પાશ્ચાત્ય વિદ્વાનોમાં એવી ગેરસમજ હતી કે બૌદ્ધ ધર્મ એ જ જૈન ધર્મ છે. બંનેના અહિંસાના સિદ્ધાન્તને કારણે તથા અન્ય કેટલીક સમાન બાબતોને કારણે આમ બનવું સ્વાભાવિક હતું. પરંતુ જેમ જેમ પાશ્ચાત્ય વિદ્વાનો વધુ અભ્યાસ કરતા ગયા અને હર્મન જેકોબી, ગ્લાસેનાપ, હર્બર્ટ વોરન વગેરેએ જૈન ધર્મ વિશેનાં પુસ્તકો લખ્યાં તે પછી યુરોપમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એ બે જુદા સ્વતંત્ર ધર્મો છે એવી ગણના થવા લાગી. જો કે જૈન ધર્મ નામનો એક ધર્મ છે એવી માહિતી ચીન, રશિયા સહિત દુનિયાની પોણા ભાગ કરતાં વધુ વસતિને હજુ પણ નથી.
વિદેશમાં વસતા જૈનોનો એક મોટો પ્રશ્ન શાકાહારનો છે. ત્યાં વસતા કોઈક જૈનો શુદ્ધ શાકાહારી નથી રહ્યા એ વાતનો પ્રામાણિકપણે સ્વીકાર કરવો જોઈએ. જૂની પેઢી કરતાં ત્યાં જન્મેલી નવી પેઢીમાં માંસાહારનું પ્રમાણ થોડું વધારે છે એવું પણ સાંભળ્યું છે. માંસાહાર કરતાં પણ મદિરાપાનનું પ્રમાણ વધુ
Page #4
--------------------------------------------------------------------------
________________
३०४
છે અને મદિરાપાન કરતાં કાંદા, બટાટા, લસણ વગેરે અનંતકાય-અભક્ષ્યનું પ્રમાણ વધુ છે. એવા બધા લોકો પ્રત્યે એકદમ તિરસ્કારની લાગણી ધરાવવી યોગ્ય નથી. સહાનુભૂતિપૂર્વક એમની પરિસ્થિતિનો અભ્યાસ થવો જોઈએ. કેટલીક જાગૃતિ આવી છે તેની અનુમોદના કરવી જોઈએ. કોઈપણ ધર્મની પ્રજા વ્યવસાયાર્થે જ્યારે સ્થળાંતર કરે છે ત્યારે સ્થાનિક વાતાવરણનો એના પર પ્રભાવ પડ્યા વગર રહેતો નથી. ભગવાન બુદ્ધે માંસાહાર અને મંદિરાપાન ન કરવાની ભલામણ કરી હતી, પરંતુ એ ધર્મનો પ્રચાર ધણો બધો થયો હોવા છતાં સમગ્ર એશિયામાં બૌદ્ધધર્મી પ્રજા ઘણું ખરું માંસાહારી અને મંદિરાપાન કરનારી રહી છે. એમની સરખામણીમાં જૈનોની સ્થિતિ ઘણી જ સારી છે અને છેલ્લા બે દાયકામાં શાકાહાર માટે સભાનતા વધી છે. વિદેશમાં વસતા કેટલાયે જૈનો શુદ્ધ શાકાહારી છે, મંદિરાપાન કરતા નથી, એટલું જ નહીં ચોવિહાર કરે છે, ઉપવાસ આયંબિલ કરે છે, પર્યુષણમાં ઉપવાસ, અઠ્ઠમ, અઠ્ઠાઈ વગેરે તપશ્ચર્યા કરે છે. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ પણ કરે છે. ધાર્મિક શિક્ષણના ત્યાં વર્ગો પણ ચાલે છે અને ધ્યાનની શિબિરો પણ યોજાય છે.
જિનતત્ત્વ
પર્યાવરણ એક એવી બાબત છે કે જેની સાચવણીમાં જૈન ધર્મનું યોગદાન ઠેઠ પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધી સૌથી વિશેષ રહ્યું છે. ઓછામાં ઓછું પાણી વાપરવું, અનાજનો બગાડ ન થવા દેવો, વૃક્ષો કાપવાં નહીં, વાહનનો મર્યાદિત ઉપયોગ કરવો, નાનાં જીવજંતુઓની પણ હિંસા ન થવા દેવી, રહેણીકરણીમાં અપરિગ્રહ કે અલ્પ પરિગ્રહના વ્રતને લીધે સંયમમાં રહેવું, કુદરતી શક્તિઓનો વિનાશ ન કરવો વગેરે દ્વારા જૈન ધર્મ પ્રાકૃતિક નૈસર્ગિક વાતાવરણમાં ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરે છે. જૈન સાધુઓ અને તેમાં પણ દિગંબર મુનિઓ તો પર્યાવરણની જાળવણીમાં આદર્શરૂપ ગણાય. જૈન સાધુ જેવું જીવન દુનિયામાં અન્ય કોઈ ધર્મમાં નથી.
જૈન ધર્મ વિશેના ગ્રંથોની વિદેશોમાં આરંભમાં જેટલી મુશ્કેલી હતી તેટલી હવે રહી નથી. ત્યાં માધ્યમ મુખ્યત્વે અંગ્રેજી ભાષાનું રહ્યું છે. ત્યાં વસેલા જૂની પેઢીના માણસો અંગ્રેજી ઉપરાંત ગુજરાતી, હિંદી વગેરે ભાષામાં લખાયેલા ગ્રંથો વાંચી શકે છે. પરંતુ નવી પેઢીને તો અંગ્રેજીમાં જ સાહિત્ય જોઈએ. છેલ્લા ચાર-પાંચ દાયકામાં ભારતમાં અને વિદેશોમાં અંગ્રેજી ભાષામાં જૈન ધર્મ વિશે વિવિધ દૃષ્ટિબિંદુથી લખાયેલા નાના મોટા ગ્રંથોની સંખ્યા વધતી ગઈ છે. ત્યાં કેટલાંક સેન્ટરોમાં જૈન ગ્રંથાલયો પણ થયાં છે. અને હવે તો
.
Page #5
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ વૈશ્વિક સ્તરે
ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી સાંપડે છે.
વિદેશોમાં ઘણાં સેન્ટરો ખાસ કરીને પર્યુષણ પર્વ દરમિયાન ભારતથી વ્યાખ્યાતાઓને નિમંત્રણ આપે છે અને તેમના જ્ઞાનનો લાભ મેળવે છે. જૂની પેઢીના માણસો પોતાનાં સંતાનો માટે વેળાસર જાગૃત થયા એથી આફ્રિકા, જાપન ઉપરાંત ઇંગ્લેન્ડ, અમેરિકા, બેલ્જિયમ, સિંગાપોર, મલેશિયા, દુબઈ, હોંગકોંગ વગેરે ઘણે સ્થળે જૈનત્વની હવા સારા પ્રમાણમાં પ્રસરેલી છે. જૈન સંઘો, જૈન સેન્ટરો, જૈન એસોસિએશનો, જૈન સ્ટડી સર્કલો, જૈન સમાજ, જૈન વર્લ્ડ, યંગ જૈન્સ વગેરે જુદા જુદા નામથી ઘણી સંસ્થાઓ અને એનાં ફેડરેશનો સક્રિયપણે કાર્ય કરવા લાગ્યાં છે અને કેટલાંકનાં તો વર્ષે બે વર્ષે મોટા પાયા પર અધિવેશનો પણ યોજાવા લાગ્યાં છે. મંદિરોમાં પ્રતિષ્ઠાના પ્રસંગો, સાલગીરી વગેરે પણ યોજાય છે. આવા કોઈ પ્રસંગે ત્યાં ઉપસ્થિત હોઈએ તો ત્યાં કેવું વાતાવરણ જામે છે એનો પ્રત્યક્ષ અનુભવ થાય.
ધર્મના પ્રચારમાં મહત્ત્વની વાતને બે વિભાગમાં વહેંચી શકાય. એક તો એના તત્ત્વજ્ઞાનના અને નીતિધર્મના સિદ્ધાન્તો અને બીજું એનો આચારધર્મ. તત્ત્વજ્ઞાન અને નીતિધર્મના સિદ્ધાન્તો પોતાના ક્ષેત્રની બહાર પણ સાચવી શકાય છે, જો એના પુરસ્કર્તાઓ સમર્થ જ્ઞાની મહાત્માઓ હોય તો. આચારધર્મના પાલનમાં પ્રાદેશિક આબોહવા તથા ઉપલબ્ધ સામગ્રી અનુસાર ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય છે. ભારતની આબોહવા એકંદરે એવી છે કે વધુમાં વધુ ઠંડી અને વધુમાં વધુ ગરમીમાં, બહાર ખુલ્લામાં ઉઘાડા પગે અને નગ્ન શરીરે દિગંબર મુનિ મહાત્માઓ વિહાર કરી શકે છે. પરંતુ તેઓને માટે આ રીતે ઇંગ્લૅન્ડ, યુરોપ, અમેરિકા, કેનેડા, જાપાનમાં વિચરવું અશક્ય છે. એટલે તેઓ જાય નહીં, અને જાય તો આચારધર્મમાં છૂટછાટ લેવી પડે. શ્વેતામ્બર સાધુઓ માટે પણ આ વાત એટલી જ સાચી છે. ભારતમાં ગ્રામ, નગર, આવાસ એટલાં નજીક છે કે એક સ્થળેથી બીજે સ્થળે પાદવિહાર કરી શકાય. યુરોપ, અમેરિકામાં વાહનનો ઉપયોગ કર્યા વગર છૂટકો નથી. ગોચરીઆહારના નિયમો ત્યાં ન જ સચવાઈ શકે. એટલે મહાવ્રતધારી જૈન સાધુસાધ્વીઓ વિદેશમાં ન જાય એ જ ઉચિત છે, જે જાય તેનામાં શિથિલાચાર આવ્યા વગર રહે નહીં.
જ્યાં સાધુ – સાધ્વીનો યોગ ન હોય એવા પ્રદેશોમાં, વિદેશોમાં તેમજ ભારતમાં, લોકોના ધર્મપાલનમાં શિથિલતા કે પ્રમાદ આવે અને પ્રત્યક્ષ
૩૦૫
Page #6
--------------------------------------------------------------------------
________________
૩૦૭
જિનતત્ત્વ માર્ગદર્શનના અભાવે અન્ય ધર્મ તરફ વળી જવાનું મન થાય. વિદેશોમાં ધર્મપ્રચારની આ એક મોટી મર્યાદા છે. ગૃહસ્થ પંડિતો અને વ્યાખ્યાતાઓનો સાધુ-સાધ્વી જેટલો પ્રભાવ ન જ પડે એ દેખીતું છે. વિદેશોમાં ભૌતિક પ્રલોભનો એટલાં બધાં હોય છે કે સાધુ-સાધ્વી હોય તો તેમની પણ કસોટી થાય. હવે સાધુ અને ગૃહસ્થ વચ્ચે શ્રમણ-શ્રમણીનો વર્ગ તૈયાર થયો છે અને તેમના દ્વારા સારું કાર્ય થઈ રહ્યું છે. પણ હજુ વિશેષ પ્રયાસની આવશ્યકતા છે.
દરેક ધર્મમાં એના તત્ત્વસિદ્ધાન્તો અને આચાર-નિયમો સામાન્ય રીતે પરસ્પર સંલગ્ન હોય છે. સિદ્ધાન્તોના આધારે આચારના નિયમો ઘડાતા હોય છે. એમાં કેટલાક નિયમો મોટા અને પ્રાણવાન હોય છે અને કેટલાક દેશકાળાનુસાર પરિવર્તનશીલ હોય છે. જૈન ધર્મમાં એના તત્ત્વસિદ્ધાન્તની સાથે આચારધર્મના નિયમો ઘણી ગાઢ રીતે સંકળાયેલાં છે. આથી જ ધર્મપ્રચાર કરવા જતાં આચારનો સદંતર લોપ થાય તે ઇષ્ટ મનાયું નથી.
વિદેશોમાં જ્યાં જેનો વસ્યા છે ત્યાં ભોગસામગ્રીની વિપુલતા છે તથા વિવિધ પ્રકારનાં સાધનસગવડ છે. ઇન્દ્રિયાર્થ પદાર્થો એટલા બધા ત્યાં છે કે ભોગવવા મન લલચાય એ કુદરતી છે. એવા વાતાવરણમાં સરેરાશ મનુષ્યોમાં ધર્મનો રંગ અમુક હદ સુધી જ જીવનમાં ઊતરે એ સ્વાભાવિક છે. ધર્મના નીતિનિયમો ત્યાં સચવાય, પણ આત્મતત્ત્વની ઊંડી સાધના બહુ જૂજ લોકો. કરી શકે. જેમણે એવી આધ્યાત્મિક સાધના કરવી છે તે તો દુનિયાના કોઈપણ ખૂણામાં રહીને કરી શકે છે. એકાંત અને અસંગપણું ભારે પુરુષાર્થ માગી લે છે.
જૈન ધર્મ આત્મલક્ષી ધર્મ છે. આત્મજ્ઞાન, આત્મસાક્ષાત્કાર, સમ્યગ્દર્શન દ્વારા પોતાના જ આત્માને મોક્ષગતિમાં પહોંચાડવા માટેનો ધર્મ છે. લોકોનાં ભૌતિક સુખસગવડ વધે એ એનું મુખ્ય ધ્યેય જ નથી. ત્યાગ, વૈરાગ્ય, સંયમ, જ્ઞાન-ધ્યાન, કષાયમુક્તિ ઇત્યાદિમાં માનવાવાળો જૈન ધર્મ હોવાથી, ધર્મપ્રચાર કરી સંખ્યા વધારવાનું લક્ષ એણે રાખ્યું નથી. આથી જ જૈન ધર્મના આચારપાલનમાં કેટલાંક પરિવર્તનો વખતોવખત આવ્યાં તેમ છતાં એણે પોતાનું મૂળ તાત્વિક સ્વરૂપ સાચવી રાખ્યું છે.
જૈન ધર્મના વૈશ્વિક સ્તર વિશેના કેટલાક મુદ્દાઓની અહીં સાધારણ છણાવટ કરવામાં આવી છે. સમગ્ર વિષયનો અભ્યાસ તો વિવિધ દૃષ્ટિકોણથી આંકડાઓ સાથે થઈ શકે. - એક અવાસ્તવિક તર્ક કરવામાં આવે છે કે ધારો કે દુનિયાની તમામ પ્રજા
Page #7
--------------------------------------------------------------------------
________________ જૈન ધર્મ વૈશ્વિક સ્તરે 307 જૈન ધર્મ પાળતી હોય અને જૈન ધર્મના આગમગ્રંથો - શાસ્ત્રગ્રંથો નષ્ટ થઈ ગયા હોય એવી એક સ્થિતિ હોય અને બીજી બાજુ દુનિયામાં એક પણ માણસ જૈન ન હોય છતાં એના આગમગ્રંથો- શાસ્ત્રગ્રંથો સચવાયા હોય એવી બીજી સ્થિતિ હોય તો આ બે સ્થિતિમાંથી કઈ સ્થિતિને ઇષ્ટ ગણવી ? મને લાગે છે કે શાસ્ત્રગ્રંથો નહીં હોય તો ત્રીજી ચોથી પેઢીએ જૈનતત્ત્વનો લોપ થવા લાગશે, પરંતુ શાસ્ત્રગ્રંથો બચી ગયા હોય તો મોડો વહેલો ફરી જૈન ધર્મનો ઉદય અવશ્ય થાય. જૈન ધર્મ જાતને ગુમાવીને જગતને મેળવવામાં માનતો નથી.