Book Title: Ek Bhajan ne Mahabharat
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf
Catalog link: https://jainqq.org/explore/249417/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૨૧. એક ભજન ને મહાભારત માનવની ભાષા ભલે જુદી જુદી હોય, માનવમાં દેશનો અને કાળનો ભેદ ભલે હોય, માનવનાં સાધનોય ભલે જુદાંજુદાં હોય અને માનવનાં ધાર્મિક યા સાંપ્રદાયિક કર્મકાંડોય ભલે ભાતભાતનાં હોય, છતાં માનવને જે એક અંતરંગ અનુભવ થાય છે તે એકસરખો હોય છે. અહિંસા વિશે લ્યો, સત્ય વિશે જુઓ; અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ બાબત લ્યો વા ત્યાગ વિશે જુઓ; તમામ સંતોનો એક જ અનુભવ છે, તમામ શાસ્ત્રોની એકસરખી વાણી છે. કુરાન હોય કે પુરાણ હોય, બાઇબલ હોય કે બુદ્ધવચન હોય, મહાવીરવચન હોય કે જરથુષ્ટ્રની વાણી હોય, કોઈ જૂનામાં જૂનું શાસ્ત્ર હોય કે અર્વાચીન વચન હોય, તમામમાં પાંચ સદાચાર વિશે એકસરખું વિવેચન મળે છે. તે જ રીતે કોઈ પણ સંતપુરુષ કે જે ભિન્ન દેશનો હોય કે એક દેશનો હોય, પ્રાચીન સમયનો હોય કે અર્વાચીન યુગનો હોય, તે બધાનો ત્યાગ વિશે એકસરખો અનુભવ હોય છે. કહેવાની, સમજાવવાની કે દાખલા-દલીલો આપવાની રીત ભલે ન્યારી ન્યારી હોય, પણ અનુભવ તો એકસરખો જ જણાવાનો. આ બાબત વધુ સ્પષ્ટ કરવા આ નીચે એક પંજાબી ભાષાનું ભજન ટાંકું છું, જે ભજન બહુ જૂનું જણાતું નથી, પણ છે કોઈ અનુભવી પુરુષનું. એના કર્તાના નામની જાણ નથી. એ ભજનમાં ફકીરોના સ્વભાવ વિશે ભજન બનાવનાર સંતનો પોતાનો માનુભવ શબ્દ શબ્દ નીતરે છે. ભજનમાં જે ભાવ બતાવેલો છે, તે જ ભાવ મહાભારતના બારમા શાંતિપર્વના ૧૭મા અધ્યાયે આબેહૂબ વર્ણવેલો છે. આ નીચે અનુભવવાણીરૂપ એ અર્વાચીન ભજન અને મહાભારતના શ્લોકો ટાંકી બતાવીને એ બતાવવાનું છે, કે અનુભવવાણીમાં દેશનું, કાળનું કે ભાષાનું અંતર નડતું નથી. Page #2 -------------------------------------------------------------------------- ________________ એક ભજન ને મહાભારત ૦ ૧૮૧ રાગ ધનાસરી-તાલ ધુમાલી वाह वाह रे मौज फकीरां दी. (टेक) कभी चबावें चना चबीना, જમી નપટ તેં ીરાં વી. વાઢ कभी तो ओढे शालदुशाला, જમી ગુડિયાં ત્હીમાં વી. વાહ રા कभी तो सोवें रंगमहल में, જમી પત્ની અહીરાં વી. વાહ॰ રૂા मंग तंग के टुकडे खान्दे, ઘાત વનેં અમીરાં રી. વાહ ॥૪॥ આ ચાર કડીના નાનામાં નાના ભજનમાં ફકીરીનો, ત્યાગનો, સંન્યાસી વૃત્તિનો, સંયમીની સાધનાનો, સંતોષવૃત્તિનો આબેહૂબ ચિતાર ભજનકારે આપ્યો છે. ભજનકારને પોતાને સાધના કરતાં જે કાંઈ સંતોષવૃત્તિનો અનુભવ થયેલો છે, તે આ નાના ભજનમાં ઘણી સરળ ભાષામાં સ્પષ્ટ કહેલો છે, જે સમજવો જરાય અઘરો નથી. છતાંય તે વિશે થોડું વિવેચન કરી દઉં છું : જુઓ તો ખરા ફકીરોની મોજ કેવી હોય છે ! એ મોજમજાને કવિ મસ્ત થઈને વાહવાહ કરીને વર્ણવે છે : ભજનકાર પોતાનો સ્વાનુભવ વર્ણવતાં ગાય છે કે, ફકીરો કોઈ વાર ચણા કે એવું બીજું કાંઈ ચવાણું ચાવતા-ખાતા હોય છે ! એ મોજમજાને કવિ મસ્ત થઈને વાહ-વાહ કરીને વર્ણવે છે : ફકીરો કોઈ વાર ચણા કે એવું બીજું કાંઈ ચવાણું ચાવતા-ખાતા હોય છે, તો કોઈ વાર ખીર ઉપર ઝપાટો ચલાવતા હોય છે; પણ તેઓની વૃત્તિમાં જરાય અસંતોષ જણાતો નથી. લૂખું સૂકું જે કાંઈ પણ ખાવાનું નિર્દોષ ભાવે, બીજા કોઈ ઉ૫૨ બોજો ન પડે એ રીતે મળતું હોય તે ઉપર, શરીર દ્વારા સંયમને સાધવાના એક માત્ર હેતુને મુખ્ય લક્ષ્યમાં રાખી પોતાનો નિર્વાહ ચલાવતા હોય છે. ચણા હોય કે જારબાજરાનો સૂકો રોટલો હોય યા દૂધપાક હોય કે માલપૂડા હોય, તેમાં તેમને લેશ પણ સ્વાદની આસક્તિ હોતી નથી, તેમની જીભ પૂરી રીતે તેમના કાબૂમાં હોય છે. એટલે સૂકો રોટલો મળતાં તેમને અસંતોષ થતો નથી અને ખીરપોળી મળતાં તેઓ રાજીરાજી ય થતા નથી. આ વાક્યે સંતનો જીવનો સંયમ બતાવેલ છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ૦ સંગીતિ આ પછીના બીજા વાક્યમાં શરીરને ઢાંકવા વિશે સંતની વૃત્તિને બતાવતાં ભજનકાર જણાવે છે કે, સંત પુરુષો કોઈ કોઈ વાર તો શાલદુશાલા ઓઢતા હોય છે અને વળી કોઈ કોઈવાર ફાટલા ગાભાની ગોદડીઓ ઓઢીને ફરતા હોય છે. એમને શાલદુશાલા કે ફાટલા ગાભા સાથે સંબંધ નથી, માત્ર લોકલાજને માટે, મર્યાદા સાચવવાની દૃષ્ટિએ શરીરને ઢાંકવાનો જ મુખ્ય ઉદ્દેશ હોય છે; એટલે પછી સો-બસો રૂપિયાની શાલ મળી કે ડગલો મળ્યો વા કયાંય ફાટીટૂટી લીરે લબડતી ગોદડી મળી, તે બધું તેમને મન એકસરખું છે. - ત્રીજી કડીમાં અનુભવી ભજનિક ગાય છે, કે સંતપુરુષો કોઈ કોઈ વાર તો રંગમહેલમાં સૂએ છે અને કોઈ કોઈ વાર ભરવાડની ગલીઓમાં કે જયાં પશુઓનાં છાણમૂતર, લીંડી-લાદ વગેરે પડ્યું હોય, ત્યાં પણ મોજથી સૂએ છે. એમને મન રંગમહેલ હો કે ભરવાડની ઝોક હો, એ બન્ને સ્થળ એકસરખાં છે. માત્ર તેમને તો પોતાની સાધના માટે જરૂર પૂરતા વિશ્રામની અપેક્ષા છે, તે જ્યાં મળ્યો ત્યાં પૂરતો સંતોષ છે. પછી ભલે ને પાકાં આલિશાન મોટાં મોટાં મકાનોમાં રહેવાનું કે સૂવાનું મળે, વા ખેડૂતનાં ઝૂંપડામાં, લુહારની કોડોમાં કે મસાણમાં વા ભરવાડની ઝોકોમાં. બન્ને ઠેકાણે એની તો અંતરની સાધના ચાલતી જ હોય છે. છેક છેલ્લી કડીમાં કવિ કહે છે કે જોગી, સંયમી, ફકીર, સંન્યાસી ગમે તે સંપ્રદાય કે ધર્મની છાપવાળો હોય, પણ તેની ચાલ અમીરની હોય છે; તેનામાં જરાય દીનવૃત્તિ નથી હોતી, જ્યારે જુઓ ત્યારે તેનું વદન પ્રસન્ન હોય છે અને સ્વાનુભવનો આલ્હાદ તેનામાં ભરેલો જ હોય છે. ભલે ને તે માંગી-તાંગીને ટુકડા ખાતો હોય, પણ જુઓ તો જાણે મોટો અમીર, શાહનો શાહ. આખું ભજન પૂરતી સંતોષવૃત્તિ, અનાસક્તવૃત્તિ અને ત્યાગભાવની ભાવનાના ભાષ્ય જેવું છે. કોઈ પણ દેશનો, કોઈ પણ કાળનો, કોઈ પણ ભાષાને બોલનારો, કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની છાપ ધરાવનારો નવો આદમી કે જૂનો આદમી આ ભજનમાં કહેલી બાબતમાં મતભેદ ધરાવવાનો નથી. આ ભજન રચનારે મહાભારતનો અભ્યાસ કર્યો છે કે કેમ એ વિશે ભલે કાંઈ ન કહી શકાય, પણ મહાભારતના શાંતિપર્વના ૧૭૯મા અધ્યાયમાં આજગર અને પ્રહલાદનો જે સંવાદ આવેલો છે, તેમાં બરાબર અક્ષરેઅક્ષર ઉપરના ભજનનો જ ભાવ સમાયેલ છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ એક ભજન ને મહાભારત ૦ ૧૮૩ ધર્મરાજ યુધિષ્ઠિર ભીષ્મપિતામહને પૂછે છે, કે "केन वृत्तेन वृत्तज्ञ ! वीतशोकश्चरेत् महीम् । किं च कुर्वन्नरो लोके प्राप्नोति गतिमुत्तमाम्" ॥ હે વૃત્તજ્ઞ! જેને વીતશોકનૃતદ્દન શોક વગરના થઈને જીવવું હોય તે પુરુષ કયા પ્રકારના વૃત્ત વડે, આચરણ વડે, વર્તન વડે આ જગતમાં રહે ? અને શું પ્રવૃત્તિ કરતો પુરુષ આ જગતમાં ઉત્તમ ગતિને પામે ?” ધર્મરાજનો આ પ્રશ્ન સાંભળી પાકા અનુભવી અને ધર્મના વૃત્તથી ઘડાયેલા તથા તમામ પ્રકારનાં વૃત્તોને, વૃત્તાંતોને જાણનાર એવા ભીષ્મપિતામહ બોલ્યા : “સત્રયુહર્તામમિતિહાસં પુરાતનમ્ | प्रह्लादस्य च संवादं मुनेराजगरस्य च" ॥२॥ “રાજા યુધિષ્ઠિર ! તમારા આ પ્રશ્નના ઉત્તર માટે અહીં રાજા પ્રહલાદ અને આજગર મુનિ વચ્ચે થયેલો પુરાતન ઇતિહાસમય આ સંવાદ ટાંકી બતાવું છું.” ભીષ્મપિતામહે વર્ણવેલો આ સંવાદ ઘણો મોટો છે, એટલે તે આખોય અહીં ન અપાય; પરંતુ ઉપર્યુક્ત ભજનના ભાવ સાથે પિતામહનાં જે જે વચનો બરાબર મળતાં આવે છે, તેમને અહીં ટાંકી બતાવવાં જોઈએ. એમ થાય તો જ અર્વાચીન અને પ્રાચીન અનુભવવાણીનો તુલનાત્મક ભાવ બતાવી શકાય. પિતામહ કહે છે : પ્રહ્ના ૩થીવ | (રાજા પ્રદ્યારે પેલા આજગર મુનિને પૂછ્યું કે) 'स्वस्थः शक्तो मृदुर्दान्तो निर्विधित्सोऽनसूयकः । सुवाक् प्रगल्भो मेधावी प्राज्ञश्चरसि बालवत् ॥४॥ नैव प्रार्थयसे लाभं नालाभेष्वनुशोचसि । नित्यतृप्त इव ब्रह्मन् ! न किञ्चिदिव मन्यसे ॥५॥ स्रोतसा ह्रियमाणासु प्रजासु विमना इव । धर्मकामार्थकार्येषु कूटस्थ इव लक्ष्यसे ॥६॥ ૧. અજગર જેવી વૃત્તિથી પોતાનું જીવન ટકાવે છે, અર્થાત્ કોઈ પ્રકારથી બીજાને દુઃખ પહોંચાડનારી ખટપટ કર્યા વિના જેમ અજગર જીવે છે, તેમ જીવનનો નિર્વાહ કરે તે અજગર જેવો માટે આજગર. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ • સંગીતિ नानुतिष्ठसि धर्मार्थो न कामे चापि वर्तसे । इन्द्रियार्थाननादृत्य मुक्तश्चरसि साक्षिवत् ॥७॥ का नु प्रज्ञा श्रुतं वा किं वृत्तिर्वा का नु ते मुने ! । क्षिप्रमाचक्ष्व मे ब्रह्मन् ! श्रेयो यदिह मन्यसे' ॥८॥ હે આજગર મુનિ ! હે બ્રાહ્મણ ! તું સ્વસ્થ છે, શક્તિશાળી છે, કોમળવૃત્તિવાળો છે, જિતેંદ્રિય છે, કશું કરવાની તાલાવેલી વગરનો છે, ઈર્ષારહિત છે. તારી ભાષા મધુર છે, કોઈથી દબાય એવો પણ તું નથી અર્થાત્ તેજસ્વી છે, મેધાવી છે, પ્રાજ્ઞ છે અને બાળકની પેઠે નિર્દોષભાવે રહે છે. ૪ “હે મુનિ ! તું લાભની ઇચ્છા રાખતો નથી, તેમ અલાભ બાબત શોક પણ કરતો નથી; કેમ જાણે નિત્યતૃપ્ત હો એવો જણાય છે. આ તારી ચારે બાજુ જે ધમાલ, ખટપટ, પ્રપંચ ચાલી રહ્યાં છે તેમને તું લેશમાત્ર ગણકારતો નથી. ૫ પ્રકૃતિના પૂર દ્વારા તમામ પ્રજાઓ હરાતી-ઢસડાતી–જાય છે એટલે કે લોકો કાળના મુખમાં નિરંતર પડતા રહે છે. છતાંય તું તો કેમ જાણે એ તરફ જરા પણ મન લગાડતો ન હોય એમ વર્તે છે. ધર્મ તથા અર્થની ધામધૂમ ભરેલી ધમાલવાળી પ્રવૃત્તિઓ તરફ તું જાણે કૂટસ્થ (તટસ્થ) હો એમ દેખાય છે (કૂટસ્થ એટલે કોઈ પ્રકારની સારી-નરસી અસર વગરનો-નિર્વિકાર). ૬ “હે મુનિ ! તું ધર્મનો ડોળ કરતો નથી, અર્થની ધમાલ કરતો નથી અને વાસનાઓમાં પણ વર્તતો નથી. ઇંદ્રિયોના વિષયો તરફ આદરભાવ બતાવ્યા વિના કેમ જાણે સાક્ષી હો એ રીતે મુક્તવૃત્તિએ રહે છે. ૭ હે મુનિ ! તું જે આમ સ્વસ્થ રહે છે તે માટે તારી પાસે કઈ જાતની બુદ્ધિ છે? ક્યા પ્રકારનું શાસ્ત્ર છે? તારી પાસે એવી કઈ જાતની વૃત્તિ છે? હે બ્રાહ્મણ ! તું જે મારે માટે કલ્યાણરૂપ માનતો હતો તે ઝટ કહી નાખ, જેથી મને આ તારા જેવી પ્રસન્ન સ્થિતિનો લાભ થાય. ૮ (આમ રાજા પ્રફ્લાદનો પ્રશ્ન સાંભળી આજગર મુનિએ જે કાંઈ કહ્યું તે પિતામહ પોતાના શબ્દોમાં રાજા યુધિષ્ઠિરને આ પ્રમાણે કહેવા લાગ્યા :) भीष्म उवाच "अनुयुक्तः स मेधावी लोकधर्मविधानवित् । उवाच श्लक्ष्णया वाचा प्रह्लादमनपार्थया ॥९॥ Page #6 -------------------------------------------------------------------------- ________________ એક ભજન ને મહાભારત ૦ ૧૮૫ “લોકધર્મના વિધાનને સમજનારા એટલે સંસારના સ્વભાવને બરાબર પિછાણનારા અને જેમને પ્રશ્ન પૂછવામાં આવેલ છે, એવા તે મેધાવી આજગર મુનિએ રાજા પ્રલાદને અર્થભરેલી, કોમળ વાણી વડે આ પ્રમાણે કહ્યું : ૯ 'पश्य, प्रह्लाद ! भूतानामुत्पत्तिमनिमित्ततः । हासं वृद्धि विनाशं च न प्रहृष्ये न च व्यथे ॥१०॥ હે રાજા પ્રહલાદ ! તું જો (વિચાર કરો. આ તમામ પ્રકારના જીવો વિના કારણે પેદા થાય છે, તેમની ઘટ થાય છે, તેમનો વધારો થાય છે અને તેમનો સમૂળગો વિનાશ થાય છે. એ બધું અકારણ થાય છે એમ જાણીને હું હરખાતો નથી તેમ દુણાતો નથી. અર્થાત્ સંસારમાં ચાલતા આ પ્રકારના ભૂતોના જીવોના સંઘર્ષને જોઈને મને કશો હરખશોક થતો નથી, એ સ્વસ્થ જીવનનું પ્રથમ કારણ છે. 'स्वभावादेव संदृश्या वर्तमानाः प्रवृत्तयः ।। स्वभावनिरताः सर्वा परितुष्येन्न केनचित् ॥११॥ पश्य प्रह्लाद ! संयोगान् विप्रयोगपरायणान् । संचयांश्च विनाशान्तान् न क्वचिद् विदधे मनः ॥१२॥ अन्तवन्ति च भूतानि गुणयुक्तानि पश्यतः । उत्पत्तिनिधनज्ञस्य किं कार्यमवशिष्यते ? ॥१३॥ હે રાજા પ્રહલાદ ! વર્તમાન આ જે તમામ પ્રવૃત્તિઓ ચાલે છે, તે બધીને સ્વાભાવિકપણે ચાલતી સમજવાની છે. તે તમામ પ્રવૃત્તિઓ એક માત્ર સ્વભાવને વશ છે, માટે તે ગમે તેવી કોઈ એક પ્રવૃત્તિ જોઈને હરખાવાનું નથી. ૧૧ “હે રાજા પ્રફ્લાદ ! તું જો, જે આ બધા સંયોગો છે, સંબંધો છે, માદીકરો, બાપ-બેટો, પતિ-પત્ની, ભાઈ-બહેન, મામા-માશી, ફઈ-ફૂવા કે શત્રુ-મિત્ર; આ તમામ સંબંધનો છેવટે વિયોગ છે, અર્થાત્ એમાંનો એક પણ સંબંધ સ્થિર નથી. વળી જે આ બધો ધન, માયા, પ્રેમ, સગાઈ, સંબંધો, જશકીર્તિ વગેરેનો જે મોટો સંચય કરવામાં આવે છે, તે તમામનો છેવટ પણ વિનાશ જ છે. માટે હું તો તેમાંના કોઈ તરફ જરા પણ મન ફેરવતો નથી અર્થાતુ મારું મન તે બાબત જરાય આસક્ત નથી, રાજી થતું નથી તેમ નાખુશ પણ થતું નથી. વસ્તુસ્થિતિને બરાબર પારખ્યા પછી ક્યાં રાજી Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬૦ સંગીતિ થવું? ક્યાં રડવું ? ૧૨ “જગતમાં આ જે તમામ પ્રકારનાં પ્રાણીઓ છે, તે બધાં વિનાશવશ અને પોતપોતાના ગુણથી યુક્ત છે, અર્થાત્ તમોગુણી, રજોગુણી કે સત્ત્વગુણી એવાં આ તમામ પ્રાણીઓને જે જોતો હોય, બરાબર સમજતો હોય એવા ઉત્પત્તિ અને મરણના સ્વભાવને જાણનારાને હવે એવું કયું કામ બાકી રહી જાય છે કે જે માટે આસક્ત થવાનું હોય? ૧૩ રાજા પ્રફ્લાદ ! હું તો આ જાતની પ્રજ્ઞા, આ જાતનો અનુભવ અને આ જાતની વૃત્તિને લીધે આ સંતાપથી તપતા સંસારમાંય પ્રસન્નપણે મારો સમય વિતાવું છું. વળી તું જો, હું શું શું કરું છું : "सुमहान्तमपि ग्रासं ग्रसे लब्धं यदृच्छया । शये पुनरभुञ्जानो दिवसानि बहून्यपि ॥१९॥ आशयन्त्यपि मामन्नं पुनर्बहुगुणं बहु । पुनरल्पं पुनः स्तोकं पुनर्नैवोपपद्यते ॥२०॥ कणं कदाचित् खादामि पिण्याकमपि च ग्रसे । भक्षये शालि-मांसानि भक्ष्यांश्चोच्चावचान् पुनः ॥२१॥ જો રાજા પ્રફ્લાદ ! મને કોઈ વાર આકસ્મિક રીતે કોઈ સરસ મોટું ભોજન મળી જાય તોય અનાસક્તભાવે ખાઈ લઉં છું અને ન મળે અર્થાત્ કશું ખાવાનું ન મળે તોય કશી ધમાલ કે ઉધમાત કર્યા વિના-ખાધાપીધા વિના ઘણા દિવસો સુધી એમ ને એમ સૂઈ રહું છું. ૧૯ “કોઈ વાર તો લોકો મને બહુગુણવાળું અન્ન થોડું કે ઘણું ખવડાવી જાય છે, ત્યારે કોઈ વાર વળી જરાક જેટલું પણ મળતું નથી. ૨૦ વળી કોઈક વાર તો દાણાના કણોને વીણી ખાઉં છું અને કોઈક વાર તો ખોળ પણ ખાઈ લઉં છું. વળી કોઈક વાર ઉત્તમ સાળના ચોખા અને સરસ પકાવેલું માંસ મળી જાય છે તો તેને ખાઈ લઉં છું અને કોઈક વાર વળી થોડું કે ઘણું વા સારું કે નરસું જે મળે તે ખાઈ લઉં છું. ખાવાપીવા પ્રત્યે મારી આ દષ્ટિ છે કે સાધના માટે શરીરને ટકાવી રાખવું અને જે મળે તેમાં સંતોષ માનવો. ૧. સરખાવો ભજનની કડી ૧લી : कभी चबावें चना चबीना कभी लपट लैं खीरा दी। Page #8 -------------------------------------------------------------------------- ________________ એક ભજન ને મહાભારત ૦ ૧૮૭ વળી તે આજગર મુનિ કહે છે કે એમ કહીને ભીષ્મપિતામહ બોલ્યા: 'शये कदाचित् पर्यङ्के भूमावपि पुनः शये । प्रासादे चापि मे शय्या कदाचिद् उपपद्यते' ॥२२॥ કોઈક વાર તો હું પલંગમાં સૂઉં છું, વળી કોઈક વાર જમીન ઉપર જ પથારી કરું છું. વળી કોઈક વાર મહેલમાં મારી પથારી છત્રીપલંગ ઉપર પણ હોય છે, છતાં મને એ વિશેનો જરાય હરખશોક નથી. મારી તો પ્રધાન સાધના વીતરાગવૃત્તિની છે. “ફરી વળી ભીખે એ આજગર મુનિના પહેરવેશ વિશે જણાવતાં કહ્યું કે, 'धारयामि च चीराणि शाणक्षौमाजिनानि च । महार्हाणि च वासांसि धारयाम्यहमेकदा' ॥२३॥ કોઈ વાર તો ચીરો એટલે ચીંથરાં જેવાં કપડાં પહેરું છું અને કોઈ વાર વળી ભીંડીનાં કપડાં એટલે આલપાકનાં કપડાં પહેરું છું. કોઈ વાર અતલસનાં અને કોઈ વાર સુંવાળાં મખમલ જેવાં નરમ નરમ ચામડાંનાં કપડાં પહેરું છું. હું એ ઉપર કહ્યાં તેવાં વધારે કિંમતી કપડાં પહેરું કે ચીથરાં પહેરું કે રેશમ પહેરું તેનું મને કાંઈ નથી. મારે તો સમતાવૃત્તિ, અનાસક્તવૃત્તિ અને અહિંસાવૃત્તિ કેળવવાની છે. મારા જીવનનો આ એક જ ઉદ્દેશ છે એટલે એ ઉદેશને લેશ પણ હાનિ ન પહોંચે એ રીતે ખાઉં છું, પીઉં છું. સૂઉં છું અને પહેરવેશ પહેરું છું. છેવટે ભીષ્મપિતામહ બોલ્યા કે ‘ર સંનિતિત થર્મમુપમો યદચ્છા . प्रत्याचक्षे न चाप्येनमनुरुध्ये सुदुर्लभम्' ॥२४॥ ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું કે બીજું જે કાંઈ સાધન આકસ્મિક રીતે અને ધર્મ સચવાય એ રીતે મળે છે તે તમામનો હું ઉપભોગ કરું છું, અર્થાત્ એ ધર્મે ઉપભોગને હું નકારતો નથી, તેમ એવા કોઈ વિશેષ દુર્લભ સાધનની પાછળ પણ હું પડતો નથી. જે જેમ મળે તેનાથી તેમ ચલાવી લઉં છું. આ રીતે રહેવાથી જ મારી શાંતિ ટકી શકે છે અને માનવત્ સર્વભૂતેષુ ભાવના પણ બરાબર જળવાય છે. ૧. સરખાવો ભજનની કડી બીજી : कभी तो ओढे शालदुशाला कभी गुदड़ियाँ ल्हीरां दी । Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ • સંગીતિ અને આ રીતે લોભ વગર, તૃષ્ણા વગર જીવનયાપન કરતાં અપૂર્વ સુખલાભ થાય છે. છેક છેલ્લે પિતામહ બોલ્યા કે “એ આજગર મુનિએ રાજા પ્રલાદને આમ કહ્યું કે 'हृदयमनुरुध्य वाङ्मनो वा प्रियसुखदुर्लभतामनित्यतां च । तदुभयमुपलक्षयन्निवाहं व्रतमिदमाजगरं शुचिश्चरामि' ॥ બુદ્ધિ, મન, વચન અને શરીરને બરાબર તાબામાં રાખીને, પ્રિય અને સુખની દુર્લભતાને અને આ સંસારની અનિત્યતા સમયે સમયે બદલાતી દશા)ને સમજીને અને આ બન્ને પરિસ્થિતિને બરાબર ઓળખતો પવિત્ર એવો હું આ આગરવ્રતનું આચરણ કરું છું.' ' જે કોઈ મનુષ્ય સુખી થવાની ઇચ્છા રાખતો હોય તેણે મહાત્મા આજગર મુનિની પેઠે પોતાનું આચરણ રાખવું. મહાભારતને લગતા આ તુલનાત્મક લેખમાં સંક્ષેપમાં બે મુદ્દા તરફ ધ્યાન રાખવાનું છે : પહેલો મુદ્દો સંતના અનુભવને શાસ્ત્ર આપો-આપ કેવી રીતે અનુસરે છે તે છે; અર્થાત્ શાસ્ત્ર સંતના અનુભવથી જુદું હોતું નથી–ખરી રીતે તો સંતનો અનુભવ જ કાળક્રમે શાસ્ત્રનું રૂપ લે છે. ઉત્તરરામચરિત'માં મહાકવિ ભવભૂતિએ એક શ્લોકમાં આમ જણાવેલું કે "लौकिकानां हि साधूनामर्थं वाग् अनुवर्तते । વીજ પુનરોદાનાં વાવમનુથાવત" . અર્થાત્ દુનિયાના સાધુ-ડાહ્યા-પુરુષોની વાણી અર્થને અનુસરે છે; એટલે એ લૌકિક વાણી વસ્તુ-પદાર્થને વશવર્તી હોય છે. ત્યારે જેઓ ઋષિઓ છે, સંતો છે અને અંતરંગ રીતે જેઓ સત્યદ્રષ્ટા, સર્વદા, સર્વથા સદાચારપરાયણ છે અને સર્વાત્મક્યાનુભવી છે, તેમની વાણીની પાછળ અર્થ દોડે છે. એટલે તેઓ બોલે તે જ ખરું બને છે–તેઓ બોલે તે જ શાસ્ત્ર બની જાય છે. તેમની વાણી પદાર્થપરાધીન નથી પણ પદાર્થ તેમની વાણીને અધીન હોય છે. મહાભારતની ઉપર જણાવેલી હકીકત અને પ્રસ્તુત ભજનની વાણી આ હકીકતનો સંપૂર્ણ દાખલો કહેવાય. બીજો મુદ્દો ભારતીય કે અભારતીય કોઈ પણ સંતનો અનુભવ એકસરખો હોય છે એમાં લેશ પણ સંદેહ નથી. જૈન પરિભાષામાં Page #10 -------------------------------------------------------------------------- ________________ એક ભજન ને મહાભારત 0 189 શ્રમણદશા, બૌદ્ધ પરિભાષામાં ભિક્ષુદશા, વૈદિક પરિભાષામાં સંન્યાસીવૃત્તિ, ઇસ્લામી પરિભાષામાં ઓલિયાપણું-ફકીરી, ક્રિશ્ચિયન પરિભાષામાં પાદરીપણું-સિસ્ટર, મધર કે બ્રધર વા ફાધરનો ભાવ, પારસી પરિભાષામાં મોબેદની કે અધ્યારુની (અધ્વર્યુની) વૃત્તિ જો સાધના માટે જ સ્વીકારેલી હોય તો અંતરંગની અપેક્ષાએ એકસરખી જ હોય છે. બહારથી જોતાં ભલે તે જુદી જુદી જણાય, પરંતુ બહારની દશા કરતાં અંતરંગ દશા જ વિશેષ આદરપાત્ર છે. બહારની દશાય અનાદરણીય નથી, પરંતુ તે સાધનરૂપ છે, અને અંતરંગદશા સાધ્યરૂપ છે. એટલે વૃક્ષનાં ફળ અને વૃક્ષનાં બીજાં બીજાં નિમિત્ત કારણો વચ્ચે જે જાતનો મૂલ્યનો ભેદ છે, તેવો ભેદ આ બહિરંગ અને અંતરંગ દશા વચ્ચે રહે છે એ ધ્યાનમાં રાખવાનું છે. આ વિશાળ ભાવને ખ્યાલમાં રાખીને જ જૈનપરંપરાના સુપ્રસિદ્ધ નવકારમંત્રમાં પાંચમું પદ “નમો તો સવ્વસાહૂળ' કહેવામાં આવેલ છે. તેનો અર્થ આ પ્રમાણે છે: તો' એટલે આ જગતમાં, “સર્વસાહૂ' એટલે તમામ સાધુપુરુષોને, “નમો' એટલે નમસ્કાર. અર્થાત્ આ જગતમાં જ્યાં જ્યાં સાધુપુરુષો છે, ત્યાં ત્યાં તે તમામ વંદનીય-આદરણીય-પૂજનીય છે. આજકાલ “સાધુઓ ઉપયોગી છે કે નહીં' એવી ચર્ચા આપણા રાજપુરુષો અને બીજા સુધારકો કરી રહ્યા છે. તેમને લાગે છે કે આ દેશના હજારો સાધુઓ-સંન્યાસીઓ પ્રજાને ભારે ભારરૂપ છે; માટે તેમને નિયમનમાં લાવવા કોઈ નિયંત્રણની જરૂર છે. વિચાર કરતાં જણાશે કે દેશમાં પ્રજાને ભારરૂપ લાગે તેવા કોણ કોણ છે? એવી શોધ કરવાનો અધિકાર તેને જ છે કે જે પોતે કોઈ પણ રીતે દેશને ભારરૂપ ન બનતો હોય. જ્યાં સુધી માણસ કેવળ સ્વાર્થપરાયણ, કુટુંબપરાયણ, કોમપરાયણ વૃત્તિવાળો છે ત્યાં સુધી તે દેશને ભારરૂપ જ છે; એટલું જ નહીં, પણ ભારે ખતરનાક છે અને બેકારી વધારવામાં જાણ્યઅજાણ્યે સાથ આપતો જ હોય છે. આ ભજનમાં જેવા સંતોની દશા વર્ણવી છે તેવા સંતો કદી પણ દેશને કે પ્રજાને ભારરૂપ હોવાનો સંભવ નથી; અને પ્રજાને ભારરૂપ ન થવા માટે જ તો સંતોએ ભજનમાં વર્ણવેલી દશા જાણીબૂઝીને અપનાવેલ છે; એવા સંતો દેશને ભારરૂપ નથી જ. ઊલટા દેશના અભ્યદયમાં અસાધારણ કારણરૂપ છે અને એક ઉત્તમ આદર્શ સમાન છે એ ન ભુલાય—એવો આ લખાણનો બીજો મુદ્દો છે. - અખંડ આનંદ, એપ્રિલ - 1954