Book Title: Das Parmita
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf
Catalog link: https://jainqq.org/explore/249412/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૬. દસ પારમિતા (પારમિતા એટલે કોઈ પણ સદાચારી ગુણને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પર્વત કેળવવો તે. દાખલા તરીકે કર્ણરાજાએ દાનપારમિતા કેળવી હતી અને હરિશ્ચંદ્રરાજાએ સત્યપારમિતા પોતાના જીવનમાં સાંગોપાંગ ઉતારી હતી. બુદ્ધદેવની પ્રજ્ઞાપારમિતા કહેવાય છે એ તો અત્યંત જાણીતી બીના છે. જીવનના એવા દસ પરમોદાત્ત ગુણો બુદ્ધધર્મે પ્રબોધ્યા છે. વિદ્વાન પંડિતજીએ પોતાની રીતે એ સર્વની અહીં સમજણ આપી છે. પણ આ પારમિતા શું માનવી એક જ જીવનમાં પ્રાપ્ત કરી શકે છે? બૌદ્ધધર્મ કહે છે એની તૈયારી પૂર્વજન્મોનાં કર્મકર્માતરો પર વિશેષ અવલંબે છે. પ્રજ્ઞાપારમિતાનું અમૂલ્ય બિરુદ પામેલા બુદ્ધદેવના પૂર્વજીવનની કથા એટલે જાતકકથા. આ કથાઓ મૂળ પાલીમાં લખાયેલી છે, અને પંડિતજી પાલી ભાષાના વિદ્વાન છે. આ કથાઓનું પાન કરવાનો લ્હાવો આ જ લેખક દ્વારા મળનાર છે એ આપણે માટે આનંદની વાત છે.) માણસમાત્રનું ધ્યેય વા સાધ્ય શાશ્વત આનંદ છે. તે માટે પ્રત્યેક માણસ અતૂટ પ્રયત્નો કર્યા જ કરે છે. પણ અશુદ્ધ સાધનોવાળા પ્રયત્નો કરવાથી કોઈ પણ માણસ નિર્ભેળ આનંદ મેળવી જ શકતો નથી. (૧) નિતાંત આનંદ માટે શુદ્ધ વિચારશક્તિની સૌથી પ્રથમ અપેક્ષા રહે છે. માણસ પોતાની પ્રજ્ઞાને બરાબર ન કેળવે અને સારાસારનો વિચાર કરવાનું સામર્થ્ય ન મેળવે, ત્યાં લગી એ સાત્ત્વિક આનંદની ઝાંખી કરી. શકવાનો નથી. બરાબર બુદ્ધિ કેળવાયા પછી અને સારાસારનો વિચાર કરવાની શક્તિ મળ્યા પછી પણ તે પ્રમાણે આચરણ ન થાય તો પણ વિશુદ્ધ આનંદને બદલે ભળતો જ આનંદ માણસને ફસાવી દે છે. એટલે પ્રજ્ઞાને કેળવવા સાથે મનમાં ઉદારતા લાવવાનો પણ વિશેષ અભ્યાસ પાડવો જોઈએ. (૨) ઉદારતા કેળવનારના મનમાં ત્યાગભાવ અને સહનશક્તિ એ બંને ગુણો વિકસવા જોઈએ. સહનશક્તિ વિકસવાથી આપણી દશા સમ કરી Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ - સંગીતિ શકાય છે. કદી વિષમતા ખડી થાય તો પણ સહનશક્તિની કેળવણીના પ્રભાવથી એ વિષમતાને પળવારમાં દૂર કરી શકાય છે. કોઈના વિરુદ્ધ વા વિભિન્ન આચાર કે વિચાર આપણને લેશ પણ પજવી શકતા નથી અને સર્વ કોઈ સાથે આપણે મિત્રભાવે વર્તી શકીએ છીએ. ત્યાગભાવની ટેવ પાડવાથી આપણા મનમાં ધન વા બીજી જરૂરી ચીજોને છોડતાં જરા પણ અચકાવાપણું રહેતું નથી. આપણો જ ભાઈ ધન વગરનો હોય વા બીજાં સાધન તેને ન સાંપડેલાં હોય, તેની જાણ થતાં તરત જ ત્યાગભાવનો અભ્યાસી તે ભાઈ માટે ધનનો કે સાધન-વસ્તુઓનો ત્યાગ કરતાં ક્ષણ પણ વિલંબ નહિ કરે. માટે શાશ્વત આનંદ માટે પ્રજ્ઞાશોધનની પેઠે ત્યાગભાવનો પણ અભ્યાસ કરવાની સવિશેષ જરૂર રહે છે. આપણા પૂર્વજ સંતોએ પોતાના ભાઈઓનાં (તેમને મન તમામ આત્માઓ ભાઈઓ જ હતા). સુખો માટે ધન તો શું પણ પ્રાણો પણ તેમણે કાઢી આપ્યા છે. એ બધો પ્રભાવ ત્યાગભાવની ટેવો છે. ઉપર કહેલા ગુણો કેળવવા સાથે સાત્ત્વિક આનંદના ઇચ્છુકે પોતાનાં આચાર, પ્રવૃત્તિ, રહેણીકરણી પણ કેળવવાં જોઈએ. (૩) એમાં શીલસદાચારની પ્રધાનતાને બરાબર જાળવી રાખવી જોઈએ. માણસ બુદ્ધિમાન હોય અને સાથે ઉદાર પણ હોય છતાં તેનામાં સાદી રહેણીકરણી અને સંયમશીલ વૃત્તિ ન હોય તો તેના એ બંને ગુણો તેને મળ્યા ન મળ્યા જેવા છે. સંયમ વિનાના એ ગુણો ઉચ્ચ આનંદની પ્રાપ્તિમાં વિપ્ન સમાન છે. માટે પૂર્વોક્ત બંને ગુણો સાથે ત્રીજો ગુણ શીલ-સદાચારનો પણ જરૂર કેળવવો જોઈએ. ઉપરના ત્રણે ગુણો કેળવ્યા છતાં પણ શરીર અને મન નબળાં હોય, પગલે પગલે માણસ નિર્બળ થતો હોય અને જોખમનું કોઈ કામ આવી પડતાં જ કાયર બનતો હોય, તો તે ત્રણે ગુણો તદ્દન નકામા છે. (૪) એટલે પ્રજ્ઞાવિશોધન, ઉદારતા અને સદાચારના ગુણોનું ફળ ચાખવાની વૃત્તિવાળાએ શરીર અને મનને સવિશેષ સબળ રાખવાં જોઈએ. એમ કરવા માટે શરીરને કેળવવું જોઈએ અને મનની પણ તાલીમ લેવી જોઈએ. ટાઢ, તાપ, શરદી અને ગમે તેવું વાતાવરણ હોય તો પણ શરીર તેને વિના મૂંઝાયે સહી શકે. પોતાના ધ્યેયમાં એ આપત્તિઓ અંતરાય કરનારી ન થાય એટલું શરીરબળ શાશ્વત આનંદની પ્રાપ્તિ માટે કેળવ્યા સિવાય ચાલે જ નહિ. સાથે સાથે એવું જ દઢ મન પણ તૈયાર કરવું જોઈએ, Page #3 -------------------------------------------------------------------------- ________________ દસ પારમિતા ૦ ૧૩૭ જેથી કોઈ પણ વિપત્તિ સામે આવતાં તે જરા પણ પોતાના સાધ્યથી ચલિત ન થાય. જે માણસ સત્ય જ બોલે છે તેને રાજા હરિશ્ચંદ્રની પેઠે શારીરિક આપત્તિઓ અને માનસિક આઘાતો ઘણાં સહન કરવાનાં આવે છે. એવે વખતે શરીર અને મન ન કસાયાં હોય તો માણસ પોતાનું ધ્યેય ન ચૂકી જાય અને નિતાંત આનંદને બદલે કોઈ નરકાગારમાં જ પડી જાય. માટે શરીરબળ અને મનોબળ એ ઉક્ત ત્રણ ગુણો જેટલું જ જરૂરી છે. વર્તમાનમાં તો તમામ માણસોએ એ ભૂલવાનું નથી. (૫) આ સાથે ક્ષમાના ગુણને પણ ખૂબખૂબ કેળવવો ઘટે. માણસ ડાહ્યો હોય, દાની હોય, સદાચારી હોય અને શરીરે તથા મનથી પણ બળુકો હોવા છતાં, તે વાતવાતમાં ચિડાતો હોય, પોતાના ક્રોધના આવેશ ઉપર તેનો અંકુશ ન હોય અને જયાં-ત્યાં ગમે તે કારણે મિજાજ ગુમાવી દેતો હોય, તો તે પણ વિશુદ્ધ આનંદ પામી શકતો નથી માટે વિશુદ્ધ આનંદનો અનુભવ કરવાની ધારણાવાળાએ ક્ષમાનો ગુણ ખાસ કરીને કેળવવો જોઈએ. ક્ષમાના ગુણને કેળવવાથી કોઈ બહારનો આઘાત કે માનસિક આઘાત આપણને અડી જ શકતો નથી અને એની આપણા શરીર કે મન ઉપર કશી અસર પણ થતી નથી. ક્ષમાસ્વભાવી માણસ સદા પ્રસન્નમુખ હોય છે. (૬) આ સાથે માનવી જો સત્યને વિસરી જાય તો તો બધું એકડા વિનાના મીંડા જેવું જ છે. માટે જેનામાં ઉપરના પાંચ ગુણોનો મેળ હોય તેનામાં સત્યાગ્રહ ન હોય, સત્યને મેળવવા માટેની તમન્ના ન હોય અને સત્યને મેળવવા માટે જીવન પણ કુરબાન કરવાની વૃત્તિ ન પ્રગટે, તો શાશ્વત આનંદનું ધ્યેય ઘણું છેટું રહી જાય. માટે ઉક્ત પાંચ ગુણોની સાથે સત્યાગ્રહનો ગુણ પણ સવિશેષ રીતે માણસે પોતાના મનમાં કેળવવો જ રહ્યો. (૭) આ સાથે મિત્તી એ સવ્વપૂપસુની વૃત્તિ પણ ચિત્તમાં મજબૂત રીતે કેળવાવી જોઈએ. એટલે કે “તમામ મનુષ્યો–પછી ભલે તે ગમે તે દેશના, ગમે તે જાતના, ગમે તે રંગના કે ગમે તે ભાષા બોલનારા વા ગમે તેવો આચારવિચાર ધરાવનારા હોય, –મારા મિત્રો છે અને તેમનો પણ હું એક અદનો મિત્ર છું. માણસો તો શું પણ પશુઓ, પક્ષીઓ, કીટપતંગો, કીડીમંકોડાઓ અને ઝાડપાન, પાણી, હવા, આગ,માટી વગેરે તમામ ચેતનામય તત્ત્વો પણ મારા મિત્રો છે અને હું પણ તેમનો મિત્ર છે. અર્થાત્ તમામ સૃષ્ટિ મારા મિત્રરૂપ છે અને તમામ સૃષ્ટિનો હું સખા છું. મારે કોઈની પણ સાથે વૈરવિરોધ નથી—એ જાતની ભાવના કેળવ્યા વિના ઉપર કહેલા Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ • સંગીતિ તમામ ગુણો નકામા નીવડે છે અને પૂર્ણ આનંદનો માર્ગ ભુલાઈ જાય છે. એટલે આ સાતમો મૈત્રી-વૃત્તિનો ગુણ વારંવાર મનન કરી મનમાં એવો જમાવી દેવો જોઈએ, જેથી આપણે કોઈના દુઃખનું કારણ ન બનીએ અને અન્ય કોઈ દુઃખનું કારણ જણાય, તો તે મિત્ર તરફથી આવેલું દુઃખ સમજી તેને હસતા વદને સહી લઈએ. (૮) આમ સાત ગુણો કેળવ્યા પછી પણ કોઈ પણ સચેતન કે અચેતન પદાર્થમાં આપણી આસક્તિ હોય તો મૂઆ નહિ ને પાછા થયા જેવું જ થાય. એટલે આસક્તિ હોય તો આપણામાં લોભ, કામ, દ્વેષ વગેરે દુર્ગુણો રહેવાના જ. લોભ, કામ, વૈષ એ બધા જ આસક્તિનાં સંતાન છે. એટલે ઉપરના સાત ગુણોવાળા આપણા મનમાં ક્યાંય આસક્તિ ભરાઈ પડી હોય, તો એ સાતે ગુણો દુર્ગણો જ બની જવાના અને ચિરકાલીન આનંદ માટેનો આપણો પ્રયત્ન ચિરકાલીન દુઃખનું ફળ લાવવાનો. તેથી એ બરાબર સમજી લેવું જોઈએ કે આપણા તમામ વ્યવહારમાં–લાભમાં, અલાભમાં, સુખમાં, દુઃખમાં, ભોજનમાં, લાંઘણમાં, સ્વજનમાં કે પરજનમાં એમ તમામમાં–આપણે જાગૃતિ સાથે અનાસક્તિ કેળવવી જોઈએ અને મનને સર્વત્ર અનાસક્ત રહેવાની ટેવ પાડી દેવી જોઈએ. એમ થાય તો જ આપણે માટે સાત્ત્વિક આનંદનાં પગથિયાં ચડવાં સહેલાં થઈ જશે; નહિ તો એ માટે એ પગથિયું તો શું પણ પગથિયાંનો સોમો ભાગ પણ આપણે કદી પણ નહિ ચડી શકીએ. (૯) આ પછી આપણે આપણી ધ્યેયસિદ્ધિ માટે એ અનાસક્ત મનની વિશેષ દઢતા માટે ઉપેક્ષાવૃત્તિને પણ કેળવવી પડશે. આપણો અંગત વ્યવહાર હોય, કુટુંબનો વ્યવહાર હોય કે સમાજનો વ્યવહાર હોય, તે તમામ વ્યવહારમાં આપણે કર્તવ્યબુદ્ધિથી પ્રવૃત્તિ કરતા હોઈશું અને સાથે જ ઉપેક્ષાવૃત્તિને પણ કેળવ્ય રાખીશું, જેથી આપણે ક્યાંય રાગદ્વેષમાં નહિ લપસી પડીએ, બંધનમાં નહિ પડી જઈએ અને બરાબર દઢપણે આપણે તમામ વ્યવહાર શોક અને મોહ દૂર કરી ચલાવી શકીશું. આપણે આપણા કોઈ સ્વજનને તેના હિત માટે થોડી શિખામણ આપી. તેને તે પ્રમાણે વર્તવાનું આપણને વચન પણ આપ્યું છતાં તેના શરીર અને મનની પૂરી તૈયારી ન હોવાથી તે તે પ્રમાણે વર્તી શકતો નથી. એ જોઈ આપણે દુઃખ ૧. દુષ્ટ એ ક્રૂર માણસોની પ્રવૃત્તિ જોઈને તેમના તરફ દોષબુદ્ધિ કે રોષ ન કરતાં તટસ્થ વૃત્તિ કેળવવી–આ પણ ઉપેક્ષાવૃત્તિ કહેવાય છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ દસ પારમિતા ૦ ૧૩૯ માઠું લગાડીએ અને તેના તરફ ઠપકાભરી નજરે જોવા લાગીએ તો પરિણામે આપણી વૃત્તિ તેના તરફ ઢષવાળી પણ બની જાય. એ સ્થિતિ ન આવે તેટલા માટે જ આ નવમો ગુણ ઉપેક્ષાવૃત્તિ કેળવવાનો છે. આપણે એમ સમજીએ કે એ ભાઈ પોતાના સંસ્કારને ઠીક ન કરી શકે, ત્યાં સુધી કોઈની પણ શિખામણ તેને અડી જ ન શકે. ભલે પછી શરમના માર્યા પોતાના વડીલને કે માનનીયને તેમની શિખામણ પ્રમાણે વર્તવાનાં વચનો આપે, પણ તે ભૂમિકા શુદ્ધ ક્ય સિવાય તે પ્રમાણે વર્તી જ શકવાના નથી. એટલે એમની પાછળ જ પડવું અને છાશવારે ને છાશવારે તેમને બોધ આપવા બેસી જવું, એ બોધ આપનાર અને બોધ સાંભળનાર એમ બંનેને હાનિરૂપ છે. ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો એમ સમજવું ઘટે કે એ ભાઈ ઉપર હજી સુધી ઈશ્વરાનુગ્રહ થયો નથી. કર્મ કે પુરુષાર્થમાં વિશ્વાસ હોય તો એમ જાણવું જોઈએ, કે હજુ સુધી એ ભાઈ કર્મવશ છે અને એથી જ તેઓ આવી રૂડી વાતને આચારમાં મૂકવાનો પુરુષાર્થ કરી શકતા નથી. આપણે તો કોઈના સારા માટે ફક્ત નિમિત્તરૂપ થઈ શકીએ. બાકી કરવું ન કરવું, આચરવું ન આચરવું એ તો બીજાના હાથની વાત છે. આમ સમજી આપણે આપણી સત્યવૃત્તિ જરૂર ચાલુ રાખીએ પણ કોઈ વ્યક્તિ પ્રત્યે, કુટુંબ પ્રત્યે વા સમાજ પ્રત્યે કોઈ તિરસ્કારનો ભાવ ન કેળવીએ. આ ઉપેક્ષાવૃત્તિની કેળવણીનું પરિણામ છે. એટલે શાશ્વત આનંદના સાધકે આ નવમો ગુણ પણ મેળવવો ઘણો જરૂરી છે. (૧૦) હવે છેલ્લો અને દસમો ગુણ આપણી પ્રતિજ્ઞાઓની દઢતાનો છે. આપણે વિશુદ્ધ આનંદની પ્રાપ્તિના લક્ષ્યની સિદ્ધિ માટે જે જે બાહ્ય આચારો અને નિયમો ખાવા-પીવાના, બોલવા-ચાલવાના, સૂવા-બેસવાના અને વિનોદ-વિલાસના નિયમો પાળવાના હોય તે તમામ નિયમોને દઢપણે વળગી રહેવું જોઈએ; એ નિયમોનો લેશ પણ ભંગ ન થવા દેવો જોઈએ અને આપણી જાત માટે તેમાં એક પણ અપવાદ ન રાખતાં બરાબર ચુસ્તપણે-કડકપણે એનું ધ્યાનપૂર્વક અને સમાજ સાથે અક્ષરશઃ પાલન કરવું જોઈએ. એ બાહ્ય નિયમો કે આચારો પાળવા સાથે જે જે આંતરવૃત્તિઓ (આંતરનિયમો-આચારો) કેળવવાના-પાળવાના હોય, તે તમામને એક ઝોડની જેમ વળગી રહેવું જોઈએ. જાણતાં એટલે આપણી શુદ્ધિ હોય ત્યાં સુધી તો એક પણ ચૂક ન થવી જોઈએ. એવી આપણી અડગતા હોય તો આપણે અનાયાસે આપણા લક્ષ્ય સાત્ત્વિક આનંદ મેળવી શકીશું. અત્યારે જે વિશુદ્ધ આનંદ આપણને કાગળ ઉપર મળે છે, તે આપણા આત્મારૂપ થઈ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ • સંગીતિ જશે, અને એનું સુખ આપણે તો માણીશું પણ આપણા તમામ બંધુઓને પણ એ સુખમાં ભાગીદાર બનાવી શકીશું. મારી નમ્ર સમજ પ્રમાણે ઉપર જે દસ ગુણો વિશે લખવામાં આવ્યું છે, તે દસે ગુણો મેળવવા માટે આપણે જરૂર પ્રયત્ન કરીશું અને શાશ્વત આનંદના વાચનનું શુભ પરિણામ ભોગવી શકીશું. ઉપર જે દસ ગુણો જણાવેલા છે, તેમાંના કેટલાક તો એકબીજામાં સમાઈ જાય તેવા છે. છતાં કેવળ સ્પષ્ટતા ખાતર એ એકબીજામાં સમાઈ જતા ગુણોને પણ પ્રધાનતા આપવા માટે અહીં જુદા જુદા ગણાવેલા છે. એટલે સાત્ત્વિક આનંદની પ્રાપ્તિની ઇચ્છાવાળો વાચક એ લખાણમાં પુનરુક્તિ ન ગણતાં તે તે ગુણોની મહત્તા અને આવશ્યકતા પર જ પોતાનું ધ્યાન ઠેરવશે. બૌદ્ધ ગ્રંથોમાં એ ગુણો માટે “દસ પારમિતા' શબ્દ યોજેલો છે. બુદ્ધ થનાર ઉમેદવારે પોતાના પૂર્વના જીવનમાં એ દસે પારમિતાઓ કેળવી હોય તો જ તે પરિણામે બુદ્ધ બની શકે છે. બુદ્ધ થનારો કોઈ આત્મા અકસ્માત બુદ્ધ બની શકતો નથી અથવા તે કાંઈ એમ ને એમ અધ્ધરથી ટપકી પડતો નથી. જેણે પોતાના પૂર્વજીવનમાં એ પારમિતાઓ પૂરેપૂરી કેળવેલી હોય, તે જ બુદ્ધપદને લાયક થઈ શકે છે. “પારમિતા' શબ્દની વ્યુત્પત્તિની ચર્ચામાં અહીં પડવાની જરૂર નથી. પણ તેનો ભાવાર્થ એ છે કે ગુણને તેની પૂર્ણતા સુધી, તેના પાર સુધી કેળવીને પોતામાં પ્રકટ કરવો; જેમ કે દાનપારમિતા એટલે દાનગુણને એટલી હદે કેળવવો કે કોઈ દુઃખી-અર્થી પોતાનું ધન, રાજય કે બીજો વૈભવ માંગવા આવે તો તેને તમામ પ્રસન્ન મુખે આપી દેવું; એટલું જ નહિ પણ શરીરનો કોઈ ભાગ-આંખ વગેરે અવયવો પણઆપી દેવાની જરૂર પડે, અથવા કદાચ એટલેથી પણ કામ ન સરે અને આખું શરીર જ આપી દેવાની ફરજ આવી પડે, તો તે પણ વગર આનાકાનીએ પ્રસન્નતાપૂર્વક આપી દેવાય એવી જે મનોવૃત્તિ કેળવવી તેનું નામ દાનપારમિતા કેળવી કહેવાય. ભારતને આઝાદ કરવામાં જે જે શુદ્ધ સત્યાગ્રહીઓએ પોતાનાં શરીર સુધ્ધાંનો જે ભોગ આપેલો છે, તે આ દાનપારમિતામાં આવી શકે. વધારે સમજ માટે પ્રજ્ઞાપારમિતાને સમજાવી દઉં : પ્રજ્ઞા એટલે બુદ્ધિ. અર્થાત્ બુદ્ધિના ગુણને એટલી હદ સુધી કેળવવો જોઈએ કે તે તમામ પ્રવૃત્તિના ગુણદોષ બરાબર જાણી શકે. તેનાં પરિણામો પણ સમજી શકે અને વ્યવહારના કે પરમાર્થના તમામ કોયડા તે બરાબર ઉકેલી શકે, જેથી પોતાની ઉચ્ચોચ્ચ આનંદની સાધનામાં તે બુદ્ધિબળ બરાબર ખપ Page #7 -------------------------------------------------------------------------- ________________ દસ પારમિતા ૭ ૧૪૧ લાગે. પ્રજ્ઞાપારમિતાએ પહોંચેલો મનુષ્ય સ્વયં પ્રતિભાસંપન્ન, પ્રખર પ્રતિભાસંપન્ન હોય. તે કોઈ ઢોંગથી કે બીજી ગમે તેવી લાલચથી કદી પણ ન ભોળવાય. એટલું જ નહિ પણ તે પોતાની બુદ્ધિના પ્રભાવે પોતાનાં સ્વજનોને, પોતાના તમામ વ્યવહારોને અને સામાજિક કાર્યોને પણ બરાબર થાળે પાડે, જેથી તેમાં ઝઘડા કે સંતાપ ઊભા ન થાય ને તેમને બરાબર ચલાવે. બૌદ્ધ ગ્રંથોમાં એ દસ પારમિતાઓનો ક્રમ આ પ્રમાણે છે : (૧) દાનપારમિતા, (૨) શીલપારમિતા, (૩) નૈષ્કર્મપારમિતા, (૪) પ્રજ્ઞાપારમિતા, (૫) વીર્યપારમિતા, (૬) ક્ષાંતિપારમિતા (૭) સત્યપારમિતા, (૮) અધિષ્ઠાનપારમિતા, (૯) મૈત્રીપારમિતા અને (૧૦) ઉપેક્ષાપારમિતા. મેં અહીં આ ક્રમ થોડો બદલ્યો છે અને તે આ પ્રમાણે છે : (૧) બુદ્ધિના ગુણનો વિકાસ-પ્રજ્ઞાપારમિતા, (૨) ઉદારતાના ગુણનો વિકાસદાનપારમિતા, (૩) સદાચાર અને સંયમના ગુણનો વિકાસ-શીલપારમિતા, (૪) શરીરબળ અને મનોબળના ગુણનો વિકાસ–વીર્યપારમિતા, (૫) ક્ષમાના ગુણનો વિકાસ, ક્ષમાપારમિતા—ક્ષાંતિપારમિતા, (૬) સત્યાગ્રહના ગુણનો વિકાસ—સત્યપારમિતા, (૭) મૈત્રીના ગુણનો વિકાસ—મૈત્રીપારમિતા, (૮) અનાસક્તિગુણનો વિકાસ-નૈષ્કર્મપારમિતા, (૯) અનાસક્તિના ગુણની દઢતા માટે ઉપેક્ષાના ગુણની ખિલવણી–ઉપેક્ષાપારમિતા અને (૧૦) વ્રતમાં દૃઢતાના ગુણની ખિલવણી—અધિષ્ઠાનપારમિતા. મેં જે મારો ક્રમ ગોઠવ્યો છે તે માત્ર મારી બુદ્ધિ અનુસાર છે. આ જમાનામાં જ્યાં-ત્યાં પાખંડો ઊભરાવા મંડ્યાં છે. ધર્મમાં શું કે વ્યવહારમાં શું, જયાં જોઈએ ત્યાં અનેક વાદો અને પંથો નવાનવા પેદા થવા લાગ્યા છે. તેમાંથી બચવા અને પોતાની સન્નિષ્ઠા કાયમ રાખવા મને બુદ્ધિના ગુણની ખિલવણીને વિશેષ અગત્ય આપવાનું ઉચિત જણાયું છે, માટે જ મેં અહીં પ્રજ્ઞાપારમિતાને પ્રથમ સ્થાન આપેલું છે. પછી તો જે જે પારમિતાઓ આપેલી છે તેમાં ક્રમનો વિશેષ ફેરફાર કરેલો નથી. છતાં થોડો ફેર તો જરૂર કરેલ છે. આમાં ક્યાંય વિશેષ હાનિકારક ચૂક થઈ છે એમ કોઈ વાચકને જણાય, તો તેઓ મને જરૂર સૂચવશે એટલે મને તેમનું સૂચન વાજબી જણાશે, તો જરૂર ફેરફાર કરીને સુધારીશ, તેમ જ તેમનું ઋણ પણ નહિ. ભૂલું. બાકી તો ‘મુન્દ્રે મુશ્કે મિન્ના' એ તો છે જ. આ પારમિતાઓની સમજ આપ્યા પછી હવે પછીના અંકોમાં એ દરેક Page #8 -------------------------------------------------------------------------- ________________ 142 - સંગીતિ પારમિતાઓ વિશે મહાસંત બુદ્ધમહર્ષિની વાતો લખવાની છે. એ વાતો મૂળ પાલિ ભાષામાં (માગધી ભાષામાં) લખાયેલાં જાતકોમાં આપેલી છે. તે ઘણું કરીને સાતસો જેટલી છે. તેમાંની જે વિશેષ રુચિકર અને વાચકને પ્રેરક થઈ શકે એવી હશે, તેમને અહીં અગ્રસ્થાન આપનાર છું. સૌથી પ્રથમ મહર્ષિ બુદ્ધ પોતાના પૂર્વજીવનમાં કેવા કેવા પ્રસંગે એ પ્રજ્ઞાપારમિતા કેળવી હતી અને તેથી તેમને સુખપ્રાપ્તિમાં કેવી સગવડ મળી હતી, તે વિશે સારગ્રાહી કથાઓ આલેખવાનો છું. તેનો મૂળ આધાર ઉપર જણાવેલાં જાતકો-જાતકકથાઓ છે. મારી ધારણા છે કે સ્વાથ્ય બરાબર રહ્યું તો સમગ્ર જાતકકથાઓ રુચિકર થાય એ રીતે સારરૂપે અને પારમિતાના ક્રમે “અખંડ આનંદના વાચકોને પૂરી પાડું, અને એવી પણ ઉમેદ છે કે એના લખાણથી મને પોતાને ચિત્તશુદ્ધિનો મોટો ગુણ સાંપડે અને વાચકોને પણ એ ગુણ સાંપડે; કારણ કે સ્વાધ્યાય મોટો લાભ કરે છે. લખનારને પણ સ્વાધ્યાય કરવો પડે છે અને વાચનારને પણ સ્વાધ્યાય કરવો પડે છે. “શિવમસ્તુ સર્વન તિ: ' - અખંડ આનંદ, ફેબ્રુ. - 1949