Book Title: Ashatana ane Antaray
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249442/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આશાતના અને અંતરાય થોડા વખત પહેલાં એક મિત્રે કહ્યું, “૨મણભાઈ, અમારા એક વડીલ કે જેઓ બંને પગે અપંગ છે એમને એક પવિત્ર દિવસે ભગવાનનાં દર્શન કરવાનો ભાવ થયો. અમે એમને ઊંચકીને ગાડીમાં બેસાડ્યા અને દર્શન કરવા લઈ ગયા. એક દેરાસરે ગયા અને દરવાજા પાસે ગાડી એવી રીતે ઊભી રાખી કે જેથી ગાડીમાં બેઠાં બેઠાં ભગવાનનાં દર્શન થાય. પરંતુ દર્શન ન થયાં, કારણ કે દરવાજામાં ભગવાન આડે કાળું મોટું બોર્ડ હતું. એટલે અમે એમને બીજા દેરાસરે લઈ ગયા તો ત્યાં પણ દરવાજામાં આવું બોર્ડ હતું. ત્રીજા અને ચોથા દેરાસરે પણ એમ જ હતું. તેઓ બહુ નિરાશ થઈ ગયા. પછી અમે એમને સમજાવ્યા, કે દેરાસરની ધજાનાં દર્શન કરો એટલે ભગવાનનાં દર્શન થઈ ગયાં કહેવાય. એમણે ધજાનાં દર્શનથી સંતોષ માન્યો.” મારા એક મિત્ર શ્રી બિપિનભાઈ જૈને કહ્યું, “કચ્છમાં અણારા નાની ખાખર ગામમાં પહેલાં દેરાસરના દરવાજામાં ભગવાનની આડે કોઈ બોર્ડ નહોતું. બહારથી ઊભાં ઊભાં દર્શન થઈ શકતાં. હવે ત્યાં પણ પાટિયું આવી ગયું છે.' મેં કહ્યું, “કચ્છમાં ભદ્રેશ્વરના જૂના દેરાસરમાં આંગણામાં ઊભા રહીને અંદર દૂર અમે મહાવીર સ્વામીનાં દર્શન કરતા. દેરાસરની રચના એવી કરી હતી કે ઠેઠ બહાર ઊભેલો માણસ ભગવાનનાં દર્શન કરી શકે.' એમ કહેવાય છે કે બોર્ડ રાખવાનું કારણ એ છે કે ભગવાનની પ્રતિમા પર ઓછાયો પડે એથી આશાતના થાય અને વળી બહાર નીકળતાં ભક્તોની પૂંઠ થાય એ બીજા પ્રકારની આશાતના થાય. એમ આ બે પ્રકારની આશાતના માટે દેરાસરોના દરવાજા પાસે બોર્ડ રાખવામાં આવે છે. આ ઉપરાંત બીજું કોઈક Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૩૪૦ કારણ હોય તો તે મારા જાણવામાં નથી. પરંતુ આ અંગે જરા વિગતથી વિચારવાની જરૂ૨ છે. ભારતમાં બધાં જિનમંદિરોના દરવાજામાં બહાર મોટાં બોર્ડ નથી હોતાં. ગુજરાતમાં જૂના વખતમાં બધે એવું હશે કે નહીં તે ખબર નથી, ગુજરાત, રાજસ્થાન વગેરે ભારતનાં મંદિરોમાં ક્યાં ક્યાં આવાં બોર્ડ રાખવામાં આવ્યાં છે તેનો સર્વે કરવો જોઈએ. કેટલાંક મંદિરોમાં જિનપ્રતિમા જ પહેલે માળે રાખવામાં આવી હોય છે. એટલે તેઓને માટે આવા પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. મુંબઈમાં પાયધૂનીનાં છ દેરાસર તથા દિગંબર દેરાસર પહેલે માળે છે. જૂના વખતમાં પ્રસૂતિવાળી સ્ત્રી કે એનાં ઘરનાં સભ્યો માટે અથવા રજસ્વલા સ્ત્રી માટે દર્શનની કાયમની જુદી વ્યવસ્થા થતી. અમારા ગામમાં પૂર્વજોએ દેરાસરમાં એવી રચના કરેલી કે પ્રસૂતિવાળી સ્ત્રી કે રજસ્વલા સ્ત્રીને દર્શન કરવાં હોય તો તે માટે દેરાસરની બહાર એક જાળી રાખવામાં આવી હતી કે જ્યાંથી તેઓ દર્શન કરી શકે. દેરાસરમાં ભગવાનની પ્રતિમાને કોઈની અશુભ દૃષ્ટિ લાગે, શૂદ્રદ માણસો દર્શન કરે, રજસ્વલા સ્ત્રી બહારથી દર્શન કરે માટે પડદો કે બોર્ડ રાખવામાં આવે છે પણ તે નિયમ કેટલો વ્યાજબી છે તે વિચારવું જોઈએ. એક વખત ૫. પૂ. સ્વ. કૈલાસસાગરસૂરિજી સાથે મારે વાત થઈ હતી ત્યારે એમણે કહેલું કે, ‘મહેસાણામાં ગામમાં નહીં પણ હાઈવે ૫૨ હું દેરાસર એટલા માટે કરાવું છું કે જતાં આવતાં પ્રવાસીઓ દૂરથી પણ દર્શન કરી શકે. સીમંધરસ્વામીની પ્રતિમા એટલી ઊંચી બનાવડાવી છે, બેઠક પણ ઊંચી રાખી છે અને દેરાસરનો દરવાજો પણ ઊંચો અને પહોળો બનાવ્યો છે કે જેથી રોડ ઉપરથી માણસ ભગવાનનાં દર્શન કરી શકે. મોટરકાર કે બસમાં જતા-આવતા પ્રવાસીઓ પણ દર્શન કરી શકે.' ભરત મહારાજાએ અષ્ટાપદ તીર્થમાં ચોવીસ ભગવાનની પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિમા નિજ નિજ દેહપ્રમાણ' એવી કરાવી હતી અને ચાર દિશામાં એની ગોઠવણી બે, ચાર આઠ અને દસ એ ક્રમે રાખી હતી. સૂત્રમાં આવે છે ઃ ચત્તારિ અઠ્ઠ દસ દોય વૈદિયા જિનવરા ઉવિસ્યું. અષ્ટાપદ પર્વત ઘણો ઊંચો હતો. એટલે નીચે ઘણે દૂરથી પ્રતિમાઓ નિહાળી શકાય. હવે એ ચોવીસ ભગવાનનાં દર્શનમાં અંત૨૫ટ ક્યાંથી ઊભો Page #3 -------------------------------------------------------------------------- ________________ આશાતના અને અંતરાય કરી શકાય ? પ. પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજે શ્રી શાન્તિનાથ ભગવાનના સ્તવનમાં લખ્યું છે કે : દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશિમુખ ઠવણા જિન ઉપગારી રે; તસુ આલંબન લહીય અનેકે, તિહાં થયા સમકિતધારી રે. આ સ્તવનમાં દેવચંદ્રજી મહારાજે સમવસરણની વાત કહી છે. સમવસરણમાં સહુ કોઈ જઈ શકે છે. ભગવાન સમવસરણમાં પૂર્વાભિમુખ હોય છે. અન્ય દિશામાં બેઠેલા લોકોને પણ ભગવાનનાં સાક્ષાત્ દર્શન થાય એ માટે દેવો બાકીની ત્રણે દિશામાં ભગવાનની જીવંત પ્રતિકૃતિની સ્થાપના કરે છે. એ એવી આબેહૂબ હોય છે કે જોનારને એમ નથી લાગતું કે અમે ભગવાનને બદલે એમની પ્રતિકૃતિ જોઈએ છીએ. સમવસરણની રચના બધાંને દર્શનનો લાભ મળે અને ભગવાનની પવિત્ર દેશના સાંભળવા મળે એ માટે હોય છે. ત્યાં શૂદ્રાદિ, મિથ્યાત્વી અન્ય ધર્મી લોકો પણ ભગવાનનાં દર્શન કરે છે. અરે, પશુપંખીઓ પણ ત્યાં આવે છે. પરંતુ એ માટે સમવસરણના દરવાજા બંધ કરવામાં નથી આવતા અથવા બોર્ડ મૂકવામાં નથી આવતું અને આવે તોપણ ભગવાન એટલે ઊંચે બિરાજમાન હોય છે કે દરવાજાનું કે બોર્ડનું ખર્ચ માથે પડે. વળી, મહત્ત્વની વાત તો એ છે કે કેટલાય ભવ્ય જીવોને પ્રતિકૃતિ અર્થાત્ પ્રતિમા જોતાં જ ત્યાં સમવસરણમાં જ સમક્તિ પ્રાપ્ત થાય છે. સમવસરણમાં ભગવાન કે એમની પ્રતિકૃતિને કોઈનો ઓછાયો લાગતો નથી તો દેરાસરોમાં ભગવાનની પ્રતિકૃતિ પ્રતિમાને કોઈનો ઓછાયો કેમ લાગી શકે ? દેરાસરોમાં તો યુરોપિયનો, કે અન્ય વિદેશોના પ્રવાસીઓને અથવા આપણા દેશના અન્ય ધર્મીઓને આવવા દેવાય છે. તેઓ હોય છે પ્રવાસી, પણ તેઓમાંના કોઈકને ભગવાનની પ્રતિમાના આકારની માછલીને જોતાં જો સક્તિ થવાનાં ઉદાહરણ શાસ્ત્રમાં હોય તો બીજા લોકોમાંથી કોઈકને કેમ સમક્તિ ન થાય ? અલબત્ત, દેરાસરની અંદર આવનારે દેરાસરના આચારનું પાલન કરવું જોઈએ. ૩૪૧ નળદમયંતીની પૌરાણિક કથા છે. દ્યૂતમાં હારી જતાં તેઓને વનમાં ચાલ્યા જવાનો આદેશ થયો છે. વનમાં દમયંતીને મૂંઝવણ થઈ. તેને રોજનો નિયમ હતો કે ભગવાનની રોજ પૂજા કરીને પછી આહાર લેવો. પણ વનમાં જિનપ્રતિમા ક્યાંથી હોય ? પણ દમયંતી કલાકારીગીરીમાં હોંશિયાર હતી. Page #4 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ૩૪૨ એણે વેળુ (રેતી-માટી)માંથી એક સ્થળે કોઈક અનુકૂળ જગ્યામાં સુંદર જિનપ્રતિમા બનાવી. એના ઉપર પાણી છાંટી, માટીનો જ સરસ સુંવાળો લેપ કર્યો. આ રીતે તૈયાર થયેલી મનોહર જિનપ્રતિમાની વિધિસર સ્થાપના કરીને તે એની રોજ પૂજા કરતી. બીજું મુકામે કરે તો ત્યાં પણ એ રીતે વેળુની પ્રતિમા બનાવતી અને પૂજા કરતી. હવે દમયંતીના જિનમંદિરને કોઈ દીવાલ કે છાપરું નહોતું. એ વખતે ત્યાં આગળથી પસાર થતા આદિવાસી ભીલ જાતિના લોકોનો ઓછાયો ભગવાનની પ્રતિમા ઉપર પડે તો તેનું શું કરવું ? પરંતુ દમયંતી જાણતી હતી કે જિનેશ્વર ભગવાનની પ્રતિમા ઉપર કોઈનો ઓછાયો પડે જ નહીં. ત્રિલોકના નાથનું સ્વરૂપ જ એવું અલૌકિહોય કે ઓછાયો આવે તે પહેલાં ઓગળી જાય. સામાન્ય રીતે દેરાસરો સવારથી સાંજ સુધી ખુલ્લાં હોવાં જોઈએ અને પૂજા પણ સૂર્યાસ્ત સુધી થઈ શકે. પણ વ્યવહારુ દૃષ્ટિએ ચોરી વગેરેના ભયને કારણે તથા વહીવટી ખર્ચ ઓછો રાખવા માટે પૂજા ફક્ત સવા૨ની થઈ ગઈ અને સાંજે ફક્ત દર્શન થઈ શકે. સામાન્ય રીતે સાંજે આરતી થઈ જાય અને ત્યાર પછી દેરાસર માંગલિક થઈ જાય તે પછી કોઈના માટે તે ખોલી ન શકાય, પરંતુ કોઈ મોટો સંઘ આવ્યો હોય અથવા વિશિષ્ટ યાત્રાળુઓ આવ્યા હોય તો અથવા વિશિષ્ટ ઉત્સવ હોય તો દેરાસર અવશ્ય ખોલી શકાય છે. પચાસ વર્ષ પહેલાં અમે શંખેશ્વરની યાત્રાએ જતાં. ચોમાસા પછી બસો રેતીમાં ચાલુ થાય. સવારે ગયેલી બસ સાંજે પાછી આવે. જાત્રા કરી, બસનો ટાઈમ થાય ત્યારે દરવાજા બહારથી દર્શન કરી સર્વ યાત્રીઓ બસમાં બેસતા. જૂના વખતમાં જ્યારે મુંબઈમાં ટ્રામ હતી ત્યારે માટુંગા, સાયન જનારા લોકો ટ્રામમાં બેઠાં બેઠાં માટુંગાના ચૌમુખી ભગવાનનાં બે હાથ જોડી દર્શન કરતા. એક ગામમાં અમે એવું દેરાસર જોયું છે કે જ્યાં ચોવીસે કલાક દર્શન થઈ શકે. એમાં ગભારામાં ફક્ત ત્રણ મોટી પ્રતિમાઓ છે. આંગી માટેના ચાંદીના મુગટ અમુક અવસરે જ સવારના પહેરાવાય છે. દેરાસરના ગભારાની જાળી બપોરે બંધ થાય, પણ તેને તાળું મારવાનું નહીં. બપોરે પણ કોઈને પૂજા કરવી હોય તો થઈ શકે. દેરાસરના મુખ્ય દ્વારને રાતના આંગળિયો ભરાવાય. પરંતુ અડધી રાતે પણ કોઈને દેરાસરમાં જઈ પ્રભુજી સામે બેસી ધ્યાન ધરવું હોય તો ધરી શકાય. દીવો ચોવીસે કલાક ચાલુ હોય. ત્યાં ચોરીનું કોઈ જ જોખમ જ નહીં એટલે ચોકીદારની જરૂર પણ નહીં. જૂના વખતમાં ગુજરાતમાં ઘણા Page #5 -------------------------------------------------------------------------- ________________ આશાતના અને અંતરાય ૩૪૩ ગામડાંઓમાં બોર્ડ વગરનાં આવાં દેરાસરો હતાં. કિંમતી આંગીની પ્રથા આવી ત્યારથી બીજી બધી જરૂરિયાતો ઊભી થઈ. આવાં બોર્ડ રાખવામાં બીજો એક આશય એમ કહેવાય છે કે દેરાસરની બહાર નીકળતાં માણસ જિનપ્રતિમાને પૂંઠ કરી ન નીકળે. બહાર નીકળતાં ભગવાનને સૂંઠ ન થાય, પરંતુ પૂંઠ કરવાના આ વિષયને પણ બરાબર સમજવો જોઈએ. જૂના વખતમાં નાનાં ગામમાં નાનું દેરાસર હોય અને રંગમંડપ નાનો હોય ત્યાં ભગવાનને પૂંઠ કર્યા વગર પાછા પગે ચાલીને બહાર નીકળી શકાતું. પણ ત્યાં બોર્ડ નહોતાં. પરંતુ હવે જ્યારે મોટા મોટા રંગમંડપો બંધાવા લાગ્યા ત્યાં અડધે સુધી તો માણસને પૂંઠ કરીને નીકળવું પડે છે. વળી પાછા પગે તો દરવાજો ઓળંગવાનું પણ અધરું છે. ઊંધા પગે વધારે ચાલતાં માણસ ક્યારેક પડી જાય, ભટકાઈ પડે કે ચક્કર પણ આવે. મહેસાણા, અયોધ્યાપુરમ્, શાહપુર વગેરેનાં દેરાસરોમાં કેટલા મોટા રંગમંડપો છે ! ત્યાં ક્યાંકને ક્યાંક કોઈક ભગવાનને પૂંઠ થવાનો સંભવ રહે છે. પાલિતાણાના સમવસરણ મંદિરમાં ભમતીમાં પાર્શ્વનાથ ભગવાન છે. એટલે ક્યાંક તો પૂંઠ થવાનો સંભવ રહે છે. રાણકપુરના દેરાસરમાં બહારના ભાગમાં રચના જ એવી કરવામાં આવી છે બે પ્રતિમા સામસામે જોવા મળે. ત્યાં એક ભગવાનનાં દર્શન-પૂજા કરીએ તો બીજા ભગવાનને સૂંઠ થાય. પરંતુ એ અટકાવવા માટે ત્યાં ક્યાંય બોર્ડ રાખવામાં આવ્યાં નથી. આપણાં ઘણાં દેરાસરોમાં ગભારા બહાર રંગમંડપમાં બંને દીવાલોમાં જિનપ્રતિમા હોય છે; એક બાજુના ભગવાનની પૂજા કરીએ તો સામેની દીવાલના ભગવાનને પૂંઠ થવાની. બોર્ડ મુખ્ય દરવાજે હોય અને મોટા દેરાસરમાં બાજુના બે દરવાજા હોય તો ત્યાં તો નીકળતી વખતે પૂંઠ થવાની છે. એટલે આ કારણ પણ બહુ વ્યાજબી લાગતું નથી. તીર્થંકર ભગવાનનો અવિનય થાય એમ હોય એવે વખતે અંતરપટ એટલી વાર માટે કરવામાં આવે છે. એ જરૂરી છે. દીક્ષા કે પદવી પ્રસંગે શિષ્ય ગુરુમહારાજને વંદન કરે ત્યારે ભગવાનની ઉપસ્થિતિમાં ગુરુ મહારાજને વંદન કરાય એટલો સમય ભગવાન અને ગુરમહા૨ાજ વચ્ચે અંતરપટ રાખવામાં આવે છે. એ યોગ્ય છે અને શાસ્ત્રોક્ત છે. મોટા ભાગનાં દેરાસરોમાં બોર્ડ ઉપર ગામપરગામના ઉત્સવોની મોટી મોટી પત્રિકાઓ લગાડેલી હોય છે. બીજા પણ સમાચારો ચોકથી લખાયા હોય છે. આ બધું આવશ્યક છે, પણ તે અન્યત્ર હોય તો વધારે યોગ્ય ગણાય. Page #6 -------------------------------------------------------------------------- ________________ 344 જિનતત્ત્વ દેરાસરમાં પ્રવેશતાં જ વચ્ચે બોર્ડ આવે અને માણસ પત્રિકાઓ વાંચવા રોકાય, તો એની “નિસિહ'નો ભંગ થાય છે. ક્યારેક તો સમાચાર એવા હોય છે કે ભક્તનું મન પ્રભુનાં ન કરતાં કરતાં એના વિચારે ચડી જાય છે. પરિણામે દર્શન-પૂજામાં એવી એકાગ્રતા રહેતી નથી. આમ દેરાસરના દરવાજા પાસે ઊંચું પાટિયું રાખવાથી કેટલાય લોકોને દર્શનનો લાભ - મળતો નથી. જેઓ દેરાસરનાં પગથિયાં ન ચડી શકે એવા વૃદ્ધો તથા અપંગોને ભગવાનનાં દર્શન સહજ રીતે થતાં નથી. કોઈ ઊંચકીને લઈ જાય તો થાય, પણ બધા વૃદ્ધો પાસે એવી સગવડ હોતી નથી. આમ દેરાસરના દરવાજામાં બોર્ડ રાખીને કેટલાક લોકોને દર્શન કરતા અટકાવવા એમાં અંતરાય કર્મ બંધાય છે? અંતરાયનો આશય ન હોય તો પણ અંતરાય અવશ્ય થાય છે. જો અંતરાય કર્મ બંધાતાં હોય તો તે કોને લાગે ? ટ્રસ્ટીઓને ? સંઘપતિઓને ? એની પ્રેરણા કરનાર સાધુ મહારાજને ? તે વ્યક્તિગત બંધાય કે સામુદાયિક બંધાય ? આ બધા પ્રશ્નોના જવાબ તો જ્ઞાની ભગવંતો આપી શકે. વળી આશાતના અને અંતરાય કર્મ એ બેમાં શું વધુ ગંભીર ? આશાતના એટલે આય + શાતના, આય એટલે આવક, નફો ઇત્યાદિ, શાતના એટલે ક્ષતિ. આશાતના એટલે વેપારી ભાષામાં કહેવું હોય તો નફે નુકસાન એટલે અશાતના દોષ જેટલો લાગે તેના કરતાં અંતરાયકર્મ વધુ ગંભીર ગણાય. આ વિષય પર મેં લખ્યું છે તે મારી સમજ પ્રમાણે લખ્યું છે. એમાં કોઈ દોષ હોય તો તે માટે ક્ષમાપ્રાર્થી છું. જ્ઞાની ભગવંતો આ વિષયમાં વધુ પ્રકાશ પાડે અને યોગ્ય માર્ગદર્શન આપે એમ ઇચ્છું છું.