SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભ્રવતી (સાબરમતી)ના કિનારે ઋષિ દધીચિ વસતા હોવાનું મનાય છે. આમ શહેરની ભૂમિની પ્રાચીનતા પાંચ હજાર વર્ષ સુધીની મનાય છે. અમદાવાદ એ આ શહેરનું નામ છે. આ પહેલાં આ શહેરનાં કેટલાંય નામ બદલાઈ ગયાં છે. સમય સમયે અલગ અલગ નામથી આ શહેરને ઓળખવામાં આવતું, અગિયારમી સદીના પૂર્વાર્ધમાં આશાભીલની વસાહતને કા૨ણે “આશાપલ્લી” કે “આશાવલ”નામથી ઓળખાતું, અગિયારમી સદીના ઉત્તરાર્ધથી તેરમી સદી દરમ્યાન સોલંકી યુગના રાજા કર્ણદેવના રાજયાભિષેક પછી “કર્ણાવતી” કહેવાયું તો ઈ.સ. ૧૪૧૧માં મુસ્લિમ સુલતાન અહમદશાહે શહેર વસાવ્યું. એને ફરતો કોટ બંધાવ્યો ત્યારથી આજ સુધી ‘અહમદાબાદ” કે “અમદાવાદ” તરીકે ઓળખાય છે. એનું સાંપ્રદાયિક નામ “રાજનગર” પણ જાણીતું છે. અમદાવાદ શહેરે અનેક ચડતીપડતી જોઈ છે. અનેક શાસકોનાં શાસન આ શહેરે જોયાં છે. ઈ.સ. ૧૫૭૫ સુધી સ્વતંત્ર સુલતાનોના તાબામાં રહેલું આ નગર એ પછી મુઘલ સમ્રાટની હકૂમત નીચે આવ્યું. ઈ.સ. ૧૭૦૭ થી ૧૮૧૮ સુધી પેશવાઈ તથા ગાયકવાડ રાજાઓ આ શહેર પર સત્તા ભોગવતા હતા. આ પછી અંગ્રેજ શાસકોએ આ શહેરને તાબામાં લીધું. ભારતમાંથી અંગ્રેજોને હટાવવાની ચળવળનાં બીજ પણ આ શહેરના કોચરબ આશ્રમમાં રોપાયાં. આવો ભવ્ય ભૂતકાળ ધરાવતા અમદાવાદ શહેરના આઝાદીની ચળવળ સુધીના ઇતિહાસને આ સંગ્રહાલયના ઇતિહાસ વિભાગમાં વિવિધ શાહી ફરમાનો, સિક્કાઓ, દસ્તાવેજો, નકશા અને તસવીરો સહિત પ્રદર્શિત કરવામાં આવ્યો છે. અમદાવાદ એ ભારતનું માંચેસ્ટર કહેવાતું. કાપડની મિલોની ચીમનીઓ આ શહેરની આગવી ઓળખ છે. આજે બંધ કાપડની મિલો અને એના બેરોજગાર કામદારો અમદાવાદને મૂંઝવતો પ્રશ્ન છે, પરંતુ એક સમયે અમદાવાદના સક્ષમ વેપારીઓ અને મહાજનો વહીવટી સૂઝ માટે જાણીતા હતા. ઈ.સ. ૧૮૬૧માં રણછોડલાલ છોટાલાલે શહેરમાં પ્રથમ કાપડ મિલની શરૂઆત કરી, ત્યારથી શહેરના ઔદ્યોગિક વિકાસનો પારો ઊંચે ને ઊંચે ચડતો ગયો. કાપડ મિલના સફળ અને સાહસિક ઉદ્યોગપતિઓએ વેપારધંધાના વિકાસની સાથે શહેરના વિકાસ અને વહીવટમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું, જેની સાક્ષી બની રહેલ કેટલીય વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ શહેરમાં આજે મોજૂદ છે. આ સંસ્થાઓમાંથી અનેક મહાનુભાવોનું ઘડતર થયું છે અને આ વ્યક્તિઓ થકી આજે અમદાવાદ શહેર ઊજળું છે. આ તમામ હકીકતોને સંગ્રહાલયના ઉદ્યોગ અને વાણિજય વિભાગમાં રજૂ કરવામાં આવી છે. જૂની પાવર-લૂમ, કાપડિમલો, કાપડમલના ઉદ્યોગપતિઓની તસવીરો અને કાપડ ઉદ્યોગ સંબંધી કેટલાંય સ્મૃતિ ચિહ્નો આ વિભાગને જીવંત બનાવે છે. ભારતની આઝાદી માટેના સ્વાધીનતા સંગ્રામમાં દેશમાં સૌથી વધુ બલિદાન અમદાવાદ શહેરના લડવૈયાઓએ આપેલ છે. ભારતમાં આઝાદી માટેની લડતનું મંગળાચરણ અહીં થયું. ઈ.સ. ૧૮૭૬માં “સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળ'ની સ્થાપના કરવામાં આવી. ઈ.સ. ૧૯૦૩ માં સ્વદેશી વસ્તુના પ્રચાર માટે “સ્વદેશી વસ્તુ સહકારી મંડળી”ની સ્થાપના દ્વારા લોકોમાં આઝાદી માટેની જાગૃતિ લાવવા પ્રયાસો થયા. ઈ.સ. ૧૯૧૫માં મહાત્મા ગાંધીજીના અમદાવાદ આગમને અને ઈ.સ. ૧૯૧૭માં કોચરબ આશ્રમની સ્થાપના પછી અમદાવાદ આઝાદીની લડતનું મહત્ત્વનું કેન્દ્ર બની ગયેલું. ઈ.સ. ૧૯૨૧માં અમદાવાદ કૉંગ્રેસનું ૩૬મું અધિવેશન ભરાયું, ત્યારે ગાંધીજીએ વ્યક્તિગત અને સામૂહિક સત્યાગ્રહનો ઠરાવ મૂકેલો. ૧૨મી માર્ચ, ૧૯૩૦ થી સત્યાગ્રહ આશ્રમથી શરૂ થયેલ ઐતિહાસિક “દાંડીકૂચ' એ માત્ર અમદાવાદ શહેર જ નહીં, સમગ્ર ભારતના સ્વાતંત્ર્યસંગ્રામનું ઐતિહાસિક પ્રકરણ બની ગયું, તો ઈ.સ. ૧૯૪૨ની ૮મી ઑગસ્ટે ગાંધીજીએ આપેલ “કરો યા મરો”ના એલાનના આરંભથી જ ઉમાકાંત કડિયા અને વિનોદ કિનારીવાલાની શહીદીએ અમદાવાદની જનતામાં અદમ્ય ઉત્સાહ જગાવ્યો હતો. પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૧૦ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy