________________
A
આત્મપુરુષાર્થ જાગૃત રાખવા માટે શાસ્ત્રમાં અનેક ઠેકાણે શુભ નિમિત્તનું અવલંબન ગ્રહણ કરવાની ભલામણ કરી છે. આત્મકલ્યાણના કાર્યમાં જિનેશ્વર ભગવાનની પ્રતિમા અને તેનું પૂજન ખૂબ સહાયક નીવડે છે. તે કઈ રીતે છે અર્થાત્ સ્વરૂપમાં સ્થિર થવામાં મૂર્તિપૂજા કઈ રીતે મદદરૂપ બને છે તે સમજવું આવશ્યક છે.
જિનપ્રતિમા એ સાકાર ભગવાન છે, અનુસંધાન અર્થે પુષ્ટ નિમિત્ત છે, સમ્યગ્દર્શનનું પરમ નિમિત્ત છે, સાકાર ઉપાસનાની શ્રેણીમાંથી પસાર થયા પછી નિરાકાર શ્રેણીમાં ટકી શકાય છે. માટે સાધનામાં જિનપ્રતિમાનું અત્યંત મહત્ત્વનું સ્થાન છે. આ તથ્યને વિસ્તારથી સમજીએ.
મૂર્તિનું પ્રયોજન
પ્રત્યેક જીવ પરમાત્મસ્વરૂપ છે પણ વર્તમાન અશુદ્ધ દશામાં તેને પોતાના પરમાત્મસ્વરૂપનું ભાન નથી. જાણે આત્મા અને પરમાત્મા વચ્ચે અંતર પડી ગયું છે. એ માટે હવે શું કરવું? આત્મા અને પરમાત્માને જોડવા માટે એક સેતુ જોઈએ. અને એ સેતુ મૂર્ત જ હોવો જોઈએ, કારણ કે જીવ અમૂર્ત સાથે સીધો સંબંધ સ્થાપિત કરી શકતો નથી. તેને અમૂર્તનો કોઈ પરિચય નથી. નિરાકાર પરમાત્માની, અમૂર્ત પરમાત્માની ગમે તેટલી વાર્તા કોઈ કરે પરંતુ એ માત્ર વાતો જ રહે છે, ભાવને તો સ્પર્શ થતો જ નથી. જીવની પાસે જે જે અનુભવો છે તે તે સર્વ મૂર્તના અનુભવ છે; અમૂર્તનો કોઈ અનુભવ તેને નથી. જેનો કોઈ અનુભવ નથી એ સંબંધમાં કોઈ પણ શબ્દ જીવને કોઈ સ્મરણ આપી નહીં શકે, અમૂર્તની વાતો તે કરતો રહેશે અને મૂર્તમાં જીવતો રહેશે. માટે અમૂર્ત સાથે સંબંધ બાંધવો હોય તો કોઈ એવી ચીજ જોઈશે કે જે એક તરફથી આકારવાળી હોય અને બીજી તરફથી આકાર વગરની - નિરાકાર હોય; એક તરથી મૂર્ત હોય તો બીજી તરફથી અમૂર્ત..... મૂર્તિનું રહસ્ય આ છે.
કોઈ એવો સેતુ બનાવવો પડશે કે જે આપણી તરફ આકારવાળો હોય અને પરમાત્માની તરફ નિરાકાર હોય. એક કિનારે મૂર્ત હોય અને બીજી કિનારે અમૂર્ત હોય, એવો સેતુ જ આપણને પરમાત્મા સાથે જોડી શકે છે. એવો સેતુ નિર્મિત થઈ શકે છે. એના નિર્માશનો પ્રયોગ જ મૂર્તિ છે. મૂર્તિમાં આ વિશેષતા છે. તે બે કાર્ય કરે છે - જ્યાં આપણે ઊભા છીએ ત્યાં એનો છેડો દેખાય છે અને જ્યાં પરમાત્મા છે ત્યાં એ નિરાકારમાં ખોવાઈ જાય છે.
જે બિલકુલ મૂર્ત હોય અથવા તો બિલકુલ અમૂર્ત હોય તે સેતુનું કાર્ય બજાવી શકે નહીં. જો માત્ર મૂર્તનું અવલંબન લેવાય તો મૂર્તમાં જ રહેવાય અને જો માત્ર અમૂર્તનું અવલંબન લેવાય તો શરૂઆત જ ન થાય. અહીં મૂર્તિપૂજાની ઉપકારિતા સમજાય છે.
મૂર્તિપૂજા
મૂર્તિપૂજા એ શબ્દ બહુ જ અદ્ભુત છે. એક અપેક્ષાએ આ શબ્દ બહુ જ ખોટી છે. ખોટી એ કારણે કે જે વ્યક્તિ પૂજા કરવાનું જાણે છે, જે પૂજાની ભાવદશામાંથી પસાર થઈ છે તેના માટે મૂર્તિ વિલીન થઈ જાય છે, તેના માટે મૂર્તિ મૂર્તિરૂપે રહેતી જ નથી. અને જેને મૂર્તિ દેખાય છે તેણે ક્યારે પણ પૂજા કરી જ નથી હોતી, તેને પૂજા શું છે એની ખબર જ નથી.