________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુરુવાણી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી
જ્ઞાનયોગનું સ્વરૂપ
ज्ञानयोगस्तपः शुद्धमात्मरत्येकलक्षणम्।
इन्द्रियार्थोन्मनीभावात् समीक्षसुखसाधकः ॥५॥ अध्यात्मसार ॥
આત્માના શુદ્ધ ધર્મમાં રમણતારૂપ શુદ્ધતપ છે અને તેજ જ્ઞાનયોગ કહેવાય છે. ઇન્દ્રિયોના પોતપોતાના વિષયોથી ઉન્મનીભાવ હોવાથી જ્ઞાનયોગ ખરેખર મોક્ષ સુખસાધક છે. જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે જ્ઞાન યોગ ગણાય છે. વ્યાકરણ શાસ્ત્રો, ન્યાયનાં શાસ્ત્રો વગેરે શાસ્ત્રોનું અધ્યયન કરીને પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. આત્માની પ્રતીતિ થવાથી આત્મજ્ઞાની બાહ્યમાં ઉન્મુખ થતી વૃત્તિયોને આકર્ષીને પોતાના આત્માભિમુખ કરે છે. આત્માના જ્ઞાનાદિ ગુણોનો અનુભવ થતાં બાહ્યમાં ભટકતું એવું મન ઠેકાણે આવે છે અને આત્મામાં રિત થાય છે. આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા, પ્રીતિ, એકતાન લાગતાં સંવર અને નિર્જરા એ બે તત્ત્વ પ્રગટાવી શકાય છે. આવી રીતે આત્મરતિ થવાથી ઉન્મની ભાવની સહેજે પ્રાપ્તિ થાય છે. આવી રીતે જ્ઞાનયોગવડે અલ્પકાલમાં મોક્ષ સુખ સાધી શકાય છે. રાગદ્વેષાત્મક જગત્નો આત્મામાં વિકલ્પ સંકલ્પ ન પ્રગટે અને નિર્વિકલ્પક ઉપયોગથી આત્મામાં સ્થિરોપયોગ રહે એવો સર્વોત્તમ જ્ઞાનયોગ સાધવા યોગ્ય છે. ધ્યેયરૂપે આત્માનો જ્યાં ભાસ થાય અને આત્મારૂપ ધ્યેયનો ધ્યાતા આત્મા જ્યાં અનુભવાય છે તે જ્ઞાનયોગને અન્તર્દ્રષ્ટિથી અવલોકી શકાય છે. આત્મામાં પર્યાયનો ઉત્પાદ તે બ્રહ્મા, આત્મામાં પર્યાયનો વ્યય તે મહાદેવ અને આત્માની ધ્રુવતા તે વિષ્ણુ. એમાં આ આત્મામાં ત્રણનો અસ્તિભાવ અનુભવવામાં આવતાં જ્ઞાનયોગનું ખરૂં સ્વરૂપ પ્રગટાવી શકાય છે. મોહ દૈત્યનો નાશ કરનારી શુદ્ધ પરિણતિ રૂપ અંબિકાને આત્મામાં દેખવી તથા પ્રગટાવવી એ જ્ઞાનયોગ છે. આત્મારૂપ વેદીમાં કર્મરૂપ કાષ્ઠોને ભસ્મીભૂત કરનાર જ્ઞાનાગ્નિ સળગાવવી અને સોટહં મંત્રરૂપ વેદમંત્ર ભણીને વિષયવૃત્તિયોરૂપ પશુઓને હણવાથી આત્મજ્ઞની પૂર્ણાહૂતિ થાય છે. આત્માના અસંખ્યાત પ્રદેશ રૂપ આર્ય ભૂમિમાં મોહાદિ અસુરોની સાથે લડીને જ્ઞાનાદિ સુરાજ્ય મેળવી શકાય છે. સુરો અને અસુરોનું અન્તર્દ્રષ્ટિથી સ્વરૂપ અવલોકવું જોઇએ, અને આત્માના અસંખ્યાત પ્રદેશરૂપ આર્યક્ષેત્રમાં સુરરૂપ પોતે બનવું જોઇએ તથા મોહાદિ અસુરોને હટાવી પોતાની અસંખ્યાત પ્રદેશરૂપ ભૂમિમાં નિર્ભયપણે સ્વસુખ ભોગમાં મ્હાલવું જોઇએ.
For Private and Personal Use Only