________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वि.सं.२०६९-मार्गशीर्ष
ગ્રંથ પરિચય (આનંદઘનની આત્માનુભૂતિ)
હિરેન દોશી પરિશીલનકાર:- આચાર્ય વિજય શ્રી કલ્યાણબોધિ સૂરિ (પ્રકાશક- જિનશાસન આરાધના ટ્રસ્ટ, પ્રકાશન વર્ષ વિ. સં. ૨૦૦૭) આનંદઘનજીના પદો એ મંત્ર છે, પરમેશ્વરના સ્વરૂપને પામવાનો. પ૨મમાં પોતાની ચેતનાને ઓગાળીને પ્રીતમને પામવાનો ધાતુવાદ છે, આનંદઘનજીના પદો.
નવલકથા અને કવિતામાં સહેલાઈથી મળી જતાં પ્રિયતમની અહિં વાત નથી, અહિં તો સાદિ અનંતના ભાગે પ્રેમ કરીને અમરતાની અમીરાઇ પ્રાપ્ત કરવાની વાત છે. ભૂરા આકાશને અડતા ડુંગરાની કોઈ નિર્જન પગદંડીએ પ્રીતમને શોધતા આનંદઘનજીની અનુભૂતિઓ આ પદોમાં સોંસરવી ઉતરી છે. આનંદઘનજીએ મેળવેલી આત્માનુભૂતિના ખજાનાનો નકશો છે, એમના પ.
આ એ પદો છે - જેણે આપણી સામે અધ્યાત્મના સૌભાગ્યનો નવો અધ્યાય ખુલ્લો મૂક્યો છે. આ એ કીર્તના છે - જેણે પથ્થર જેવા હૃદયને પણ માખણ અને મખમલ જેવું કોમળ બનાવ્યું છે, આ એ શબ્દો છે - જેણે પરમપદની પ્રાપ્તિમાં અવરોધક કર્મોની દિવાલને તોડી નાંખવા હથોડા જેવું કામ કર્યું છે.
આનંદઘનજી મહારાજના હૈયામાં પ્રભુ પ્રત્યેના પ્રેમનું પ્રચંડ પૂર પ્રગટે છે. અને આ પદોની રચના થઈ જાય છે. પ્રભુના પ્રેમથી પલળેલાં શબ્દો આપણને પ્રભુની પ્રાપ્તિ સહજમાં કરાવે છે. અનુભૂતિઘન આનંદઘન મહારાજ જનરંજનની દુનિયા અને લોકરંજનના ગણિતોથી પર બની નિર્જન વગડામાં નિરંજનનાથના અમાપ ઐશ્વર્ય અને અખૂટ સૌંદર્યમાં પોતાની ચેતનાને ઓગાળી શક્યા હતાં, એટલે જ એમના પદો અને એમનું ગાન આટલા વર્ષે ય ચેતનવંતુ રહ્યું છે. એમના શબ્દો કોઈ શબ્દવર્ગણાના પગલે માત્ર નથી. એ શબ્દોમાં ચૈત્યન્યના તેજ પૂરાયા છે. એમના પ્રાણોમાં ચાલતો પ્રીતમનો ધ્વનિ એ શબ્દના બીબાંમાં રેડાયો છે. કાગળના કે કવિતાના શબ્દો નથી, પણ કાળજાની કોતરમાંથી ધાર થઈને રેલાયેલા આ શબ્દો અદભૂત છે જ.
આવા વિશિષ્ટ કોટિના આધ્યાત્મિક મહાપુરુષના પ્રાણવંત શબ્દો આપણને સહુને સદ્ભાગ્ય મળ્યા છે.
આચાર્ય શ્રી કલ્યાણબોધિ સૂરિજીએ આજની ભાષામાં આનંદઘનજીને અવતરીને લોકો સુધી પહોંચાડી અઘરા આનંદઘનજીને સરળ કરવાનું પુણ્ય કાર્ય કર્યું છે. પ્રસ્તુત સ્વાધ્યાયમાં આચાર્ય મહારાજ આપણી આંગળી પકડીને આનંદઘનજીની અનુભૂતિના દર્શન કરાવતા હોય એવો રોમાંચ અનુભવવા મળે છે. વર્ષો સુધી આનંદઘનજીના પદો ઉપર આવું શબ્દ સરળ અને શીરાની જેમ ઉતરી જાય એવું પરિશીલન પ્રાપ્ત ન હતું. પરિશીલનકારની અનુપ્રેક્ષા ઉત્કૃષ્ટ છે. એમની આનંદઘન પ્રત્યેની પ્રીતીની ઘનતાએ આવું સુંદર અને ગુણ-સભર પ્રકાશન આપ્યું.
આપણને ઉઠવાનો અનુભવ છે. જાગવાનો નહીં, અહીં આનંદઘનજી મહારાજની વગડામાંથીત્રાડ ગુંજે છે. કયાં સોવે ઉઠ જાગ બાઉ રે.., આનંદઘનજી મહારાજના પદો આજે પણ એલાર્મની જેમ આપણને જગાડી અને ઝંઝોળી રહ્યાં છે. આનંદઘનજી એકવીસમી સદીના માનવને આજે પણ અધ્યાત્મ તરફ વાળી રહ્યા છે. પરિશીલનની શરૂઆત સરળ ઉદાહરણથી કરે છે. હળવી શરૂઆત વાચકને અનાયાસે પકડી રાખે છે. વાંચનારના હૈયામાં વાત ઉતરી જાય છે, સમજાઈ જાય છે, કે વાસ્તવિકતા અને વિચાર વચ્ચેનું અંતર કેટલું છે. આ વિવેચનાનું બળ આનંદઘનજી પ્રત્યેની સ્નેહાળ લાગણી છે. તો જ્યાં પણ આનંદઘન નામના સૂર્યનું અજવાળું નથી પહોંચ્યું, ત્યાં આનંદધનનો અજવાસ પાથરવો છે. એવો વિશ્વાસ આ વિવેચનાના પ્રાણ છે. એવું અનુભવાયા વગર ના રહે. ગાઢ મૂઢતા અને પ્રબળ અજ્ઞાનમાં રહેલા આત્મપ્રદેશોના અંધારઘેર્યા નિર્જન અને અવાવર પ્રદેશમાં, આ વિવેચના ચૈતન્યનું અજવાળું પાથરે છે. અંધારે અજ વાળા કરે એવી, મને અને મનને ગમી ગયેલી કેટલીક પંક્તિઓ આ રહી.
આત્માની વિસ્મૃતિ જેવી બીજી કોઈ મૂર્ખતા નથી. જ ભગવદ્ભક્તિ એ જ ભવસાગરમાં ભાવ નૈયા છે, એ જ સંસારથી મુક્ત થવાનો ઉપાય છે. છે જે કાળમાં તારી જાગૃતિની શક્યતા છે, એ કાળ ઝડપથી વીતી રહ્યો છે. પ્રત્યેક ક્ષણે એ કાળની અંતિમ ક્ષણ
તારી વધુ ને વધુ નિકટ આવી રહી છે. , “આ મારું પરમેનન્ટ એડ્રેસ' ... કાર્ડ આપીને આવા શબ્દો બોલતી વ્યક્તિ એટલો વિચાર કેમ નથી કરતી?
કે જો હું પોતે ય “ટેમ્પરરી' છું તો મારું એડ્રેસ પરમેનન્ટ શી રીતે હોઈ શકે? આવી તો કેટલીય વિભાવનાઓ પદની સાથે સાથે વાંચવા મળે છે.
દરેક પદના વિવેચનમાં મહારાજજીએ ઉદાત્ત વૈરાગ્યના બળે વિકસિત થયેલા મૌલિક ચિંતનોને વાચા આપી છે. કેવું આપવું, અને કેવી રીતે ઉતારવું એની શૈલી મહારાજજી બહુ સારી રીતે જાણે છે, એ આ વિવેચના દ્વારા એમણે તાદૃશ્ય કર્યું. પ્રભુના બનાવીને પ્રભુની વાત કરનાર મહારાજજી આવા અમૂલ્ય અને આધ્યાત્મિક ફળદાયી-પરિશીલનો નિરંતર આપે એવી પરમ સમીપે પ્રાર્થના....
For Private and Personal Use Only