________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૬૮-શ્રાવણ
છેવટે સંઘપતિએ મૌન તજી સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આપીને કહ્યું : “કેવળ ભયભીત થવાથી આવતી વિપત્તિને નિવારી શકાશે નહિ માટે જેને જેને જે જે ઉપાયો સૂઝે એ સંઘ સમક્ષ મૂકે. સંઘ એ પર વિચાર કરી, એ માર્ગ યોગ્ય હશે તો, એ માટે બધું જ બનતું કરી છૂટશે.'
એક જણાએ જણાવ્યું કે “મહારાજાને મૂલ્યવાન ભેટ ધરી પ્રસન્ન કરવા જોઈએ.' બીજાએ વળી ‘બ્રાહ્મણ પડિતોને દ્રવ્યપૂજાથી સમજાવી લેવા જોઈએ,' એવું સૂચન કર્યું. તો ત્રીજાએ જણાવ્યું કે “હલેબીડના પ્રસિદ્ધ જૈનમંદિરમાં જૈન પૂજાવિધિ પહેલાં શૈવ ક્રિયાકાંડ અનુસાર ભસ્મ અને તાંબૂલ લાવવાની વિધિ અપનાવી જેમ લિંગાયતોને શાંત પાડવા પડયા હતા તેમ અત્યારે વૈષ્ણવ વિધિ અપનાવી વિરોધીઓને શાંત કરવા જોઈએ.' તો વળી કોઈએ રાજનો ત્યાગ કરવાની સલાહ આપી. આમ સહુએ પોતાને જે જે વિચાર સ્કૂર્યા એ રજૂ કર્યા, પણ એકે વિચાર કારગત થાય એવો ન લાગ્યો.
આવી રીતે ભેટ આપીને કે લાલચથી સંતોષીને આ વિષમ પરિસ્થિતિનો ઉકેલ શોધવા જતાં તો કાયમી પરાધીનતામાં પડવા ઉપરાંત સંધને હમેશને માટે નિચોવવાનો એક નવો માર્ગ વિરોધીઓને મળી જતો હોઈ એનો અસ્વીકાર કરવામાં આવ્યો. તેમજ શૈવ કે વૈષ્ણવ વિધિ અપનાવવામાં પણ પહેલેથી ધર્માતર કરી લેવા જેવી નાલેશી સમાયેલી હોઈ એ માર્ગ પણ નકારી કાઢવામાં આવ્યો. બહુ લાંબી ચર્ચા પછી સમાજને ગૌરવ બક્ષનારો એક જ માર્ગ જણાયો, અને તે હતો શાસ્ત્રચર્ચાનું આહ્વાન ઝીલી લેવા જેટલી વીરતા દાખવવાનો.
આ માટે નજીકમાં જેટજેટલા મુનિઓ, આચાર્યો તથા શાસ્ત્રના જાણકાર ગણાતા શ્રમણોપાસકો હતા એમને જલદી ધર્મરક્ષા માટે તૈયારી કરવા વિજયનગરમાં એકત્ર થવાનો આદેશ આપવામાં આવ્યો. સાથે સાથે શાસ્ત્રાર્થમાં વાદીઓને જીતવામાં સમર્થ મહાપંડિત તથા સિંહ સમાન પ્રભાવશાળી એવા આચાર્ય ધર્મસિંહસૂરિજીને પણ સઘળી બીના વિદિત કરી એમની પાસેથી યોગ્ય માર્ગદર્શન તથા એ બાબતમાં શક્ય મદદ મેળવવા માણસો મોકલવાનું નક્કી કરવામાં આવ્યું.
એ કાળમાં આ સૂરિજી ઉત્કટ ચારિત્રસંપન્ન અને સમર્થ સર્વશાસ્ત્રપારગામી પુરુષ હતા, પણ તે હાલ વિજયનગરથી છસો-સાતસો ગાઉ દૂર અયોધ્યા નગરીમાં વિરાજતા હતા. એ જમાનામાં ત્રણેક મહિનાનો ગાળો આજની દૃષ્ટિએ ઘણો ટૂંકો હોઈ એક ક્ષણ પણ ગુમાવવી પાલવે તેમ નહોતી, જેથી તરત જ યોજનાઓનો અમલ કરવાનું નક્કી કરી સંઘ મોડેથી વિખરાયો, અને અશ્વારોહી સંદેશવાહકોને તરત જ અયોધ્યા તરફ રવાના કરવામાં આવ્યા.
ઘોડાઓ ઉપર પંદર-વીસ દિવસની સતત મજલ કરીને સંદેશવાહકો અયોધ્યા પહોંચી ગયા. અને આચાર્યશ્રીના હાથમાં વિજયનગરના સંઘનો દર્દભર્યો પત્ર મૂક્યો. સંઘની હસ્તિ-નાસ્તિનો આ પ્રશ્ન પત્રમાં વાંચી સૂરિજી પળવાર તો ભારે વિમાસણમાં પડી ગયા. આવતી આપત્તિને કેમ નિવારવી એ ઉપાયો વિચારવા એ એકાંતમાં ચાલ્યા ગયા
વિજયનગર સંઘના પત્ર અને ગુરુની ચિંતાની વાત, એક કાનેથી બીજે કાને ફરતી ફરતી, સકલ સંઘમાં પ્રસરી ગઈ. સંઘનાયકો ઉપાશ્રયે એકત્ર થયા. સૂરિજી તો હજી એકાંતમાં જ હતા. એકાંતમાંથી સૂરિજીએ સત્ય બીના જણાવી, સહેજ ધૈર્ય રાખવા કહેવડાવ્યું; સાથે સાથે પોતે જ્યારે બોલાવે ત્યારે હાજર થવા પણ સૂચવ્યું.
આખી રાત સૂરિજીએ એ જ વિચારમંથનમાં ગાળી કે “અહીં બેઠા બેઠા શાસ્ત્રચર્ચામાં કેવી રીતે ભાગ લઈ શકાય? અને ન લઈ શકાય તો કેવી રીતે વિજય પ્રાપ્ત થઈ શકે? અને એમાં જો નિષ્ફળતા મળે તો તો ત્યાં સંઘનું નામનિશાન જ મટી જાય! પૂર્વકાળના જંઘાચરણ મુનિઓની જેમ મારામાં ઉડયન શક્તિ હોત તો કેવું સારું થાત! પણ હવે આ માટે કંઈક પણ ઉપાય તત્કાળ કરવો જ ઘટે .'
આમ સતત મંથનને પરિણામે છેવટે જાણે એમને પોતાનો અંતર્નાદ સંભળાયો કે આટલા બધા દૂર હોવા માટે અફસોસ કરવાની શી જરૂર છે? ચાલ, તું પોતે જ ત્યાં પહોંચી જા! હજુ સમય પૂરતો છે. અને અત્યારે જ પ્રયાણ શરૂ કરી દે. જેના દિલમાં ધગશ છે, શાસનહિતની તીવ્ર ઝંખના છે, અને એ માટે મરી ફિટવાનો દઢ સંકલ્પ છે, એને છસો-સાતસો ગાઉ કંઈ બહુ દૂર નથી, માટે મુશ્કેલીના વિચારને ખંખેરી નાખી ધર્મશૌર્ય પ્રગટાવ, જે પુરુષાર્થ ખેડે છે એને સકલ વિશ્વ સાનુકૂળ બની બધી જ રીતે સાથ આપે છે, ને વિજયમાળ પહેરાવે છે. તો એ સૂત્ર ધ્યાનમાં રાખી ઉત્સાહિત બની ચાલી નીકળ. જા, તારો વિજય નક્કી છે. પણ એ માટે હવે એક ક્ષણ પણ ન ગુમાવીશ!”
(વધુ આવતા અંકે)
For Private and Personal Use Only