________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४
अगस्त २०१२
| રાસ રસાળ |
જૈન કવિ ઋષભદાસ કૃત (શ્રી શ્રેણિક રાસ અને શ્રી અભયકુમાર રાસ) સંશોધક અને સંપાદક- શ્રીમતી ડૉ. ભાનુબેન શાહ (સત્રા) જૈન સાહિત્ય પ્રકાશક સમિતિ, મુંબઈ-૪૦૦૦૦૭ કિંમત રૂ. ૩૦૦/- પ્રકાશન વર્ષ-૨૦૧૧
- કનુભાઈ એલ. શાહ
મધ્યકાલીન સાહિત્ય રાસા, બારમાસા, સ્તવનો, સઝાયો જેવી પદ્યરચનાઓથી સમૃદ્ધ છે. આ સાહિત્યને સમૃદ્ધ કરવામાં જૈન કવિઓનું યોગદાન સવિશેષ છે. જૈન કવિઓએ વિવિધ વિષયો પર રાસાઓ લખ્યા છે.
મધ્યકાલીન જૈન સાહિત્યને રાસ સાહિત્યથી સમૃદ્ધ કરનારા ખંભાત નિવાસી શ્રાવક કવિ ઋષભદાસે પોતાના જીવન સમય દરમિયાન ૩૪ જેટલી રાસ કૃતિઓની રચનાઓ કરી છે.
શ્રીમતી ડૉ. ભાનુબહેન શાહે “શ્રેણિક રાસ’ અને ‘અભયકુમાર રાસ'ની હસ્તપ્રતો મેળવી સંશોધન કરી બંને કથાઓનું રસપાન કરાવ્યું છે. લેખિકાએ ધર્મકથાઓમાંની એક વિખ્યાત કતિ શ્રી “શ્રેણિક રાસ'નો સંક્ષેપમાં સુંદર પરિચય આપ્યો છે. તેવીજ રીતે ‘અભયકુમાર રાસ' કૃતિનો પણ રસાળ પરિચય કરાવ્યો છે.
શ્રેણિક રાસમાં શ્રેણિક એ મહાવીરસ્વામીના સમયમાં મગધ દેશના રાજા હતા. આ રાસમાં શ્રેણિક રાજાનું ચરિત્ર આલેખેલું છે. આ ચરિત્રના આલેખનમાં વાર્તારસ પીરસતાં કવિશ્રીની જે ખૂબીઓ છે તેને લેખિકાએ એમના વિવેચન દ્વારા પ્રત્યક્ષ કરી બતાવી છે. શાંતરસ, અદ્ભુત રસ, શૃંગારરસ, હાસ્યરસ, વીરરસ, ભયાનક રસ, વાત્સલ્ય રસ, ભક્તિરસ, કરુણરસ વગેરે રસોનો લેખિકાએ કૃતિમાંથી તેના દૃષ્ટાંતો આપીને સરળ ભાષામાં કૃતિનો અર્થબોધ આપ્યો છે. આ રાસમાં ઢાળ ૮૩, ચોપાઈ૧૯ અને દુહા ૯૮નો સમાવેશ થયેલો છે.
‘અભયકુમાર રાસ' કવિ ઋષભદાસની અપ્રકાશિત રાસકૃતિનું સંશોધન કરી સંપાદન કર્યું છે. આ રાસકૃતિમાં દુહા-૪૬, ઢાળ-૩૬ અને ચોપાઇ-૧૯નો સમાવેશ થયેલો છે. કવિ ઋષભદાસે ધર્મકથામાંથી અભયકુમારનું ચરિત્ર પસંદ કરીને તેમના જીવનના પ્રસંગોની ગૂંથણી કરીને “ચરિત્રનાયક' તરીકે ઉપસાવવાનો સુંદર પ્રયાસ કરેલો છે. મહારાજા શ્રેણિકના પાટવી કુંવર, પ00 મંત્રીઓના શિરોમણિ અભયકુમારના જીવનચરિત્રનું આલેખન હૃદયસ્પર્શી છે. આ બંને રાસની કથા રસિક હોવા ઉપરાંત ધર્મનો બોધ કરાવવામાં મહત્ત્વનું યોગદાન આપે છે.
આ બંને રાસકૃતિઓની દરેક ઢાળની કડીઓના અર્થો આપ્યા છે. રાસમાં આવતા કઠિન શબ્દોની યાદી પરિશિષ્ટમાં આપી છે અને તેના અર્થો આપ્યા છે. પાંચ પરિશિષ્ટોમાં કથાને સમજવામાં ઉપયોગી પૂરક માહિતી આપીને સંશોધનને પુષ્ટ કર્યું છે.
જૈન સાહિત્યમાં સંશોધનનું કાર્ય અત્યંત ધીમું છે ત્યારે શ્રીમતી ડૉ. ભાનુબેને આ બંને ઐતિહાસિક રાસ કૃતિઓ વિશે સંશોધન કરીને તેને સરળ ભાષામાં સામાન્ય જનોને સમજાય તે રીતે તેનો અર્થબોધ કરાવીને અનુમોદનીય કાર્ય કર્યું છે. આ સંશોધન પ્રવૃત્તિ સાચી શ્રુતભક્તિનું દર્શન કરાવે છે.
For Private and Personal Use Only