________________
વિદ્વાનો ને વિજ્ઞપ્તિ
પ્રેષક : વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ.શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી ના શિષ્ય પૂ.આ.શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા.
આજે વિશિષ્ટ વિદ્વાનોને પ્રાયઃ એક પ્રશ્ન વિશેષ પૂછવામાં આવતો હોય છે - “શાનું સંશોધન ચાલે છે ?” એવું લાગે છે કે મહદંશે આપણી માનસિકતા “વિદ્વત્તાની પરાકાષ્ઠા સંશોધનમાં પર્યવસિત થઈ ગઈ છે.” એવો અભિપ્રાય ધરાવે છે પણ વાસ્તવિકતા તેવી નથી.
અમુક ગ્રંથ પર સંશોધન સંપાદન કરવું એ લંબાઈ છે. તેના પર તુલના/ટીકા/અનુવાદ/ટિપ્પણ રજુ કરવા એ પહોળાઈ છે. તેના પર ગંભીર અનુપ્રેક્ષા કરવી એ ઊંડાઈ છે.
પણ એ સંશોધનાદિની ઉપાદેયતા નિઃશંક છે. પણ એ સીમા નથી, પણ એ તો શરૂઆત છે. પહોળાઈ અને ઊંચાઈ ભળે તો લંબાઈના અનેકગુણા ફળ મળે. આપણી પાસે આજે ય વિપુલ સાહિત્ય છે. સટીક શાસ્રો પણ ઓછા નથી, પણ ગંભીર અનુપ્રેક્ષાના આલંબન અત્યંત અલ્પ નહીંવત્ હશે. સમર્થ વિદ્વાનોએ આ ક્ષેત્રમાં નિમગ્ન થવાની આવશ્યકતા છે.
આચારાંગ, સૂત્રકૃતાંગ, ઠાણાંગ જેવા અનેક આગમો એટલા ગંભીર અર્થોથી ભરેલા છે કે સમર્થ વિદ્વાનો તેના પર બૌદ્ધિક પરિશ્રમ કરે, તો એવા રત્નો પ્રગટ થવા લાગે કે ગ્રંથને માથે મૂકીને નાચવાનું મન થયા વિના ન રહે. “ને બળન્નવંસી સે અન્નારાને” જેવા એક સૂત્રમાંથી સેંકડો અર્થો આજે પણ કરી શકાય. એક એક અર્થ અધ્યેતાઓને રોમાંચિત કરી મુકે.
ઊંડાણમાં ડુબકી લગાવીએ એટલે લંબાઈ ઓછી થવાની, એ સહજ છે. એક ગ્રંથ, એક અધ્યયન કે છેવટે એકાદ ઉદ્દેશ પણ એક-એક વિદ્વાનો હાથમાં લે, તો અધ્યેતાઓ ન્યાલ થઈ જાય. શાસ્ત્ર માત્ર સંશોધન ને વાંચનનો વિષય નથી પણ અર્થપરિણતિ, અનુપ્રેક્ષા અને આચરણનો વિષય છે, શ્રુતજ્ઞાન એ ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાનમાં રૂપાંતરિત કરવાનો વિષય છે.
ધર્મબિન્દુ ગ્રંથમાં પૂ.હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે, કે જે ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું જ્ઞેય છે, તે “શ્રુતજ્ઞાનનો વિષય બનતું નથી. એ તો શ્રુતજ્ઞાનથી અજ્ઞાત જ રહે છે.”
આ છે લંબાઈની દશા, જ્યાં શાસ્ત્રનું તાત્પર્ય - ઐદંપર્ય પામ્યા વિના માત્ર દોડાતું રહે છે. ટીકાકાર મહર્ષિઓએ આપણા પર અનન્ય ઉપકાર કર્યો છે. અન્યથા તો કદાચ આપણે શ્રુતજ્ઞાનથી પણ વંચિત થઈ ગયા હોત. અનેક સૂત્રોનો પદાર્થ ટીકાના અભાવે દુર્ગમ બની ગયો હોત. તેમણે આપેલા વારસાને રોહિણી-વહુની જેમ અનેકગણો બનાવવો એ વિદ્વાનોનું
કર્તવ્ય છે.
ચોથા આરામાં ચૌદ પૂર્વઘરો જ્યારે શિષ્યોને આચારાંગ આદિ પર વાચના આપતા હશે, ત્યારે એક એક પદમાં કેટલું ઊંડાણ ખેડતા હશે ! કેવા અદ્ભુત અર્થઘટનોનું નિરૂપણ કરતા હશે ! પ્રત્યેક સૂત્રના અનંત અર્થોમાંથી હજારો-લાખો અાઁ કદાચ રજુ કરતા હશે ! સેંકડો-હજારો શિષ્યોની એ પર્ષદામાં કેટલાય શિષ્યો એ સાંભળતા સાંભળતા જ ક્ષપકોણિ માંડીને કેળજ્ઞાન પામી જતાં હશે.
બહુશ્રુત વિદ્વાનોને નમ્ર વિનંતિ કે આ દિશામાં તેઓ આગેકૂચ કરે. તેમને પોતાને અને અધ્યેતાઓને ચમત્કૃતિસભર પરિણામોની પ્રાપ્તિ થશે.
તા.ક. : અનેક ગીતાર્થોના મંતવ્યને અનુસારે આગમો પરના સર્જનો સંસ્કૃત-પ્રાકૃતમાં થાય, એ ઈચ્છનીય છે.
3