________________
પ્રવૃત્તિ ધર્મ અને પરિણામ ધર્મ
જે ધર્મની આરાધનાને અંગે આપણે માનવજીવનને સર્વોત્તમ ગણવું છે તે ધર્મ બે પ્રકારનો છે. પ્રવૃત્તિધર્મ અને બીજો પરિણામધર્મ, દાન-શીલ-તપ અને ભાવ એ પ્રવૃત્તિધર્મ છે અને એ પ્રવૃત્તિધર્મથી આત્માના સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ આત્મિકગુણોની થતી પરિણતિ તે પરિણામધર્મ છે. પ્રવૃત્તિધર્મ એ કારણ છે અને પરિણામધર્મ એ કાર્ય છે. જેટલી પ્રવૃત્તિધર્મની વધુ સેવના થાય પરિણામધર્મમાં તેટલી વૃદ્ધિ થાય એ ચોક્કસ સમજવું. આ બાબતમાં કાયા અને મનનું દૃષ્ટાંત વિચારવાની જરૂર છે. ઈન્દ્રિયો તેમજ કાયાથી જે જે વિષયોનું આસેવન થયું હોય અને અનુભવ થયો હોય, તેનું જ મનો દ્વારા ચિંતવન થાય છે. રાત્રે સ્વપ્નમાં પણ તે અનુભૂત વિષયો આવે છે. કાપડ ફાડવાના અભ્યાસથી કાપડીઓ સ્વપ્નમાં પણ કાપડ (ધોતીયું) ફાડી નાંખે છે, પરંતુ અમેરિકાના ન્યુયોર્ક શહેરનું જેણે નામ સાંભળ્યું નથી અથવા જોયું નથી તેવાને ન્યુયોર્કનાં સ્વપ્ન આવતાં નથી. તેમ અહીં પણ દાન-શીલ-તપ અને ભાવનું સેવન કરનાર ભવ્યાત્મા સમ્યગ્દર્શનાદિ રત્નત્રયી રૂપ પરિણામધર્મનો અધિકારી બની શકે છે.
પ્રવૃત્તિધર્મમાં ભાવનાનું પ્રાધાન્ય.
દાન-શીલ-તપ અને ભાવ એ ચાર પ્રકારના પ્રવૃત્તિધર્મમાં ભાવનાનું જ પ્રાધાન્ય છે. ગમે તેટલું દાન દેવાતું હોય, શીલ સચવાતું હોય અને તપસ્યા કરવામાં આવતી હોય પરંતુ ભાવનાના યથાર્થ સ્વરૂપવાળી ભાવના સાથે ન મળેલ હોય તો તે આરાધેલા. દાન-શીલ-તપ પોતાનું સંપૂર્ણ ફલ આપી શકતા નથી, એ ત્રણેની સાથે ભાવનાનો યોગ હોય તો જ પરિણામે સુંદર સ્વગ તેમજ મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. ‘ભાવના વગરના દાન-શીલ અને તપ જેમ યથાર્થ ફળ આપી શકવા માટે અસમર્થ છે' એવું માનવાની સાથે દાન, શીલ અને તપ વગરની ભાવના પણ યથાર્થ ફળ આપવા અસમર્થ છે એમ માનવાની જરૂર નથી. કારણ કે ભાવના હોય છતાં અંતરાયના ઉદયથી દાન ન આપી શકાય. મોહનીયના ઉદયથી શીલ બહારથી ન પાળી શકાય અને તપશ્ચર્યાનું આરાધન પણ ન થઈ શકે, છતાં તે વસ્તુ પ્રત્યેની જો સાચી ભાવના હોય તો જિનેશ્વરના શાસનમાં અનંતર કિંવા પરંપરાએ મોક્ષ પ્રાપ્તિ કરી છે. જ્ઞાની મહારાજાઓએ ભાવના ત્રણ પ્રકારની કહી છે.
'रत्नत्रयधरेल्वेक-भक्तिस्तत्कार्य कर्म च । संसारस्य जुगुप्सा चेत्येवं सा भावना त्रिधा ॥ १ ॥'
સમ્યગુદર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રયીને ધારણ કરનાર મહાત્માઓની ભક્તિ એ ભાવનાનો પ્રથમ પ્રકાર છે. જ્યાં ભક્તિ હોય ત્યાં તે મહાત્માઓના કાર્ય કરવાની ઉત્સુકતા પણ હોય જ. એટલે તે રત્નત્રયીધારકમહાનુભાવોના કાર્યો કરવાની ખંત તે ભાવનાનો બીજો પ્રકાર છે અને તે બંને હોવા સાથે અંતઃકરણમાં સંસારની અસારતા ચિંતવવી એ ભાવનાનો ત્રીજો પ્રકાર છે. આ ત્રણ પ્રકારવાળી ભાવના આત્મામાં વર્તતી હોય અને કદાચ અંતરાયાદિના ઉદયથી દાન - શીલ-તપનું સેવન ન થઈ શકતું હોય તો પણ ભાવનારૂપ પ્રવૃત્તિધર્મથી સમ્યગુદર્શનાદિ પરિણામ ધર્મની ઉત્કૃષ્ટકોટિએ આત્મા પહોંચે છે અને પરંપરાએ મોક્ષસુખનો અધિકારી બને છે.