________________
ઉદેપુર ગોરજી મહારાજને આ સમાચાર મળતાં તેઓ ખુબ ખુશ થયા અને તેમને કહ્યું કે જૈન શાસનને દિપાવનાર આ મહાન સાધુ ખરેખર જૈન ધર્મના ઝંડા ફરકાવશે ચોમાસા પછી સાગરજી મહારાજ ઉદેપુર આવ્યા ગોરજી મહારાજે તેઓને ધન્યવાદ આપ્યા અને ગોરજી મહારાજે સાગરજી મહારાજને આગમનું વાંચન કરાવ્યું. વાંચન દરમ્યાન સાગરજી મહારાજે જેટલા આગમ મળ્યાં તેટલા લખી લીધા ત્યારબાદ તેઓ ત્યાંથી સૂરત પધાર્યા.
જૈનશાસન રત્નાકર સમુદ્ર જેવું છે એની અંદર રનો ભરેલા છે. તે શાસ્ત્રોમાંથી સાગરજી મહારાજે તત્વ રત્નને મેળવ્યું તથા આગમના તાત્વિક-માર્મિક અને મહત્વપૂર્ણ વ્યાખ્યાનો આપી અનેક આત્માઓના દિલ-દિમાગ પર અભૂત અસર કરી, વૈરાગ્યના રંગે રંગી મોક્ષમાર્ગના મુસાફરો બનાવ્યા.
પૂજ્યશ્રીના પ્રવચનોની તેમના શિષ્યોએ નોંધ કરી અને તે પુસ્તક તથા સિદ્ધચક્ર માસિક રૂપે પ્રકાશિત કર્યું અને તત્વજ્ઞાનીઓની તૃષા દૂર કરી આગમોદ્ધારક પ્રવચનકાર આચાર્યદેવ શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબે સાધુઓને આપેલ વાચનાઓ અને વાર્તાલાપ આદિમાં એવા સુયોગ્ય વચનોનો પ્રયોગ કર્યો છે કે જે સદા માટે સુંદર વચનામૃતો બની ગયા છે. પૂજ્યશ્રીનો આપણા ઉપર અસીમ ઉપકાર છે. પૂજ્યશ્રી અલૌકિક અને અદ્ભૂત ગુણ રત્નોના ભંડાર હતા. આગમોદ્ધારકશ્રીના પ્રવચનોથી જનમોજનમની તૃષ્ણા શમી જાય છે. વિષય-કષાયના ઉકળાટ શાંત થઈ જાય છે અને આપના કલ્યાણના દ્વાર ખૂલી જાય છે. | પૂજ્ય આગમોદ્ધારક બહુશ્રુત આચાર્ય શ્રીમદ્ આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે જેવી રીતે જ્ઞાન ક્ષેત્રે યોગદાન આપેલું છે તેવી જ રીતે તીર્થક્ષેત્રે રક્ષા માટે પણ તેઓશ્રીએ અમૂલ્ય યોગદાન આપેલું છે. આવા આગમોદ્ધારકશ્રીના આગમિક-તાત્વિક પ્રવચનો જે સિદ્ધચક્ર માસિકમાં છપાયેલા હતા જે હાલમાં અલભ્ય બનતા આચાર્યશ્રી અશોકસાગરસૂરીજી મહારાજે ભગીરથ પુરૂષાર્થ કરી ફરીથી છપાવવાનું કાર્ય કર્યું છે.
આગમના તાત્વિક પ્રવચનો સૌ કોઈ જિજ્ઞાસુ વાંચ-વિચારે અને પોતાનું કલ્યાણ કરે તો અશોકસાગરસૂરીજી મહારાજનો પુરૂષાર્થ લેખે લાગ્યો ગણાશે અને તેનો લાભ લઈ સૌ કોઈ અજરઅમર પદના ભોક્તા બને એજ મંગલ અભિલાષા.
પરમપૂજ્ય ગુરૂદેવ દર્શનસાગર સૂરીશ્વરજીના પટ્ટધર શિષ્ય
જીતેન્દ્રસાગરસૂરિ