________________
(ટાઈટલ પાનાં ત્રીજાનું અનુસંધાન) સમાગમમાં એક દિવસ અને એક વખત પણ આવવાવાળો ભવ્યજીવ ભવોદધિના ઉદ્ધારના સાધનો મેળવી શકે એમ અનેક શાસ્ત્રીય દૃષ્ટાંતો અને અનુભવથી પણ કાંઈક અંશે સિદ્ધ થયેલું છે, તો પછી ચાર મહિના જેવા લાંબા ટાઈમની સ્થિરતા છતાં શ્રમણોપાસક વર્ગમાંથી એક પણ વ્યક્તિ શ્રદ્ધાળુ અને શ્રોતાપણાથી બેનસીબ રહે તો તે સાધુ મહાત્મા અને શ્રમણોપાસક વર્ગ બંનેને વિચારવા જેવું છે. જો કે શ્રમણોપાસક વર્ગે સાધુ મહાત્માઓના જ્ઞાન, દર્શન અને ચારિત્રના આરાધન અને વિકાસને માટે અનશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, કંબલ, પુસ્તક, પંડિત, ઉપાશ્રયઆદિની સગવડ કરવી તે તેમની ફરજ જ છે, પણ ચોમાસું રહેનાર સાધુ મહાત્માઓએ જેમ બને તેમ તે શ્રમણોપાસક વર્ગના ભાવોનો ઉલ્લાસ રહે તેમ વર્તવું જોઈએ. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે અષાઢ ચોમાસાના વખતમાં વરસાદના સંજોગને અંગે ઉપાશ્રયના ચોકમાં, માત્રા કે ઠંડિલની જગ્યામાં લીલોતરી અને લીલીફૂલ થવાનો ઘણો સંભવ હોય છે, અને તેમાં જો શ્રમણોપાસક વર્ગ વરસાદની શરૂઆત થવા પહેલાં જો તે લીલોતરી અને લીલફૂલ નહિ થાય તેવો ઉપયોગ કરી લે છે, તો શ્રમણ અને શ્રમણોપાસકના બંને વર્ગો જીવોની વિરાધનાથી બચી જાય છે. શ્રમણો પાસક અને શ્રમણવર્ગે લીલાફૂલના એક સોય જેટલા ભાગમાં પણ અનંત જીવો સ્પષ્ટપણે માનેલા જ છે, તો પછી તેવી લીલફૂલ થવાના સ્થાનકે રાખ, ચૂનો, કાંકરી કે એવી ચીજનો ઉપયોગ પહેલીથી જ કરી લીધો હોય તો લીલફૂલની વિરાધના થતી બચી જાય. શ્રમણોપાસક વર્ગ અનંત જીવની વિરાધનાના ભયે કંદમૂળને છોડવાવાળો હોય છે, છતાં ચિકટા ભાજનો અને સ્થાનોને માટે ચૂના વિગેરેનો ઉપયોગ ન કરવાથી અનંતકાયની સજ્જડ વિરાધના કરવાવાળો થાય છે, માટે તે બાબતનો શ્રમણ અને શ્રમણોપાસક વર્ગે ખ્યાલ રાખી વિરાધનાથી બચવાની જરૂર છે. આવી રીતે વિરાધનાનો પ્રસંગ અને વિરાધનાથી બચવાના પ્રયત્નનું સ્થાન આ અષાઢ ચાતુર્માસી હોવાથી અને ઉપર જણાવેલાં કારણોથી લોકોત્તર દૃષ્ટિ અષાઢથી શરૂ થતી ચોમાસીને ચોમાસી કહેવામાં આવે છે.
આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ ક્યું.