________________
યાત્રિકજન લીન રહે તો સંઘયાત્રાનો સમગ્ર વખત તે યાત્રિકને જન્મને સફળ કરવામાં મોટો ભાગ ભજવે. છએ “રી” ને પાળનારા યાત્રિકોએ ધ્યાનમાં રાખવાનું છે કે આ છએ “ર” નું પાલન વિષય કષાયની નિવૃત્તિ કરવા સાથે આરંભાદિકની નિવૃત્તિ માટે છે તો પછી પગે ચાલવાથી પાદચારિરૂપ રીને સાચવતા છતાં જો રાજકથાદિક વિકથાઓ કરવામાં આવે તથા ગૃહજંજાળની અનેક જંજિરોમાં જે આ જીવ જકડાઈ રહે તો તે વ્યવહારથી પાદચારિપણું રહ્યા છતાં પણ તેના વિષય કષાય આદિની નિવૃત્તિરૂપ ફળને તે મેળવી શકે નહિ. સંઘના યાત્રિકો એવી રીતે યાત્રાએ પ્રવાસ કરતા હોવા જોઇએ કે જેના વર્તન વિચાર અને વચનો દરેક સ્વધર્મ કે અન્ય ધર્મીઓને ધર્મની છાયા પાડનારાં હોય. જો આવા નિવૃત્તિના વખતમાં સુપાત્રદાનાદિક સત્કાર્યો કરવા છતાં પણ યાત્રિકો પોતાના આત્માને તે સત્કાર્યો અને તેની અનુમોદનાથી વાસિત નહિ કરે અને અન્ય જૈન કે જૈનેતરોમાં ધર્મની પ્રશંસાના કાર્યથી બોધિ બીજ વાવવાનો પ્રસંગ નહિ સમર્પણ કરે તો પછી તે પોતાના અને પરના ઉદ્ધારને માટે જિંદગીમાં શું કરી શકશે ? જે મનુષ્ય લાભના પ્રસંગે પણ લાભ ન મેળવે તેઓ અન્ય પ્રસંગે લાભ મેળવે એ માનવું ઘણું જ મુશ્કેલ છે. આવા યાત્રિકપણાના પ્રસંગો જિંદગીમાં વારંવાર આવતા નથી અને આવેલા પ્રસંગને બરોબર ન સાધતાં તેના ફળથી વંચિત રહેવું બુધ્ધિમાનોને તો શોભે તેવું જ નથી. યાત્રિકોમાં મોટો ભાગ એવો જ હોવો જોઈએ કે જેઓના વિચાર, વચન અને વર્તનો અહર્નિશ નવા નવા ચૈત્યોના દર્શનાદિની અભિલાષામાં અને કરેલા દર્શનાદિકના અનુમોદનમાં હોય, અને તેથી યાત્રિકોનો આત્મા યાત્રા જેટલા વખતમાં તો ધર્માત્મા જ બનવો જોઇએ. સંઘપતિ યાત્રિકે પોતાના સમૃદ્ધિસંપન્નતા અને શક્તિ સહિતતાને લીધે જે જે કાર્યો મોટા રૂપમાં કરાતાં હોય, તે તે દરેક સુપાત્રદાન, સાધર્મિક ભક્તિ અને તીર્થ સેવાદિ કાર્યો સામાન્ય યાત્રિકોએ પોતાના વૈભવ અને શક્તિને અનુસરીને કરવા લક્ષ્ય આપવું જ જોઇએ કે જેથી સંઘપતિ યાત્રિકની માફક સામાન્ય યાત્રિક પણ પોતાને મળેલા વૈભવને તથા મળેલા સંયોગોને સફળ કરવા ભાગ્યશાળી થાય.
નોંધ :- પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી સંઘમાં પધારેલા હોવાથી તેઓશ્રીના તરફથી મેટર મોડું આવવાથી આ અંક મોડો બહાર પડ્યો છે, જેથી વાચકોની ક્ષમા માંગીએ છીએ. -તંત્રી.
આ પાક્ષિક ધી બજૈન વિજયાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.