________________
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૧૦-૩૩
આજના યુગના સુધારકો આવા પરમપવિત્ર જીવનના ધારક ભગવાન શ્રી મહાવીર દેવને પણ સમાજ સુધારક માને છે અને તેમણે સમાજ સેવા કરી હતી એવું કહે છે આ તેમનું કથન સર્વથા અનુચિત છે. ભગવાન શ્રી મહાવીર દેવે સમાજસેવા કરી નથી, પરંતુ સંસારવાસીઓને તેમણે પરમહિતનો માર્ગ દર્શાવ્યો છે. ભગવાને મુક્ત શબ્દોમાં જણાવી દીધું છે કે સમાજની અભિવૃદ્ધિ એટલે પાપ પંકમાં પગલાં માંડવા ! આ રીતે તેમણે જગતને કલ્યાણ અને નિર્વાણનો માર્ગ દર્શાવ્યો હતો, અને એ મહાન મહાત્માને માનવો અને દેવોએ પણ તેવાજ ભાવપૂર્વક સત્કાર્યા હતા. ભગવાન મહાવીર મહારાજના કાળધર્મ પ્રસંગે અઢારગણ રાજાઓ એકઠા થયા હતા અને તેમણે તે દેવાધિદેવ પરત્વેની પોતાની પુનિત વફાદારી વ્યક્ત કરી હતી. વળી અપાપાનગરીનું નામ પાવાપુરી પાડવામાં ભગવંતનું મહાન વ્યક્તિત્વજ જવાબદાર છે આજે જે સ્થળ પાવાપુરીના નામથી ઓળખાય છે. તેજ નગર પહેલા અપાપા નગરીના નામથી ઓળખાતું હતું. પરંતુ દેવોએ ભગવાન શ્રી કાળધર્મ પામ્યા તેના સ્મારકમાં એ નગરનું નામ પાવાપુરી રાખ્યું હતું કે જે સ્થાન આજે ભગવંતના સુપુત્રો માટે એક મહાન યાત્રા સ્થાન છે.
ભગવાનના જીવનના અનેક મહાન પ્રસંગો છે તેમાં ખાસ નોંધવા લાયક એક અવસર એ છે કે ભગવાન જ્યારે કાળધર્મ પામવાની તૈયારીમાં હતા, ત્યારે સ્વર્ગમાંથી દેવ દેવીઓ આ સંસાર પર ઉતરી આવ્યા હતા અને તેમણે ભગવાનના દર્શન કરીને પોતાના જીવનને કૃતકૃત્ય માન્યું હતું આ રીતે એકે દેવી જીવન ભોગવી મોક્ષને પંથે વળી અને પોતાના આત્માનું કલ્યાણ કરી ભગવંતે પોતાની કીમતી જીવનની સમાપ્ત કરી. ભગવાનના વારસદારોનો ધર્મ શો ?
જગતના આવા મહાપુરૂષનું શાસન આપણે મેળવી શકયા છીએ એ આપણા સદ્ભાગ્ય છે અને એ સદ્ભાગ્યને શોભાવવાની તૈયારી કરવી એ આપણો ધર્મ છે. લોકોત્તર મહાપુરૂષો જગતમાં અવતરે છે તે કાંઈ તેમના એકલાના કલ્યાણ માટે અવતરતા નથી, કિંવા તેમનું તેમના પરિવારનું ભલું કરવું એવી તેમની દ્રષ્ટિ પણ હોતી નથી પરંતુ સમસ્ત સંસારના જીવોનું શાશ્વત કલ્યાણ કરવાનીજ તેમની દ્રષ્ટિ હોય છે. જગતના બંધનોમાંથી મુક્ત થઈને તેઓ સંસારને શાંતિ કરનારો ઉપદેશ આપે છે અને તેમાં તેમની મહત્તા રહેલી છે. એવી મહત્તાના ધારક અને જગતના તારક શ્રી મહાવીરદેવનું શાસન પામેલાઓ એ દિવ્ય વારસાને શોભાવવાનો યત્ન કરવાની આજના પુણ્ય અવસરે પ્રતિજ્ઞા કરે એ અમે ઇચ્છીએ છીએ.