________________
તા. ૧૧-૦-૩૪
૫૧
શ્રી સિદ્ધચક્ર અનશન, પાન, ખાદિમ, વસ્ત્રપાત્ર, કંબલ, ઔષધ આદિનું દાન વિગેરે કરાય, તે સર્વ સાધુસાધ્વીના ક્ષેત્રમાં વ્યય થયો સમજવો. તેવી જ રીતે શ્રાવક, શ્રાવિકાને ધર્મ પમાડવો, ધર્મમાં સ્થિર કરવા, તે અન્ય લોકો પણ ધર્મની અનુમોદના કરે તેવી રીતે તેઓની ભક્તિ કરવામાં જે ધનનો વ્યય થાય તે શ્રાવક શ્રાવિકા ક્ષેત્રમાં ધનનો વ્યય ગણવો. સાધ્વી અને શ્રાવિકા અનુક્રમે સર્વવિરતિ અને દેશવિરતિવાળી છતાં પણ સ્ત્રીપણાના કેટલાક સ્વાભાવિક દોષોને લીધે તેના તે અવગુણો તરફ દૃષ્ટિ જાય અને તેના સર્વવિરતિ, દેશવિરતિ ગુણો તરફ બહુમાનની નજર ન રહે તેવો અવિવેક ટાળવા માટે સાધ્વી અને શ્રાવિકાનું ક્ષેત્ર જુદું ગણવાની જરૂર પડી છે. ઉપર જણાવેલાં સાતે ક્ષેત્રોમાં ધનવ્યય કરવા માટે ઉપદેશ દેવો એ દરેક ઉપદેશકનું કર્તવ્ય છે. યાદ રાખવું કે એક પણ ક્ષેત્રના ભોગે કોઇને પોષવાનો ઉપદેશ અપાય તો તે ઉપદેશ શાસ્ત્રાનુસારી કહી શકાય નહિ. પદાર્થના નિરૂપણમાં જેમ એક પણ ધર્મને ઓળવે તો તે નયાભાસનો ઉપદેશ કહેવાય છે, અને એક ધર્મની પ્રધાનતાએ અપાતો ઉપદેશ નમાર્ગનો ઉપદેશ કહેવાય છે, પણ સર્વ ધર્મોની અપેક્ષા રાખીને અપાતો ઉપદેશ જ યથાર્થ ઉપદેશ કહેવાય છે, તેવી રીતે સર્વ ક્ષેત્રની અપેક્ષાવાળો ઉપદેશ જ યથાર્ત ઉપદેશ કહેવાય, પણ કોઈપણ ક્ષેત્રમાં દુર્લક્ષ્ય કરાવીને કે ઉઠાવીને જે ઉપદેશ અપાય તે યથાર્થ ઉપદેશ કહેવાય જ નહિ. જૈનશાસ્ત્રમાં અખિલ કાર્યો ભવ્ય જીવોએ પોતાની ઈચ્છાથી જ કરવાનાં છે અને તેથી જ વંદના સરખા કાર્યમાં પણ શાસ્ત્રકારોએ ઈચ્છાકારેણનો પાઠ રાખી ઈચ્છાકારનામની સામાચારી સૂચવી મુખ્યતાએ બળાત્કારને સ્થાન નથી એમ જણાવેલું છે, તો પછી સાત ક્ષેત્રમાં દ્રવ્ય વાપરવા માટે આજ્ઞા કે બલાભિયોગ ન હોય તે સ્વભાવિક જ છે, તેથી બીજા પ્રયોજનોની માફક આ સાત ક્ષેત્રને અંગે પણ સાધુનો અધિકાર માત્ર ઉપદેશનો જ હોઇ શકે. જો કે ચૈત્યદ્રવ્યના ગામગાયો વિગેરે કોઈ રાજા આદિક મનુષ્ય હરણ કર્યા હોય અગર હરણ થતાં હોય તેની ઉપેક્ષા થતી હોય તેનું નિવારણ કરવાની ફરજ ગચ્છની અંદર રહેલા સાધુઓ અને ગચ્છથી નિરપેક્ષપણે વિચરતા સાધુની પણ છે. તો પણ તે ફરજ બતાવનાર ગાથાની જોડે જ એમ જણાવવામાં આવ્યું છે કે તે જ ચેત્યાદિકને માટે નવા માગવાના કે ઉત્પત્તિનાં કાર્યો કરતાં સાધુઓના મહાવ્રતની શુદ્ધિ રહે નહિ, માટે સાધુઓએ સાત ક્ષેત્રને અંગે શ્રોતાના ઉદ્ધારની અપેક્ષાએ માત્ર ઉપદેશ જ કરવો યોગ્ય છે.
પ્રશ્ન ૯૯૩- પાણીની પરબો કરાવવા અને કૂવા ખોદાવવામાં પાણી પીનારાને સંતોષ થાય અને તેથી પુણ્ય બંધાય એવો ઉપદેશ સાધુ આપે કે નહિ?
સમાધાન-પરબો મંડાવવા કે કૂવો ખોદાવવા જેવા કામમાં પાણી પીનાર જીવોના સંતોષની અપેક્ષાએ તે પરબો બંધાવનાર કે કૂવો ખોદાવનારને પુણ્યબંધ થાય છે એમ ન કહી શકાય, તેમજ કૂવો ખોદતાં કે પરબો બાંધતાં કે તેના પાણીનો ઉપયોગ થતાં હિંસા થાય છે તેથી પાપબંધ થાય છે, એમ પણ મુખ્યતાએ કહી શકાય નિહિ. (આ હકીકત સૂયગડાંગમાં સ્પષ્ટપણે જણાવેલી છે.) તેવીજ રીતે ચૈત્ય અને ઉપાશ્રયને અંગે પણ છકાયનો આરંભ થાય તેથી તે હિંસાનો ઉપદેશ પણ સાધુ આપે નહિ. છકાયની હિંસાથી રસોઈ કરી હોય છતાં સાધુને આહાર પાણી આદિ વહોરાવવાથી લાભ છે એમ કહેવાય છે, અને તે આરંભથી થયેલા આહાર પાણીનો ઉપયોગ પણ સાધુઓ કરે છે, છતાં તે લાભનો ઉપદેશ અને ઉપયોગ થવાથી આરંભની કંઈ અનુમોદના થતી નથી. તેવી રીતે કૂવા વિગેરેના પાણીનું અચિતપણું થઈ જાય અગર કરે અને પછી તેનું દાન દેવામાં લાભ બતાવાય તેથી કૂવા ખોદવા કે પરબો બંધાવવા વિગેરેમાં લાભ કહી શકાય નહિ. વળી છકાયના આરંભથી થયેલ શધ્યા (મકાન)ના દાનથી લાભ થાય તો પણ તે મકાન કરવાનો ઉપદેશ પણ સાધુથી આપી શકાય નહિ.