________________
૪૮
તા.૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર ઉપસર્ગ એ વસ્તુ એકજ, પણ એનાથી એકને-સંગમને બંધ થયો અને બીજાને-પરમાત્મા મહાવીરને નિર્જરા થઈ. એકજ જિનેશ્વર એમને નિઃસ્વાર્થ બુદ્ધિથી માનો પૂછો તો નિર્જરા. નિંદા કરો તો બંધ એટલે આ પ્રમાણે દરેક ઠેકાણે બંધ અને નિર્જરાના કારણનો મુખ્ય નિયમ નથી જ. એનો ખરો નિયામક એ ક્રિયાની સહચરિત આત્માની શુદ્ધ કે અશુદ્ધ પરિણતિ છે.
શ્રીજિનેશ્વર મહારાજે આપણા માટે અનશન વિગેરેનો નિષેધ કર્યો છે તે એ દૃષ્ટિએ નથી કર્યો કે અનશન આદિક ન કરવાલાયક છે, પરંતુ એનો નિષેધ આપણી શક્તિની અપેક્ષાએ કરવામાં આવે છે. આપણી શક્તિ એટલી નથી કે જેથી આપણે વજઋષભનારાચ સંઘયણવાળાના જેટલું બળ કેળવી શકીએ. આપણે આપણા આત્માની, અનશનને યોગ્ય પરિણતિ ન રાખી શકીએ એટલા માટે જ તીર્થકર મહારાજે આપણા માટે અનશનનો નિષેધ કરેલો છે. આપણે આપણા બચ્ચાને ઉંડા પાણીમાં જતું જોઈને એકદમ એને અટકાવીએ છીએ; કારણકે એને તરતાં નથી આવડતું, પણ જો એને તરતાં આવડતું હોય તો આપણે એને નહિ જ રોકવાના. એ જ પ્રમાણે પરમાત્માએ જાણ્યું કે હવે પછીના માણસોની આત્મીય પરિણતિ અનશનને યોગ્ય નહિ રહે એટલે એનો નિષેધ કર્યો. નહિ તો શુભ પરિણતિના અભાવે આપણે સારાના બદલે ખોટું કરી બેસીએ. શસ્ત્ર બરાબર વાપરતાં ન આવડતું હોય યા એ ફેરવવા યોગ્ય બળ ન હોય તો ઉલટું તેથી આપણને નુકશાન થાય.
આ પ્રમાણે આપણે સમજી શકયા કે તીર્થકરો ધર્મ અધર્મના સ્વરૂપમાં કદી પણ ફરક કરી શકતા નથી, અને ધર્મ અધર્મના તત્ત્વો સદાકાળને માટે એક સરખા જ રહે છે. એક વસ્તુ એક સમયમાં ધર્મરૂપ હોય અને તે જ વસ્તુ તે જ રીતે બીજા સમયમાં અધર્મરૂપ બને એ તદ્દન અસંભવિત છે. આમ હોવા છતાં કેટલાક માણસો જમાનાના જડવાદને લઇને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની વાત કરીને જમાના પ્રમાણે વર્તવાનું કહે છે, પણ આ ઠેકાણે એ યાદ રાખવું જોઇએ કે જેમ ન્યાયનો મૂળઘટના સાથે સંબંધ હોય તેમ ધર્મ અધર્મ કે પુજ્યપાપના સ્વરૂપને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-સાથે સીધો સંબંધ હોય નહિ પણ એનો તો સીધો સંબંધ પરિણતિ સાથે હોય. એ પરિણતિ કરનારો દરિદ્ર હોય કે ચક્રવર્તી હોય. એને પોતાની પરિણતિને યોગ્ય ફળ મળવાનું જ. ચક્રવર્તીપણા માત્રથી પાપ લાગી જતું નથી કે ચાલી જતું નથી. ભારત ઐરાવતમાં હિંસાથી પાપ લાગવાનું અને મહાવિદેહમાં નહિ લાગવાનું એમ પણ નથી. જેવી ઘટના તેવો ન્યાય. એમાં બીજું કંઈપણ જોવાનું ન હોય. એ જ પ્રમાણે જેવી પરિણતિ એવો ધર્મ કે અધર્મ. એમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સ્વતંત્ર કંઈ ન કરી શકે. આત્મકલ્યાણ.