________________
(ટાઈટલ પેજ ૪નું અનુસંધાન)
સમસ્ત કુટુંબનો કારભાર ચલાવનાર એવા રાગને વૈરાગ્યરૂપી યંત્રથી ચરી નાખે છે, એ રાગના સગાભાઇ દ્વેષને મૈત્રીરૂપી બાણથી હણી નાખે છે, રડતા એવા ક્રોધને ક્ષમારૂપી કરવતથી વહેરી નાખે છે, ક્રોધનો ભાઈ એવો જે માન અને જે દ્વેષનો પુત્ર છે તેને કોમળતારૂપી કરવાલે મારી નાખી હાથ પણ ધોતા નથી, માયારૂપી જોગણને સરળતારૂપી દંડે દળી નાખે છે, ભયંકર એવા સાધુઓ નિર્લોભતારૂપ કુહાડાથી લોભના કટકે કટકા કરી મૂકે છે, રાગ બંધાવામાંજ તત્પર એવા કામને માકડની માફક દાબીને મારી નાખે છે, જબરદસ્ત ધ્યાનરૂપી અગ્નિથી શોકના સંયોગને બાળી મૂકે છે, નિડર એવા મુનિઓ અત્યંત પ્રેમ ધરાવનાર ભયને ધીરતારૂપ બાણે કરી ભેદી નાખે છે, હાસ્ય, રતિ, દુગંછા અને અતિરૂપી ફોઇઓને વિવેકશક્તિથી સાધુઓ પહેલે નંબરે ફાડી નાખે છે.
વળી કર્મના કુટુંબી તરીકે રહેલી પાંચ ઇંદ્રિયોને સંતોષરૂપી મોગરે કરી સાધુઓ નાશ કરે છે. તત્ત્વથી કર્મકુટુંબના જે જે સંબંધીઓ જન્મે છે તેઓને જન્મવાની સાથે જ કર્મને દારવામાં કઠિન કાળજાવાળા સાધુઓ મારી નાખે છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી અંતરંગ પ્રધાન કુટુંબમાં આ સાધુઓ હંમેશાં બળ વધારે છે અને બલિષ્ઠ થયેલા તે અંતરંગ સૈન્યથી ધ્રૂજી ઉઠેલું આ કર્મકુટુંબ આ સાધુઓને તથા તેના ભકતોને કોઇ દિવસ પણ નુકસાન કરી શકતું નથી. વળી તે કર્મકુટુંબને પોષનાર છે એમ જાણી દુનિયાદારીનું માતપિતા વિગેરે કુટુંબ સાધુઓથી હંમેશાં છોડાયેલું રહે છે. જ્યાં સુધી માતપિતાદિક ત્રીજાં કુટુંબ છોડાતુ નથી ત્યાં સુધી પુરુષાતનવાળા પણ સાધુથી કર્મરૂપી બીજું કુટુંબ જીતી શકાતું નથી, માટે જે કોઇની પણ ઈચ્છા ભયંકર સંસાર કારાગારથી છૂટી જવાની હોય તેણે આ તીર્થંકર મહારાજે આચરીને પ્રરૂપેલું અને પૂર્વકાલિન મહાપુરુષોએ કરેલું ભયંકર યુદ્ધ અવગાહવુંજ જોઇએ.