________________
શ્રી સિદ્ધચક્ર
૩૦૨
તા. ૩૦-૩-૩૪ સંસ્કારનો પ્રભાવ
ઢંઢેરો શહેનશાહનો પણ શહેરમાં જાહેર કોણ કરે? શેરીફ ! એવી રીતે ચક્રવર્તીને પણ ઉપર કહ્યા મુજબનું સંભળાવી કોણ શકે? જેઓ પોતે આરંભાદિકથી દૂર થયા હોય તેઓજ એવું સંભળાવી શકે; અહીંથી લઉં તહીંથી લઉં એવું કરનારા, આરંભાદિમાં ડૂબેલા એવું કદી સંભળાવી શકે નહિ. એ વર્ગના સંસ્કારજ એવા હતા કે તેવાને સાધુપણું લેવું કે અપાવવું મુશ્કેલ પડતું જ નહિ. જેમ તમારાં છોકરાંઓને સંસ્કાર હોવાથી રાત્રિભોજન, કંદમૂળભક્ષણ છોડવું મુશ્કેલ પડતું નથી તેવીજ રીતે ભરત મહારાજે રાખેલા એ માહણના છોકરાઓને ચારિત્ર લેતાં મુશ્કેલી પડતી જ નહિ.
તમારે ઘેર સાધ્વી વહોરવા આવે તો છોકરો એકદમ ખસી જશે, સાધુ વહોરવા આવે તો છોકરી ખસી જશે કેમકે છોકરાથી સાધ્વીને તથા છોકરીથી સાધુને અડાય નહિ એવા એને સંસ્કાર પડેલા છે. સાધુથી રાત્રે ખવાય પીવાય નહિ, ગાડીમાં ન બેસાય, નાટકસિનેમા વિગેરે ન જોવાય, પગેજ ચાલવું પડે વિગેરે વાતો તમારાં દરેક છોકરાંઓ પણ જાણે છે. સાધુએ દાબડા ભરવાના નથી, ગોચરીમાં મળે તેજ ખાવાનું છે, અચિતજ ખવાય, સ્નાન થાય નહિ, લોચ કરવો પડે, જમીન પર સૂવું પડે આટલી વાત દીક્ષા લેનારની ધ્યાનમાં લાવવામાં આવે છે. કયાં? જે છોકરો શ્રાવકકુલ સિવાયનો હોય ત્યાં શ્રાવક હોય તે તો આ બધું જાણતો હોય. અજાણ-અણસમજી સંતાન પ્રત્યે માબાપની ફરજ શી ?
કોઈ કહે કે નાની ઉંમરનો છોકરો અજાણ હોય. કબુલ કરીએ, તો પછી આંધળાને આવતો દેખી એના માર્ગમાં કોઇ ખાડો ખોદે તે વધારે ગુન્હેગાર કે દેખતાના માર્ગમાં ખાડો ખોદનાર ? આંધળાના માર્ગમાં ખાડો ખોદનારજ વધારે ગુન્હેગાર છે. જ્યારે તમારા બાળબચ્ચાં અજાણ અને અણસમજુ છે તો એની આગળ સંસારનો ખાડો કેમ ખોદાય છે? એ ખાડામાં આંધળો ન પડે છતાં ધક્કો મારી એને ખાડામાં નાખનારને કેવો ગણવો? કહેવાનો મતલબ એ કે જ્યારે છોકરાં અજાણ છે ત્યારે તમારી ફરજ એને ઉત્તમ રસ્તો સમજાવવાની કે અધમ રસ્તો સમજાવવાની? જેઓ ત્યાગને ઉત્તમ માને છે તેઓની ફરજ કઈ? જેઓ દેવગુરુધર્મને ન માનતા હોય તેને અલગ રહેવા દઇએ પણ જેઓ એને શ્રેષ્ઠ માને છે, સંસારને દરીયો, કીચડ, દાવાનળ, જાળ વિગેરે માને છે તેવો મનુષ્ય છોકરાને એ તરફ ધક્કો શી રીતે મારે ? ફરજ તો એ છે કે સારો રસ્તો બતાવવો, એ રસ્તો જાય તેવો ઉપાય કરવો. એમ કરતાં એની કમનસીબીથી એ ન જાય ત્યાં તમારો ઉપાય નહિ, પણ અજાણ માન્યા પછી પહેલી ફરજ તો ઉત્તમ રસ્તે ચઢાવવાની છે. વળી બચ્ચાં અજાણ ગણીએ તો એની ભવિષ્યની જીંદગીની જોખમદારી આપણા માથે હોય; તો પછી જેને અસાર ગણીએ તેમાં એને કેમ નાખીએ? છોકરાને કોઇને ત્યાં દત્તક આપવામાં, ભલે એ અહીંનું નામ, ભાગ, લાગ છોડી દે, પણ ત્યાં સુખી થશે કે નહિ, સુખી થાય એવી ત્યાં સારી સ્થિતિ છે કે નહિ એ તો પહેલેથી તપાસો છો ને! એજ રીતે દુનિયાને દાવાનળ સમજ્યા પછી બચ્ચાંને એમાં ફસાવવા શી રીતે ઇચ્છો ? કૃષ્ણજી પોતાના પુત્રપુત્રીને શાથી અને શી રીતે દીક્ષા અપાવતા હતા એ બરાબર સમજાશે.