________________
238
રમેશ ઓઝા
SAMBODHI
(સં. ૧૯૬૮)ના ચાતુર્માસ શ્રી કાન્તિવિજયજી સાથે સુરતમાં, ઇ.સ. ૧૯૧૩ (સં. ૧૯૬૯)નો ડભોઈમાં તેમજ ઈ.સ. ૧૯૧૪ (સં. ૧૯૭૦)નો ચાતુર્માસ પાટણમાં કર્યો. ચાતુર્માસ પછી પાટણના એક ધનિક શેઠે કેસરિયાજી (મેવાડ)ની યાત્રાનો સંઘ કાઢ્યો એમાં જોડાયા. ઈ.સ. ૧૯૧૫ (સં. ૧૯૭૧)માં મહેસાણા ચાતુર્માસ કર્યો. ત્યાંથી પાલનપુરી ગયા ને ફરી પાછો ઇ.સ. ૧૯૧૬ (સં. ૧૯૭૨)ના ચાતુર્માસ પાટણમાં કર્યો. પાટણનો ગ્રંથભંડાર એમનું તીર્થ હતું. એ પરિચય પાછળથી વડોદરાની ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝનાં સંપાદનો વખતે વધુ ગાઢ બન્યો. વૈયાકરણ શાકટાયન વિશેનો પ્રથમ લેખ મુનિજીએ પાટણમાં લખ્યો. એ લેખ હિન્દી માસિક “સરસ્વતી' (જાન્યુ., ૧૯૧૬)માં પ્રગટ થયો. પાટણના ગ્રંથભંડારમાંથી મળેલી પ્રાચીન ગુજરાતીની હસ્તપ્રત નેમિનાથ જૈન કોન્ફરન્સ હેરલ્ડ'માં પ્રકાશિત થયો. મુનિજીની લખવા-વાંચવાની તીવ્ર જિજ્ઞાસા એટલી પ્રબળ કે સમયનો યોગ્ય ઉપયોગ કરવો પડે. રાત્રે જૈન સાધુથી દીવાથી વંચાય નહીં, કરવું શું? એમણે પંડિત સુખલાલજી પાસે બેટરી મંગાવી. પંડિતજીએ નોંધ્યું છે કે તિલકમંજરીના કર્તા ધનપાલ વિશેનો લેખ મુનિ જિનવિજયજીએ પાટણમાં બેટરીના પ્રકાશમાં લખેલો.
જિનવિજયજીનો એ પછી વડોદરા નિવાસ થતાં, ત્યાં જૈન ભંડારોમાં અત્ર-તત્ર વેરાયેલી પડેલી ઐતિહાસિક સાધનસામગ્રીનું યોગ્ય સંપાદન કરી પ્રગટ કરવાના પુણ્ય હેતુથી શ્રી પ્રવર્તકજીની પુનિત સ્મૃતિમાં “પ્રવર્તક કાન્તિવિજય જૈન ઐતિહાસિક ગ્રંથમાળા'નો આરંભ કર્યો. મુનિજીએ પાટણ ગ્રંથભંડારમાંથી જેની એક માત્ર સંપૂર્ણ તાડપત્રીય પ્રતિ મળી હતી તે, સોમપ્રભાચાર્યકૃત કુમારપાલપ્રતિબોધ' (પ્રાકૃત ગ્રંથોનું સંપાદન આ સિરીઝ અન્વયે કર્યું. આ ગ્રન્થમાંના અપભ્રંશ અંશોનું અધ્યયન કરીને જર્મન વિદ્વાન ડો. આલ્સફોર્ડ પોતાનો શોધપ્રબંધ તૈયાર કર્યો હતો. આ ગ્રંથમાળા અન્વયે મુનિજીએ “કૃપારસકોશ', “વિજ્ઞપ્તિત્રિવેણી', ‘શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધ', પ્રાચીન જૈન લેખસંગ્રહ ભાગ ૧-૨', “જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય', દ્રૌપદીસ્વયંવર નાટક' આદિ ઐતિહાસિક તથા સાહિત્યિક ગ્રંથોનાં સંપાદનો કર્યા. આ સંપાદનોમાં મુનિ જિનવિજયજીની વિશદ, અભ્યાસપૂર્ણ પ્રસ્તાવનાઓ તેમ જ ખૂબ જ મહત્ત્વની સંદર્ભનોંધો છે. મુનિજીની વિરલ પર્યેષક પ્રતિભાનો પરિચય એનાથી થાય છે.
આપણે આગળ જોયું એમ ઈ.સ. ૧૯૧૭(સં.૧૯૭૩)માં પ.પૂ. કાન્તિવિજયજી સાથે મુંબઈ ચાતુર્માસ નિમિત્તે હતા, ત્યાંથી પૂના ગયેલા. ત્યાં “જૈન સાહિત્ય સંશોધક સમિતિની સ્થાપના કરી. ત્યાંથી ગૂજરાત વિદ્યાપીઠ આવેલા. વિદ્યાપીઠના નિવાસ દરમિયાન પૂનાની સંસ્થાઓ સાથે મુનિશ્રી જોડાયેલા રહ્યા. ઇ.સ. ૧૯૨૦ (વિ.સ.૧૯૭૭)માં “જૈન સાહિત્ય સંશોધક સૈમાસિક શરૂ કર્યું એ સુવિદિત છે. લગભગ પાંચ વર્ષ આ પત્રિકાનું પ્રકાશન ચાલ્યું. પંડિત સુખલાલજીએ પત્રિકા વિશે આ રીતે નોંધ કરી છે : “જૈન સમાજના કોઈ પણ પંથમાં આ કોટિની પત્રિકા આજ સુધી પ્રગટ થઈ નથી. આ પત્રિકામાં જૈન સાહિત્ય મુખ્ય હોવા છતાં એની પ્રતિષ્ઠા જૈનેતર વિદ્વાનોમાં વધારે છે. એનું કારણ એની તટસ્થતા તેમજ ઐતિહાસિક પરિપૂર્ણતા છે.” જૈન સાહિત્ય સંશોધક સમિતિ દ્વારા મુનિજીનાં સંપાદિત પુસ્તકોની યાદી આ લેખના અંતમાં મૂકી છે.