________________
Vol. XLI, 2018 પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી (૨૭, જાન્યુ. ૧૮૮૮ - ૩, જૂન ૧૯૭૬) 235 થશે, એવી આગાહી શિવાનંદે કરી. રણમલ પણ એમનાથી પ્રભાવિત થયો. વિ.સં. ૧૯૫૮ની વૈશાખી પૂર્ણિમાએ શિવાનંદ ભૈરવ પાસે ભૈરવી દીક્ષા લઈને રણમલ ‘કિશન ભૈરવ થયો. કિશનના અભ્યાસ માટે એક પંડિતની જોગવાઈ કરવામાં આવી. પંડિત એને “સારસ્વત વ્યાકરણ શીખવતા. એ જમાત સાથે રણમલે જાવદ, નીમચ, મંદસોર, પ્રતાપગઢ, જાવરા, સેલાના, રતલામની યાત્રા કરી. ત્યાં ક્ષિપ્રા નદીને કિનારે ઉજ્જૈનમાં પડાવ નાંખ્યો. ત્યાં કિશને જોયું કે જમાતના બાવાઓમાં ખટપટ ચાલતી હતી, કેટલાક વ્યસની હતા, કેટલાક અસંસ્કારી હતા, તેમ જ કેટલાકની ભાષા અભદ્ર હતી. આવા અભદ્ર વાતાવરણમાં આ ભદ્રશીલ માટે અભ્યાસ દરમિયાન પંડિત સાથે જ વાત-ચીત કરવાનો એકમાત્ર આધાર હતો. ત્યાં પંડિત કોઈ કારણસર પોતાના વતન ગયા, પાછા ફર્યા નહીં. રણમલની વિદ્યા પ્રાપ્ત કરવાની અદમ્ય ઝંખના અધૂરી રહી. જમાત વચ્ચે રણમલને એકલતાનો તેમ જ ત્રાસનો અનુભવ થવા લાગ્યો. જમાતના બાવાઓ રણમલની તેજસ્વિતાની ઇર્ષા કરવા લાગ્યા. આ દીક્ષા લઈને એમણે ભૂલ કરી છે, એવું લાગ્યું. પોતાને જીવનો ખતરો લાગ્યો. ત્યાં પોતાના સાથી સેવક સાથે વિચાર કરી પોતે એક અંધારી રાતે ભાગી છૂટ્યા. બીજા દિવસે ક્ષિપ્રા નદીમાં સ્નાન કરી, શરીરે ચોળેલી ભભૂતિનું વિસર્જન કર્યું. લંગોટ, કફની, કમંડળ, નદીમાં વહેતાં કર્યાં. સેવકનાં વસ્ત્રો ધારણ કર્યા. મહાકાલેશ્વર મંદિરે દર્શન કરી, ઉજ્જૈનથી રતલામ તરફ જવા રવાના થયા.
ક્યાં જવું નક્કી નહોતું. પ્રશ્નો થયા : “હું કોણ છું, શું કરવું જોઈએ, શું કરી રહ્યો છું ?' – એમણે સેવકને પૂછ્યું – પાછા બાનસેન જવું છે કે ઉદયપુર? બાનસેન જવાની એમની ઇચ્છા નહોતી, પણ બાનસેન જોડે મંડપિયા ગામમાં રહેતા જ્ઞાનચંદ યતિને કિશનસિંહ પ્રત્યે સદૂભાવ હતો. પતિપત્નીનો એમના પ્રત્યેનો વ્યવહાર સારો હતો. એક વખતે જ્ઞાનચંદ યતિએ પોતાને ત્યાં વિદ્યાભ્યાસ માટે આમંત્રણ આપ્યું હતું. કિશનસિંહે સેવકને જ્ઞાનચંદ યતિ વિશે વાત કરી અને રતલામ જવા ઇચ્છા વ્યક્ત કરી. બંને રતલામ ગયા; પણ ત્યાં સમાચાર મળ્યા કે જ્ઞાનચંદ યતિ તો મંદસોર ગયા છે. સેવક સાથે કિશનસિંહ મંદસોર ગયા. ત્યાં પન્નાલાલજી યતિ ખૂબ જાણીતા હતા. જૈન સંપ્રદાયના ખરતરગચ્છના પિપળીયા શાખાના હતા, વૈદ્ય હતા. કિશનસિંહ એમને મળ્યા. ત્યાં એક બીજા યતિજી આવ્યા હતા. એ યતિજીએ કિશનસિંહની વિદ્યાપ્રીતિ પ્રત્યેનો અનુરાગ જાણીને, તેમને યતિ જ્ઞાનચંદ પાસે લઈ જવાની વાતને સમર્થન આપ્યું. જ્ઞાનચંદ યતિ મંડપિયા ગામે હતા. યતિ સાથે તેઓ રાતે ગાડીમાં નિમ્બાહેડા ગયા ને ત્યાંથી પગપાળા મંડપિયા ગયા. યતિ જ્ઞાનચંદે એમને પ્રેમથી આવકાર્યા, ભોજન કરાવ્યું. ત્યાં જ્ઞાનચંદજીની ખેતીવાડી સંભાળવાની જવાબદારી કિશનસિંહે નિભાવી. કિશનસિંહે જ્ઞાનચંદજી પાસે રહી પૂજા-અર્ચના, મંત્રો, સ્તુતિ, સ્તવન કંઠસ્થ કરી લીધાં. એક મંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે ગંગાપુર ગયા. ત્યાં યતિવેશ ધારણ કર્યો. જૈનોને ત્યાંથી ભિક્ષા લાવવાનું કામ કિશનસિંહને સોંપાયું. ત્યાં ચેલાજી મહારાજ નામ ધારણ કર્યું. મૂર્તિપૂજા તેમજ દર્શનાર્થીઓને માંગલિક સંભાળવાનું કાર્ય તેમણે સંભાળ્યું. મંડપિયામાં રહી કલ્પસૂત્રનો અભ્યાસ કર્યો. ચાતુર્માસ માટે કિશનસિંહ બડનગર યતિ જ્ઞાનચંદ સાથે ગયા. ત્યાંથી યતિ જ્ઞાનચંદે કિશનસિંહને માંગલિક તેમજ કલ્પસૂત્રનો લાભ શ્રાવકોને મળે એ હેતુથી બદનાવર મોકલ્યા. ત્યાં કિશનસિંહે જૂની હસ્તપ્રતોની નકલ કરવાનો અભ્યાસ
કર્યો