________________
230
રમેશ ઓઝા
SAMBODHI
રણમલના જન્મ વખતે, પિતા બિરધીસિંહ રૂપાયેલીમાં સ્થાયી થયા હતા, પણ એ પહેલાંની એમના વંશજોની ગાથા શૌર્ય અને બલિદાનોની છે. બિરધીસિંહ મૂળે પરમારવંશીય ક્ષત્રિય. અવંતિનાથ મુંજ અને ભોજના વિદ્યાવિલાસી અને પરાક્રમી વંશજ હતા. ઇ.સ. ૧૮૫૭માં ભારતીય સૈનિકો, જે અંગ્રેજ સૈન્યમાં હતા, તેમણે હંગામો મચાવ્યો. આ હંગામામાં અજમેર પાસેના નસીરાબાદની છાવણીમાં, બિરધીસિંહના સગાં-સંબંધીઓ હતાં. એમાંનાં બે-ચાર જણે, બિરધીસિંહના દાદા સંગ્રામસિંહની એકલસિંગા નામે ગામની જાગીરમાં આશ્રય લીધો. અંગ્રેજોએ એથી એકલસિંગાને ઘેરો ઘાલ્યો. યુદ્ધ થયું. સંગ્રામસિંહ ઉપરાંત એમના પરિવારના કેટલાક મોભીઓ મૃત્યુ પામ્યા. બિરધીસિંહ, એમના પિતા તખ્તસિંહજી તેમ જ બીજી કેટલીક વ્યક્તિઓ સાથે ત્યાંથી ભાગ્યા. હવે ત્યાં રહી શકાય એમ નહોતું. અંગ્રેજ સરકારે “દેખો ત્યાં ઠાર કરો'નો અને ગામને બાળી નાખવાનો હુકમ કર્યો હતો.
રણમલ (કિશનસિંહ)ના પિતા બિરધીસિંહ તેમ જ દાદા તખ્તસિંહજીએ સાધુનો વેશ ધારણ કર્યો. ગુણવેશે પુષ્કર તીર્થ, આબુ, દ્વારકા, તારંગા તેમ જ ગિરનાર જેવાં સ્થળોએ વર્ષો સુધી રહ્યા. ઇ.સ. ૧૮૫૭ની ઘટના ભૂલાતી ચાલી. એ પછી પિતા-પુત્ર પોતાની જાગીર તેમ જ પરિવારની શોધ સંભાળ લેવા પુષ્કર તીર્થ આવ્યા.
તખ્તસિંહજીનું શરીર જરા જીર્ણ થયું હતું. સંકટોનો તાપ જીરવી જીરવીને મન પણ ખિન્ન થઈ ગયું હતું. રૂપાયેલીથી કેટલાક લોકો પુષ્કર તીર્થ યાત્રાએ ગયેલા. ત્યાં એ યાત્રાળુઓએ તખ્તસિંહને ઓળખી લીધા. એમણે તખ્તસિંહજીને અજ્ઞાતવેશમાં રૂપાયેલી આવવા આગ્રહ કર્યો, પણ તખ્તસિંહજીએ પોતાનું શેષજીવન ભગવદ્ સ્મરણમાં, પુષ્કરતીર્થમાં જ ગાળવાનો વિચાર દર્શાવ્યો. જો કે તખ્તસિંહજીએ પોતાના પુત્ર બિરધીસિંહજીને રૂપાહેલી મોકલ્યા, એ રીતે ઇ.સ. ૧૮૫૮થી પિતા સાથે ભૂગર્ભમાં રહેલા બિરધીસિંહ, વીસ વર્ષ પછી ઇ.સ. ૧૮૭૮માં ગૃહસ્થનાં કપડાં ધારણ કરી, રૂપાયેલી ગયા.
રૂપાયેલીમાં નિવાસ દરમિયાન બિરધીસિંહ સામે એક સંકટ તો હતું જ. અંગ્રેજ સિપાઈઓ સામે જે રાજપૂત યોદ્ધાઓએ ભાગ લીધો હતો, એમાંનો કોઈ રૂપાયેલીમાં વસે છે, એવી ખબર ઉદયપુરના દરબારમાં પહોંચે તો મુસીબત ઊભી થાય. રૂપાહેલીના રહીશો તેથી બિરધીસિંહ પ્રત્યે સદ્ભાવ હોવા છતાં ડરના માર્યા દૂર રહેવાનું પસંદ કરતા હતા. આવી પરિસ્થિતિમાં બિરધીસિંહ પણ મનથી ઉદ્વિગ્ન રહેતા હતા, તેથી તેઓ થોડો સમય અજમેર પાસે કાશોલા ગામે રહ્યા. કાશોલા બિરધીસિંહના કાકા નાહરસિંહજીનું સાસરું હતું. નાહરસિંહ તો ૫૭ના વિદ્રોહમાં માર્યા ગયા હતા, પણ એમનો પરિવાર ત્યાં હતો. બિરધીસિંહના પિતા તખ્તસિંહજીએ તેમને નાહરસિંહના પરિવારની ભાળ લેવાની જવાબદારી સોંપી હતી. થોડો સમય કાશોલા રહ્યા પછી નાહરસિંહના પુત્ર ઇન્દ્રસિંહજીને લઈને બિરધીસિંહ રૂપાહેલી આવ્યા. રૂપાવેલી તેમના નાનાનું ગામ હતું. જો કે બચપણમાં કયારેક એ અહીં આવ્યા હશે. એમનો જન્મ તો એકલસિંગાવાળી ઢાણીમાં થયો હતો. એમનાં માતા તો સંવત ૧૯૧૪માં પહેલાં મૃત્યુ પામ્યાં હતાં.