________________
vol. XL, 2018 પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી (૨૭, જાન્યુ. ૧૮૮૮– ૩, જૂન ૧૯૭૬) 219 ડૉ. યાકોબીએ પોતાનો મત બદલીને, મુનિજીના સમર્થનમાં એમનો મુક્તકંઠે સ્વીકાર કર્યો હતો. પંડિત સુખલાલજીએ જયારે “સમદર્શ આચાર્ય હરિભદ્ર' વિશે મુંબઈ યુનિવર્સિટીમાં વ્યાખ્યાનો આપ્યાં ત્યારે આ વિદ્યાવર્ધક હકીકતની નોંધ લીધી હતી. ઉત્તરકાળમાં મુનિજીએ ચિત્તોડમાં હરિભદ્રસૂરિ સ્મૃતિમંદિર (સ્મારક) ઊભું કર્યું હતું.
પૂનાની જૈન સાહિત્ય સંશોધક સમિતિએ મુનિશ્રીના અન્ય સંપાદિત ગ્રન્થો પણ પ્રગટ કર્યા : ‘ખરતર ગચ્છ પટ્ટાવલિ સંગ્રહ’, ‘આચારાંગ સૂત્ર', “કલ્પ-વ્યવહાર-નિશીથ સૂત્રાણિ, ‘જીતકલ્પસૂત્ર', વિજયદેવમાહાભ્ય' આદિ.
ઇ.સ. ૧૯૨૦માં મુનિશ્રી ઇન્ફલુએન્ઝાના વરમાં સપડાયા. અમદાવાદથી પં. સુખલાલજીએ શ્રી રમણીકલાલ મોદી અને એમનાં પત્ની તારાબેનને મુનિજીની સારવાર માટે પૂના મોકલ્યાં. દંપતીએ ઠીક સારવાર કરી. મુનિજી સ્વસ્થ થયા. પૂનાનું તેમનું નિવાસસ્થાન લોકમાન્ય ટિળકના નિવાસ પાસે હતું. ઇતિહાસ, પ્રાચ્ય સંસ્કૃતિ તેમ જ સંશોધન પરત્વે ટિળકનાં રસ-રુચિ તેમ જ જ્ઞાન અગાધ હતાં. મુનિજીનો એમનાથી પરિચય થાય એ સહજ હતું. ટિળકના સ્વાધીનતા અંગેના વિચારો તેમજ રાજનૈતિક વિચારોથી મુનિજી પ્રભાવિત થયા. દેશ જ્યારે પરાધીન હોય ત્યારે આમ નિષ્ક્રિય સાધુજીવન કે બાહ્ય ત્યાગી જીવન મુનિજીને કઠતું હતું. તેઓ કોઈ નવા માર્ગની શોધમાં હતા. ત્યાં ઇ.સ. ૧૯૧૯માં પૂનાની સર્વેટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના ભવનમાં મુનિજી મહાત્મા ગાંધીને મળી ચૂક્યા હતા. ગાંધીજીએ અસહકારનું આંદોલન આરંભ્ય. અંગ્રેજી શિક્ષણના બહિષ્કાર સાથે, રાષ્ટ્રીય શિક્ષાપદ્ધતિ ઊભી કરવાના વિચારને ગાંધીજી અમદાવાદમાં મૂર્તિરૂપ આપવા માગતા હતા. રાષ્ટ્રીય વિદ્યાપીઠ સ્થાપવાનો ગાંધીજીનો વિચાર હતો. એ વખતે ગાંધીજીએ મુનિશ્રી જિનવિજયજીને યાદ કર્યા. જો કે મિત્રો દ્વારા મુનિશ્રીને એ માહિતી મળી ચૂકી હતી કે ટૂંક સમયમાં સ્થપાનારી વિદ્યાપીઠમાં પોતાને ફાળે મહત્ત્વની ભૂમિકા આવવાની છે. આસો સુદ તેરસનો દિવસ હતો. મુંબઈ ગાંધીજીને મળવા જવાનું હતું. એક વિદ્યાર્થી સાથે ટ્રેઈનની ટિકિટ મંગાવી. પોતે જે રૂમમાં રહેતા હતા. તેમાં કેટલાંક પુસ્તકો અને થોડો સામાન હતો. એ જેમનો તેમ રાખીને તાળું મારીને ચાવી વિદ્યાર્થીને આપી દીધી. પોતે સાધુવેશમાં જ ગાડીમાં બેસી મુંબઈ ઊપડ્યા. જીવનનો આ નવો વળાંક હતો. જયારે સાધુજીવનના માર્ગે પ્રયાણ કર્યું ત્યારે પણ એ દિવસ આસો સુદ તેરસનો હતો. મુંબઈ બોરીબંદર સ્ટેશને ઊતર્યા. ઘોડાગાડી કરી ગોરેગાંવ ચંદાવાડી ગયા. સાથે એમના ઘનિષ્ઠ મિત્ર નાથુરામજી પ્રેમી હતા. ગાંધીજીને મળવાનો સંદેશો જેમના દ્વારા મળ્યો હતો, તે શેઠશ્રી જમનાલાલજી બજાજ પણ સાથે જ હતા. બીજે દિવસે મણિભવનમાં ગાંધીજીને મળ્યા. ગાંધીજીએ ક્ષેમકુશળના સમાચાર પૂછ્યા. મુનિજીને મળીને વિદ્યાપીઠની યોજના બનાવવા અંગે વાત કરી. એ જ દિવસે પોતાની સાથે અમદાવાદ આવવા ગાંધીજીએ મુનિજીની રેલવેની ટિકિટનો પ્રબંધ કરાવ્યો. કોલાબા સ્ટેશનથી, બીજા વર્ગના કમ્પાર્ટમેન્ટમાં, ગુજરાત મેલમાં અમદાવાદ જવાનું નક્કી થયું. ગાંધીજીની રિઝર્વ સીટ પણ સાથે જ હતી.
ગાંધીજી આણંદ સ્ટેશને ઊતરીને ડાકોર, શરદપૂનમના મેળામાં અસહકારના આંદોલન અંગે લોકોને જાગ્રત કરવા એક સભાને સંબોધવા ગયા. ત્યાં આણંદ સ્ટેશને અમદાવાદથી અનેક લોકો