________________
Vol. XLI, 2018 જૈન સંપ્રદાયમાં “સ્તવન'નું માહાભ્ય
213 માત્ર મોક્ષની અભિલાષાથી કરવાની હોય છે. એ ભક્તિ દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ ઉભય પ્રકારે થાય છે. દ્રવ્યપૂજામાંથી ભાવપૂજા પ્રતિ જવાનું હોય છે.
મધ્યકાલીન જૈનપરંપરાનું અવલોકન કરીએ તો કેટલા બધા કવિઓએ પોતાની પ્રભુભક્તિને અભિવ્યક્ત કરી સ્તવનોની રચના કરી છે. વિક્રમ સંવતના પંદરમાં શતકથી અઢારમા અને ઓગણીસમા શતક સુધીમાં વિનયવિજયજી, લાવણ્યસમયજી, સમયસુંદરજી, જીનરતજી, યશોવિજયજી, રામવિજયજી, જ્ઞાનવિમલજી, ભાણવિજયજી, જિનવિજયજી, પદ્મવિજયજી વગેરે જેવા ૬૦થી પણ વધારે સાધુકવિઓએ સ્તવનચોવીસીની રચના કરી છે. જે પ્રકાશિત થઈ ગયેલ છે. ચોવીસી એટલે પ્રત્યેક તીર્થકર માટે એક સ્તવન, એ રીતે ચોવીસ તીર્થકર માટે ચોવીસ સ્તવનની રચના તે સ્તવનચોવીસી.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ એક નહી પણ ત્રણ ચોવીસીની રચના કરી છે, જે કવિ તરીકેના એમના સામર્થની પ્રતીતિ કરાવે છે. જૈનોમાં આ સ્તવનો ઉપરાંત મોટી પૂજાઓ પણ ગવાય- ભણાવાય
છે.
મધ્યકાળમાં જૈન સાધુકવિઓએ બધું મળીને ત્રણ હજારથી વધુ સ્તવનો લખ્યાં છે. સ્વરૂપની દૃષ્ટિએ કે ગુણલક્ષણોની દૃષ્ટિએ જોઈએ તો બધા તીર્થકરો સરખા જ છે. જૈન મંદિરોમાં જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ એકસરખી જ હોય છે. નીચે એમનું લાંછન જોઈએ તો જ ખબર પડે કે તે ક્યા ભગવાનની પ્રતિમા છે. વળી પ્રભુભક્તિના સિદ્ધાંતની દૃષ્ટિએ જોઈએ તો કોઈપણ એક જિનેશ્વર ભગવાનની સ્તુતિમાં બધા જ ભગવાનની સ્તુતિ આવી જાય છે. હરીભદ્રસૂરિએ કહ્યું છે :
जे एग पुईया ते सव्वे पूईया हुति એકની પૂજા બધામાં આવી જાય છે. આથી જ શાંતિનાથ ભગવાનના મંદિરમાં ઋષભદેવ ભગવાનનું સ્તવન ગાઈ શકાય છે. અને પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં વિમલનાથ કે અન્ય કોઈ તીર્થકર ભગવાનનું સ્તવન પણ લલકારી શકાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે જો સ્વરૂપની દૃષ્ટિએ આ એકત્વ હોય તો ચોવીસ સ્તવનોમાં કવિ કેવી રીતે વૈવિધ્ય લાવી(આણી) શકે? પરંતુ એમાંજ કવિની કવિત્વ શક્તિની ખરી કસોટી છે. આપણે જોઈ શકીએ છીએ કે આટલી બધી ચોવીસી લખાઈ છે, પણ કોઈ પણ કવિની સ્તવન રચનામાં પુનરુક્તિનો દોષ એકંદરે જોવા મળતો નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ તો ત્રણ ચોવીસી અને અન્ય કેટલાંક સ્તવનો લખ્યા છે. અને છતાં એમાં પુનરુક્તિનો દોષ કયાંય જોવા મળતો નથી. આ ઉપરથી જોઈ શકાય છે. કે મધ્યકાલીન જૈન ગુજરાતી સ્તવન સાહિત્ય કેટલું બધું સમૃદ્ધ હશે.
સ્તવનોમાં રચયિતાની પ્રભુ પ્રત્યેની પ્રીતિ, શ્રધ્ધા, યાચના, શરણાગતિ ઈત્યાદી વ્યક્ત થાય છે. આત્મનિવેદન, પ્રાથના, વિનય વગેરે રજૂ થાય છે અને પરમાત્માના ગુણોનું સંકીર્તન પણ થાય છે. કેટલાંક કવિઓએ પોતાના સ્તવનોમાં તત્ત્વજ્ઞાનની છણાવટ પણ ગૂંથી લીધી છે.