________________
પ્રાચ્યવિદ્યાવિદ્ મુનિશ્રી જિનવિજયજી
જિતેન્દ્ર બી શાહ
મુનિશ્રી જિનવિજયજી પ્રાચ્યવિદ્યા અને પુરાતત્ત્વવિદ્યાના વિશ્વવિકૃત વિદ્વાન્ હતા. મુનિશ્રી એ ભારતીય પુરાતત્ત્વના સંશોધન કાર્યમાં પોતાનું સમગ્ર જીવન ખપાવી દીધું હતું. જાણીતા સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશી દ્વારા સંસ્થાપિત ભારતીય વિદ્યાભવનના તેઓ પાયાના પત્થર હતા. મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ અંતર્ગત પુરાતત્ત્વ મંદિરના મુનિશ્રી સંચાલક હતા અને જોધપુરની રાજસ્થાન પ્રાચ્યવિદ્યા મંદિર પ્રતિષ્ઠાનના તેઓશ્રી પ્રાણ હતા. પૂનામાં આવેલી પ્રાચ્યવિદ્યાની વિખ્યાત સંશોધન સંસ્થા શ્રી ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનામાં તેમનું મોટું યોગદાન હતું. તેઓએ અનેક ગ્રંથમાળાઓનું સફળ સંપાદકત્વ કરી લુપ્ત થતાં ગ્રંથોનું સંપાદન કરી/કરાવી વિદ્યાજગતની અનુપમ સેવા કરી હતી. તેઓ માત્ર વિદ્યાના ઉપાસક હતા એમ ન હતું. રાષ્ટ્રીય આંદોલનમાં સત્યાગ્રહમાં તેમણે અંગ્રેજ સરકારની લાઠીઓનો માર ખાધો હતો અને જેલમાં પણ ગયા હતા. જીવનના અંત ભાગે પોતાના વતનમાં ખેતી અને બાગકામમાં જોડાયા અને સમાજ ઉપયોગી કામો કર્યા હતા. આમ તેમણે જીવનમાં અનેકવિધ કાર્યો કરી તેજસ્વી જીવન જીવ્યા હતા.
મુનિશ્રીનું સાધનાક્ષેત્ર સંકુચિત ન હતું. જીવનમાં અનેકવિધ રસ કેળવ્યા હતા. જે કાર્ય કરતા તે તન્મયતાથી કરતા હતાં. તેઓ સાહિત્ય અને ઇતિહાસ પુરાતત્ત્વના ઊંડા અભ્યાસી તો હતાં જ, તેમ જ કળાના પણ નિપુણ પારખુ હતા. ચિત્ર સામગ્રી, પુરાતત્ત્વની વસ્તુઓ, પ્રાચીન ધાતુઓ કે પાષાણની મૂર્તિઓ કે એવી અન્ય સામગ્રીઓનું યથાર્થ મૂલ્યાંકન કરી શકતા હતા અને આવી સામગ્રીઓ વસાવવાનો પણ રસ ધરાવતા હતા.
તેમની વિશેષતાઓ અંગે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ જણાવે છે કે સાહિત્યનું કે શરીરશ્રમનું જે સમયે તેઓએ જે કામ હાથ ધર્યું હોય તેમાં તેઓ એવા તન્મય બની જાય છે કે જોનારને એમ જ લાગે કે જાણે જીવનના બધા જ રસ અહીં જ એકત્ર થઈ ગયા છે અને બીજામાં તેઓનો કશો જ રસ નથી. સાહિત્યનું કામ કરતા હોય ત્યારે એમના રોમ રોમમાંથી સાહિત્ય સેવાનો જ સૂર જ પ્રગટતો હોય, અને એમ જ લાગે કે એમને અને શરીરશ્રમને શી લેવા દેવા? અને જયારે તેઓ ખેતી કે બાગાયતના કામમાં પરોવાયા હોય ત્યારે એમ જ લાગે કે એમને જ્ઞાનોપાસના સાથે કશી લેવાદેવા નથી.