________________
કલ્પસૂત્રનાં ચિત્રો (લા.દ. વિદ્યામંદિરમાં સંગૃહિત સચિત્ર કલ્પસૂત્રનો પરિચય)
પ્રીતિ પંચોલી ગુજરાતમાં ચિત્રકલાનો પ્રારંભ અંતાશ્મકાલનાં શૈલચિત્રોથી થયેલો છે. ભારતીય ચિત્રના પ્રકારોમાં ભિત્તિચિત્ર, ચિત્રપટ, ચિત્રફલક અને ગ્રંથસ્થ લઘુચિત્ર મુખ્ય છે. શૈલચિત્રો ભિત્તિચિત્રનો જ એક પ્રકાર છે. ગુજરાતની જૈનશૈલીનાં ચિત્રોનું ભારતીય ચિત્રકળામાં મહત્ત્વનું સ્થાન છે. કેટલાક વિદ્વાનોએ એને આરંભિક પશ્ચિમ ભારતીય શૈલી, કેટલાક ગુજરાત શૈલી કે જૈન શૈલી કહે છે. તો એને અપભ્રંશ શૈલી પણ કહે છે. ઉમાકાન્ત શાહ ગ્રન્થસ્થ લઘુચિત્રોની શૈલીને મારુ ગુર્જર નામ આપે છે. લઘુચિત્રકલા સ્વરૂપ ખરેખર તો મધ્યયુગમાં પશ્ચિમ ભારતીય શૈલીનું અપભ્રંશરૂપ ભીંતચિત્રોમાંથી તાડપત્રીય હસ્તપ્રતોમાં અગિયારમી સદીના ઉત્તરાર્ધમાં થયું. પ્રત પરિચય :
લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં સંગૃહિત સચિત્ર કલ્પસૂત્રની હસ્તપ્રત ૧૭મા સૈકાની છે. જેનો સૂચિ નંબર-૨૭૧૬૭ છે. પ્રતનું પરિમાણ ૨૬.૫ x ૧૧.૫ છે. પત્રની સંખ્યા-૧૫૯ છે જેમાં સચિત્ર પત્ર-૬૧ છે અને ચિત્ર સંખ્યા-૭૭ છે.
પ્રાચીન ભારતની સભ્યતા અને સંસ્કૃતિનો પરિચય આપવામાં કળાનો ફાળો નાનોસૂનો નથી, પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં કળાની સંખ્યા ૬૪ ગણવામાં આવી છે. વાત્સ્યાયનરચિત કામસૂત્રમાં કળાનો જે પરિચય આપવામાં આવ્યો છે તેમાં “આલેખ્યમ્ ચિત્રકલાને ચોથું સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન ભારતની ચિત્રકલામાં રૂપભેદ, પ્રમાણ, ભાવ, લાવણ્ય-યોજન, સાદેશ્ય, વર્ણિકાભંગ આછ અંગોનું સુયોજન આવશ્યક માનવામાં આવતું હતું અને ચિત્રકાર પોતાની કૃતિમાં તેનું પૂરેપૂરું આલેખન કરતો હતો.
ગ્રંથ-રચનાના ઇતિહાસમાં સચિત્ર હસ્તપ્રતોનું ઘણું મહત્ત્વ છે. આવી પ્રતો એ યુગની ચિત્રકલાની પ્રવૃત્તિઓ જાણવાનું અગત્યનું સાધન છે. ગુજરાતી ચિત્રકલાના વિકાસ પર જૈનધર્મનો પ્રભાવ છે.
* લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના હસ્તપ્રત સંગ્રહની કલ્પસૂત્રની હસ્તપ્રતના
કુલ ફોટોગ્રાફસ-૭ને અને લેખને પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા માટે સંસ્થાના નિયામક પ્રો. ડૉ. જિતેન્દ્રભાઈ શાહના તેમજ લેખ જોઈ જવા માટે જાણીતા કલાવિદ્ શ્રી રવિ હજરનીસની હું આભારી છું. + ઇનચાર્જ, હસ્તપ્રત વિભાગ, લા.દ. વિદ્યામંદિર, અમદાવાદ.