________________
111
vol. XI, 1997
ગુજરાતના પ્રસિદ્ધ હસ્તલિખિત.... લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર હસ્તપ્રત સંગ્રહ:
આ સંસ્થામાં લગભગ પંચાવન હજાર જેટલી હસ્તપ્રતોનો અમૂલ્ય ખજાનો સંગૃહીત છે. મુનિશ્રી પુણ્યવિજયજીનો પોતાનો હસ્તલિખિત ગ્રંથોનો સમગ્ર ખજાનો આ ભંડારને ભેટ મળેલો છે. એ પછી હસ્તલિખિત ગ્રંથોના અનેક નાના મોટા ગ્રંથભંડારો આ જ્ઞાનમંદિરને ભેટ મળતા રહ્યા છે. આ સંસ્થાનો આટલો મોટો સંગ્રહ માત્ર એક જ વ્યક્તિનો પરિપાક નથી. પરંતુ આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી તેમના ગુર ચતુર્વિજયજી તથા પ્રવર્તક કીર્તિવિજયજીના પરિશ્રમને આભારી છે. આ હસ્તપ્રત સંગ્રહમાં જૈન અને જૈનેતર સાહિત્યના અમૂલ્ય ગ્રંથો છે. એ બધા ગ્રંથો સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, રાજસ્થાની વગેરે ભાષાઓમાં લખાયેલા છે. હસ્તપ્રતો ઈ. સ.ની ૧૨મી સદી સુધીની મળે છે.
હસ્તપ્રતોનાં સૂચિપત્રો પણ પ્રકાશિત થયાં છે. લા. દ. વિદ્યામંદિરના સંગ્રહમાં ૫૫૩ જેટલી સચિત્ર હસ્તપ્રતો છે, જેમાં તાડપત્રની અને કાગળની હસ્તપ્રત ઉપરાંત, ગુટકા અને છૂટાં પટ્ટરૂપે પણ મળે છે. અહીંની ૧૮મી સદીની કલ્પસૂત્રની એક હસ્તપ્રતમાં રાજ્યવારીનાં દૃશ્યો જોવા મળે છે. કેટલીક કાગળની હસ્તપ્રતોમાં ભગવાન તીર્થંકરના જીવનપ્રસંગો આલેખાયેલા છે.
ઈ. સ.ની ૧૮મી સદીની કલ્પસૂત્રની કાગળ પરની સચિત્ર હસ્તપ્રતો ગુજરાત-સૌરાષ્ટ્રના જૈન ભંડારોમાં સચવાયેલી છે. આ હસ્તપ્રતોમાં તીર્થકર ભગવાનના જીવન પ્રસંગો, ખાસ કરીને જન્મ, વિવાહ, કેશલોચ, દીક્ષા, ધર્મોપદેશના પ્રસંગો આલેખાયેલા હોય છે. લાદ. વિદ્યામંદિરમાં સંગૃહીત ૧૮મી સદીની કલ્પસૂત્રની એક પ્રતમાં રાજસવારીનાં દશ્યોમાં પુરુષ અને સ્ત્રી-પાત્રોની વેશભૂષા મરાઠી જોવા મળે છે. અહીં “સંગ્રહણી સૂત્ર”ની બાર સચિત્ર પ્રતો મળે છે. સંગ્રહણીસૂત્ર એ જૈન પરંપરા પ્રમાણે બ્રહ્માંડની ઉત્પત્તિને લગતો ગ્રંથ છે. એમાં તીર્થકરો, દેવ-દેવીઓ, ગંધર્વો, યક્ષ-યક્ષિીઓ, સૂર્ય, ચંદ્ર, પર્વતો, નદીઓ અને વૃક્ષોનું આલેખન કરવામાં આવ્યું છે. “અઢાર શીલાંગ રથ”ની ૧૮મી સદીની અઢાર ચિત્રોવાળી પ્રત છે. લાકડાના લાંબા રથમાં સાધુએ પાળવાના આચારનાં નામોવાળાં પાનાં પાડેલાં છે. રથની ઉપર મધ્યમાં જે તે તીર્થંકર ભગવાનનું ચિત્ર છે. રથને હાંકનાર સારથિએ ઘોડાની લગામ પોતાના જમણા હાથમાં પકડી છે. આખું ચિત્ર જાણે ગતિમાં હોય તેમ લાગે છે.
- ૧૭મી - ૧૮મી સદીની કાગળ પરની ધન્નાશાલિભદ્રરાસની પ્રતોમાં ચિત્રાલેખન જોવા મળે છે. એમાં આલેખાયેલાં ચિત્રોમાં શાલિભદ્રની માતા ધન્ના, શાલિભદ્રના જીવનપ્રસંગો, શાલિભદ્ર અને મગધરાજ શ્રેણિકની મુલાકાતનો પ્રસંગ ઇત્યાદિ નોંધપાત્ર છે. “લોકપ્રકાશ” નામની એક પ્રતમાંના એક ચિત્રમાં ચક્રવર્તી રાજાના રાજ્યાભિષેકનું ચિત્ર છે. રાજ્યાભિષેક વખતે રાજાની પૃથ્વીનાં જુદાં જુદાં પવિત્ર જળથી કેવી રીતે અભિષેક થતો એનું આલેખન છે. શ્રી પાલરાસની એક ૧૯મી સદીની હસ્તપ્રતમાં રાસના કથા- પ્રસંગ આલેખતાં સુંદર ચિત્રો છે, જેમાંનું એક ચિત્ર ધવલ શેઠની કલાને લગતું છે. વહાણનાં ચિત્રોમાં બ્રિટિશરોની યુનિયન જેક ધ્વજ સ્પષ્ટ દેખાય છે.