________________
106
ભારતી શેલત; આર. ટી. સાવલિયા
SAMBODHI
અને વિજ્ઞાનના જે વિષયોનું પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં અધ્યયન-અધ્યાપન થતું એ તમામ વિષયોને આવરી લેતા ગ્રંથભંડારો છે. આવા વિષયોમાં કાવ્ય, કોશ, છંદ, અલંકાર, જયોતિષ, નાટક, શિલ્પ, દર્શનશાસ્ત્ર વગેરે વિષયક સમગ્ર સાહિત્યના ગ્રંથોનો સમાવેશ થતો.
ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારોમાં પાટણ, ખંભાત અને અમદાવાદના ભંડારો સૌથી વધારે ખ્યાતિ પામેલા છે. આ ઉપરાંત વડોદરા, છાણી, પાલનપુર, ખેડા, પાદરા, હરાપરા, સિનોર, ભરૂચ, સુરત અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, ઘોઘા, પાલીતાણા, લીંબડી, જામનગર, વઢવાણ કેમ્પ, માંગરોળ વગેરે સ્થળોએ અનેક નાનામોટા ગ્રંથભંડારો છે.
ઈ. સ. ના અગિયારમા, બારમા અને તેરમા શતકમાં પાટણનું રાજકીય મહત્ત્વ ચરમ સીમાએ પહોંચ્યું હતું અને આચાર્ય હેમચંદ્રસૂરિના પ્રભાવથી વિદ્યાપ્રવૃત્તિને રાજ્યાશ્રય તથા ઉત્તેજન મળતું હતું. ત્યારે ઇતિહાસ ધર્મ, નીતિ, તત્ત્વજ્ઞાન સાહિત્ય વગેરે વિષયોના ગ્રંથોની રચનાને ઘણો જ વેગ મળ્યો હતો. આ સમયે રચાયેલા ગ્રંથો ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં ખૂબ મહત્વના નીવડ્યા. વળી જૈન ધર્મને જે રાજયાશ્રય મળ્યો, તેથી જૈન સાધુઓ અને આચાર્યોએ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ વિકસાવવામાં ખૂબ જ રસ લીધો. આવી સાહિત્યિક પ્રવૃત્તિથી મોટા મોટા જ્ઞાનભંડારો અસ્તિત્વમાં આવ્યા અને એમાં પ્રાચીન, સમકાલીન અને નવા ગ્રંથોનો સંગ્રહ થતો રહ્યો. પાટણના હસ્તલિખિત ગ્રંથભંડારોઃ
પાટણના લગભગ વીસ જેટલા હસ્તપ્રત ભંડારોનો એક રસપ્રદ ઇતિહાસ છે. એમાં પ્રાકૃત, સંસ્કૃત, જૂની ગુજરાતી, હિંદી, મરાઠી વગેરે ભાષાઓમાં રચાયેલા લગભગ બધા જ વિષયોના ગ્રંથો સચવાયા છે, જેમાં જૈન અને બીજા ધર્મોની રચનાઓનો સમાવેશ થાય છે. આને લીધે પાટણના ભંડારો દેશ-વિદેશમાં વિદ્વાનોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આજે પાટણના બે સિવાયના બધા જ ભંડારોની તાડપત્ર ઉપરની તેમ જ કાગળ પરની હસ્તપ્રતોનો સંગ્રહ એકત્રિત થઈને પાટણના જૈન સંઘના તાબાના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં સચવાઈ રહ્યો છે. આશરે વીસ હજાર પ્રતો કાગળ ઉપર લખાયેલી સચવાઈ છે. આ જ્ઞાનમંદિરની સ્થાપના સને ૧૯૩૯માં થઈ હતી. પાટણના વિખ્યાત ગ્રંથભંડારો કાયમને માટે સચવાઈ રહે અને પ્રાચીન વિદ્યા તથા સાહિત્યના ક્ષેત્રે કામ કરતા વિદ્વાનોએ હસ્તપ્રતોનો સરળતાથી લાભ લઈ શકે એ હેતુથી આ જ્ઞાનમંદિરની સ્થાપના થઈ છે.
પાટણના નામાંકિત ભંડારોમાં સંઘવીના પાડાનો તાડપત્રીય ગ્રંથભંડાર વિદ્વાનોના આકર્ષણનું ખાસ કેન્દ્ર બનેલો. આ ભંડારની મુલાકાતે પાશ્ચાત્ય, વિદ્વાનો અને સંશોધકો આવતા હતા. ભંડારમાં કુલ ૪૩૪ તાડપત્ર ઉપરની હસ્તપ્રતો છે. એમાંની કેટલીક હસ્તપ્રતો સચિત્ર છે. એમાંનાં ચિત્રો મધ્યકાલીન પશ્ચિમ ભારતની ચિત્ર શૈલીના ઉત્તમ નમૂના પૂરા પાડે છે. આ શૈલીનાં ચિત્રો લઘુચિત્રો સ્વરૂપે મળે છે. પશ્ચિમ ભારતની ચિત્રકલાનું જન્મસ્થાન અને પોષણસ્થાન ગુજરાત છે. એમાં ગુજરાતના ધર્મ અને સમાજજીવનનું પ્રતિબિંબ પડે છે. આ લઘુ-ચિત્રોની શૈલીના નમૂના મોટે ભાગે ગુજરાત અને રાજસ્થાનના જૈન ભંડારોમાંથી અને ખાસ કરીને જૈન કે જૈનાશ્રિત લખાયેલા ગ્રંથોના