________________ ચાર ઘનઘાતી કર્મ નાશ પામે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. તે ચાર ઘનઘાતીમાં એક દર્શનાવરણીય છે. તેની ઉત્તર પ્રકૃતિમાં એક ચક્ષુદર્શનાવરણીય છે. તે ક્ષય થયા બાદ કેવળજ્ઞાન ઊપજે. અથવા જન્માંધપણાનું કે અંધપણાનું આવરણ ક્ષય થયેથી કેવળજ્ઞાન ઊપજે. અચકુંદન આંખ સિવાયની બીજી ઇંદ્રિયો અને મનથી થાય છે. તેનું પણ જ્યાં સુધી આવરણ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન ઊપજતું નથી. તેથી જેમ ચક્ષને માટે છે તેમ બીજી ઇંદ્રિયોને માટે પણ જણાય છે. 219 જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઇંદ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મપ્રત્યક્ષ. આત્મા ઇંદ્રિયોની સહાય વડે કરી એટલે આંખ, કાન, જિહાદિક વડે જાણે દેખે તે ઇંદ્રિયપ્રત્યક્ષ છે. વ્યાઘાત અને આવરણના કારણને લઈને ઇંદ્રિયપ્રત્યક્ષ ન હોય તેથી આત્મપ્રત્યક્ષને બાધ નથી. જ્યારે આત્માને પ્રત્યક્ષ થાય છે ત્યારે ઇંદ્રિયપ્રત્યક્ષ સ્વયમેવ થાય છે, અર્થાત ઇંદ્રિયપ્રત્યક્ષનું જે આવરણ તે દૂર થયે જ આત્મપ્રત્યક્ષ છે. 220 આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યકત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દ્રષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જો આગળ વધે તોપણ પગ પાછા પડે છે, અર્થાત પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યકત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે તે છે. જો કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હોય તોપણ તે બોલવામાત્ર છે, કારણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી. 221 જેણે વડનું વૃક્ષ જોયું ના હોય તેવાને જો એમ કહેવામાં આવે કે આ રાઈના દાણા જેવડા વડના બીજમાંથી આશરે એક માઈલના વિસ્તારમાં સમાય એવું મોટું ઝાડ થઈ શકે છે તો તે વાત તેના માનવામાં ન આવતાં કહેનારને ઊલટા રૂપમાં લઈ જાય છે. પણ જેણે વડનું વૃક્ષ જોયું છે અને આ વાતનો અનુભવ છે. તેને વડના બીજમાં ડાળ, મૂળ, પાન, શાખા, ફળ, ફૂલાદિવાળું મોટું વૃક્ષ સમાયું છે એ વાત માનવામાં આવે છે, પ્રતીત થાય છે. પુગલ જે રૂપી પદાર્થ છે, મૂર્તિમંત છે તેના એક સ્કંધના એક ભાગમાં અનંતા ભાગ છે એ વાત પ્રત્યક્ષ હોવાથી માનવામાં આવે છે, પણ તેટલા જ ભાગમાં જીવ અરૂપી, અમૂર્તિમંત હોવાથી વધારે સમાઈ શકે છે. પણ ત્યાં અનંતાને બદલે અસંખ્યાતા કહેવામાં આવે તોપણ માનવામાં આવતું નથી, એ આશ્ચર્યકારક વાત છે. આ પ્રમાણે પ્રતીત થવા માટે અનેક નય, રસ્તા બતાવવામાં આવ્યા છે, જેથી કોઈ રીતે જો પ્રતીતિ થઈ તો વડના બીજની પ્રતીતિ માફક મોક્ષના બીજની સમ્યકત્વરૂપે પ્રતીતિ થાય છે; મોક્ષ છે એ નિશ્ચય થાય છે, એમાં કશો શક નથી.