________________ 18 આ સંસારને વિષે અનંત એવા કોટિ જીવોની સંખ્યા છે. વ્યવહારાદિ પ્રસંગે ક્રોધાદિ વર્તણૂંક અનંત જીવો ચલાવે છે. ચક્રવર્તી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે, અને લાખો મનુષ્યનો ઘાત કરે છે તોપણ તેઓમાંના કોઈ કોઈનો તે જ કાળમાં મોક્ષ થયો છે. 19 ક્રોધ, માન, માયા, અને લોભની ચોકડીને કષાય એવા નામથી ઓળખવામાં આવે છે. આ કષાય છે તે અત્યંત ક્રોધાદિવાળો છે. તે જો અનંત સંસારનો હેતુ હોઈને અનંતાનુબંધી કષાય થતો હોય તો તે ચક્રવર્યાદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઈએ, અને તે હિસાબે અનંત સંસાર વ્યતીત થયા પહેલાં મોક્ષ થવો શી રીતે ઘટે ? એ વાત વિચારવા યોગ્ય છે. 20 જે ક્રોધાથિી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંતાનુબંધી કષાય છે, એ પણ નિઃશંક છે. તે હિસાબે ઉપર બતાવેલા ક્રોધાદિ અનંતાનુબંધી સંભવતા નથી. ત્યારે અનંતાનુબંધીની ચોકડી બીજી રીતે સંભવે છે. 21 સમ્યક જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણેની ઐક્યતા તે “મોક્ષ'. તે સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણે પમાય છે. આ વીતરાગ જ્ઞાન કર્મના અબંધનો હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હોય તેથી વિમુક્ત થવું તે જ અનંત સંસારથી અત્યંતપણે મુક્ત થવું છે; અર્થાત મોક્ષ છે. મોક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે, અને છે પણ તેમ જ. વીતરાગના માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ થાય છે. આવો જે ઘણા જીવોને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદિભાવ (જે મહા વિપરીતના કરનારા છે) તે જ અનંતાનુબંધી કષાય છે. 22 જોકે ક્રોધાદિભાવ લૌકિકે પણ અફળ નથી, પરંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગ જ્ઞાન અથવા મોક્ષધર્મ અથવા તો સતધર્મ તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિભાવ તીવ્રમંદાદિ જેવે ભાવે હોય તેવે ભાવે અનંતાનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. 23 અનુભવનો કોઈ પણ કાળમાં અભાવ નથી. બુદ્ધિબળથી મુકરર કરેલ વાત જે અપ્રત્યક્ષ છે તેનો ક્વચિત્ અભાવ પણ થવો ઘટે. 24 કેવળજ્ઞાન એટલે જેનાથી કંઈ પણ જાણવું અવશેષ રહેતું નથી તે, કે આત્મપ્રદેશનો જે સ્વભાવ ભાવ છે તે ? : (અ) આત્માએ ઉત્પન્ન કરેલ વિભાવ ભાવ અને તેથી જડ પદાર્થનો થયેલો સંયોગ તે રૂપે થયેલા આવરણે કરી જે કંઈ દેખવું, જાણવું થાય છે તે ઇંદ્રિયની સહાયતાથી થઈ શકે છે, પરંતુ તે સંબંધી આ વિવેચન નથી. આ વિવેચન ‘કેવળજ્ઞાન’ સંબંધી છે.