________________ 113 લોકને વિષે જે પદાર્થ છે તેના ધર્મ દેવાધિદેવે પોતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે; પદાર્થો તે ધર્મથી બહાર જઈ પ્રવર્તતા નથી, અર્થાત જ્ઞાની મહારાજે પ્રકાયું તેથી બીજી રીતે પ્રવર્તતા નથી; તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું છે, કારણ કે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા તેવા જ તેના ધર્મ કહ્યા છે. 114 કાળ, મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય છે; અને તે જીવ તથા અજીવ(અજીવમાં - મુખ્યત્વે પુદગલાસ્તિકાયમાં - વિશેષપણે સમજાય છે)માંથી ઉત્પન્ન થયેલ છે; અથવા જીવાજીવની પર્યાયઅવસ્થા તે કાળ છે. દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે; તેમાં ઊર્ધ્વપ્રચય અને તિર્યકપ્રચય એવા બે ધર્મ છે; અને કાળને વિષે તિર્યકપ્રચય ધર્મ નથી, એક ઊર્ધ્વપ્રચય ધર્મ છે. 115 ઊર્ધ્વપ્રચયથી પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવવું થાય છે તે ધર્મનું તિર્યકપ્રચયથી પાછું તેમાં સમાવું થાય છે. કાળના સમયને તિર્યક્રપ્રચય નથી, તેથી જે સમય ગયો તે પાછો આવતો નથી. 116 દિગંબરઅભિપ્રાય મુજબ ‘કાળદ્રવ્ય’ના લોકમાં અસંખ્યાતા અણુ છે. 117 દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે. તેમાં કેટલાક ધર્મ વ્યક્ત છે, કેટલાક અવ્યક્ત છે, કેટલાક મુખ્ય છે, કેટલાક સામાન્ય છે, કેટલાક વિશેષ છે. 118 અસંખ્યાતાને અસંખ્યાતા ગુણા કરતાં પણ અસંખ્યાત થાય, અર્થાત અસંખ્યાતના અસંખ્યાત ભેદ છે. 119 એક આંગુલના અસંખ્યાત ભાગ-અંશ-પ્રદેશ તે એક આંગુલમાં અસંખ્યાત છે. લોકના પણ અસંખ્યાત પ્રદેશ છે. ગમે તે દિશાની સમશ્રેણિએ અસંખ્યાત થાય છે. તે પ્રમાણે એક પછી એક, બીજી, ત્રીજી સમશ્રેણિનો સરવાળો કરતાં જે સરવાળો થાય તે એક ગણું, બે ગણું, ત્રણ ગણું, ચાર ગણું થાય, પણ અસંખ્યાત ગણું ન થાય, પરંતુ એક સમશ્રેણિ જે અસંખ્યાત પ્રદેશવાળી છે તે સમશ્રેણીની દિશાવાળી સઘળી સમશ્રેણિઓ અસંખ્યાત ગુણી છે તે દરેક અસંખ્યાતાએ ગુણતાં, તેમ જ બીજી દિશાની સમશ્રેણિ છે તેનો પણ ગુણાકાર તે પ્રમાણે કરતાં, ત્રીજી દિશાની છે તેનું પણ તે પ્રમાણે કરતાં અસંખ્યાત થાય, એ અસંખ્યાતાના ભાંગાને જ્યાં સુધી એકબીજાનો ગુણાકાર કરી શકાય ત્યાં સુધી અસંખ્યાતા થાય, અને તે ગુણાકારથી કોઈ ગુણાકાર કરવો બાકી ન રહે ત્યારે અસંખ્યાત પૂરું થઈ તેમાં એક ઉમેરતાં જઘન્યમાં જઘન્ય અનંત થાય. 120 નય છે તે પ્રમાણનો અંશ છે. જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે, ત્યાં તેટલું પ્રમાણ છે; એ નથી જે ધર્મ કહેવામાં આવ્યો છે તે સિવાય વસ્તુને વિષે બીજા જે ધર્મ છે તેનો નિષેધ કરવામાં આવ્યો નથી. એકી વખતે વાણી દ્વારાએ બધા ધર્મ કહી શકાતા નથી. તેમ જ જે જે પ્રસંગ હોય તે તે પ્રસંગે ત્યાં મુખ્યપણે તે જ ધર્મ કહેવામાં આવે છે. ત્યાં ત્યાં તે તે નયથી પ્રમાણ છે.