________________ 8 પાંજરામાં પૂરેલો સિંહ પાંજરાથી પ્રત્યક્ષ જુદો છે, તોપણ બહાર નીકળવાનું સામર્થ્યરહિત છે. તેમજ ઓછા આયુષ્યના કારણથી અથવા સંઘયણાદિ અન્ય સાધનોના અભાવે આત્મારૂપી સિંહ કર્મરૂપી પાંજરામાંથી બહાર આવી શકતો નથી એમ માનવામાં આવે તો તે માનવું સકારણ છે. 9 આ અસાર એવા સંસારને વિષે મુખ્ય એવી ચાર ગતિ છે, જે કર્મબંધથી પ્રાપ્ત થાય છે. બંધ વિના તે ગતિ પ્રાપ્ત થતી નથી. અબંધ એવું જે મોક્ષસ્થાનક તે બંધથી થનારી એવી જે ચાર ગતિ તે રૂપ સંસારને વિષે નથી. સમ્યકત્વ અથવા ચારિત્રથી બંધ થતો નથી એ તો ચોક્કસ છે; તો પછી ગમે તે કાળમાં સમ્યકૃત્વ અથવા ચારિત્ર પામે ત્યાં તે સમયે બંધ નથી, અને જ્યાં બંધ નથી ત્યાં સંસાર નથી. 10 સમ્યકત્વ અને ચારિત્રમાં આત્માની શુદ્ધ પરિણતિ છે, તથાપિ તે સાથે મન, વચન, શરીરના શુભ જોગ પ્રવર્તે છે. તે શુભ જોગથી શુભ એવો બંધ થાય છે. તે બંધને લઈને દેવાદિ ગતિ એવો જે સંસાર તે કરવો પડે છે. પરંતુ તેથી વિપરીત જે સમ્યકત્વ અને ચારિત્ર જેટલે અંશે પ્રાપ્ત થાય છે તેટલે અંશે મોક્ષ પ્રગટ થાય છે, તેનું ફળ દેવાદિ ગતિ પ્રાપ્ત થઈ તે નથી. દેવાદિ ગતિ જે પ્રાપ્ત થઈ તે ઉપર બતાવેલા મન, વચન, શરીરના શુભ જોગથી થઈ છે; અને અબંધ એવું જે સમ્યકત્વ તથા ચારિત્ર પ્રગટ થયું છે તે કાયમ રહીને ફરી મનુષ્યપણું પામી ફરી તે ભાગને જોડાઈ મોક્ષ થાય છે. 11 ગમે તે કાળમાં કર્મ છે; તેનો બંધ છે; અને તે બંધની નિર્જરા છે, અને સંપૂર્ણ નિર્જરા તેનું નામ “મોક્ષ છે. 12 નિર્જરાના બે ભેદ છે; એક સકામ એટલે સહેતુ (મોક્ષના હેતુભૂત) નિર્જરા અને બીજી અકામ એટલે વિપાકનિર્જરા. 13 અકામનિર્જરા ઔદયિક ભાવે થાય છે. આ નિર્જરા જીવે અનંતી વાર કરી છે, અને તે કર્મબંધનું કારણ છે. 14 સકામનિર્જરા શાયોપથમિક ભાવે થાય છે. જે કર્મના અબંધનું કારણ છે. જેટલે અંશે સકામનિર્જરા (ક્ષાયોપશમિક ભાવે) થાય તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. જો અકામ (વિપાક) નિર્જરા હોય તો તે ઔદયિક ભાવે હોય છે, અને તે કર્મબંધનું કારણ છે. અહીં પણ કર્મનું નિર્જરવું થાય છે, પરંતુ આત્મા પ્રગટ થતો નથી. 15 અનંતી વાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જરા થઈ છે તે ઔદયિક ભાવે (જે ભાવ અબંધક નથી) થઈ છે; ક્ષાયોપથમિક ભાવે થઈ નથી. જો તેમ થઈ હોત તો આ પ્રમાણે રખડવું બનત નહીં. 16 માર્ગ બે પ્રકારે છે: એક લૌકિક માર્ગ અને બીજો લોકોત્તર માર્ગ, જે એકબીજાથી વિરુદ્ધ છે. 17 લૌકિક માર્ગથી વિરુદ્ધ જે લોકોત્તર માર્ગ તે પાળવાથી તેનું ફળ તેથી વિરુદ્ધ એવું જે લૌકિક તે હોય નહીં. જેવું કૃત્ય તેવું ફળ.