________________ 27 આ કાળને વિષે જ્ઞાન ક્ષીણ થયું છે, અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા છે. જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધારે, અને જ્ઞાન વધુ તેમ મતભેદ ઓછા, નાણાંની પેઠે. જ્યાં નાણું ઘટ્યું ત્યાં કંકાસ વધારે, અને જ્યાં નાણું વધ્યું ત્યાં કંકાસ ઓછા હોય છે. 28 જ્ઞાન વિના સમ્યક્ત્વનો વિચાર સૂઝતો નથી. મતભેદ ઉત્પન્ન નથી કરવો એવું જેના મનમાં છે તે જે જે વાંચે અથવા સાંભળે છે તે તેને ફળે છે. મતભેદાદિ કારણને લઈને શ્રુત-શ્રવણાદિ ફળતાં નથી. 29 વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી છે. તો બની શકે તો કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારુ ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના, અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી ગૂંચાઈ ગયેલ છે. 30 જીવ પહેલા ગણસ્થાનકમાં ગ્રંથિભેદ સુધી અનંતીવાર આવ્યો ને ત્યાંથી પાછો વળી ગયો છે. 31 જીવને એવો ભાવ રહે છે કે સમ્યકત્વ અનાયાસે આવતું હશે; પરંતુ તે તો પ્રયાસ (પુરુષાર્થ) કર્યા વિના પ્રાપ્ત થતું નથી. 32 કર્મપ્રકૃતિ 158 છે. સમ્યકત્વ આવ્યા વિના તેમાંની કોઈ પણ પ્રકૃતિ સમૂળગી ક્ષય થાય નહીં. અનાદિથી જીવ નિર્જરા કરે છે, પરંતુ મૂળમાંથી એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી ! સમ્યકત્વમાં એવું સામર્થ્ય છે, કે તે પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરે છે. તે આવી રીતે કે:- અમુક પ્રકૃતિ ક્ષય થયા પછી તે આવે છે; અને જીવ બળિયો થાય તો આસ્તે આસ્તે સર્વ પ્રકૃતિ ખપાવે છે. 33 સમ્યકત્વ સર્વને જણાય એમ પણ નહીં, તેમ કોઈને પણ ન જણાય એમ પણ નહીં. વિચારવાનને તે જણાય છે. 34 જીવને સમજાય તો સમજવા પછીથી બહુ સુગમ છે; પણ સમજવા સારુ જીવે આજ દિવસ સુધી ખરેખરો લક્ષ આપ્યો નથી. સમ્યકત્વ પ્રાપ્ત થવાના જીવને જ્યારે જ્યારે જોગ બન્યા છે ત્યારે ત્યારે બરાબર ધ્યાન આપ્યું નથી, કારણ કે જીવને અંતરાય ઘણા છે. કેટલાક અંતરાયો તો પ્રત્યક્ષ છે, છતાં જાણવામાં આવતા નથી. જો જણાવનાર મળે તોપણ અંતરાયના જોગથી ધ્યાનમાં લેવાનું બનતું નથી. કેટલાક અંતરાયો તો અવ્યક્ત છે કે જે ધ્યાનમાં આવવા જ મુશ્કેલ છે. 35 સમ્યક્ત્વનું સ્વરૂપ માત્ર વાણીયોગથી કહી શકાય, જો એકદમ કહેવામાં આવે તો ત્યાં આગળ જીવને ઊલટો ભાવ ભાસે; તથા સમ્યકત્વ ઉપર ઊલટો અભાવ થવા માંડે; પરંતુ તે જ સ્વરૂપ જો અનુક્રમે જેમ જેમ દશા વધતી જાય તેમ તેમ કહેવામાં અથવા સમજાવવામાં આવે તો તે સમજવામાં આવી શકવા યોગ્ય છે.