________________ 130 આ માર્ગ આત્મગુણરોધક નથી, પણ બોધક છે, એટલે આત્મગુણ પ્રગટ કરે છે, તેમાં કશો સંશય નથી. આ વાત પરોક્ષ નથી, પણ પ્રત્યક્ષ છે. ખાતરી કરવા ઇચ્છનારે પુરુષાર્થ કરવાથી સુપ્રતીત થઈ પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે. 131 સૂત્ર અને સિદ્ધાંત એ બે જુદાં છે. સાચવવા સારુ સિદ્ધાંતો સૂત્રરૂપી પેટીમાં રાખવામાં આવ્યા છે. દેશ, કાળને અનુસરી સૂત્ર રચવામાં એટલે ગૂંથવામાં આવે છે, અને તેમાં સિદ્ધાંતની ગૂંથણી કરવામાં આવે છે. તે સિદ્ધાંતો ગમે તે કાળમાં, ગમે તે ક્ષેત્રમાં ફરતા નથી, અથવા ખંડિતપણાને પામતા નથી, અને જો તેમ થાય તો તે સિદ્ધાંત નથી. 132 સિદ્ધાંત એ ગણિતની માફક પ્રત્યક્ષ છે, તેથી તેમાં કોઈ જાતની ભૂલ કે અધૂરાપણું સમાતું નથી. અક્ષર બોડિયા હોય તો સુધારીને માણસો વાંચે છે, પરંતુ આંકડાની ભૂલ થાય તો તે હિસાબ ખોટો ઠરે છે, માટે આંકડા બોડિયા હોતા નથી. આ દ્રષ્ટાંત ઉપદેશમાર્ગ અને સિદ્ધાંત માર્ગને વિષે ઘટાવવું. 133 સિદ્ધાંતો ગમે તે દેશમાં, ગમે તે ભાષામાં, ગમે તે કાળમાં લખાણા હોય, તોપણ અસિદ્ધાંતપણાને પામતા નથી. દાખલા તરીકે, બે ને બે ચાર થાય. પછી ગમે તો ગુજરાતી, કે સંસ્કૃત, કે પ્રાકૃત, કે ચીની, કે અરબી, કે પર્શિયન કે ઇંગ્લીશ ભાષામાં લખાયેલ હોય. તે આંકડાને ગમે તે સંજ્ઞામાં ઓળખવામાં આવે તોપણ બે ને બેનો સરવાળો ચાર થાય એ વાત પ્રત્યક્ષ છે. જેમ નવે નવે એકાશી તે ગમે તે દેશમાં, ગમે તે ભાષામાં, અને ધોળા દિવસે કે અંધારી રાત્રિએ ગણવામાં આવે તોપણ 80 અથવા 82 થતા નથી, પરંતુ એકાશી જ થાય છે. આ જ પ્રમાણે સિદ્ધાંતનું પણ છે. 134 સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ છે, જ્ઞાનીના અનુભવગમ્યની બાબત છે, તેમાં અનુમાનપણું કામ આવતું નથી. અનુમાન એ તર્કનો વિષય છે, અને તર્ક એ આગળ જતાં કેટલીક વાર ખોટો પણ પડે; પરંતુ પ્રત્યક્ષ જે અનુભવગમ્ય છે તેમાં કાંઈ પણ ખોટાપણું સમાતું નથી. 135 જેને ગુણાકાર અથવા સરવાળાનું જ્ઞાન થયું છે તે એમ કહે છે કે નવે નવે એકાશી, ત્યાં આગળ જેને સરવાળા અથવા ગુણાકારનું જ્ઞાન થયું નથી, અર્થાત ક્ષયોપશમ થયો નથી તે અનુમાનથી અથવા તર્ક કરી એમ કહે કે '98 થતા હોય તો કેમ ના કહી શકાય ?' તો તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું છે નહીં, કેમકે તેને જ્ઞાન ન હોવાથી તેમ કહે એ સ્વાભાવિક છે. પરંતુ જો તેને ગુણાકારની રીત છોડી (છૂટી છૂટી કરી) એકથી નવ સુધી આંકડા બતાવી નવ વાર ગણાવ્યું હોય તો એકાશી થતાં અનુભવગમ્ય થવાથી તેને સિદ્ધ થાય છે. કદાપિ તેના મંદ ક્ષયોપશમથી એકાશી, ગુણાકારથી અથવા સરવાળાથી ન સમજાય તોપણ એકાશી થાય એમાં ફેર નથી. એ પ્રમાણે સિદ્ધાંત આવરણના કારણથી ન સમજવામાં આવે તોપણ તે અસિદ્ધાંતપણાને કરવાથી ખાતરી થતાં પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે. 136 જ્યાં સુધી અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીતિ રાખવા જરૂર છે, અને સુપ્રતીતિથી ક્રમે ક્રમે કરી અનુભવગમ્ય થાય છે.