________________ 27 મન:પર્યવજ્ઞાન કેવી રીતે પ્રગટે ? સાધારણપણે દરેક જીવને મતિજ્ઞાન હોય છે. તેને આશ્રયે રહેલા શ્રુતજ્ઞાનમાં વધારો થવાથી તે મતિજ્ઞાનનું બળ વધારે છે, એમ અનુક્રમે મતિજ્ઞાન નિર્મળ થવાથી આત્માનું અસંયમપણું ટળી સંયમપણું થાય છે, ને તેથી મન:પર્યવજ્ઞાન પ્રગટે છે. તેને યોગે આત્મા બીજાનો અભિપ્રાય જાણી શકે છે. લિંગ દેખાવ ઉપરથી બીજાના ક્રોધ હર્ષાદિ ભાવ જાણી શકાય છે, તે મતિજ્ઞાનનો વિષય છે. તેવા દેખાવના અભાવે જે ભાવ જાણી શકાય તે મન:પર્યવજ્ઞાનનો વિષય છે. 28 પાંચ ઇંદ્રિયોના વિષય સંબંધી જે જીવને મોહનીય કર્મરૂપી કષાયનો ત્યાગ કરવો હોય, તે તેનો એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકશે તેવા વિશ્વાસ ઉપર રહી તેનો ક્રમે ત્યાગ કરવાનો અભ્યાસ નથી કરતો, તે એકદમ ત્યાગ કરવાનો પ્રસંગ આવ્યે મોહનીયકર્મના બળ આગળ ટકી શકતો નથી, કારણ કર્મરૂપ શત્રુને ધીરે ધીરે નિર્બળ કર્યા વિના કાઢી મૂકવાને તે એકદમ અસમર્થ બને છે. આત્માના નિર્બળપણાને લઈને તેના ઉપર મોહનું બળવાનપણું છે. તેનું જોર ઓછું કરવાને આત્મા પ્રયત્ન કરે, તો એકી વખતે તેના ઉપર જય મેળવવાની ધારણામાં તે ઠગાય છે. જ્યાં સુધી મોહવૃત્તિ લડવા સામી નથી આવી ત્યાં સુધી મોહવશ આત્મા પોતાનું બળવાનપણું ધારે છે, પરંતુ તેવી કસોટીનો પ્રસંગ આવ્યે આત્માને પોતાનું કાયરપણું સમજાય છે, માટે જેમ બને તેમ પાંચ ઇંદ્રિયોના વિષય મોળા કરવા. તેમાં મુખ્યત્વે ઉપસ્થ ઇંદ્રિય અમલમાં લાવવી; એમ અનુક્રમે બીજી ઇંદ્રિયોના વિષયો. ઇંદ્રિયના વિષયરૂપી ક્ષેત્રની બે તસુ જમીન જીતવાને આત્મા અસમર્થપણું બતાવે છે અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે, એ કેવું આશ્ચર્યરૂપ છે ? પ્રવૃત્તિને આડે આત્મા નિવૃત્તિનો વિચાર કરી શકતો નથી, એમ કહેવું એ માત્ર બહાનું છે. જો થોડો સમય પણ આત્મા પ્રવૃત્તિ છોડી પ્રમાદરહિત હમેશાં નિવૃત્તિનો વિચાર કરે, તો તેનું બળ પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. કારણ દરેક વસ્તુનો પોતાના વધતા ઓછા બળવાનપણાના પ્રમાણમાં પોતાનું કાર્ય કરવાનો સ્વભાવ છે. માદક ચીજ બીજા ખોરાક સાથે પોતાના અસલના સ્વભાવ પ્રમાણે પરિણમવાને ભૂલી જતી નથી, તેમ જ્ઞાન પણ પોતાનો સ્વભાવ ભૂલતું નથી. માટે દરેક જીવે પ્રમાદરહિત, યોગ, કાળ, નિવૃત્તિ, ને માર્ગનો વિચાર નિરંતર કરવો જોઈએ. 7 આંક 27 થી આંક 31 ખંભાતના શ્રી ત્રિભુવનભાઈના ઉતારામાંથી લીધા છે.