________________ મુનિએ નામ પણ આ પૂર્વોક્ત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિપણું. રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું. પૂર્વ તીર્થંકરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરી મૌનપણું ધારણ કરેલું; અને સાડાબાર વર્ષ લગભગ મૌનપણું ધારણ કરનાર ભગવાન વીરપ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીયકર્મનો સંબંધ કાઢી નાખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું. આત્મા ધારે તો સત્ય બોલવું કંઈ કઠણ નથી. વ્યવહારસત્યભાષા ઘણી વાર બોલવામાં આવે છે, પણ પરમાર્થસત્ય બોલવામાં આવ્યું નથી, માટે આ જીવનું ભવભ્રમણ મટતું નથી. સમ્યકત્વ થયા બાદ અભ્યાસથી પરમાર્થસત્ય બોલવાનું થઈ શકે છે, અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે. અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી. વિશ્વાસઘાત કરવો તેનો પણ અસત્યમાં સમાવેશ થાય છે. ખોટા દસ્તાવેજો કરવા તે પણ અસત્ય જાણવું. અનુભવવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ અનુભવ્યા વિના અને ઇંદ્રિયથી જાણવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ જાણ્યા વિના ઉપદેશ કરવો તે પણ અસત્ય જાણવું. તો પછી તપપ્રમુખ માનાદિની ભાવનાથી કરી, આત્મહિતાર્થ કરવા જેવો દેખાવ, તે અસત્ય હોય જ એમ જાણવું. અખંડ સમ્યક્દર્શન આવે તો જ સંપૂર્ણપણે પરમાર્થસત્ય વચન બોલી શકાય; એટલે કે તો જ આત્મામાંથી અન્ય પદાર્થ ભિન્નપણે ઉપયોગમાં લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે. કોઈ પૂછે કે લોક શાશ્વત કે અશાશ્વત તો ઉપયોગપૂર્વક ન બોલતાં, ‘લોક શાશ્વત', કહે તો અસત્ય વચન બોલાયું એમ થાય. તે વચન બોલતાં લોક શાશ્વત કેમ કહેવામાં આવ્યો, તેનું કારણ ધ્યાનમાં રાખી તે બોલે તો તે સત્ય ગણાય. આ વ્યવહારસત્યના પણ બે વિભાગ થઈ શકે છે, એક સર્વથા પ્રકારે અને બીજો દેશથી. નિશ્ચયસત્ય પર ઉપયોગ રાખી, પ્રિય એટલે જે વચન અન્યને અથવા જેના સંબંધમાં બોલાયું હોય તેને પ્રીતિકારી હોય; અને પથ્ય, ગુણકારી હોય એવું જ સત્ય વચન બોલનાર સર્વવિરતિ મુનિરાજ પ્રાયે હોઈ શકે સંસાર ઉપર અભાવ રાખનાર હોવા છતાં પૂર્વકર્મથી, અથવા બીજા કારણથી સંસારમાં રહેનાર ગૃહસ્થ દેશથી સત્ય વચન બોલવાનો નિયમ રાખવા યોગ્ય છે. તે મુખ્ય આ પ્રમાણે : કન્યાલીક, મનુષ્ય સંબંધી અસત્ય, ગોવાલીક, પશુસંબંધી અસત્ય, ભૌમાલીક, ભૂમિસંબંધી અસત્ય, ખોટી સાક્ષી, અને થાપણમૃષા એટલે વિશ્વાસથી રાખવા આપેલા દ્રવ્યાદિ પદાર્થ તે પાછા માગતાં, તે સંબંધી ઇનકાર જવું છે. આ પાંચ સ્થૂળ પ્રકાર છે. આ સંબંધમાં વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી, યથાસ્થિત એટલે જેવા પ્રકારે વસ્તુઓનાં સમ્યક સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કહેવાનો નિયમ તેને દેશથી વ્રત ધારણ કરનારે અવય કરવા યોગ્ય છે. આ કહેલા સત્ય વિષે ઉપદેશ વિચારી તે ક્રમમાં અવશ્ય આવવું એ જ ફળદાયક છે.