________________ જો પરમાર્થને ઇચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરો, અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં. 130 નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો’ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. 131 આત્મા અબંધ છે, અસંગ છે, સિદ્ધ છે એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાધન તજવાં યોગ્ય નથી. પણ તથારૂપ નિશ્ચય લક્ષમાં રાખી સાધન કરીને તે નિશ્ચયસ્વરૂપ પ્રાપ્ત કરવું. 131 નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. 132 અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યો નથી; બેય જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યાં છે. 132 ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. 133 ગચ્છ મતની કલ્પના છે તે સદ્વ્યવહાર નથી, પણ આત્માર્થીના લક્ષણમાં કહી તે દશા અને મોક્ષોપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં તે સદ્વ્યવહાર છે; જે અત્રે તો સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત જેમ દેહ અનુભવમાં આવે છે, તેવો આત્માનો અનુભવ થયો નથી, દેહાધ્યાસ વર્તે છે, અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યા વિના નિશ્ચય પોકાર્યા કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. 133 આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. 134 ભૂતકાળમાં જે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, વર્તમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં થશે, તેને કોઈને માર્ગનો ભેદ નથી, અર્થાત પરમાર્થે તે સૌનો એક માર્ગ છે, અને તેને પ્રાપ્ત કરવા યોગ્ય વ્યવહાર પણ તે જ પરમાર્થસાધકરૂપે દેશ કાળાદિને લીધે ભેદ કહ્યો હોય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પણ પરમાર્થે ભેદ નથી. 134 સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદગુરૂઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. 135 સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તો જે સમજે તેને પ્રગટ થાય. તે પ્રગટ થવામાં સદગુરૂની આજ્ઞાથી પ્રવર્તવું, તથા સદગુરૂએ ઉપદેશેલી એવી જિનદશાનો વિચાર કરવો, તે બેય નિમિત્ત કારણ છે. 135