________________ ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે; અર્થાત્ ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લોભ રોકી શકાય છે; એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષથી તે તે દોષો રોકી શકાય છે, તે જ કર્મબંધનો નિરોધ છે; અને તે જ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે, અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધાદિ રોક્યાં રોકાય છે. અને જે કર્મબંધને રોકે છે, તે અકર્મદશાનો માર્ગ છે. એ માર્ગ પરલોકે નહીં, પણ અત્રે અનુભવમાં આવે છે, તો એમાં સંદેહ શો કરવો ? 104 છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. 105 આ મારો મત છે, માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે, માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કહ્યો છે, તે સાધશે, તેના અલ્પ જન્મ જાણવા. અહીં ‘જન્મ' શબ્દ બહુવચનમાં વાપર્યો છે, તે એટલું જ દર્શાવવાને કે ક્વચિત તે સાધન અધૂરાં રહ્યાં તેથી, અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયાં હોય, તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજો જન્મ થવાનો સંભવ છે; પણ તે બહુ નહીં; બહુ જ અલ્પ. ‘સમકિત આવ્યા પછી જો વમે નહીં, તો ઘણામાં ઘણા પંદર ભવ થાય,’ એમ જિને કહ્યું છે, અને ‘જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય'; અત્રે તે વાતનો વિરોધ નથી. 105 ષપદનાં ષપ્રશ્ન તેં, પૂછયાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. 106 હે શિષ્ય ! તેં છ પદનાં છ પ્રશ્નો વિચાર કરીને પૂક્યાં છે, અને તે પદની સર્વાગતામાં મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચય કર. અર્થાત એમાંનું કોઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. 106 જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. 107 જે મોક્ષનો માર્ગ કહ્યો તે હોય તો ગમે તે જાતિ કે વેષથી મોક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી. જે સાધે તે મુક્તિપદ પામે; અને તે મોક્ષમાં પણ બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી, અથવા આ વચન કહ્યાં તેમાં બીજો કંઈ ભેદ એટલે ફેર નથી. 107 કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. 108