________________ જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તેં થતાં જાણ્યાં, અને તેથી તેનું ભોક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે; નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ હે વિચક્ષણ ! તું વિચાર. 89 વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. 90 કર્મસહિત અનંતકાળ વીત્યો, તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યો, પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય, અને તેથી મોક્ષસ્વભાવ પ્રગટ થાય. 90 દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. 91 દેહાભિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધસ્વરૂપ મોક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભોગવાય. 91 શંકા - શિષ્ય ઉવાચ (મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે:-) હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? 92 મોક્ષપદ કદાપિ હોય તોપણ તે પ્રાપ્ત થવાનો કોઈ અવિરોધ એટલે યથાતથ્ય પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી, કેમકે અનંત કાળનાં કર્યો છે, તે આવા અલ્પાયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય ? 92 અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. 93 અથવા કદાપિ મનુષ્યદેહના અલ્પાયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ, તોપણ મત અને દર્શન ઘણાં છે, અને તે મોક્ષના અનેક ઉપાયો કહે છે, અર્થાત કોઈ કંઈ કહે છે અને કોઈ કંઈ કહે છે, તેમાં કયો મત સાચો એ વિવેક બની શકે એવો નથી. 93 કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. 94