________________ અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિયો છે તે આત્મા છે, અથવા શ્વાસોચ્છવાસ છે તે આત્મા છે, અર્થાત્ એ સૌ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદો માનવો તે મિથ્યા છે, કેમકે તેનું કશું જુદું એંધાણ એટલે ચિહ્ન નથી. 46 વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. 47 અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં ? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હોય તો શા માટે ન જણાય ? 47 માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. 48 માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મોક્ષના અર્થે ઉપાય કરવા તે ફોકટ છે, એ મારા અંતરની શંકાનો કંઈ પણ સદુપાય સમજાવો એટલે સમાધાન હોય તો કહો, 48 સમાધાન - સદ્ગુરૂ ઉવાચ (આત્મા છે, એમ સદ્દગુરૂ સમાધાન કરે છે :-) ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. 49 દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ જેવો અર્થાત્ તને દેહ ભાસ્યો છે, પણ આત્મા અને દેહ બન્ને જુદાં છે, કેમકે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે. 49 ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને યાન, 50 અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે, અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે; પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બન્ને જુદા જુદા છે. 50 જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. 51