________________ લોકલાજ નવિ ધરે લગાર. એક ચિત્ત પ્રભુથી પ્રીત ધાર. અલ્પ આહાર કરનાર, નિદ્રાને વશ કરનાર, એટલે નિયમિત નિદ્રાનો લેનાર; જગતનાં હેત-પ્રીતથી દૂર રહેનાર; (કાર્યસિદ્ધિથી પ્રતિકૂળ એવા) લોકની લજ્જા જેને નથી; ચિત્તને એકાગ્ર કરીને પરમાત્મામાં પ્રીતિ ધરનાર. આશા એક મોક્ષકી હોય, બીજી દુવિધા નવિ ચિત્ત કોય; ધ્યાન જોગ જાણો તે જીવ, જે ભવદુઃખથી ડરત સદીવ. મોક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા જેણે ત્યાગી છે, અને સંસારના ભયંકર દુઃખથી નિરંતર જે કંપે છે; તેવા આત્માને ધ્યાન કરવા યોગ્ય જાણવો. પરનિંદા મુખથી નવિ કરે, નિજનિંદા સુણી સમતા ધરે, કરે સહુ વિકથા પરિહાર; રોકે કર્મ આગમન દ્વારા પોતાના મુખથી જેણે પરની નિંદાનો ત્યાગ કર્યો છે, પોતાની નિંદા સાંભળીને જે સમતા ધરી રહે છે, સ્ત્રી, આહાર, રાજ, દેશ ઇત્યાદિક સર્વ કથાનો જેણે છેદ કર્યો છે, અને કર્મને પ્રવેશ કરવાનાં દ્વાર જે અશુભ મન, વચન, કાયા તે જેણે રોકી રાખ્યાં છે. અહર્નિશ અધિકો પ્રેમ લગાવે, જોગાનલ ઘટમાંહિ જગાવે; અલ્પાહાર આસન દ્રઢ કરે, નયન થકી નિદ્રા પરિહરે. રાત્રિદિન ધ્યાનવિષયમાં ઘણો પ્રેમ લગાવ્યાથી યોગરૂપી અગ્નિ (કર્મને બાળી દેનાર) ઘટમાં જગાવે. (એ જાણે ધ્યાનનું જીવન.) હવે તે વિના તેનાં બીજાં સાધન બોધે છે. થોડો આહાર અને આસનનું દ્રઢપણું કરે. પદ્મ, વીર, સિદ્ધ કે ગમે તે આસન કે જેથી મનોગતિ વારંવાર ન ખેંચાય તેવું આસન આ સ્થળે સમજાવ્યું છે. એ પ્રમાણે આસનનો જય કરી નિદ્રાનો પરિત્યાગ કરે. અહીં પરિત્યાગને દેશપરિત્યાગ સમજાવ્યો છે. યોગને જે નિદ્રાથી બાધ થાય છે તે નિદ્રા અર્થાત પ્રમત્તપણાનું કારણ દર્શનાવરણીયની વૃદ્ધિ ઇત્યાદિકથી ઉત્પન્ન થતી અથવા અકાલિક નિદ્રા તેનો ત્યાગ.