________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (15) ગુરુમૂર્તિ અને દેવ-દેવીની મૂર્તિ અંગે (A) ગુરુમૂર્તિઓ અને તેની પાછળનું રાજકારણ જૈન શાસનમાં પૂજા કોની? સાધ્ય-પૂજ્ય અને ઉપાદેય માત્ર ને માત્ર તીર્થકરો જ ને? છતાં આજકાલ ગુરુમૂર્તિઓ બેસાડવાની વિચિત્ર પ્રથા ચાલી છે. તો વિશાળ ગુરુ સ્મૃતિમંદિરોની પણ દેખાદેખી ચાલે છે. આ વાતના મૂળમાં ખરતરગચ્છના દાદા છે. ખરતરગચ્છવાળાઓ એ પોતાના પ્રચાર માટે વર્ષો પહેલા દાદાના પગલા બેસાડ્યા. હવે જયાં જ્યાં પગલા હતા ત્યાં ત્યાં ગુરમૂર્તિઓ બેસાડે છે, દાદાવાડીઓ બનાવે છે. આમની દેખાદેખીમાં આ.રાજેન્દ્રસૂરિ મ. (તીનથુઈ) વાળા આવ્યા. તેઓ પણ આજ રીતે કરતા હોય છે. વર્ષો પછી જિનમંદિરોની જગ્યાએ આવા ગુરુમંદિરો જોવા ન મળે તો સારું. આ બંને પક્ષે ભગવાનને અભડાઈએ ચડાવ્યા છે. ભગવાનનો મહિમા ઘટાડી ગુરુનો મહિમા વધાર્યો છે. સ્તવન-સ્તુતિઓ છોડાવી લોકોને એક્તીસા-ચાલીસા પાછળ પાગલ બનાવ્યા છે. વર્ષો પછી જેમ અત્યારે જમીનમાંથી પરમાત્માની પ્રતિમાજી નીકળે છે તેમ ગુરુમૂર્તિઓ નીકળશે. ભગવાનની સંખ્યા તો નિયત છે. ગુરુની કેટલી ગુરુમૂર્તિ બનાવશો? લાખો ગુરુ થશે. 2-3 પેઢી પછી મંદિરમાં બેસેલા બાપુ કોણ છે તે પણ ખબર નહિ હોય. વળી કોઈક ગુરુને ઓળખાવવા માટે તેમના ચમત્કારોથી લોકોને આકર્ષિત કરે છે. આવી જ કંઈક પ્રથા વર્તમાન તપાગચ્છ માં પણ પાછલા બારણેથી ઘુસી રહી છે. પોતાના વર્ચસ્વના સ્થાને પોતાના ગુરુઓને બેસાડવાના. જરૂરત હોય કે ન હોય, પછી તે-તે સ્થાનો પર કબજો કરવાનો, હવે અધૂરામાં પૂરો તેમ. સાધ્વીજી ભગવંતોનીય ગુરુમૂર્તિ પણ ચાલુ થઈ ગઈ છે. એક બેસાડે પછી તો બસ...ગાડરીયો પ્રવાહ...હમણાં તો જીવતા ગુરુઓની પણ મૂર્તિઓ ચાલુ થઈ ગઈ છે. આ પ્રથા ક્યાં જઈ અટકશે તે વિચાર કરવા જેવો છે. આપણે ત્યાં પૂર્વધરથી લઈ યુગપ્રધાનો થયા. કોઈની પણ પ્રાચીન ગુરુમૂર્તિ જોવા મળે છે? કદાચ હોય તો પણ એકાદ ગોખલામાં હોય...જગ્યા જગ્યાએ ન હોય...હજારો પ્રાચીન મંદિરોમાં ક્યાંય આવા ગુરુમંદિરો જોવા મળે છે? સમ્મતિ રાજા એ કરોડો બિંબો ભરાવ્યા પણ કોઈ ગુરુમૂર્તિ ભરાવી હોય એવો ઉલ્લેખ ખરો? એકાદ મળતી પ્રાચીન મૂર્તિનો ઉદાહરણ લઈ જગ્યા-જગ્યાએ ગુરુમૂર્તિ બેસાડવી તે નર્યો હઠાગ્રહ છે. આ અંગે વિચારણા આવશ્યક છે..અંતિમ સંસ્કાર સ્થળે પગલા ચાલે....આવો જ અભિપ્રાય અમારા ગુરુમહારાજનો હતો.